કોરોના વાઇરસ : મહામારીમાં માફિયા 'ધ ગોડફાધર' બનીને મદદ કેમ કરી રહ્યા છે?

    • લેેખક, સોફિયા બેટ્ટિઝા
    • પદ, બીબીસી ન્યૂઝ

કોરોના વાઇરસને કારણે દુનિયાભરમા લાખો લોકો મૃત્યુ પામ્યા છે ત્યારે ઇટાલીના માફિયા આ મહામારીમાંથી કરોડોની કમાણી કરવાની ફિરાકમાં છે.

ઇટાલીના અધિકારી સતત ચેતવણી આપી રહ્યા છે કે આ મહામારીમાં એવા સંખ્યાબંધ લોકો છે, જેમની પાસે ઇટાલીની માફિયાઓ દ્વારા આપવામાં આવતી મદદને સ્વીકાર્યા સિવાય છૂટકો નથી.

(ઓળખ છુપાવવા માટે લોકોનાં નામ બદલવામાં આવ્યાં છે)

ઇટાલીની કુખ્યાત કોસા નોસ્ત્રા સંગઠિત ગુનાખોર ટોળકીના એક ડોનનો ભાઈ તાજેતરમાં જ સિસલી દ્વીપના પાલેરમોમાં ગરીબોને માલસામાનનું વિતરણ કરતો જોવા મળ્યો હતો.

એ માફિયા ડોનના ભાઈનો મેં સોશિયલ મીડિયા પેજ મારફત સંપર્ક કર્યો ત્યારે તેણે મને કહ્યું હતું કે "લોકો મને ફોન કરીને તેમની તકલીફોની વાત કહે છે, તેથી હું તેમને મદદ કરી રહ્યો છું."

"લોકો મને કહે છે કે તેમની પાસે તેમનાં બાળકોને જમાડવા માટે કંઈ નથી. એક સ્ત્રી મને રોજ ફોન કરે છે. તે પાંચ બાળકોની માતા છે અને તેની પાસે તેનાં બાળકોનું પેટ ભરવાનો કોઈ વિકલ્પ નથી."

ગરીબોની મદદ કરી રહેલા ડોનના આ ભાઈએ જણાવ્યું હતું કે માફિયા હોવાનો અર્થ લોકોની મદદ કરવાનો હોય તો "અમને માફિયા ડોન હોવાનો ગર્વ છે."

એક મજેદાર મસીહા

સિસલીના એક ભૂતપૂર્વ માફિયા ડોન ગેસ્પેયર મુતોલોએ અમને કહ્યું હતું કે "અમે પણ આવી જ રીતે લોકોની મદદ કરતા હતા."

ગેસ્પેયર મુતોલો હવે સિસલીની માફિયા ટોળકી વિરુદ્ધના સંખ્યાબંધ કેસોમાં તાજના સાક્ષી બનીને માફી મેળવી ચૂક્યો છે.

પોતાના સમયની વાત કરતાં ગેસ્પેયરે કહ્યું હતું કે "હું હંમેશાં લોકોને આકર્ષવાના પ્રયાસ કરતો હતો. હું ખુદને એક દિલદાર વ્યક્તિ તરીકે રજૂ કરતો હતો. લોકોના દિલમાં સ્થાન બનાવવા માટે માફિયા ટોળકીઓ આ પ્રકારના તિકડમ કરતી હોય છે."

"મેં મારી વાસ્તવિકતા લોકોને ક્યારેય જણાવી ન હતી, પણ યાદ રાખજો કે હું એક ગુનેગાર હતો, જેણે 20થી વધુ લોકોની હત્યા કરી હતી."

ગેસ્પેયર મુતોલોએ બીબીસીને તેના એક ગુપ્ત સ્થળની વાત પણ કરી હતી. એ ગુપ્ત ઠેકાણે પોલીસની દેખરેખમાં રહે છે અને ચિત્રો બનાવીને પોતાના દિવસો પસાર કરે છે.

તેમનાં પેઇન્ટિંગ્સમાં માફિયાઓને સામાન્ય લોકો પર સકંજો કસતા દર્શાવવામાં આવે છે.

ગેસ્પેયર મુતોલોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે જે જરૂરિયાતમંદ પરિવારોની મદદ કરી હતી એ પરિવારોને તે જાણવામાં જરાય રસ ન હતો કે ગેસ્પેયર કોણ છે.

ગેસ્પેયરે કહ્યું હતું કે "તમારાં બાળકો ભૂખને લીધે ટળવળી રહ્યાં છે, કારણ કે તમારા ઘરમાં ખાવા માટે કશું નથી, કે પછી તમારો બિઝનેસ દેવાળું ફૂંકવાની તૈયારીમાં છે."

"એ સમયે તમને કોઈની મદદની જ આશા હોય છે. એ સમયે તમે એવી તપાસ નથી કરતા કે તમને મદદ કરનારી વ્યક્તિ સારી છે કે ખરાબ. એ વખતે તમને તમારી જાત બચાવવાની જ ફિકર હોય છે. બસ."

પુરાણી યુક્તિઓ

જરૂરિયાતમંદ લોકોને ભોજનનું વિતરણ કરવાની યુક્તિ માફિયા ટોળકીઓના ઇતિહાસ જેટલી જ જૂની છે.

માફિયા ટોળકીઓની તપાસ કરી ચૂકેલાં અને કાતાનજારો શહેરના સરકારી વકીલની ઑફિસનાં વડાં નિકોલા ગ્રાતેરીએ કહ્યું હતું કે "આ સંગઠિત ગુનાખોર ટોળકીઓ ગરીબોની મદદ કરવાને બહાને વાસ્તવમાં પોતાના વિશ્વસનિયતા પુનર્સ્થાપિત કરવાના પ્રયાસ કરતી હોય છે."

"તેઓ એવું દર્શાવવા ઇચ્છતા હોય છે કે સરકાર ગરીબોની મદદ કરવામાં નિષ્ફળ રહી હતી ત્યારે અમે ઉપયોગી સાબિત થયા હતા."

નિકોલાના જણાવ્યા મુજબ, સ્થાનિક સ્તર પરનું સમર્થન કોઈ પણ માફિયા ટોળકીની સૌથી મોટી તાકાત હોય છે, જેથી તેઓ પોતાનો ધંધો આસાનીથી ચલાવી શકે.

નિકોલા ગ્રાતેરીએ કહ્યું હતું કે "કોરોના વાઇરસના આ સંકટ દરમિયાન માફિયા ટોળકીઓ લોકો વચ્ચે પોતાની વગ વધારવાના પ્રયાસો વધારશે."

જોકે, કોઈ પણ માફિયા ટોળકી પાસેથી નાનામાં નાની મદદ લેવાનું અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે.

એક માફિયાવિરોધી સંગઠન માટે કામ કરતા એનઝા રેન્ડો લોકોને આ બાબતે સાવધ રહેવાની સલાહ આપે છે.

એનઝા રેન્ડોએ કહ્યું હતું કે "કોઈ હેતુ વિના લોકોની મદદ કરે એટલા દિલદાર માફિયા ડોન હોતા નથી. તેઓ કંઈ લાભ ન થવાનો હોય તો એકેય પૈસો ખર્ચતા નથી."

"તેમનો એક જ સિદ્ધાંત હોય છેઃ આ હાથે આપે, બીજા હાથે લઈ લે. તેનો અર્થ એ થયો કે આજે તકલીફમાં એ તમારી મદદ કરતા હોય તો કાલે તમારે તેમના હિતનું ધ્યાન રાખવું પડશે."

બરબાદીના આરે ભેલા લોકો

માર્સેલો (નામ બદલ્યું છે) પાલેરમો શહેરમાં આવેલા એક રેસ્ટોરાંના માલિક છે. તેમની રેસ્ટોરા માર્ચ મહિનાથી બંધ છે.

માર્સેલોએ કહ્યું હતું કે "કોઈ માફિયા ડોન મારી પાસે આવશે અને મારી રેસ્ટોરાં ખરીદી લેશે એ પળની હું રોજ રાહ જોઉં છું, કારણ કે હું મારી રેસ્ટોરાં ફરી શરૂ કરી શકીશ નહીં તેની મને પાકી ખાતરી છે."

માર્સેલોના જણાવ્યા અનુસાર, તેમના શહેરમાં આ સીધો અને સ્પષ્ટ સોદો છે. તમારા ઘરના દરવાજે આવીને કોઈ ટકોરા મારે છે અને તમારી પ્રોપર્ટી ખરીદવાની દરખાસ્ત મૂકે છે.

એ જ વખતે તમે તમારી પ્રોપર્ટીનો ભાવતાલ કરો છો. પછી અન્ય કોઈ વ્યક્તિ આ સોદાનાં નાણાંનો એક હિસ્સો તમારા ખાતામાં ટ્રાન્સફર કરે છે. બાકીના નાણાં તમને રોકડા આપવામાં આવે છે અને તે આ સોદાની સૌથી વધુ લલચામણી બાબત હોય છે.

માર્સેલોએ કહ્યું હતું કે "મારી પાસે આવી કોઈ દરખાસ્ત આવશે તો તેને નકારવી મારી માટે મુશ્કેલ હશે. મારો બિઝનેસ અત્યારે ડૂબી રહ્યો છે અને ડૂબી રહેલી વ્યક્તિને તણખલાનો સહારો મળે ત્યારે તમારે એ નક્કી કરવાનું હોય છે કે આદર્શ સાથે ડૂબી જવું કે એ તણખલું પકડી જાતને બચાવી લેવી."

આ માફિયા ટોળકીઓ તેમની મદદના બદલામાં શરૂઆતમાં કશુ માગતી નથી, પણ એ એવી મદદ હોય છે કે જેનું વળતર ક્યારેક તો તમારે ચૂકવવું જ પડે છે.

ભૂતપૂર્વ માફિયા ડોન ગેસ્પેયર મુતોલોના જણાવ્યા અનુસાર, માફિયા ટોળકીના સભ્યો એ મદદની વસુલાત માટે જરૂર આવે છે.

પોતાના સમયની વાત કરતાં ગેસ્પેયર મુતોલોએ કહ્યું હતું કે "સ્થાનિક ચૂંટણી થવાની હોય ત્યારે અમે જેમને ભૂતકાળમાં મદદ કરી હોય તેમની પાસે જતા હતા અને પૂછતા હતા કે મને ઓળખ્યો? તમને બહુ જરૂર હતી ત્યારે મેં તમને મદદ કરી હતી."

"હવે મને તમારી મદદની જરૂર છે. હું માત્ર એટલું જ ઇચ્છું છું કે તમે ફલાણા ઉમેદવારને મત આપો."

સિસલીમાં આ પ્રવૃત્તિને 'મતની ખરીદી' કહેવામાં આવે છે.

કરજ આપતા માફિયા

ઇટાલીની માફિયા ટોળકીઓ કોઈને કોઈ વૈશ્વિક સંકટની રાહ જોતી હોય છે, જેથી તેઓ તેનો લાભ લઈ શકે.

કોરોના વાઇરસની મહામારી તેમના માટે આવી તક લઈને આવી છે. આ તકને તેઓ કોઈપણ ભોગે ગુમાવવા ઇચ્છતા નથી.

ગેસ્પેયર મુતોલોએ કહ્યું હતું કે "માફિયા સરદારો પાસે પૈસાની કમી ક્યારેય હોતી નથી. જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાની હોય ત્યારે લોકોનો ખ્યાલ રાખવામાં સરકારની સરખામણીએ માફિયા સરદારો હંમેશાં વધારે સ્ફૂર્તિ દેખાડતા હોય છે."

એન્તોનિયો અને તેમનાં પત્ની ફ્રાંસેસ્કા(નામ બદલ્યું છે)ની સાથે પણ આવું જ થયું હતું. આ પતિ-પત્ની દક્ષિણ ઇટાલીના એપુલિયા ગામમાં સાથે મળીને મટનની દુકાન ચલાવે છે.

થોડા દિવસ પહેલાંની વાત છે. તેમની પાસેથી નિયમિત રીતે માંસ ખરીદતા એક ગ્રાહકે દંપતીને મદદ કરવાને બહાને રોકડા નાણાં આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

લૉકડાઉનને કારણે એન્તોનિયો તથા તેમનાં પત્નીનો બિઝનેસ બરાબર ચાલતો નથી તેની એ માણસને કોણ જાણે ક્યાંથી ખબર પડી હશે!

એન્તોનિયોએ અમને કહ્યું હતું કે "અમે એકમેકની આંખમાં જોઈને સમજી ગયાં હતાં કે એ માણસ કોઈ માફિયા ટોળકી સાથે જોડાયેલો છે. અમે નર્વસ થઈ ગયાં હતાં."

"મદદના તેના પ્રસ્તાવનો સ્વીકાર કરવાનું કેટલું ખતરનાક સાબિત થઈ શકે એ અમે સારી રીતે જાણતા હતા."

એન્તોનિયો અને ફ્રાંસેસ્કાએ મદદની એ દરખાસ્તનો અસ્વીકાર કર્યો હતો.

વ્યાજે નાણા ધીરવા એ ઇટાલીની માફિયા ટોળકીઓનો મુખ્ય ધંધો છે. તેઓ ઓછા વ્યાજે લોકોને નાણાં ધીરે છે, પણ નિકોલા ગ્રાતેરીએ કહ્યું હતું તેમ એ 'મદદગાર મસીહા' તેમનો અસલી રંગ દેખાડવાનું ટૂંક સમયમાં જ શરૂ કરી દે છે.

નિકોલા ગ્રાતેરીએ કહ્યું હતું કે "કરજ લેનારની મુશ્કેલી ધીમે-ધીમે વધવા લાગે છે. માફિયા ટોળકીઓનો હેતુ આવા કરજમાંથી નાણાં કમાવાનો હોતો નથી."

"માફિયાઓ કરજના નામે લોકોનાં ધંધા પર કબજો જમાવી લે છે અને તેની મદદ વડે પોતાની કાળી કમાણીને કાયદેસરની બનાવવાનું કામ કરે છે."

પાછા ફરવાનો કોઈ રસ્તો નથી હોતો

ઇટાલીમાં લૉકડાઉન શરૂ થયું છે ત્યારથી આવા માફિયાઓથી પીડિત લોકો માટેની હેલ્પલાઇન પર મદદ માગનારાઓની સંખ્યા બમણાથી પણ વધારે થઈ ગઈ છે.

ખાસ કરીને નાના-મોટા ધંધા કરીને ગુજરાન ચલાવતા લોકો મોટા પ્રમાણમાં આવી મદદ માગી રહ્યા છે.

હેલ્પલાઇન માટે કામ કરતા એતીલિયો સાઈમિયોને કહ્યું હતું કે "ઇટાલીની સરકાર લોકોને મદદ કરવામાં અક્ષમ સાબિત થશે તો લોકો માફિયાના સકંજામાં ફસાવા મજબૂર થશે."

આજે દુનિયા સામે ગત શતાબ્દીની મહામંદી જેવું ભયંકર આર્થિક સંકટ મોં ફાડીને ઊભું છે.

કોરોના વાઇરસની મહામારી અને લૉકડાઉનને કારણે ઇટાલીની જીડીપીમાં 9.1 ટકાનો ઘટાડો થવાનું અનુમાન છે ત્યારે ઇટાલીમાં અનેક નાગરિકોની હાલત અત્યંત કફોડી થઈ જશે.

એનઝા રેંડોએ કહ્યું હતું કે "ઇટાલીની માફિયા ટોળકીઓ માટે આ સમય સામાન્ય લોકો પર પોતાનો સકંજો કસવાની સોનેરી તક હશે. અત્યારનો સમય અત્યંત મહતત્વનો છે."

માફિયા ટોળકીઓ વિરુદ્ધ કામ કરતા એનઝા જેવા અન્ય અનુભવી લોકો, સામાન્ય જનતા અને વેપારીઓની મદદ માટે નાણાં ઉપલબ્ધ કરાવવા ઇટાલીની સરકારને અપીલ કરી રહ્યા છે.

સરકાર એવું નહીં કરે તો માફિયા ટોળકીઓ તેમને રોકડ નાણાં વડે મદદ કરીને પોતાના અંકુશમાં કરી લેશે.

મામૂલી મદદ અને એ પણ મોડે-મોડે

ઇટાલીની સરકારે જણાવ્યું હતું કે તે જરૂરિયાતમંદ વેપારીઓને 25,000 યુરો સુધીની મદદ કરશે. જોકે, માર્સેલો સરકાર પાસેથી મદદ લેવા ઇચ્છતા નથી.

માર્સેલોએ કહ્યું હતું કે "એ કરજ ચૂકવવાનું લગભગ અશક્ય હશે. જો દુકાનો ખોલવાની છૂટ મળશે તો તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. તેનો અર્થ એ થયો કે તમારા ગ્રાહકોની સંખ્યા ઘટવાની સાથે તમારી આવકમાં પણ ઘટાડો થશે."

માર્સેલોના જણાવ્યા મુજબ, તેમના જેવાં બધાં રેસ્ટોરાં માલિકોને લાગે છે કે પોતાનો ધંધો માફિયા ટોળકીઓને રોકડેથી વેચી મારવાનો નિર્ણય વધારે સમજદારીભર્યો હશે. તેમાં કોઈ સવાલજવાબ નહીં થાય.

માર્સેલોએ કહ્યું હતું કે "હું ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હોઉં એવું મને લાગે છે. મેં હંમેશાં માફિયા ટોળકીઓની ટીકા કરી છે અને આજે હું મારી પ્રત્યેક માન્યતાને જાતે તોડવાનો છું. મારા દરેક સિદ્ધાંત સાથે સમાધાન કરવાનો છું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો