કોરોના વાઇરસ : 'નમસ્તે ટ્રમ્પથી ગુજરાતમાં કમ્યુનિટી ટ્રાન્સમિશનની શરૂઆત થઈ' - અમિત ચાવડા

એક તરફ ગુજરાતમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસોમાં નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખનો 24 ફેબ્રુઆરીએ યોજાયેલો નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ વિવાદમાં આવ્યો છે.

રાજ્યમાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યા છ હજારને પાર પહોંચી ચૂકી છે અને 350થી વધારે મૃત્યુ નોંધાયા છે.

કૉંગ્રેસે ગુજરાતમાં કોરોના સંક્રમણની વણસી રહેલી પરિસ્થિતિ માટે ફેબ્રુઆરીમાં થયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને જવાબદાર ઠેરવ્યો છે.

કૉંગ્રેસનો આરોપ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા એ પહેલાં આરોગ્ય સંબંધિત કટોકટી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા જાહેર કરવામાં આવી હતી પરંતુ ગુજરાત સરકારે બેદરકારી દાખવી છે.

ભાજપશાસિત ગુજરાત સરકારે આ આરોપોને નકારી કાઢ્યા છે અને કૉંગ્રેસ પર અનેક આક્ષેપો કર્યા છે.

શું કહ્યું કૉંગ્રેસે?

ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, આ પરિસ્થિતિ માટે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ જવાબદાર છે કારણકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા 30 જાન્યુઆરીએ હેલ્થ ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી.

એમણે કહ્યું કે, અમેરિકામાં પણ હેલ્થ કટોકટી જાહેર કરવામાં આવી હતી પરંતુ અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે હજારો લોકો ભેગા કરવામાં આવ્યા હતા અને સ્ક્રિનિંગ કે સાવચેતીના કોઈ પગલાં લેવામાં નહોતા આવ્યા.

અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતમાં કોરોના સંક્રમણ બહુ ઝડપથી વધ્યું છે. આ પરિસ્થિતિ માટે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ જવાબદાર છે કારણકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા 30 જાન્યુઆરીએ હેલ્થ ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી. અમેરિકામાં પણ હેલ્થ કટોકટી જાહેર કરવામાં આવી હતી.

તેમણે કોરોના સંક્રમણમાં અમદાવાદની પરિસ્થિતિ ખરાબ હોવાની વાત કરીને કહ્યું કે, 7 ફેબ્રુઆરીના દિવસે દેશના સ્વાસ્થ્ય મંત્રીએ સંસદમાં દેશમાં શું પરિસ્થિતિ ઊભી થઈ શકે તેની વાત કરી. તેમ છતાં આ કાર્યક્રમ થયો. 24 ફેબ્રુઆરીએ ટ્રમ્પ અમદાવાદ આવવાના હતા અને આવ્યા. તેમની સાથે મોટી સંખ્યામાં સુરક્ષા સ્ટાફ અને પ્રતિનિધિઓ પણ આવ્યા હતા. હજારો લોકો વિદેશથી અહીં આવ્યા હતા અને એમનું કોઈ ચેક-અપ અથવા સ્ક્રિનિંગ પણ નહોતું થયું.

અમિત ચાવડા કહે છે કે, સ્ટેડિયમમાં લાખો લોકોને લાવવામાં આવ્યા અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ગાઇડલાઇન્સ અને અન્ય નિર્દેશોનું પણ પાલન ન થયું.

અમિત ચાવડાએ કહ્યું કે અહીંથી ગુજરાતમાં કમ્યુનિટી ટ્રાન્સમિશનની શરૂઆત થઈ હતી.

એ વખતે કોરોના ગુજરાતમાં ન હતો - પ્રદીપસિંહ જાડેજા

ત્યારે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ અમુત ચાવડા નિવેદનનો જવાબ આપતા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, આ તેમની સદંતર અજ્ઞાનતા દર્શાવે છે.

જાડેજાનું કહેવું છે કે, એ દિવસોમાં કોરોના જેવી બીમારી ગુજરાતમાં નહોતી. આ કાર્યક્રમની સફળતાથી તેમના પેટમાં તેલ રેડાયું છે જે શબ્દોના સ્વરૂપમાં નીકળે છે.

ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે હતું આના કારણે ગુજરાતમાં કમ્યુનિટી ટ્રાંસમિશન થયું. આના માટે કાર્યક્રમને લગતી અભિવાદન સમિતિ, ગુજરાત સરકાર અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનની અપરાધિક બેદરકારી જવાબદાર છે. અમે કોર્ટમાં આ અંગેની અરજી દાખલ કરવા જઈ રહ્યા છીએ.

ચાવડાએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ અંગે તપાસ કરવાની માગ કરી છે.

પ્રદીપ સિંહ જાડેજાએ કહ્યું કે, કોરોનાની મહામારી આખા વિશ્વમાં પ્રસરી છે અને કોરોનાને નાથવા માટે વિશ્વની મહાસત્તાઓ કામે લાગી છે. ગુજરાતમાં ભાજપની સરકારને દોષી ઠેરવીને કૉંગ્રેસ મગરના આંસુ સારી રહી છે.

જાડેજાએ આગળ કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાનો વ્યાપ ન વધે તેની અગમચેતી દાખવી છે. આરોગ્ય તંત્રને અગાઉથી 21 હજાર જેટલા બેડ તૈયાર કરાવ્યા અને રાજ્યમાં કોવિડ હૉસ્પિટલો શરૂ કરાવી છે.

કૉંગ્રેસ સતત આક્ષેપ કરી રહી છે કે ગુજરાતમાં કોરોનાના ટેસ્ટિંગની સંખ્યા ઘટાડવામાં આવી રહી છે અને રાજસ્થાનમાં ગુજરાત કરતા બેવડા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. એ અંગે પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે રાજ્યમાં સરકારે પ્રતિ દસ લાખ સૌથી વધારે ટેસ્ટની વ્યવસ્થા કરી છે.

'નમસ્તે ટ્રમ્પ માટે હજારો બસો પણ મજૂરો માટે પૈસા નથી'

આ પહેલા સોશિયલ મીડિયા પર પણ લોકોએ કોરોના અને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈને ચર્ચા કરી છે.

સોશિયલ મીડિયા પર વંશ નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું કે, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે ગુજરાત સરકારે હજારો એસટી બસો મૂકી હતી પરંતુ પ્રવાસી મજૂરો માટે ટિકિટનો ખર્ચો ભોગવવા માટે મોદી સરકાર પાસે પૈસા નથી.

ત્યારે એક અન્ય યૂઝર રવિંદર કપૂરે લખ્યું કે, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સ્ટેડિયમમાં સવા લાખ લોકો હાજર હતા, મોદી અને ટ્રમ્પ કોરોના સંક્રમણ ફેલાવવા માટે જવાબદાર છે.

ત્યારે અમુક લોકો ગુજરાત સરકારના બચાવમાં પણ ઉતર્યા.

નારાયણ નામના એક યૂઝરે લખ્યું કે, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં અમદાવાદમાં 24 ફેબ્રુઆરીએ એક લાખ કરતા વધારે લોકો એકઠા થયા હતા અને 20 માર્ચે રાજકોટ અને સુરતમાં પ્રથમ કેસ નોંધાયા હતા.

ઉલ્લેખનીય છે કે ચીનમાં ડિસેમ્બરના અંતમાં કોરોના સંક્રમણના કેસ સામે આવવા લાગ્યા હતા.

ભારતમાં 30 જાન્યુઆરીએ પ્રથમ કેસ કેરળમાં નોંધાયો હતો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જાન્યુઆરીના અંતમાં કોરોના સંક્રમણને આરોગ્ય કટોકટી જાહેર કરી દીધી હતી.

'કૉંગ્રેસ પરપ્રાંતીયોને ભડકાવે છે' - પ્રદીપસિંહ જાડેજા

ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા કેસને કારણે જ નહીં પરંતુ પરપ્રાંતીય મજૂરોને વતન પાછા મોકલવા અંગેની કામગીરીમાં અવ્યવસ્થાને લઈને પણ ટીકા થઈ રહી છે.

જોકે, ગુજરાત સરકારે કૉંગ્રેસ પર પરપ્રાંતીય શ્રમિકોને ઉશ્કેરવાનો આરોપ મૂક્યો છે.

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દાવો કર્યો કે, ગુજરાતમાં કોઈ ગરીબ, મધ્યમ વર્ગની વ્યક્તિ ભૂખી ન રહે તે માટે સરકારે પૂરતી વ્યવસ્થા કરી છે.

તેમણે કહ્યું કે ગુજરાતમાં દેશમાં સૌથી વધારે ટ્રેનો રવાના કરી છે. પરપ્રાંતીય શ્રમિકોને વતન મોકવા માટે 49 ટ્રેનો રવાના કરી છે અને 30 જેટલી ટ્રેનો બુધવારે રવાના કરવામાં આવી રહી છે. લોકો રસ્તાના માધ્યમે તેમના રાજ્ય સુધી પહોંચે તેની વ્યવસ્થા કરી છે. જે ટ્રેનોમાં ત્રણ હજાર લોકો સમાઈ શકે તેમાં માત્ર 1200 લોકોને મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ ત્રણ લાખ લોકોને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રદીપસિંહ જાડેજાએ દિલ્હીના તબલીગી જમાતના મરકઝમાંથી નીકળેલા લોકો દ્વારા કોરોના સંક્રમણ ફેલાવવાનો આક્ષેપ મૂકતા કૉંગ્રેસ પર નિશાન સાધ્યું અને કહ્યું કે તુષ્ટિકરણ કરતી કૉંગ્રેસ પાસે આવા લોકોની ટીકા કરવા માટે એક પણ શબ્દ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો