You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના અપડેટ : રાહુલ ગાંધીએ પ્રવાસી મજૂરો સાથે રસ્તા પર મુલાકાત કરી
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે દિલ્હીમાં પગપાળા વતન જઈ રહેલા પ્રવાસી મજૂરો સાથે મુલાકાત કરી.
સમાચાર સંસ્થા એએનઆઈના મતે આ મજૂરો સુખદેવવિહાર ફ્લાઇઓવર પરથી પર ચાલીને પોતાનાં ગૃહરાજ્યો તરફ જઈ રહ્યા હતા, એ વખતે કૉંગ્રેસનેતાએ તેમની મુલાકાત કરી.
મજૂરો સાથેની મુલાકાતની તસવીરો કૉંગ્રેસે પોતાના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરી અને લખ્યું કે લોકોનું દુઃખ માત્ર એ જ નેતા સમજી શકે કે જેને તેની ચિંતા હોય.
જોકે, આ ઘટનાને કેન્દ્રીય મંત્રી આર. કે. સિંહે 'ફોટો-ઑપ' (તસવીર ખેંચાવવાની તક) ગણાવી છે.
તેમણે સવાલ કર્યો કે શું રાહુલ ગાંધીને 50 દિવસ બાદ આજે પ્રવાસી મજૂરોની યાદ આવી?
સંરક્ષણ નિર્માણક્ષેત્રે FDI 74 ટકા કરાશે : નિર્મલા સીતારમણ
આત્મનિર્ભર ભારત પૅકેજ અંતર્ગત અપનારા ચોથા હપ્તાની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે કરી.
12 મેના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પૅકેજની જાહેરાત કરી હતી. જે બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત પત્રકારપરિષદ યોજીને આ અંતર્ગત કઈકઈ સહાયમાં કેટલા રૂપિયા આપવામાં આવશે, એ અંગે જાહેરાત કરી રહ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શનિવારે તેમણે સતત ચોથી પત્રકારપરિષદ સંબોધી. આ પહેલાની ત્રણેય પત્રકારપરિષદમાં તેમણે એમએસએમઈ, પ્રવાસી મજૂરો, ખેતિ અને પશુપાલન માટે મહત્ત્વની જાહેરાતો કરી હતી.
નિર્મલા સીતારમણના ભાષણના મુખ્ય મુદ્દા
- 'આત્મનિર્ભર' ભારતનો મતલબ વિશ્વથી અળગું ભારત નહીં, પરંતુ આપબળે વૈશ્વિક પડકારોને પહોંચી વળવા સક્ષમ ભારત
- શનિવારે કોલસો, ખનીજ, અવકાશ, અણુ, સંરક્ષણ ઉત્પાદન, ઍરપૉર્ટ, ઍરસ્પે, MRO, કેન્દ્રશાસિત પ્રદેશોની વીજ વિતરણ વ્યવસ્થામાં સુધાર અંગે જાહેરાત
- ઔદ્યોગિક વસાહતોનું રૅન્કિંગ કરાશે અને ઉદ્યોગો માટે ઉપલબ્ધ જમીનની માહિતી પૉર્ટલ ઉપર ઑનલાઇન ઉપલબ્ધ બનશે
- કોલસાના ખાણકામ પરથી સરકારની મૉનોપૉલીને દૂર કરાશે અને વ્યવસાયિક ઉત્પાદન થઈ શકશે
- સોલર પૅનલ તથા બૅટરીના સૅક્ટરને જરૂરી રાહતો અપાશે
- આગામી દિવસોમાં કોલસાના વધુ 50 બ્લૉકની ઉદાર શરતો ઉપર હરાજી કરાશે; જેમાં અધૂરું ખાણકામ થયું છે તે પણ ખાનગી ક્ષેત્રોને અપાશે
- કોલસાના ક્ષેત્રે માળખાકીય સુવિધાની હેરફેર માટે રૂ. 50 હજાર કરોડનું રોકાણ કરાશે
- ઑર્ડિડન્સ ફેકટરી બોર્ડનું કૉર્પોરેટાઇઝેશન કરાશે, જે ખાનગીકરણ નહીં હોય
- સંરક્ષણસાધનોના નિર્માણ માટે આત્મનિર્ભરતા કેળવાશે ; જે માટે સમયાંતરે હથિયારોની યાદી પ્રકાશિત કરાશે, એ હથિયારોની આયાત નહીં થઈ શકે
- શરતોને આધીન હથિયારોનાં નિર્માણક્ષેત્રે FDIની મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા કરાશે
- નાગરિક ઉડ્ડયનક્ષેત્ર, ઍરસ્પેસ ખોલી કરાશે, વધુ છ ઍરપૉર્ટને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ માટે ખુલ્લાં મુકાશે તથા MRO હબ ઊભાં કરાશે
- કેન્દ્રશાસિત પ્રદેશોની વીજવિતરણ વ્યવસ્થાનું ખાનગીકરણ કરાશે
- ISROની બૌદ્ધિક સંપદા, ડેટા, સંસાધનો તથા સાધનોને સ્ટાર્ટ-અપ અને વ્યક્તિઓ માટે ઉપલબ્ધ કરાવાશે
- પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી રિસર્ચ રિએક્ટરની સ્થાપના કરાશે, જે કૅન્સરની સારવાર માટે મેડિકલ આઇસોટોપ બનાવશે અને તેની નિકાસ કરશે
- પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની મદદથી રેડિયેશન દ્વારા ડુંગળી જેવા કૃષિઉત્પાદનોનો લાંબા સમય માટે સંગ્રહ કરાશે
કોરોના વાઇરસ : તોફાન હજી આવ્યું નથી, હજી હવે આવશે - રાહુલ ગાંધી
કૉંગ્રેસનેતા રાહુલ ગાંધીએ વીડિયો કૉન્ફરન્સ થકી પત્રકારપરિષદને સંબોધતાં કહ્યું કે આજે આપણા દેશના ગરીબ લોકોને પૈસાની જરૂર છે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રાર્થના કરું છું કે તેમણે પૅકેજનું ફરી મૂલ્યાંકન કરવું જોઈએ.
રાહુલે કહ્યું કે વડા પ્રધાને પૈસા સીધા ખેડૂતોના ખાતામાં મોકલવાની જરૂર છે. આ લોકો આપણું ભવિષ્ય છે.
રાહુલ ગાંધીએ એક પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે આ વખતે કોઈની પર દોષનો ટોપલો નાખવાનો નથી. સરકાર, વિપક્ષ અને આપણા સૌની જવાબદારી છે કે સાથે મળીને આ સ્થિતિમાંથી બહાર નીકળીએ.
તેમણે કહ્યું, "હું સરકાર પર પ્રેમથી દબાણ ઊભું કરવા માગું છું, મને વિશ્વાસ છે કે સરકાર મારી વાત માનશે."
"આ મારા વિચારો નથી, અલગ-અલગ વર્ગના લોકોના વિચારો છે. જેને હું આગળ મૂકી રહ્યો છું. મને વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદી એ વાતો સ્વીકારશે."
વિશ્વમાં મોતનો આંકડો ત્રણ લાખને પાર
દુનિયાભરમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોની સંખ્યા 45 લાખને પાર પહોંચી ગઈ છે. જોહ્ન હૉપકિન્સ યુનિવર્સિટી પ્રમાણે અત્યાર સુધીમાં દુનિયાભરમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા 45 લાખ 31 હજાર 811 થઈ ગઈ છે.
આ સાથે જ મૃતકાંક 3,07,001 થઈ ગયો છે. અમેરિકામાં સૌથી વધારે 14,41,172 લોકો સંક્રમિત થયા છે. અહીં મૃતકોની સંખ્યા 87,427 એ પહોંચી ગઈ છે.
આ પછી બીજા ક્રમે રશિયા છે, જ્યાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,62,843 છે. રશિયામાં મૃતકોની સંખ્યા 2,418 છે.
24 પ્રવાસી મજૂરોનાં માર્ગઅકસ્માતમાં મૃત્યુ
ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાં બે ટ્રક વચ્ચેની ટક્કરમાં 24 પ્રવાસી મજૂરોનાં મૃત્યુ થયાં છે. આ પ્રવાસી મજૂરો રાજસ્થાનથી આવી રહ્યા હતા.
મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની નોંધ લીધી છે અને જિલ્લા વહીવટી તંત્ર તથા અધિકારીઓેને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાના આદેશ આપ્યા છે.
મુખ્ય મંત્રીએ કાનપુર ઝોનના પોલીસ અધિકારીને તાત્કાલિક ઘટનાસ્થળએ પહોંચીને દુર્ઘટના પાછળો કારણ જાણીને રિપોર્ટ સુપરત કરવાના આદેશ પણ આપ્યા છે.
ઔરૈયાના જિલ્લા કલેક્ટર અભિષેક સિંહનું કહેવું છે કે મોટાભાગના મજૂરો બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના હતા.
બચાવ કામગીરી ચાલી રહી છે અને ગંભીર રીતે ઘવાયેલા લોકોને નજીકની મેડિકલ કૉલેજમાં દાખલ કરવાાં આવ્યા છે.
'અમેરિકા ભારતને વૅન્ટિલેટર્સ આપશે'
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને વૅન્ટિલેટર આપવાની જાહેરાત કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું છે કે "મને એ કહેતાં આનંદ થાય છે કે અમેરિકા મિત્ર-રાષ્ટ્ર ભારતને વૅન્ટિલેટર્સ ડોનેટ કરશે."
"આ મહામારીના વખતમાં અમે ભારત અને નરેન્દ્ર મોદીની સાથે છીએ. અમે વૅક્સિન બનાવવાની દીશામાં પણ સહયોગ આપીએ છીએ."
"સાથે મળીને અદૃશ્ય દુશ્મનને હરાવીશું."
ન્યૂયોર્કે લંબાવ્યું લૉકડાઉન
ન્યૂયોર્કના શહેરી વિસ્તારો માટે 28 મે સુધી લૉકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે.
જ્યારે ન્યૂયોર્કના અન્ય વિસ્તારોમાં લૉકડાઉનમાં છૂટ આપવામાં આવી છે.
શુક્રવારે ત્યાં લૉકડાઉન પૂર્ણ થનાર હતું, જોકે હવે તેને 28 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે.
ન્યૂયોર્ક અમેરિકાનું કોરોના વાઇરસના સંક્રમણ માટેનું એપી સેન્ટર બની ગયું છે.
અમેરિકામાં અત્યાર સુધીમાં 85 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાંથી 27 હજાર લોકોનાં મૃત્યુ ન્યૂયોર્કમાં થયાં છે.
ચીનની અમેરિકાને એકજૂટ થવાની અપીલ
ચીને અમેરિકાને કોરોના વાઇરસ સામેની લડતને મજબૂત કરવાની વિનંતી કરી છે. આ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે સંપૂર્ણપણે સંબંધ તોડવા વિશે નિવેદન આપ્યું હતું.
ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને દેશોની સરકારોએ વાઇરસ સામે સાથે મળીને લડવું જોઈએ, પરંતુ તેના માટે જરૂરી છે કે "અમેરિકા અમારી સાથે મળીને કામ કરે".
ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે સંબંધ સંપૂર્ણપણે ખતમ કરવાની વાત કહી હતી. તેમણે ચીન પર વાઇરસને ખતમ કરવા માટે પૂરતાં પગલાં ન લેવાનો આરોપ મૂક્યો હતો.
અમેરિકામાં સેનેટે ચીનને શિનજિયાંગ પ્રાંતમાં માનવાધિકાર ઉલ્લંઘન માટે દંડિત કરવાનો ઠરાવ પસાર કર્યો હતો, ત્યાર પછી બંને દેશો વચ્ચે ઘર્ષણ વધવાની શક્યતા વધી ગઈ હતી.
ચીનમાં દસ લાખ જેટલા વીગર મુસ્લિમોને આ પ્રાંતમાં રી-એજ્યુકેશન કૅમ્પમાં મોકલવામાં આવ્યા છે, જેને લઈને ચીન સામે પ્રશ્નો ઊભા થયા છે.
વિશ્વ બૅન્ક કરશે ભારતને મદદ
વિશ્વ બૅન્કે ભારતમાં સામાજિક સુરક્ષાને લગતી ભારત સરકારની યોજનાઓ માટે એક અબજ ડૉલરનું પૅકેજ આપવાની જાહેરાત કરી છે.
વિશ્વ બૅન્કની ભારતીય શાખાના ડાયરેક્ટર જુનૈદ અહમદે કહ્યું કે આરોગ્ય સામાજિક સંરક્ષણ અને એમએસએમઈ ઉદ્યોગ ક્ષેત્રમાં વિશ્વ બૅન્ક ભારત સરકાર સાથે કામ કરશે.
અમેરિકામાં ઐતિહાસિક સંકટ
અમેરિકામાં ભૂતપૂર્વ આરોગ્ય અધિકારી રિક બ્રાઇટે કહ્યું છે કે કોરોના વાઇરસને કારણે આધુનિક ઇતિહાસમાં સૌથી કપરા સમયનો સામનો કરવા જઈ રહ્યું છે.
અમેરિકાની કૉંગ્રેસમાં નિવેદન આપતા તેમણે આ વાત કહી હતી.
તેમણે કહ્યું હતું કે "કોરોના વાઇરસ સામેની લડતમાં જે તક હતી અમેરિકા તેને ગુમાવી રહ્યું છે."
તેમણે કહ્યું, "કોરોના સામે વિજ્ઞાન પર આધારિત આપણો પ્રતિભાવ જો હજી પણ નહીં સુધરે તો મને ડર છે કે મહામારી લંબાશે અને પરિસ્થિતિ વધારે બગડશે."
તેમણે કહ્યું કે "જો યોજનાબદ્ધ રીતે કામ ન થયું તો 2020 આધુનિક ઇતિહાસમાં સૌથી મુશ્કેલી ભરેલો સમય બનશે."
રિક બ્રાઇટ કોરોના વાઇરસ માટે વૅક્સિન તૈયાર કરી રહેલી સરકારી એજન્સીના પ્રમુખ પદે કામ કરી રહ્યા હતા પરંતુ તેમને છેલ્લા મહિને તેમના પદ પરથી હઠાવી દેવામાં આવ્યા હતા.
આ પહેલા તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કોરોના વાઇરસની સારવાર વિશે આપવામાં આવેલા નિવેદનો બાબતે ચિંતા વ્યક્ત કરવાને કારણે તેમને પદ પરથી હઠાવવામાં આવ્યા હતા.
તેમણે અમેરિકામાં હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સની આરોગ્ય સંબંધી એક કમેટીને કહ્યું હું કે કોરોના સંક્રમણના શરૂઆતી તબક્કામાં સરકારની નિષ્ક્રિયતાને કારણે કેટલાક લોકોના જીવ ગયા હતા.
જાન્યુઆરીમાં તેમણે મેડિકલ ઉપકરણોની કમી વિશે પણ વાત કરી હતી. તેમણે આરોગ્યઅને માનવ સેવા વિભાગમાં આ ફરિયાદ ઉચ્ચ સ્તરે કરી હતી પરંતુ તેમને કોઈ પ્રતિભાવ ન મળ્યો હતો.
ટ્રમ્પે કહ્યું ચીન સાથે વાત નથી કરવી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું કે તેઓ ચીનથી બહુ નારાજ છે કારણકે તેણે કોરોના વાઇરસને પોતાના દેશ સુધી સીમિત ન રાખ્યું.
કોરોના વાઇરસને કારણે બંને દેશો વચ્ચે વધેલા ઘર્ષણને કારણે ટ્રેડ ડીલ પણ અદ્ધરમાં લટકી ગઈ છે.
કોરોના વાઇરસના સંક્રમણની શરૂઆત 2019માં ડિસેમ્બર મહિનામાં ચીનના વુહાન શહેરથી થઈ હતી.
અમેરિકા અને ચીન વચ્ચે જાન્યુઆરી મહિનામાં પ્રથમ તબક્કાની ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થયા હતા. ટ્રમ્પે આ ડીલના વખાણ કર્યા હતા. પરંતુ હવે તેમણે ફૉક્સ બિઝનેસ નેટવર્કને આપેલા એક સાક્ષાત્કારમાં કહ્યું કે, "હું ચીનથી બહુ નારાજ છું. અત્યારે જે થયું છે તે ક્યારેય નહોતું થવું જોઈતું. ત્યારે અમે એક સારી સમજૂતી કરી હતી પરંતુ ત્યારની વાત અલગ હતી."
ટ્રમ્પ પહેલા કહેતા હતા કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે તેમના સારા સંબંઘ છે પરંતુ હવે તેઓ નારાજ છે.
ટ્રમ્પે ગુરુવારે કહ્યું, "હું હવે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરવા નથી માગતો. "
ચીન સાથે પ્રથમ તબક્કાની સમજૂતીમાં નક્કી થયું હતું કે ચીન બે વર્ષમાં ઓછામાં ઓછા 200 અબજ ડૉલરનો અમેરિકન સામાન ખરીદશે.
ત્યારે અમેરિકા ટૅરિફ હઠાવવા માટે તૈયાર થઈ ગયું હતું. ચીનના એક સરકારી અખબારે અધિકારીઓના હવાલાથી લખ્યું હતું કે ચીન ટ્રેડ ડીલને લઈને ફરી વાત કરવા માગે છે. ટ્રમ્પનું કહેવું છે કે હવે તેમને આમાં કોઈ રસ નથી રહ્યો. ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે રિપબ્લિકન સાંસદોએ કહ્યું છે કે અમેરિકામાં અભ્યાસ કરતા ચીનના વિદ્યાર્થીઓને વીઝા આપવાનું બંધ કરવા જોઈએ. તો શું આવો કોઈ નિર્ણય કરવામાં આવશે?
તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું, "અમે આવા અનેક પગલા લઈ શકીએ છીએ. અમે ચીન સાથે સંબંધ પૂર્ણ રીતે ખતમ કરી શકીએ છીએ."
તેમણે કહ્યું, ''જો સંબંધ પૂર્ણ સમાપ્ત કરી લઈએ તો શું થશે? 500 અબજ ડૉલરની બચત થશે.''
આ 500 અબજ ડૉલર ચીનથી થતા આયાતની રકમ છે. ટ્રમ્પ અનેક વખત કહી ચૂક્યા છે કે ચીન સાથે વ્યાપાર કરવો એ પૈસા વેડફવા જેવું છે.
તમિલનાડુમાં કોરોના સંક્રમણના કેસો ગુજરાત કરતા પણ વધારે
દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસોની સંખ્યામાં તમિલનાડુ હવે મહારાષ્ટ્ર પછી સૌથી વધારે કેસ ધરાવતું રાજ્ય બની ગયું છે. આ પહેલા ગુજરાત કોરોના સંક્રમણના કુલ કેસની સંખ્યામાં બીજા સ્થાને હતું,
હવે તમિલનાડુમાં કોરોના સંક્રમણના ચેપગ્રસ્તોની સંખ્યા ગુજરાત કરતા વધારે થઈ ચૂકી છે.
ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આંકડા મુજબ ગુજરાતમાં અત્યારે કોરોના સંક્રમણના 9591 ચેપગ્રસ્ત છે ત્યારે તમિલનાડુમાં આ સંખ્યા 9674 પહોંચી ગઈ છે. આમ તમિલનાડુમાં ગુજરાત કરતાં 83 કેસો વધારે છે.
જોકે દેશમાં હજી મહારાષ્ટ્ર પછી સૌથી વધારે મૃતાંક ગુજરાતમાં જ છે. ગુજરાતમાં મૃતાંક 586 છે ત્યારે તમિલનાડુમાં મૃતાંક 66 છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કુલ 27500થી વધારે કેસ છે. રાજ્યમાં મરણાંક પણ એક હજારને પાર થઈ ગયો છે.
તમિલનાડુમાં અત્યાર સુધી 2240 લોકો કોરોના સંક્રમણમાંથી સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે ત્યારે ગુજરાતમાં 3753 લોકો સાજા થઈને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 6059 લોકો કોરોના સંક્રમણમાંથી સાજા થઈને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ભારતમાં કોરોના સંક્રમણના કુલ સંખ્યા 81 હજારને પાર થઈ ગઈ છે જેમાંથી 51401 ઍક્ટિવ કેસ છે અને મૃતાંક 2649 થઈ ગયો છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પ્રમાણે દેશમાં અત્યાર સુધી કુલ 27920 લોકો સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે.
દુનિયામાં 3 લાખ લોકોનાં મૃત્યુ, સંક્રમણ 45 લાખ લોકોને
દુનિયાભરમાં કોરોના વાઇરસને લીધે ત્રણ લાખથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને અંદાજે 45 લાખ લોકો વિશ્વભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.
જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા, કોરોના વાઇરસને લીધે સૌથી વધુ પ્રભાવિત અમેરિકા દેશ છે, જ્યાં મૃતકોની સંખ્યા અંદાજે 86 હજાર થઈ ગઈ છે અને 14 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે.
રશિયા બીજા નંબર છે, જ્યાં કોરોના વાઇરસના સંક્રમણના કેસની સંખ્યા બે લાખ 52 હજારથી વધુ નોંધાઈ છે. જોકે રશિયામાં કોરોના વાઇરસને લીધે મૃતકોની
સંખ્યા તુલનાત્મક રીતે બહુ ઓછી છે. રશિયામાં કોવિડ-19ને લીધે અત્યાર સુધીમાં 2,305 લોકોનાં મૃત્યુ થયાં છે.
કોરોના વાઇરસને લીધે મૃતકોની સંખ્યામાં બ્રિટન બીજા નંબરે છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં 33 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને બે લાખ 34 હજારથી વધુ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.
જોકે સરકારે જે આંકડા આપ્યા છે તેનાથી વધુ મૃતકોની સંખ્યા હોય એવી પણ આશંકા છે.
સરકારી રોહિંગ્યા રૅફ્યૂજી રિપેટરીએક્શન કમિશન માટે કામ કરતાં એક ડૉક્ટરનું કહેવું છે કે કૉક્સ બજારમાં શરણાર્થીઓમાં કોવિડ-19ના પહેલા કેસની પુષ્ટિ થઈ છે.
અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે જે લોકો સંક્રમિત થયા છે તેમને આઇસોલેસનમાં રાખીને ઇલાજ કરાઈ રહ્યો છે. આ સંક્રમિત લોકોના સંપર્કમાં આવનારા 1900 શરણાર્થીઓને ટેસ્ટ માટે આઇસોલેટ કર્યા છે. શરણાર્થી કૅમ્પમાં 14 માર્ચથી લૉકડાઉન ચાલુ છે.
કોરોના વાઇરસને લીધે ઑસ્ટ્રેલિયામાં અંદાજે છ લાખ લોકોએ નોકરી ગુમાવી છે. આ આંકડા માર્ચથી એપ્રિલ મહિના સુધીના છે.
દુનિયાના સૌથી મોટા શરણાર્થી કૅમ્પમાં બે રોહિંગ્યા કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.
કોરોના વાઇરસ : 25 લાખ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ અપાશે - નિર્મલા સીતારમણ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પત્રકારપરિષદમાં કહ્યું કે લૉકડાઉન હતું પરંતુ સરકાર લોકોની ચિંતા કરી રહી હતી.
તેમનું કહેવું છે કે કોવિડ-19 મહામારી દરમિયાન બૅન્કો મારફતે લેવડ-દેવડ ચાલતી હતી,
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડનું આર્થિક પૅકેજ જાહેર કર્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ આર્થિક પૅકેજમાં કેવી રીતે નાણાં ફાળવવામાં આવ્યાં છે તે બાબતે માહિતી આપતાં ગુરુવારે બીજી વખત પત્રકારપરિષદ કરી હતી.
તેમની પત્રકારપરિષદની મુખ્ય વાતો આ પ્રમાણે છે:
- ગ્રામીણ ક્ષેત્રની બૅન્કો અને સહકારી બૅન્કને 29 હજાર 500 કરોડ રૂપિયા નાબાર્ડ તરફથી આપવામા આવ્યા છે.
- શહેરી ગરીબોની મદદ માટે રાજ્યોને 11 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
- છેલ્લા બે મહિનામાં જે શહેરી ગરીબો પાસે ઘર નથી, તેમના માટે શૅલ્ટર હોમ અને ત્રણ ટંકના ભોજનની વ્યવસ્થા કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવી રહી છે.
- સ્ટેટ ડિઝાસ્ટર ફંડ મારફતે 11 હજાર કરોડ રૂપિયાની મદદ આપવામાં આવી છે. રાજ્યોને આપત્તિ ભંડોળ વાપરવાની પરવાનગી આપવામાં આવી.
- 12 હજાર સ્વયં સહાયતા સમૂહોએ ત્રણ કરોડ માસ્ક અને સૅનિટાઇઝરનું ઉત્પાદન કર્યું છે. દેશમાં 7,200 નવા સેલ્ફ હેલ્પ ગ્રૂપ બન્યાં છે. સેલ્ફ હેલ્પ ગ્રૂપ મારફતે મદદ આપવાનો ગુજરાતમાં પાયલટ પ્રૉજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, તે આખા દેશમાં લાગુ થશે.
- પ્રવાસી મજૂરોની સાથે-સાથે લારી-ગલ્લા ચલાવતા લોકોને પાંચ હજાર કરોડ રૂપિયાની સહાયતા આપવામાં આવશે. આવા લોકોને કામકાજ ફરી શરૂ કરવા માટે પ્રતિ વ્યક્તિ દસ હજારની મદદ મળી શકશે.
- જો આ લોકો ડિજિટલ પૅમેન્ટ કરશે તો તેમને ઇનામ આપવામાં આવશે. જો ડિજિટલ પૅમેન્ટ કરશે તેમને આવનારા સમયમાં તેમના કામ માટે વધારે ધીરાણ આપી શકાશે.
- 25 લાખ કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે અને ત્રણ કરોડ ખેડૂત સુધી મદદ પહોંચાડવામાં આવશે.
- કેન્દ્ર સરકાર પોતાના ખર્ચે શહેરમાં રહેતા બેઘર લોકોને શેલ્ટર અને ત્રણ ટંકનું ભોજન પૂરું પાડી રહી છે.
- અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરનારા માત્ર 30 ટકા શ્રમિકોને જ લઘુત્તમ વેતનનો ફાયદો મળે છે. આખા દેશમાં એક સમાન લઘુત્તમ વેતન લાગુ કરવામાં આવશે, જેથી ક્ષેત્રીય અસમાનતા દૂર કરી શકાય. તેને કાયદાકીય રૂપ આપવામાં આવશે.
- મજૂરોને નિમણૂકપત્ર આપવામાં આવશે. વર્ષમાં એક વાર તેમનું હેલ્થ ચેકઅપ અનિવાર્ય કરવામાં આવશે અને ખતરનાક પરિસ્થિતિમાં કામ કરનારા મજૂરોને સામાજિક સુરક્ષા યોજનામાં સામેલ કરવામાં આવશે.
કોરોના વાઇરસ : ચીન અને ઑસ્ટ્રેલિયા આમનેસામને કેમ?
ઑસ્ટ્રેલિયાનું કહેવું છે કે કોરોના વાઇરસની ઉત્પત્તિ પાછળ ચીનની ભૂમિકા અંગે તપાસ થવી જ જોઈએ.
હવે ઑસ્ટ્રેલિયા અને ચીન વચ્ચે વેપારી ઝઘ઼ડાનું કારણ કોરોના વાઇરસનું સંક્રમણ બની ગયું છે. જેનાથઈ બંને દેશોને નુકસાન થવાની ભીંતી છે.
ઑસ્ટ્રેલિયાના વેપારમંત્રી સાઇમન બર્મિંગમે ચીનના વેપારમંત્રી જૉન્ગ શેન સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમણે આ અઠવાડિયાની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયાથી કરાતી આયાત પર રોક લગાવી દીધી હતી.
બર્મિંગમે 13 મેના રોજ કહ્યું કે લાખો લોકો મહામારીને લીધે મોતને ભેટ્યા છે. લાખો લોકોએ નોકરીઓ ગુમાવી છે.
તેઓ કહે છે કે કરોડો લોકોની જિંદગી પ્રભાવિત થઈ છે. એવામાં કમસેકમ એક નિષ્પક્ષ તપાસની આશા તો કરી જ શકીએ. આવી માગ ઑસ્ટ્રેલિયા એકલું નથી કરી રહ્યું.
રેલવેએ 30 જૂન સુધીની તમામ બુક ટિકિટો રદ જાહેર કરી
ભારતીય રેલવેએ 30 જૂન સુધીની તમામ બુક થયેલી ટિકિટ રદ કરી દીધી છે. રદ કરવામાં આવેલી ટિકિટના રૂપિયા રિફંડ કરી દેવામાં આવશે.
જોકે, રેલવે વિભાગનું કહેવું છે કે શ્રમિક ટ્રેન અને સ્પેશિયલ ટ્રેન ચાલુ રહેશે. લૉકડાઉન શરૂ થયું ત્યારથી જ ભારતમાં ટ્રેન સેવા બંધ કરી દેવામાં આવી હતી.
રેલવે માત્ર માલગાડીઓ જ ચલાવી રહ્યું હતું. જે બાદ મજૂરોને પોતાના વતનમાં પરત મોકલવા માટે શ્રમિક ટ્રેનો શરૂ કરવામાં આવી હતી.
જે જુદાં જુદાં રાજ્યોમાંથી શ્રમિકોને પોતાના વતનમાં લઈ જઈ રહી છે. આ સાથે જ રેલવે વિભાગે દિલ્હીથી વિવિધ રાજ્યોમાં ખાસ ટ્રેનો શરૂ કરી છે.
જે તમામ એસી કોચ છે અને તે વિવિધ રાજ્યોમાં પ્રવાસીઓને લઈ જઈ રહી છે. હજી સુધી દેશમાં ટ્રેન વ્યવહાર સંપૂર્ણ રીતે પૂર્વવત થઈ શક્યો નથી.
બે અકસ્માતમાં 14 મજૂરોનાં મૃત્યુ
મહારાષ્ટ્રથી ઉત્તર પ્રદેશ જઈ રહેલાં 8 પરપ્રાંતીય મજૂરોનું એક અકસ્માતમાં મૃત્યુ થયું છે.
મૃત્યુ પામનાર લોકો તમામ ઉત્તર પ્રદેશના હતા. અકસ્માત મધ્ય પ્રદેશના ગુના જિલ્લામાં થયો.
આ દુર્ઘટનામાં 50થી વધારે મજૂર ઘાયલ પણ થયા છે. જેમની સારવાર ચાલી રહી છે.
આ તમામ મજૂર મહારાષ્ટ્રથી ટ્રકમાં બેસીને ઉત્તર પ્રદેશ જઈ રહ્યા હતા. બુધવારે મોડી રાત્રે ટ્રક એક બસ સાથે અથડાઈ હતી.
દુર્ઘટના ગુનાના કેંટ પીએસ વિસ્તાર પાસે ઘટી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ અનુસાર, 50થી વધારે મજૂરો ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે.
જ્યારે બીજી એક ઘટના દિલ્હી-સહરાનપુર હાઈવે પર બની છે. જેમાં એક બસે છ મજૂરોને કચડી નાખ્યા હતા. આ ઘટના મુઝફ્ફરનગર જિલ્લામાં બની હતી.
દુનિયામાં કોરોના વાઇરસના કેસો 43 લાખને પાર
દુનિયામાં કોરોના વાઇરસના કારણે સંક્રમિતોની સંખ્યા 43 લાખ 42 હજારને પાર પહોંચી છે. જ્યારે હાલ સુધીમાં બે લાખ 96 હજાર લોકોનાં મૃત્યુ થયા છે.
અમેરિકામાં 13 લાખ 89 હજાર લોકો કોરોના વાઇરસની ઝપેટમાં આવ્યા છે. મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 84,059એ પહોંચી છે.
બ્રિટનમાં કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામનારની સંખ્યા 33 હજારને પાર પહોંચી છે. બુધવારે બ્રિટનમાં 494 લોકોનાં મૃત્યુ થયા. મૃત્યુ પામનારની કુલ સંખ્યા 33,186એ પહોંચી છે.
ફ્રાન્સમાં બુધવારે 83 લોકોનાં મૃત્યુ થતા, કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 27,074એ પહોંચી છે ફ્રાન્સમાં 2,428 દરદી હાલ પણ આઈ.સી.યુમાં ભરતી છે.
બુધવારે સ્પેનમાં 184 લોકોનાં અને ઇટાલીમાં 195 લોકોનાં મૃત્યુ થયા હતા. સ્પેનમાં 27,104 અને ઇટાલીમાં 31,106 લોકોનાં મૃત્યુ થયા છે.
બ્રાઝિલમાં છેલ્લાં 24 કલાકમાં 749 લોકોનાં મૃત્યુ થયાં છે. આ પછી બ્રાઝિલમાં કોરોના વાઇરસથી મૃત્યુ પામનારની સંખ્યા 13 હજારને પાર પહોંચી છે.
ભારતમાં કુલ પૉઝિટિવ કેસની સંખ્યા 78 હજારને પાર
સમાચાર સંસ્થા એએનઆઇ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને ટાંકીને લખે છે કે ભારતમાં કોરોના વાઇરસના કુલ પૉઝિટિવ કેસની સંખ્યા 78 હજારને પાર પહોંચી છે.
દેશમાં કુલ કેસ 78003 છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસના 3722 પૉઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 134 લોકોનાં મૃત્યુ થયા છે.
દેશમાં કુલ ઍક્ટિવ કેસની સંખ્યા 49219 છે. કુલ મૃતકાંક 2549એ પહોંચ્યો છે. ભારતમાં હાલ સુધી સાજાં થયેલાં વ્યક્તિઓની સંખ્યા 26235 છે.
પીએમ કેયર્સ ફંડમાંથી પ્રવાસી મજૂરો માટે 1000 કરોડ રૂપિયાની ફાળવણી
વડા પ્રધાન કાર્યાલયે બુધવારે મોડી રાત્રે પીએમ કેયર્સ ફંડ ટ્રસ્ટમાંથી 3100 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
જેમાં દેશના મજૂરોની સહાયતા કરવા માટે 1000 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરાઈ છે.
સાથે જ 50 હજાર વૅન્ટિલેટરની ખરીદી માટે 2000 કરોડ રૂપિયા આપવામાં આવશે. જ્યારે કોરોના વાઇરસથી બચવા વૅક્સિન બનાવવાના કામ માટે 100 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
પીઆઈબી તરફથી જાહેર કરાયેલી પ્રેસ રીલિઝમાં પ્રવાસી મજૂરો માટે આ કોષના ઉપયોગ પર વિસ્તારથી વાત કરાઈ છે. :-
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પીએમ કેયર્સ ફંડમાંથી 1000 કરોડ રૂપિયા આપવામાં આવશે.
આને જિલ્લાઅધિકારીઓ/નગરપલિકાના અધિકારીઓને ખર્ચ કરવા માટે આપવામાં આવશે.
આનો પ્રયોગ પ્રવાસીઓ મજૂરોને રહેવાની જગ્યા, ભોજન, ચિકિત્સા અને તેમની અવર-જવરની વ્યવસ્થા પર કરવામાં આવશે.
ફંડનું વિતરણ રાજ્યોની વસતી અને કોવિડ-19ના દરદીઓની સંખ્યાના આધારે કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા પીએમ કેર ફ્રંડને લઈને વિવાદ થઈ રહ્યો છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
નરેન્દ્ર મોદીની લોકલની અપીલ પર અમિત શાહનું ઍક્શન
ગઈ કાલે રાષ્ટ્રજોગ સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશી બનાવટનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી અને એ રીતે ભારતને આત્મનિર્ભર બનાવવાની વાત કરી હતી. આ અપીલ પર ગૃહમંત્રી અમિત શાહે ઍક્શન લીધું છે.
અમિત શાહે કહ્યું કે 1 જૂન 2020થી સીઆરપીએફની કેન્ટીનોમાં હવે ફક્ત ભારતીય બનાવટના ઉત્પાદનો જ વેચાશે.
એમણે આની માહિતી ટ્વિટર દ્વારા આપી.
એમણે કહ્યું કે, આજે ગૃહ મંત્રાલયે એ નિર્ણય લીધો છે કે દરેક સીઆરપીએફ કેન્ટીનો પર હવે ફક્ત સ્વદેશી ઉત્પાદનો જ વેચાશે. આનાથી 10 લાખ સીઆરપીએફ જવાનોના 50 લાખ પરિવારજનો સ્વદેશી બનાવટોનો ઉપયોગ કરશે.
નરેન્દ્ર મોદીના 20 લાખ કરોડના પૅકેજમાં શું છે એ નિર્મલા સીતારમણ 4 વાગે કહેશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં 20 લાખ કરોડના રાહત પૅકેજની જાહેરાત કરી હતી. આ પૅકેજની વિગતો આજે સાંજે ચાર વાગે નાણા મંત્રી નિર્મલા સીતારમણ જાહેર કરશે.
વડા પ્રધાને લૉકડાઉન-4 નવીન પ્રકારનું હશે અને આત્મનિર્ભર ભારત અભિયાન માટે રૂ. 20 લાખ કરોડનું પૅકેજ અપાશે એમ કહ્યું હતું.
આ દરમિયાન દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 3525 નવા કેસ નોંધાયા છે અને 122 લોકોનાં મૃત્યુ થયા છે.સમાચાર સંસ્થા એએનઆઈના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને ટાંકીને લખે છે ભારતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઇરસના 3525 નવા પૉઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 122 લોકોનાં મૃત્યુ થયા છે. દેશમાં કુલ કેસની સંખ્યા 74281એ પહોંચી છે. જેમાં ઍક્ટિવ કેસની સંખ્યા 47480 છે. દેશમાં 2415 દરદીઓનાં મૃત્યુ થયા છે. જ્યારે 24386 દરદીઓ સાજાં થતાં તેમને રજા આપવામાં આવી છે.
કોરોનાથી ઑગસ્ટ સુધીમાં અમેરિકામાં દોઢ લાખ લોકોનાં મૃત્યુનો ભય
જોન હૉપકિન્સ યુનિવર્સિટીના અહેવાલ અનુસાર દુનિયામાં હાલ સુધી કોરોના સંક્રમણની ઝપેટમાં આવીને 2 લાખ 90 હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 42,47,709 છે.
વૉશિંગ્ટન યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ફૉર હેલ્થ મેટ્રિક્સ ઍન્ડ ઇવેલ્યુએશન (આઈએચએમઈ)નું કહેવું છે કે અમેરિકામાં કોરોના વાઇરસને કારણે ઑગસ્ટ મહિના સુધીમાં 1 લાખ 47 હજાર લોકોનાં મૃત્યુ થઈ શકે છે.
આઈએચએમઈનો આ અભ્યાસ મંગળવારે જાહેર કરવામાં આવ્યો છે. અગાઉના અનુમાન કરતા આ સંખ્યા 10 હજાર વધારે છે.
આઈએચએમઈનું કહેવું છે કે સંક્રમણ રોકવા માટે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનમાં રાહતો આપવી વધારે ખતરનાક સાબિત થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કોરોના વાઇરસ કોવિડ-19ને કારણે અત્યાર સુધી 82, 246 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે.
અમેરિકાની કોવિડ-19ની ટાસ્ક ફોર્સના પ્રમુખ ડૉ. એન્થની ફાઉચીનું કહેવું છે કે લૉકડાઉન હઠાવવું એ અમેરિકા માટે ખતરનાક સાબિત થશે.
ઉલ્લેખનીય છે કે ડૉ. ફાઉચીનો મત પ્રમુખ ટ્રમ્પથી અલગ છે. ટ્રમ્પ અથતંત્રને પાટે લાવવા માટે લૉકડાઉન હઠાવવા માગે છે.
દુનિયાની અપડેટ
- અમેરિકાના વરિષ્ઠ ચેપી રોગના નિષ્ણાંત ડૉ.એન્થની ફાઉચીએ કહ્યું છે કે વૅક્સિન તૈયાર કરવા માટે અનેક પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ આ વૅક્સિન કામ કરશે કે નહીં, એની કોઈ ગૅરન્ટી નથી. જોકે તેમણે બીજા વાઇરસથી પોતાના સંશોધનનો હવાલો આપી આશા વ્યક્ત કરી કે વૅક્સિન તૈયાર થશે.
- ચીનના વુહાન શહેરમાંથી કોરોના વાઇરસના સંક્રમણની શરૂઆત થઈ હતી. હવે ત્યાં 10 લાખ લોકોના ટેસ્ટની તૈયારી ચાલી રહી છે. સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર વુહાનમાં માત્ર 10 દિવસની અંદર તમામ લોકોનાં ટેસ્ટ કરવાની યોજના છે.
- બ્રાઝિલમાં મંગળવારે 881 લોકોનાં મૃત્યુ થતાં મૃતકાંક 12,400એ પહોંચ્યો છે. અહીં હાલ સુધીમાં 1,77,589 કેસ નોંધાયા છે.
- સમાચાર એજન્સી એએફપીના અહેવાલ અનુસાર ફ્રાન્સમાં સ્કૂલો ખૂલી ગઈ છે. સંક્રમણના બીજા તબક્કાની આશંકાઓ વચ્ચે પણ ફ્રાન્સની સરકારે લૉકડાઉનના નિયમો હળવા કર્યા છે.
- જર્મનીમાં કોવિડ-19નો R-O નંબર એકથી પણ નીચે જતો રહ્યો છે. R-O નંબર એ સંખ્યાને કહે છે જેનાથી ખ્યાલ આવે છે કે એક સંક્રમિત વ્યક્તિ કેટલાં બીજા લોકોને સંક્રમિત કરી શકે છે.
- યુકેમાં મૃતકોની સંખ્યા 40 હજારને પાર કરી ગઈ છે. બ્રિટન અને વેલ્સમાં 9 મે સુધી કોવિડ-19ના કારણે 35,044 લોકોનાં મૃત્યુની નોંધણી થઈ છે. સ્કૉટલૅન્ડ અને ઉત્તર આયરલૅન્ડમાં કેસ જોડીએ તો યુકેમાં મૃતકાંક 40,496 થઈ ગયો છે.
- વિશ્વ આરોગ્ય સંગઠનનું કહેવું છે કે કેટલીક દવાઓ કોરોના વાઇરસના સંક્રમણની ગંભીરતા અને સમયને ઓછો કરવામાં સફળ થતી જોવા મળે છે. WHOના પ્રવક્તા માર્ગ્રેટ હેરિસનું કહેવું છે કે 'સકારાત્મક સંભાવનાઓ' વાળી 4-5 દવાઓ પર સંશોધન કરવામાં આવી રહ્યું છે.
દિલ્હીથી રેલવેની સ્પેશિયલ ટ્રેનો શરૂ, પહેલી ટ્રેન બિલાસપુર માટે રવાના
મંગળવારથી રેલવેની વિશેષ પેસેન્જર ટ્રેન દોડવાની શરૂ થઈ ગઈ, પ્રથમ તબક્કામાં દિલ્હીથી 30 ટ્રેન ઉપડશે.
ન્યૂઝ એજન્સી પી.ટી.આઈ.ના રિપોર્ટ મુજબ, સાંજે ચાર વાગ્યે ઉપડનારી બિલાસપુર (છત્તીસગઢ) ટ્રેન માટે 1,177 મુસાફરોએ બુકિંગ કરાવ્યું હતું, જ્યારે સાંજે 4.45 કલાકની ડિબ્રૂગઢ (આસામ) ટ્રેન માટે 1122 મુસાફરોએ ઈ-ટિકિટ લીધ હતી.
બેંગ્લુરુ માટેની ટ્રેન માટે 1162 લોકોએ બુકિંગ કરાવ્યું છે, આ ટ્રેન રાત્રે સવા નવ વાગ્યે ઉપડશે.
રેલવેના જણાવ્યા પ્રમાણે, પહેલી મેથી (શ્રમિક દિવસ) અત્યાર સુધીમાં 542 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવી છે અને છ લાખ 48 હજાર કામદારોને તેમના વતન પરત ફરવામાં મદદ કરી હતી.
ન્યૂઝીલૅન્ડમાં કોરોના સંક્રમણનો એક પણ નવો કેસ નહીં
દુનિયાભરમાં કોરોના વાઇરસના સંક્રમણમાં અત્યાર સુધી 41 લાખથી વધારે લોકો આવી ગયા છે અને પોણા ત્રણ લાખ લોકોનાં મૃત્યુ થયા છે.
અમેરિકામાં 13 લાખ 34 હજારથી વધારે લોકો સંક્રમિત છે અને મૃતકોની સંખ્યા 80 હજારને વટાવી ગઈ છે ત્યારે ન્યૂઝીલૅન્ડમાં સોમવારે કોરોના સંક્રમણનો એક પણ નવો કેસ સામે નથી આવ્યો.
ન્યૂઝીલૅન્ડમાં અત્યાર સુધી કોરોના વાઇરસના સંક્રમણના 1497 કેસો સામે આવ્યા છે અને તે પૈકી 15 ટકા લોકો ઠીક થઈ ગયા છે.
અત્યાર સુધી ન્યૂઝીલૅન્ડમાં કોરોના સંક્રમણને લીધે 21 લોકોનાં મૃત્યુ થયા છે અને એ આંકડામાં કોઈ વધારો નથી થયો.
હાલ બે લોકો હૉસ્પિટલમાં છે અને કોઈ પણ દરદી આઈસીયૂમાં નથી.
વડાં પ્રધાન જેસિંડા અર્ડને લૉકડાઉનમાં વધારે રાહતો આપવાનો નિર્ણય લીધો છે. ન્યૂઝીલૅન્ડમાં દુકાનો, સિનેમાગૃહો, રમતના મેદાનો અને જિમ ખોલવામાં આવશે.
જોકે, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન લોકોએ કરવું પડશે.
કોરોનામાં દુનિયાની અપડેટ
- બ્રિટનમાં સવા બે લાખ લોકો સંક્રમિત છે અને મૃતકોની સંખ્યા 32 હજાર પર પહોંચી છે.
- ભારતમાં 67 હજારથી વધારે લોકો સંક્રમિત છે અને અત્યાર સુધી 2206 લોકોનાં મૃત્યુ થયા છે.
- રશિયામાં છેલ્લા 24 કલાકમાં 11656 નવા કેસો આવ્યા છે. જોકે, રાષ્ટ્રપતિ પુતિને લૉકડાઉનમાં રાહત આપવાની જાહેરાત કરી છે.
- કોરોના પ્રભાવિત યુરોપિયન દેશો ફ્રાંસ અને સ્પેને પણ લૉકડાઉનમાં રાહત આપવાની જાહેરાત કરી છે.
- બ્રાઝિલમાં છેલ્લા 24 કલાકમાં 5632 નવા કેસો સામે આવ્યા છે અને 936 લોકોનાં મૃત્યુ થયા છે. બ્રાઝિલમાં આ સાથે જ સંક્રમિત લોકોની સંખ્યા 168331 થઈ ગઈ છે અને કુલ 11 હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયા છે.
- લેબનોનમાં સંક્રમણની બીજી લહેર શરૂ થઈ છે અને લૉકડાઉનમાં રાહત પછી ફરીથી કેસો સામે આવી રહ્યા છે. લેબનોનમાં 900 કેસો છે.
ટ્રમ્પે પત્રકારને કહ્યું અમેરિકનોનાં કોરોનામાં મૃત્યુ અંગે ચીનને પૂછો
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પત્રકારપરિષદ પત્રકાર સાથે બાખડવાની સાથે અજૂગતી રીતે પૂરી થઈ.
ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે સૌથી વધારે ટેસ્ટિંગ અમેરિકા કરે છે. આ મુદ્દે પત્રકારપરિષદમાં સીબીએસના વ્હાઇટ હાઉસ સંવાદદાતા વેઇજિયા જિયાંગે સવાલ કર્યો કે અમેરિકનો મરી રહ્યાં છે ત્યારે તમારે માટે આ 'ગ્લૉબલ કમ્પિટિશન' કેમ છે
આ સવાલના જવાબમાં ટ્રમ્પે એશિયન-અમેરિકન મૂળના પત્રકારને કહ્યું કે, જાવ ચીનને પૂછો.
એ પછી ટ્રમ્પે સીએનએનના પત્રકારનો સવાલ લેવાની ના પાડી અને પત્રકારપરિષદ પૂરી કરી દીધી.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે વ્હાઇટહાઉસમાં માસ્ક પહેરવાનો આદેશ આપ્યો છે. જોકે, એ આદેશ એમની પર લાગુ નથી પડતો અને તેઓ પોતે માસ્ક વિના પત્રકારપરિષદમાં હાજર થયા હતા.
ગામડાં સુધી કોરોનાનો ચેપ ન પહોંચે તે જોજો - નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમી વખત કોરોના સંબંધે રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે બેઠક કરી હતી, જેમાં મોદીએ કહ્યું હતું કે ગામડાં સુધી કોરોનાના ચેપને નહીં પહોંચવા દેવાનો પડકાર દેશ સમક્ષ છે.
ન્યૂઝ એજન્સી પી.ટી.આઈ. (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા)ના રિપોર્ટ મુજબ, વડા પ્રધાને કહ્યું કે લૉકડાઉનમાં ઢીલ આપવામાં આવે તો પણ ગામડાં સુધી કોવિડ-19નો ચેપ ન પહોંચે તે જોવું રહ્યું.
તેમણે લૉકડાઉનને કારણે ઊભા થયેલા પડકારને પહોંચી વળવા સંતુલિત વ્યૂહરચના અપનાવવાની વાત કહી હતી.
વડા પ્રધાને કહ્યું હતું કે મુખ્ય પ્રધાનોના સૂચનોના આધારે દેશ માટેની દિશા નક્કી કરવામાં મદદ મળશે.
મોદીએ કહ્યું કે દુનિયા પણ સ્વીકાર રહી છે કે કોવિડ-19થી બચવામાં ભારત સક્ષમ રહ્યું છે અને તેમાં રાજ્યોએ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.
મોદીએ કહ્યું હતું કે જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહોતું થયું, ત્યાં આપણી સમસ્યા વધી છે.
'પગાર નહીં ઘટે'
કેન્દ્ર સરકારના નાણામંત્રાલયનું કહેવું છે કે કોઈપણ વર્ગના કર્મચારીનો પગાર ઘટાડવા અંગે કોઈ વિચારણા હાથ ધરવામાં નથી આવી.
મંત્રાલયે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કેટલાક મીડિયા હાઉસ દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના વેતનમાં ઘટાડો કરવાના અહેવાલ આપવામાં આવ્યા હતા, જે 'ખોટા અને પાયાવિહોણાં' છે.
કેન્દ્ર સરકાર અંતર્ગત આવતા પબ્લિક ઇન્ફર્મેશન બ્યૂરો (પી.આઈ.બી.) દ્વારા ફૅક્ટચેકના નેજા હેઠળ 30 ટકાના ઘટાડા વિશેના અહેવાલને નકારી કાઢવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને પેન્શનરોનું ડિયરનેસ ઍલાઉન્સ (મોંઘવારી) ભથ્થું બે વર્ષ માટે મોકૂફ કરી દીધું હતું.
એક અંદાજ મુજબ લગભગ 49 લાખ કેન્દ્રીય કર્મચારી સેવારત છે, જ્યારે લગભગ 60 લાખ પેન્શનર છે.
રશિયામાં ચેપ
સોમવાર સાંજે જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ, કોરોનાના કેસોની સંખ્યાની બાબતમાં રશિયા ઇટાલી, યુનાઇટેડ કિંગ્ડમ અને ફ્રાન્સ કરતાં આગળ નીકળી ગયું છે.
કેસની સંખ્યાની બાબતમાં બે લાખ 21 ઍક્ટિવ કેસ સાથે રશિયા ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. બીજા ક્રમે રહેલા સ્પેનમાં લગભગ બે લાખ 24 હજાર ઍક્ટિવ કેસ છે.
13 લાખ 30 હજાર કેસ સાથે અમેરિકા ટોચ ઉપર છે. 79 હજાર 528 મૃત્યુ સાથે મૃત્યુની બાબતમાં પણ અમેરિકા ટોચ ઉપર છે.
31 હજાર 930 મૃત્યુ સાથે યુ.કે. બીજા ક્રમે, ઇટાલી (30,560) ત્રીજા ક્રમે, સ્પેન (26,621) ચોથા ક્રમે અને ફ્રાન્સ (26,383) પાંચમા ક્રમે છે.
રશિયામાં નવમી મેના રોજ નાઝી જર્મની ઉપર વિજયની 72મી વર્ષગાંઠ ઊજવવામાં આવી હતી.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો