કોરોના વાઇરસ : મહામારીમાં અમદાવાદની એક સોસાયટીમાં યોજાયેલી હૃદયસ્પર્શી પ્રાર્થનાસભાની કહાણી

    • લેેખક, સંજય શ્રીપાદ ભાવે
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કોરોનાની મહામારીમાં જાણીતા પ્રોફેસર અને પુસ્તકપ્રેમી સંજય શ્રીપાદ ભાવેનાં માતાનું 27 એપ્રિલે અવસાન થયું. ભાવે પરિવારે સ્વાભાવિક રીતે લૌકિક ક્રિયાઓ રાખી ન હતી. તેમણે શુભેચ્છકો અને સંબંધીઓને એક નાનકડી ચિઠ્ઠી લખી સોશિયલ મીડિયા કે મોબાઇલ દ્વારા સંદેશો આપવા કહ્યું હતું. જોકે, એ વચ્ચે પણ એમની નાનકડી સોસાયટીમાં પ્રોફેસર ભાવેનાં માતાની પ્રાર્થનાસભા અનોખી રીતે યોજાઈ.

આગળ વાંચો સમગ્ર કહાણી પ્રોફેસર સંજય શ્રીપાદ ભાવેના શબ્દોમાં.

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની નરવી નાનકડી પારસકુંજ સોસાયટીનાં ત્રીજા વિભાગના ઘણાં ઘરોની અગાશીઓ પર અને ઓટલા પર ગત શનિવારની સાંજે સાડા સાત વાગ્યે એક એક વ્યક્તિ માસ્ક પહેરીને સલામત અંતર રાખીને ઊભી રહી ગઈ.

પછી દરેક વ્યક્તિએ 'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા...' પ્રાર્થનાનું, મોબાઇલમાં વાગતી ઓડિયો ક્લિપ સાથે ગાન કર્યું. કેટલાંક બહેનોએ ઘરનાં ઓટલે દીવા કર્યાં. એક ઘરમાંથી સ્પીકર પણ ચાલુ કરવામાં આવ્યું. પ્રાર્થના બે મિનિટમાં પૂરી થઈ.

ઊંચી અગાશીએ ઊભેલાં મને સહુએ 'જયશ્રી કૃષ્ણ' કર્યાં. મેં સહુને સામે વંદન કરીને મોટા અવાજે કહ્યું : 'આપ સહુએ મારાં મારાં સદગત માતુશ્રી માટે પ્રાર્થના કરી, આપ સહુ આ કપરા કાળમાં મારી સાથે ઊભાં રહ્યાં, તે માટે આખાય ભાવે પરિવાર વતી હું આપ સહુનો ખૂબ આભાર માનું છું.'

બીમારી અને કોરોનાથી મૃત્યુ

ભાવે પરિવારના અમે સહુ અમારી સોસાયટીના રહિશોના વિશેષ આભારી એટલા માટે હતા કે એંશી વર્ષની ઊંમરનાં અમારાં માતુશ્રી સ્વાતીબહેન શ્રીપાદભાઈ ભાવેનાં મૃત્યુનું નિમિત્ત કોરોના બન્યો હતો. તેમને છેલ્લાં 36 કલાકમાં કોરોના પૉઝિટિવ ડિટેક્ટ થયો હતો અને તે પછી સાતેક કલાકમાં એમનું અવસાન થયું હતું.

કોરોનાના દરદી કે તેના પરિવાર માટે કેટલીક જગ્યાએ ભયપ્રેરિત આભડછેટના સમાચાર આ દિવસોમાં આવતા રહ્યા છે. તેની વચ્ચે અમારી સોસાયટીએ અમને સતત સદભાવ અને મદદ પૂરી પાડી છે; અને મહામારી વચ્ચે માણસાઈનું મંગલતમ સ્વરૂપ ત્રીજી મેના શનિવારે સાંજે યોજાયેલી પ્રાર્થના હતી.

અઠવાડિયા અગાઉ માની હાલત ગંભીર થઈ

પ્રાર્થના-અવસરના બરાબર એક અઠવાડિયા અગાઉ, એટલે કે 25 એપ્રિલના શનિવારે રાત્રે અગિયારના સુમારે મારાં મમ્મીને ડૉક્ટરની સલાહ મુજબ હું એક ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયો. આમ તો તેઓ એકાદ વર્ષથી લગભગ પથારીવશ હતાં. પણ આ વખતે તેમને પેશાબ અટકી ગયો અને એ બેભાન થઈ ગયાં.

ખાનગી હૉસ્પિટલની પ્રાથમિક તપાસમાં તેમના એક્સરેમાં ન્યુમોનિયા દેખાયો. ન્યુમોનિયા 'શંકાસ્પદ કોવિડ' વર્ગમાં ગણાય છે, એટલે હૉસ્પિટલે નિયમ જણાવીને દરદીને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સરદાર પટેલ હૉસ્પિટલમાં લઈ જવાનું કહ્યું.

ત્યાં જગ્યા ન હોવાથી તેમને સિવિલ હૉસ્પિટલના પરિસરમાં ગુજરાત સરકારે નવી બનાવેલી કોવિડ હૉસ્પિટલમાં દાખલ કર્યાં. 26 એપ્રિલની રવિવારે પરોઢે ત્રણના સુમારે તેમની પર વેન્ટિલેટર સહિતની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી.

સોમવારે અગિયાર વાગ્યે તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ જાહેર થયો અને સાંજે સાત વાગ્યે તેમના અવસાનના મને ફોન પર જાણ કરવામાં આવી.

ક્વોરૅન્ટીન પરિવારને પડોશીઓનો સહયોગ

દરમિયાન કોવિડ પૉઝિટિવ જાહેર થયેલ દરદીના નિકટના સંપર્કમાં આવેલા ત્રણ વ્યક્તિ તરીકે હું, મારાં પત્ની અને મારી દીકરી હતા એટલે અમે જ્યાં રહીએ છીએ તે પારસકુંજ સોસાયટીનાં અમારાં ઘરને કૉર્પોરેશને ક્વૉરૅન્ટીન કર્યું અને અમને તકેદારી રાખવા અંગેની સૂચનાઓ આપી.

ક્વોરૅન્ટીનનું લાલ રંગનું સ્ટિકર ઘર પર હોવા છતાં અમારી સોસાયટીના સહુ હંમેશા ઘરથી દૂર ઊભા રહીને અમારા માટે લાગણી બતાવતાં રહ્યા છે. અમારા ઘરની સાથે કૉમન વૉલ ધરાવતાં પાડોશી પરિવારે તો 'પહેલાં સગાં પાડોશી' એ કહેવત ડગલે ને પગલે હંમેશા ઘરની બહાર રહીને સાર્થક કરી છે.

સોસાયટીની કમિટીએ કર્યું પ્રાર્થનાસભાનું આયોજન

પ્રાર્થનાનું આયોજન કરવાનું ઓગણત્રીસ ટેનામેન્ટવાળી અમારી સોસાયટીનો વહીવટ સંભાળનાર ઑર્ગનાઇઝિંગ કમિટીએ કર્યું. તેણે સમયસરના વૉટસઍપ મેસેજેસ દ્વારા, કોઈ પણ અહેસાન જતાવ્યા વિના સહજ માણસાઈથી પ્રાર્થના પાર પાડી.

આ જ માણસાઈને કારણે, અમારી સોસાયટી લીલીછમ છે. ઝાંસીની રાણીનાં પૂતળાં પાસેના ખાંચામાં આવેલી અમારી સોસાયટીના કૉમનપ્લૉટમાં પીપળો, વડ, પેલ્ટોફોરમ અને લીમડાનાં મોટાં વૃક્ષો છે. તે સોસાયટીએ સાચવ્યાં છે.

અત્યારે લૉકડાઉનને કારણે થયેલાં પ્રદૂષણમુક્ત વાતાવરણમાં વૃક્ષો અને તેમનાં પરની આખીય જીવસૃષ્ટિ પૂરબહારમાં છે, અને અમારાં સોસાયટીનાં સહુની અમારા પ્રત્યેની સંવેદના પણ ખીલી ઊઠી છે.

કુદરતનો સંગાથે માણસને વધુ નરવા બનાવે છે. હમણાં એ મતલબનાં સમાચાર હતાં કે મહામારીમાંથી ઉદભવેલાં તણાવને દૂર કરવા માટે આઇસલૅન્ડ દેશના લોકો જંગલોમાં જઈને વૃક્ષોને બાથ ભીડી રહ્યા છે કે જેના થકી એમને શાતા મળી રહી છે.

અમારી સોસાયટીના લોકો અમને આફતટાણે ખૂબ શાતા આપી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો