કોરોના વાઇરસ : અખાતી દેશોમાંથી પોણો કરોડ ભારતીયોને પરત લાવી શકશે મોદી સરકાર?

    • લેેખક, ફૈસલ મોહમ્મદ અલી
    • પદ, બીબીસી સંવાદદાતા

અનેક સપ્તાહ પછી આખરે એ પળ આવી પહોંચી હતી.

શનિવારે બપોરે કુવૈતથી હૈદરાબાદ જનારી ફ્લાઈટ એઆઈ-988માં 159 અન્ય પ્રવાસીઓ સાથે બાલાચંદ્રુદૂપણ સ્વદેશ આવી રહ્યા હતા.

કુવૈત ઓઈલ કંપનીમાં કામ કરતા બાલાચંદ્રુદૂની તબિયત છેલ્લા કેટલાક દિવસથી સારી ન હતી. તેઓ તેમના પરિવાર પાસે પહોંચવા ઇચ્છતા હતા.

તેમણે ભારતીય દૂતાવાસમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પણ સ્વદેશમાં પોતાના પરિવાર પાસે પાછા ફરવા ઇચ્છતા લોકોની લાઇન લાંબી છે અને 'પોતાનો વારો આવશે કે નહીં તેની તેમને ખબર ન હતી.'

બાલાચંદ્રૂદૂનો સમાવેશ એ 1373 ભારતીયોમાં થાય છે, જેઓ શનિવારે દુબઈ, મસ્કત, કુવૈત, શારજાહ, કુઆલાલમ્પુર (મલેશિયા) અને ઢાકા(બાંગ્લાદેશ)થી ચેન્નાઈ, કોચી, તિરુચિરાપલ્લી, હૈદરાબાદ, દિલ્હી અને લખનૌ પહોંચ્યા હતા.

'મિશન વંદે ભારત'

પરદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પાછા લાવવાનું 'મિશન વંદે ભારત' 7 મેથી શરૂ કરવામાં આવ્યું હતું.

પહેલા દિવસે અબુધાબી અને દુબઈથી 354 પ્રવાસીઓને કેરળના કોચી તથા કોઝિકોડ લઈ જવામાં આવ્યા હતા. એ પછી અખાત વિસ્તારના અને વિશ્વના અન્ય દેશોમાંથી પણ ભારતીયોને પાછા લાવવાનો સિલસિલો ચાલુ છે.

જોકે, આસિફ ખાને થોડી વધુ રાહ જોવી પડશે. આસિફ ખાન ડરને કારણે તેમનો ફોટોગ્રાફ આપવા રાજી ન હતા, કારણ કે 'કફાલા' સિસ્ટમ હેઠળ તેમનો પાસપોર્ટ તેમના સ્પોન્સર પાસે છે અને નવા પાસપોર્ટ માટે 25 દિવસ પહેલાં અરજી કરવા છતાં દૂતાવાસે તેમને નવો પાસપોર્ટ ઇસ્યુ કર્યો નથી.

કુવૈતમાં આસિફ ખાન જેવા કમસેકમ 40,000 અપ્રવાસી ભારતીય છે, જેઓ પાસપોર્ટ ગુમાવવાના, સ્પોન્સર દ્વારા એ પાછો ન આપવાના અને વિઝા એક્સપાયર થઈ જવા જેવા કારણોસર ત્યાં 'ફસાયેલા' છે.

અખાતી દેશોમાં રહેતા ભારતીયોને પરત લવાશે

અહેવાલો અનુસાર, ફિલિપિન્સ, ઇજીપ્ત, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દેશોના અનેક ગેરકાયદે પ્રવાસીઓ કુવૈતમાં છે. એ લોકો માટે સ્થાનિક સરકારે એમ્નેસ્ટીની, માફી આપવાની જાહેરાત કરી છે.

તે એમ્નેસ્ટી યોજના હેઠળ, જે લોકો અરજી કરવાની સ્થિતિમાં ન હોય તેમની પાસેથી કોઈ પણ પ્રકારનો દંડ વસૂલવામાં આવશે નહીં. એટલું જ નહીં તેમની સ્વદેશ વાપસી સુધી તેમના ખાવા-પીવાની વ્યવસ્થા પણ કુવૈત સરકાર કરશે અને તેમની વાપસીની ટિકિટની વ્યવસ્થા પણ કરશે.

કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને આ સંબંધે ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરને એપ્રિલના પહેલા સપ્તાહમાં એક પત્ર પણ લખ્યો હતો.

આસિફ ખાને કહ્યું હતું કે "મારો એક દીકરો કોરોનાને કારણે ધારાવી(મુંબઈ)માં ફસાઈ ગયો છે. મારો પરિવાર વતનમાં છે. મારાં સગાં મારી પત્નીને મારપીટ કરી રહ્યા છે. તેથી કોઈ પણ રીતે મને સ્વદેશ પહોંચવા માટે મદદ મળવી જરૂરી છે."

અખાતી દેશોમાં કામ કરતા કમસેકમ સાડા ત્રણ લાખ ભારતીયોએ સ્વદેશ પરત ફરવા માટે નોંધણી કરાવી છે. તેમાં સંયુક્ત આરબ અમિરાતમાં રહેતા લગભગ અઢી લાખ અને સાઉદી અરેબિયામાં રહેતા લગભગ 60,000 ભારતીયોનો સમાવેશ થાય છે. બહેરિન, ઓમાન, કતાર અને કુવૈતમાંના દૂતાવાસોની વેબસાઇટો પર પણ ભારતીયોએ પરત આવવા માટેનાં ફોર્મ ભર્યાં છે.

કોને અગ્રતા મળશે?

અખાતી દેશો સહિતના વિશ્વના અલગ-અલગ વિસ્તારોમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પાછા લાવવાની જાહેરાત કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 4 મેએ કરી હતી.

એ પછી ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાએ વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડી હતી. તેમાં જણાવ્યા અનુસાર, સ્વદેશ પાછા ફરવા ઇચ્છતા ભારતીયોએ નજીકના ભારતીય દૂતાવાસમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

એ પછી સરકાર વિમાન, જહાજની વ્યવસ્થા કરશે. પાછા ફરવા ઇચ્છતા લોકોમાં ગર્ભવતી મહિલાઓ, રોગીઓ, વૃદ્ધ નાગરિકો અને તકલીફમાં ફસાયેલા કામદારોને અગ્રતા આપવામાં આવશે.

પ્રેસ અધિકારી નીરજ અગ્રવાલના જણાવ્યા મુજબ, "સંયુક્ત આરબ અમિરાતમાંથી ભારત પાછા ફરવા ઇચ્છતા લગભગ અઢી લાખ લોકો અત્યાર સુધીમાં ફોર્મ ભરી ચૂક્યા છે. તેમની અરજીના આકલન બાદ દૂતાવાસ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તેમણે ક્યા આધારે અને ક્યા ક્રમમાં સ્વદેશ જવાનું છે તેની યાદી તૈયાર કરવામાં આવી રહી છે."

આ કામ 30 લોકોની ટીમ સતત કરી રહી છે, એમ જણાવતાં નીરજ અગ્રવાલે કહ્યું હતું કે "ઉપલબ્ધ ડેટાની તપાસ અને લોકો સાથેની વાતચીતમાંથી ફલિત થાય છે કે રજિસ્ટ્રેશન કરાવનારાઓ પૈકીની પ્રત્યેક ચોથો-પાંચમી વ્યક્તિ સ્વદેશ પાછા ફરવા બાબતે ગંભીર છે."

સ્વદેશ વાપસીની વ્યવસ્થા

આ માટે કુવૈતમાં વાણિજ્ય દૂતાવાસે ભારતીયો માટે કામ કરતી સ્વયંસેવી સંસ્થાઓની મદદ પણ લીધી છે.

સાઉદી અરેબિયામાંના ભારતીય દૂતાવાસે સ્વદેશ પરત જવા ઇચ્છતા લોકોનું રજિસ્ટ્રેશન એપ્રિલના અંતથી જ શરૂ કરી દીધું હતું અને એ માટે 60,000 ભારતીયોએ ઑનલાઇન અરજી કરી હતી.

એ પછી દૂતાવાસે અરજદારોને ધીરજ રાખવા સલાહ આપી હતી, કારણ કે આટલા મોટા પ્રમાણમાં લોકો હોય ત્યારે તેની વ્યવસ્થા કરવામાં સમય લાગશે.

સાઉદી અરેબિયાથી લોકોને ભારત લાવવાનું કામ 8 મેથી શરૂ થયું હતું અને પહેલી ફ્લાઇટે રિયાધથી ઉડાન ભરી હતી.

આગામી દિવસોમાં દમ્મામ તથા જેદ્દાહથી પણ ફ્લાઇટ્સ ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. પહેલા અઠવાડિયે ત્યાંથી 1,500 પ્રવાસી ભારતીયો સ્વદેશ પાછા ફરી શકશે.

ધીરજ ખૂટી રહી છે

વિલંબને કારણે ત્યાં ફસાયેલા લોકોને મદદ કરનારા લોકોની અને યજમાન દેશોની ધીરજ ખૂટી રહી છે.

આંધ્ર પ્રદેશના કટપ્પા જિલ્લાના રહેવાસી મોહમ્મદ ઈલિયાસે જણાવ્યું હતું કે લોકો બબ્બે અઠવાડિયાં કરતાં વધુ સમયથી કૅમ્પોમાં રહે છે. કૅમ્પોમાં લોકોની સંખ્યા મોટી છે અને બધા માટે ટૉઇલેટ, બાથરૂમ વગેરેની સુવિધા પૂરતા પ્રમાણમાં નથી.

નોકરીનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હોય, વિઝા એક્સપાયર થઈ ગયા હોય, ફરવા આવ્યા હોય અને લૉકડાઉનને કારણે ફસાઈ ગયા હોય એવા લોકોને રહેવા માટે સ્થાનિક વહીવટીતંત્રે સ્કૂલો, વિલા તથા બીજી જગ્યાઓમાં વ્યવસ્થા કરી છે.

બીબીસીને મોકલવામાં આવેલા એક વીડિયોમાં બીમાર લોકો સાથે કૅમ્પોમાં રાખવામાં આવેલી ત્રણ મહિલાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડીને 'પોતાની બહેનોને સ્વદેશ પરત લાવવાની વિનતી કરતાં' રડી પડી હતી.

લોકો બહુ ગભરાયેલા પણ છે

યુનાઇટેડ તેલુગુ ફ્રન્ટના વેંકટ કોદુરીએ કહ્યું હતું કે "જે ભારતીયો સ્થાનિક વહીવટીતંત્રનો હિસ્સો છે કે સરકારી કંપનીઓમાં કામ કરે છે તેમને તો હાલ કોઈ મુશ્કેલી નથી, પણ નિર્માણ ક્ષેત્ર સાથે જોડાયેલા મજૂરો કે નાના કૉન્ટ્રેક્ટરો સાથેના લાખો લોકોની નોકરી જતી રહી છે. એ કારણસર તેમની પાસે રહેવાની કોઈ જગ્યા રહી નથી. આ વર્ગના લોકો પાસે કોઈ બચત પણ નથી."

મોહમ્મદ ઈલિયાસે કહ્યું હતું કે "અખાતી દેશમાં માનવ સંસાધન ક્ષેત્ર સાથે જોડાયેલા એક મૅનેજરના જણાવ્યા મુજબ, કંપનીઓએ પગારમાં 25થી 45 ટકા સુધી કાપ મૂક્યો છે. એ ઉપરાંત લોકો બહુ જ ડરેલા પણ છે."

અબુધાબીની એક પેટ્રોલિયમ કંપનીમાં મિશન વિઝા (ચોક્કસ સમયમર્યાદા સુધી કંપની સાથે કામ કરવાની વર્ક પરમિટ) પર આવેલા 1,500 મજૂરોમાંથી એકનું મૃત્યુ થતાં અન્ય મજૂરો બહુ રોષે ભરાયાં હતા.

એ મજૂરો પૈકીના એક રામ સિંહે આક્ષેપ કર્યો હતો કે મોદી સરકાર માત્ર મોટા લોકો માટે ફ્લાઇટની વ્યવસ્થા કરી રહી છે.

રામ સિંહે માગણી કરી હતી કે અમારા જેવા લોકોની સ્વદેશ વાપસીની જલદી વ્યવસ્થા નહીં કરવામાં આવે તો અમે ભૂખ હડતાળ શરૂ કરીશું.

વિદેશમાં વસતા ભારતીયો પાસેથી વિમાન ભાડું વસૂલવા બાબતે નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરવામાં આવી હતી. લોકોએ આ સમયની સરખામણી અખાતી યુદ્ધના દિવસો સાથે કરી હતી. એ સમયે ભારત સરકારે એ દેશોમાંના ભારતીયોને સ્વદેશ લાવવા માટે કોઈ પણ પ્રકારનું ભાડું લીધું ન હતું.

હાલ કોલ્લમમાં ક્વોરૅન્ટીનમાં રહેતા વિનીત યોહાનનું દુબઈથી કેરળ પાછા ફરવું કોઈની મદદને કારણે શક્ય બન્યું હતું.

વિનીતે કહ્યું હતું કે "મારી પાસે ટિકીટના 750 દિરહામ ન હતા, કારણ કે હું વિઝિટ વિઝા પર ગયો હતો અને મને નોકરી મળી ન હતી. પછી કોવિડ-19ને કારણે વિમાન સેવા બંધ થઈ ગઈ હતી અને હું ત્યાં ફસાઈ ગયો હતો. ભલું થજો એ મહેરબાન વ્યક્તિનું, જેમણે મારી ટિકિટ સ્પોન્સર કરી હતી."

નીરજ અગ્રવાલે જણાવ્યું હતું કે આ પ્રકારના લોકો માટે ટિકિટ ખરીદવા ભારતીય દૂતાવાસ પણ તેની પાસે જે વેલ્ફેર ફંડ છે તેનો ઉપયોગ કરી રહ્યું છે.

સમાચારોમાં જણાવ્યા મુજબ, વંદે ભારત મિશનના બીજા તબક્કામાં 100થી વધુ ફ્લાઇટ્સની યોજના છે. તેમાં મધ્ય એશિયા, આફ્રિકા અને યુરોપને અનેક દેશોમાંથી ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવાની વ્યવસ્થા થશે.

કેરળના અધિક ગૃહ સચિવ વિશ્વાસ મહેતાએ જણાવ્યું હતું કે વિદેશમાંના ભારતીયોને પરત લાવવામાં એક સૌથી મોટો પડકાર છે.

એ લોકોને કારણે ભારતમાં વાઈરસનો પ્રસાર ઝડપી ન થાય એ માટે સતર્ક રહેવાનો પડકાર છે. તેથી કોરોના-નેગિટિવ હોય તેવા ભારતીય લોકોને જ ફ્લાઇટમાં ચડવા દેવાની છૂટ છે. એ પ્લેન ભારતમાં ઉતરાણ કરશે ત્યારે તમામ પ્રવાસીઓની ફરી તબીબી તપાસ થશે અને તમામ પ્રવાસીઓએ 14 દિવસ ક્વોરૅન્ટીનમાં રહેવું પડશે.

સ્વદેશ પાછા ફરવાની ચ્છા

કેરળ સરકારે વાપસી માટે રજિસ્ટ્રેશનની જે પ્રક્રિયા શરૂ કરી હતી તેમાં કેરળના લગભગ ચાર લાખ લોકોએ સ્વદેશ પાછા આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પણ એ બધાને જલદી સમયમાં પાછા લાવવાનું શક્ય નહીં બને.

સામાન્ય દિવસોમાં કેરળના ચાર મોટાં વિમાનમથકો પર 92 ફ્લાઇટ્સની અવરજવર હોય છે, જે વર્તમાન સંજોગોમાં શક્ય નથી.

અખાતી દેશોમાં કામ કરતા લગભગ 85 લાખ પ્રવાસી ભારતીયો પૈકીના 22 લાખ લોકો કેરળના છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો