International Nurses Day : 'હું મારા દીકરાને ભેટી પણ નહોતી શકતી', કોરોના વૉર્ડનાં નર્સની આપવીતી

    • લેેખક, અમૃતા દુર્વે
    • પદ, બીબીસી મરાઠી

કોવિડ-19ના દર્દીઓની સારવાર કરી રહેલા ડૉક્ટર્સ તથા નર્સોએ કેવા ભાવનાત્મક પડકારોનો સામનો કરવો પડતો હોય છે?

તેમના પરિવારજનો કેવી પરિસ્થિતિમાં રહે છે? ખાસ કરીને આ ડૉક્ટરો તથા નર્સીસનાં બાળકો કેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે?

આ સવાલોના જવાબ મેળવવા માટે એક નર્સનો અનુભવ જાણીએ. આ નર્સે કોરોના વૉર્ડની સાથે તેમના દીકરાની દેખભાળ પણ કરવી પડે છે.

'હું કોવિડ વૉર્ડની નર્સ છું'

એ દિવસે અમને અમારી હૉસ્પિટલમાં એક તાકિદની બેઠક યોજવામાં આવી, એમાં અમને જણાવવામાં આવ્યું હતું કે અમારી હૉસ્પિટલમાં કોવિડના દર્દીઓ દાખલ કરવામાં આવશે અને અમારે એ માટે ખુદને માનસિક રીતે તૈયાર કરવા પડશે.

અમે જરૂરિયાતના હિસાબે વૉર્ડ્ઝ તૈયાર કરવાનું શરૂ કર્યું હતું. અમારે ત્યાં કેટલાક દર્દીઓ કસ્તૂરબા હૉસ્પિટલમાંથી આવવાના હતા.

અમે તેમની જરૂરિયાત અનુસાર ખુદની તૈયારીમાં લાગી ગયાં હતાં. મને પછી ખબર પડી હતી કે મારા વિભાગને કોવિડ વૉર્ડ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

અમે 20 તારીખથી કસ્તૂરબા હોસ્પિટલના દર્દીઓને અમારે ત્યાં દાખલ કરવાનું શરૂ કર્યું હતું. એ પહેલાં આવા કેસીસમાં હું અન્ય વિભાગોને મદદ કરી ચૂકી હતી. તેથી મને વધારે ડર લાગતો ન હતો.

શું જરૂરી હોય છે અને કેવી વ્યવસ્થા કરવાની છે એ અમે વાંચતા રહ્યાં હતાં.

અમારે એ બધાં કામ જ અમારા વૉર્ડમાં કરવાનાં હતાં. અમને એ પણ સમજાયું હતું કે અમારે ખુદને પરિવારથી દૂર રાખવા પડશે.

દીકરાનો જન્મદિવસ ઊજવવાની ઇચ્છા અધૂરી રહી

મારા દીકરાએ તાજેતરમાં જ દસમા ધોરણની પરીક્ષા આપી હતી અને 24 માર્ચે તેનો જન્મદિવસ હતો. દીકરાના જન્મદિવસે રજા લેવા માટેની અરજી મેં ઘણા દિવસ પહેલાં કરી દીધી હતી. દીકરાના બર્થ-ડેની ઉજવણી માટે ઘણી તૈયારી પણ કરી હતી.

મારા પતિ પત્રકાર છે અને અમે બન્ને નિયમિત રીતે નોકરી પર જતાં હતાં, મારા દીકરાના જન્મદિવસના કેટલાક દિવસો પહેલાંથી જ કોવિડના દર્દીઓ અમારા વૉર્ડમાં આવવા લાગ્યા હતા.

તેથી મેં એ બાબતે મારા પતિ સાથે વાત કરી હતી અને અમારા દીકરાને તેનાં નાનીને ત્યાં મોકલી આપ્યો હતો.

24 માર્ચનો દિવસ આવ્યો ત્યારે રજા રદ કરાવીને હું ફરજ બજાવવા ચાલી ગઈ હતી. 24 માર્ચે રાતે આઠ વાગ્યા સુધી હું હૉસ્પિટલમાં રહી હતી.

એ વ્યસ્તતામાં હું ભૂલી ગઈ હતી કે મારા દીકરાનો જન્મદિવસ છે. બીજી ઉજવણીની વાત છોડો, હું તેને વિશ પણ કરી શકી ન હતી.

એ મારી મમ્મીને ત્યાં હતો. તેનાં માસી અને નાનીએ તેનો જન્મદિવસ મનાવ્યો હતો, પણ અમે ખુદને રોકી શક્યા ન હતાં અને રાત્રે 11 વાગ્યે તેને મળવા પહોંચી ગયાં હતાં. અડધી રાતે અમે ભગવાન સામે ઊભા રહ્યા હતા અને તેમનો આભાર માન્યો હતો.

મારા દીકરાનો જન્મદિવસ હતો, પણ એક મા તરીકે હું તેના માટે કશું કરી શકી ન હતી. અલબત, મારા દીકરાએ કોઈ ફરિયાદ કરી ન હતી. ગુસ્સે પણ થયો ન હતો.

તેણે મને દિલાસો આપ્યો હતો અને કહ્યું હતું કે "ઇટ્સ ઓકે, મમા. આ બધું પૂરું થઈ જશે ત્યારે આપણે મારો જન્મદિવસ સેલિબ્રેટ કરીશું."

હકીકતમાં મારે તેને જે કહેવાનું હતું એ તે મને કહી રહ્યો હતો.

દર્દીની હાલત સુધરતાં મનોબળ દ્રઢ બન્યું

એ વખતે મારું દર્દીઓ સાથેનો સીધા સંપર્કમાં આવવાનું શરૂ થઈ ગયું હતું. મારા દિમાગમાં જાતજાતના વિચાર આવતા હતા. સીધા સંપર્કને કારણે મને અને મારી ટીમને ચેપ લાગી શકે એવું હું જાણતી હતી.

મારા વોર્ડમાં પ્રથમ દર્દી દાખલ થયો એ પહેલાં મેં મારી ટીમ સાથે મીટિંગ કરી હતી.

હું તેમને ભેટી હતી અને કહ્યું હતું કે "હવે આપણે સંપૂર્ણ પરિસ્થિતિને સંભાળવાની છે, એક ટીમલીડર હોવાને નાતે મારી જવાબદારી તમારી બધાની સંભાળ રાખવાની છે. આપણે દર્દીઓની સાથે જાતને પણ સંભાળવાની છે."

આ બધું કહેતાં આંખમાં આવેલા આંસુને હું રોકી શકી ન હતી, પણ મેં પીછેહટ નહીં કરવાનું જાહેર કર્યું હતું, કારણ કે અમારા પર સમાજનું ઋણ છે.

પહેલો દર્દી સ્ટેબલ થઈ ગયો એટલે અમારી હિંમત થોડી વધી હતી.

મેં મારા દીકરાને તેની નાનીના ઘરે મોકલી આપ્યો હતો, પણ મારા પતિ તો ઘરે મારી પાસે જ હતા. તેમને સલામત કઈ રીતે રાખવા એ પણ મોટો સવાલ હતો.

હું ડ્યૂટી પતાવીને ઘરે પાછી આવીશ તો મારે કારણે બીજા કોઈને પણ ચેપ લાગશે? સોસાયટીને મારા કારણે કોઈ મુશ્કેલી થશે?

આવા સવાલ મારા દિમાગમાં ઘૂમરાતા હતા અને હું મનોમન રડી રહી હતી. કેટલીક વખત મને શંકા પણ થઈ હતી કે આ જવાબદારી હું બરાબર ઉઠાવી શકીશ કે નહીં?

દીકરાએ વધાર્યું મનોબળ

આવી માનસિક ઉથલપાથલ ચાલતી હતી એવા સમયે મેં એકવાર મારા દીકરાને ફોન કર્યો હતો. મેં તેને અમારા ઘરે કોઈ પણ કિંમતે પાછા નહીં આવવા જણાવ્યું હતું. તેને એમ પણ કહ્યું હતું કે તેના પપ્પા તેને મળવા આવશે નહીં.

પ્રવાસના તમામ વિકલ્પો બંધ થઈ ગયા હતા. તેથી મારા પતિ રોજ સવારે મને હૉસ્પિટલે મૂકી જતા હતા. એ પછી તેઓ તેમની ઑફિસે જતા હતા.

આ બધું સમજીને મારા દીકરાએ આ પરિસ્થિતિનો સામનો કરવા માટે માનસિક મજબૂતી દર્શાવી હતી. તેણે મારું મનોબળ વધારતાં કહ્યું હતું કે "મમા, કંઈ વાંધો નહીં. તમે અહીં નહીં આવતા. મને કોઈ તકલીફ નહીં થાય."

હું રડી રહી હતી... મારા દીકરાએ કહ્યું કે "મમા, તમારે રડવું ન જોઈએ."

15 મિનિટ પછી એ દરવાજે ઊભો હતો. તેણે મારો હાથ પકડ્યો અને મને બેસાડીને કહ્યું કે "મમ્મી, તમારે રડવાનું નથી. તમે એક મોટું કામ કરી રહ્યા છો. પાપા, નાની, નાના, કાકા અમને બધાને તમારા પર ગર્વ છે."

"તમે નર્સ છો એ વાતનો મારા દોસ્તોને પણ ગર્વ છે. તમારે રડવું ન જોઈએ. મને વિશ્વાસ છે કે તમે આ કામ જરૂર કરી શકશો."

મારો 15 વર્ષનો દીકરો મારાથી પણ મોટો થઈ ગયો હતો અને મને દિલાસો દઈ રહ્યો હતો.

રોજ મારાં ક્ષેમકુશળ પૂછતો દીકરો

એ દિવસ પછી મારો દીકરો રોજ મને ફોન કરતો અને પૂછતો કે "તમે ઘરે પહોંચી ગયાં? તમે જમ્યાં? હૉસ્પિટલમાં આજે શું થયું હતું? તમારી જાતને બરાબર સંભાળો છોને?"

તેની સાથે વાત કરતી વખતે હું રડી પડતી હતી અને એ મને દિલાસો આપતો હતો. હું વીડિયો કૉલ કરતી ત્યારે એ મને કહેતો કે "જોઈ લો. હું એકદમ મસ્ત ને સ્વસ્થ છું." એ સાંભળીને હું હસી પડતી હતી.

મને ઘણીવાર થતું હતું કે હું પીપીઈ પહેરતી હોવાથી મારા પર જોખમ નથી. હું બહાર જઈ શકું છું અને મારા દીકરાને મળી શકું છું, પણ એવી પળે મારા પતિ મને એ હકીકતથી વાકેફ કરાવતા હતા કે મારાં વયોવૃદ્ધ માતાપિતા માટે મારું ત્યાં જવું કેટલું જોખમી સાબિત થઈ શકે.

હું હૉસ્પિટલમાં 14 દિવસ સુધી રોજ 10થી 12 કલાક કામ કરતી રહી હતી. વૉર્ડ કોવિડના દર્દીઓથી ભરાઈ ગયો હતો, પણ ફોનકૉલ્સથી મને સધિયારો મળતો હતો.

આ મહામારી ક્યારે નિયંત્રણમાં આવશે તેની મને ખબર નથી. મારા દીકરાએ ત્યાં સુધી કદાચ તેનાં નાના-નાનીને ત્યાં જ રહેવું પડશે. કદાચ લાંબા સમય સુધી હું તેને મળી નહીં શકું.

14 દિવસની વૉર્ડ ડ્યૂટી અને પછી હોટલમાં ક્વોરૅન્ટીન

14 દિવસની ડ્યૂટી પછી મને એક હોટલમાં 14 દિવસ માટે ક્વોરૅન્ટીન કરવામાં આવી હતી. મારા પતિ ઘરે એકલા હતા અને દીકરો નાનીને ત્યાં. અમે ત્રણેય અલગ-અલગ જગ્યાએ હતાં.

ફોન કૉલ્સ તથા વીડિયો કૉલ્સને લીધે અમને, સદભાગ્યે, ઘણી રાહત મળી હતી. અમે એકમેકને જોઈ શકતાં હતાં. અમે ત્રણેય સાથે મળીને એકમેકની સાથે ક્યારે વાત કરી શકીશું એ દિવસ ક્યારે આવશે તે હું જાણતી નથી.

ક્વોરૅન્ટીનનો સમય પૂર્ણ થયા બાદ મારે એક ટેસ્ટ કરાવવો પડ્યો હતો. એ ટેસ્ટનું પરિણામ નૅગેટિવ આવ્યું હતું અને મને ઘરે જવાની છૂટ મળી ગઈ હતી.

નૅગેટિવ રિઝલ્ટ આવવાથી હું કેટલી ખુશ હતી એ હું તમને કહી શકતી નથી. 14 દિવસ સુધી કોવિડના દર્દીઓ સાથે રહેવા છતાં હું ચેપ લાગવામાંથી બચી ગઈ એ જાણીને મારામાં થોડું સાહસ આવી ગયું હતું.

સીઘી પહોંચી માના ઘરે

મારા પતિને કશું જણાવ્યા વિના હું સીધી મારી માના ઘરે પહોંચી ગઈ હતી. મારો દીકરો મારાથી અલગ રહેતો હતો. એક મહિના પછી હું તેને મળી રહી હતી. એ મોટો લાગી રહ્યો હતો. હું તેને રોજ ફોન પર જોતી હતી એવો એ લાગતો ન હતી. એક મહિનામાં ઘણી ચીજો બદલાઈ ગઈ હતી.

ટેસ્ટનું રિઝલ્ટ નૅગેટિવ આવ્યું હતું, પણ હું મારા દીકરાને ભેટી ન હતી, કારણકે મારા દિમાગમાં ડર બેઠેલો હતો.

મારો દીકરો તેના મનની વાત મોકળાશથી કહેતો ન હતો, પણ તેણે મારા માટે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ લખી હતી. હું તેને છાતીએ વળગાડીને ચોધાર આંસુએ રડવા ઈચ્છતી હતી.

હું તેને જણાવવા ઇચ્છતી હતી કે એ મારા કરતાં પણ વધારે પરિપક્વ થઈ ગયો છે અને હું તેના જેટલી મેચ્યોર નથી.

હું મારાં માને ઘરે 15 મિનિટ રોકાઈ હતી. બે દિવસ પછી ફરીથી હૉસ્પિટલમાં ડ્યૂટી શરૂ કરી દીધી હતી. એકવાર ફરીથી મહિનાનું ચક્ર શરૂ થઈ ગયું, પણ મને ખાતરી છે કે બધું સામાન્ય થઈ જશે અને અમે ત્રણેય ફરીથી એકસાથે રહેતા થઈશું.

દીકરા સોનમ ઘૂમેના મનની વાત

કોવિડ વૉર્ડમાં ફરજ બજાવતાં આ નર્સના 15 વર્ષના દીકરાએ પણ તેની મનોભાવના આ શબ્દોમાં વ્યક્ત કરી હતી.

"મારી મા કોવિડ વૉર્ડની દેખરેખ રાખે છે.

કોવિડે-19એ સમગ્ર દુનિયાને ખળભળાવી નાખી છે. આપણી સામે દરરોજ નવી મુશ્કેલી આવે છે. કોવિડે આપણી જિંદગી પર પણ કોઈને કોઈ રીતે અસર કરી છે. તેણે મારી જિંદગીને પણ અસર કરી છે.

આ મહામારી ફેલાઈ રહી હતી ત્યારે મારી ટેન્થની એક્ઝામ ચાલતી હતી. મારા દોસ્તોની માફક હું પણ આગામી વૅકેશન બાબતે ઉત્સાહિત હતો. ઉનાળાના વૅકેશનમાં દરરોજ શું કરવું તેનું પ્લાનિંગ પણ મેં કરી રાખ્યું હતું.

પણ, અચાનક દેશભરમાં 14 એપ્રિલ સુધી લૉકડાઉન લાદવામાં આવ્યું હતું. એ નિર્ણયથી હું બહુ ખુશ ન હતો. હું આ મહામારીની ગંભીરતાને સમજી શક્યો ન હતો."

મમ્મી-પપ્પા બન્ને આવશ્યક સેવા ક્ષેત્રે કાર્યરત્

"મારા પપ્પા એક પત્રકાર છે અને મારી મા મુંબઈની એક મોટી હૉસ્પિટલમાં નર્સ તરીકે કાર્યરત્ છે. બન્ને આવશ્યક સેવાના ક્ષેત્રમાં છે. તેથી બન્નેએ લૉકડાઉન દરમિયાન પણ નોકરી પર જવાનું હતું.

બીજી તરફ, મારાં મમ્મીને, કોરોના દર્દીઓની સારવાર માટે બનાવવામાં આવેલી ટીમમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. બધાને મારી નર્સ મમ્મીની ચિંતા થતી હતી. તેમને કારણે મને ચેપ લાગશે તેવો ડર બધાને હતો. તેથી મને મારાં નાનીને ત્યાં મોકલી આપવામાં આવ્યો હતો.

આ દિવસોમાં પપ્પા મને મળવા માટે કેટલીક વખત નાનીને ત્યાં આવ્યા હતા, પણ ઘરમાં આવતા ન હતા. તેઓ બહાર ઊભા રહીને જ વાતો કરતા હતા અને એ પછી ઑફિસે ચાલ્યા જતા હતા."

મા માટે બધા ચિંતિત

"પહેલા રાઉન્ડની ડ્યૂટી પૂર્ણ થયા બાદ મારાં મમ્મીને એક હોટલમાં ક્વોરૅન્ટીન કરવામાં આવ્યાં હતાં. એક મહિના સુધી હું તેમને જોઈ પણ શક્યો ન હતો. અમારો ત્રણ જણનો પરિવાર, પણ એ દિવસોમાં માત્ર પપ્પા જ ઘરે હતા. હું નાનીને ત્યાં અને મમ્મી હોટલમાં ક્વોરૅન્ટીનમાં.

સલામતીના કારણસર તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. દરેક વ્યક્તિ તણાવમાં હતી. મમ્મીના એક સાથી કર્મચારીને કોરોનાનો ચેપ લાગ્યાનું પૂરવાર થયું હતું. તેથી અમારો આખો પરિવાર તણાવમાં હતો.

હું મારાં મમ્મીને રોજ ફોનકૉલ કરતો હતો. ઘણી વાર વીડિયો કૉલ થતા હતા. મમ્મી નિરાશ અને એકલતાનો શિકાર બન્યાં હોય એવું મને લાગતું હતું. હું અને પરિવારના બીજા સભ્યો તેનું મનોબળ મજબૂત બનાવવાના પ્રયાસ કરતા હતા.

મમ્મી હસી પડે એવા જોક હું કરતો હતો, પણ મમ્મી દરરોજ એક ગંભીર જોખમનો સામનો કરતી હતી એ અમે આ વાત જાણતા હતા."

ટેસ્ટ રિઝલ્ટ નૅગેટિવ આવતા રાહત

"મમ્મીએ અમને ફોન પર જણાવ્યું હતું કે તેમના કોરોના ટેસ્ટનું પરિણામ નૅગેટિવ આવ્યું છે. અમે બધાએ રાહતનો શ્વાસ લીધો હતો. મમ્મી પર કોઈ જોખમ નથી એ વાતે અમે બધા ખુશ હતા.

માએ મને જણાવ્યું હતું કે એ થોડા દિવસ પછી આવશે અને અમને બધાને મળશે. 21 એપ્રિલે અચાનક તે નાનીને ત્યાં પહોંચી. ઘરની અંદર આવતાંની સાથે જ તેણે પોતાના હાથ અને મોં ઘોઈ નાખ્યા હતા. પછી તેને લૂંછીને સોફા પર બેસી ગઈ હતી.

હું બહુ ખુશ અને આશ્ચર્યચકિત હતો. મમ્મી આટલી જલદી ઘરે આવી જશે એ હું જાણતો ન હતો. હું જોરથી ભેટવા ઈચ્છતો હતો, પણ મમ્મીએ મને તેમનાથી દૂર રહેવા કહ્યું હતું.

મમ્મી પણ મને જોરથી ભેટીને જણાવવા ઇચ્છતી હતી કે એ મને કેટલો પ્રેમ કરે છે, પરંતુ તેઓ એવું કરી શક્યા નહીં. તેમ છતાં આટલા બધા દિવસો પછી તેમને સામે જોઈને અમને બધાને બહુ સારું લાગતું હતું."

મા સાથેની મુલાકાતનો દિવસ સૌથી શ્રેષ્ઠ

"2020ના વર્ષમાં એ મારો અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ દિવસ હતો.

હું તેમને કેટલો પ્રેમ કરું છું એ મને તે દિવસે ખબર પડી. મમ્મી-પપ્પા હવે મારી સાથે રહેશે એ વિચારીને હું ખુશ હતો, પણ એવું થયું નહીં. મમ્મી બે દિવસ બાદ પાછી ચાલી ગઈ હતી. તેમને બે સપ્તાહની ડ્યૂટી હતી અને એ પછી એટલા જ દિવસ તેમણે હોટેલમાં રહેવાનું હતું.

હું એમને જવા દેવા ઇચ્છતો ન હતો, પણ તેમનું જવું જરૂરી હતું, કારણ કે હોસ્પિટલમાં નર્સોની કમી હતી.

ફરજનું સ્થાન સર્વોચ્ચ હોય છે એ હું તેમની પાસેથી શિખ્યો છું. મારા પેરન્ટ્સ આટલાં જવાબદાર છે આ વાતનો એક પુત્ર તરીકે મને ગર્વ છે.

આજે આપણે ઘરે બેઠાં બોર થઈ રહ્યા છીએ. આપણને લાગે છે કે આપણા અધિકારો છીનવી લેવાયા છે, પણ કોરોનાનું ચક્ર તોડવા માટે આમ કરવું જરૂરી છે.

તમે જ્યારે કોઈ ફાલતુ કારણસર ઘરની બહાર નીકળો ત્યારે જરૂર વિચારજો કે મારી મમ્મી અને પપ્પા જેવા લોકો પોતાના પરિવારથી દૂર રહીને રાત-દિવસ ફરજ બજાવી રહ્યા છે, જેથી કોરોના સામે જંગ લડી શકાય.

આવા અનેક લોકો છે. તેઓ આપણી સલામતી માટે કામ કરી રહ્યા છે. ઘરની બહાર નીકળતા પહેલાં કોવિડ યોદ્ધાઓના પરિવારજનોનો વિચાર કરો. પરિવારજનો કોરોના યોદ્ધાઓના આરોગ્ય તથા સલામતી બાબતે ચિંતિત છે. ઘરે રહો, સલામત રહો."

(આ અહેવાલ મૂળે મે 2020માં પ્રકાશિત કરાયો છે.)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો