કોરોના લૉકડાઉન : બીમાર પુત્રને મળવા માટે મજૂર પિતાએ 1600 કિલોમિટર સાઇકલ ચલાવી - Top News

બાપન ભટ્ટાચાર્ય પોતાના બીમાર પુત્રને મળવા માટે એક લાંબી મુસાફરી સાઇકલ પર ખેડીને કોલકાતા પહોંચ્યા છે.

ધ ટેલિગ્રાફના એક અહેવાલ મુજબ 30 વર્ષીય બાપન ભટ્ટાચાર્ય ચેન્નાઇમાં કડિયાકામ કરતાં હતા અને ત્યાંથી સાઇકલ પર હલદિયાના ચૉલખોલા પહોંચ્યા છે.

તેમના ચાર વર્ષના પુત્રની પહેલી મેના રોજ કોલકાતાની એનઆરસી મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં મેનિન્ઝાઇટિસીની સર્જરી કરાવવાની હતી.

બાપન પુત્રને મળવા માટે 29 એપ્રિલથી શરૂ કરીને માત્ર 10 દિવસમાં 1600 કિમી સુધી સાઇકલ ચલાવી હતી.

બાપન ભટ્ટાચાર્ય જ્યારે તેમના સાસરી પહોંચ્યા તો તેમને ક્વોરૅન્ટીનમાં રાખવામાં આવ્યા હતા. એ જાણવા માટે કે તેઓ કોરોના વાઇરસથી સંક્રમિત છે કે નહીં.

જોકે પડોશીઓએ તેમની સાથે એક ગુનેગાર જેવું વર્તન કર્યું હોવાના પણ અહેવાલ મળ્યા હતા.

મમતા બેનરજીનો કેન્દ્ર પર ભેદભાવનો આરોપ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે કોરોના વાઇરસની સ્થિતિ અને લૉકડાઉનને લઈને વીડિયો કૉન્ફરન્સથી બેઠક કરી હતી.

એનડીટીવીએ સૂત્રોના હવાલાથી લખ્યું કે આ બેઠકમાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ વડા પ્રધાન મોદી પર કોરોનાને બહાને રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.

મમતા બેનરજીએ કહ્યું કે કેન્દ્ર સરકાર બધું પહેલેથી નક્કી કરી લે છે, અમને તો ક્યારેય પૂછવામાં જ આવતું નથી.

બેઠક દરમિયાન મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર પર ભેદભાવ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

સૂત્રોના હવાલાથી ટાંકવામાં આવ્યું કે વડા પ્રધાન મોદીએ મુખ્ય મંત્રીઓને કહ્યું કે અમારો પ્રયાસ છે કે જે જ્યાં છે ત્યાં જ રહે, પરંતુ માણસનું મન છે અને અમારે કેટલાક નિર્ણયો બદલવા પડ્યા છે.

આજથી ટ્રેન દોડશે

રેલવિભાગની જાહેરાત પ્રમાણે આજથી નવી દિલ્હીથી ટ્રેનો દોડશે.

પ્રથમ તબક્કામાં 15 ટ્રેન દોડાવાશે, જેના માટેનું બુકિંગ સોમવાર (11મી મે)ના સાંજે છ વાગ્યાથી શરૂ થઈ ગયું.

આ સિવાય તમામ 30 ટ્રેન માટેનું ટાઇમટેબલ પણ જાહેર કરી દેવાયું હતું.

રેલવેના જણાવ્યા પ્રમાણે, 15 ટ્રેન રાજધાની જેવી એ.સી. કોચ ટ્રેનો રહેશે.

આ ટ્રેનો દિલ્હીથી અમદાવાદ (ગુજરાત), પટણા (બિહાર), રાંચી (ઝારખંડ), અગરતલા (ત્રિપુરા), હાવડા (પશ્ચિમ બંગાળ) ડિબ્રૂગઢ (આસામ), બિલાસપુર

(છત્તીસગઢ), ભુવનેશ્વર (ઓડિશા), સિકંદરાબાદ (તેલંગણા), બેંગલુરુ (કર્ણાટક), ચેન્નાઇ (તામિલનાડુ), થિરુવનંતપુરમ્ (કેરળ), મડગાંવ (ગોવા), મુંબઈ સેન્ટ્રલ (મહારાષ્ટ્ર) અને જમ્મુતવી (જમ્મુ-કાશ્મીર) વચ્ચે દોડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો