You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇન્ટરનેશનલ નર્સિસ ડે : જીવ જોખમમાં મૂકી ફરજ બજાવતાં કોરોના વૉરિયર
- લેેખક, સ્વામીનાથન નટરાજન
- પદ, બીબીસી ન્યૂઝ
દુનિયામાં કોરોના વાઇરસ સંક્રમણના ચાલીસ લાખથી વધુ કેસ બહાર આવી ચૂક્યા છે.
ઘણા દેશોની જાહેર આરોગ્યવ્યવસ્થા ભાંગી પડી છે અને હૉસ્પિટલો પરનો બોજ અચાનક વધી ગયો છે. આવા સમયમાં નર્સિસ એટલે કે પરિચારિકાઓનું કામ બહુ મહત્ત્વનું થઈ ગયું છે.
દર્દીઓને સ્નાન કરાવવાથી માંડીને તેમને સ્વચ્છ રાખવા તથા તેમના ખાવા-પીવા સુધીનું ધ્યાન રાખવાનું કામ નર્સો જ કરે છે. દર્દીઓની હાલત પર નર્સોની નજર હોય છે.
તેમ છતાં નર્સિંગના કામમાં આજે પણ વધુ પૈસા નથી મળતા અને નર્સિંગનું કામ કરતા લોકો દુનિયાના અનેક હિસ્સામાં જેટલો આદર મળવો જોઈએ એટલો મળતો નથી.
આંતરરાષ્ટ્રીય પરિચારિકા દિવસ નિમિત્તે બીબીસીએ ચાર અલગ-અલગ દેશનાં નર્સો સાથે, કોરોના વાઇરસના સંક્રમણની વિશ્વવ્યાપી સમસ્યાના દોરમાં તેમની સામેના પડકારો વિશે વાત કરી હતી.
આંતરરાષ્ટ્રીય પરિચારિકા દિવસ 12 મેના રોજ આધુનિક નર્સિંગનાં સંસ્થાપક ગણાતાં ફ્લોરેન્સ નાઇટિંગલની સ્મૃતિમાં ઊજવવામાં આવે છે.
આદિવાસી સમુદાયની સંભાળ રાખતાં નર્સ
શાંતિ ટેરેસા આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ પર રહેતા આદિવાસીઓ વચ્ચે કામ કરે છે. શાંતિ ટેરેસા જે આદિવાસી સમૂહો વચ્ચે કામ કરે છે, એ સમૂહના લોકોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે.
શાંતિ ટેરેસાએ કહ્યું હતું કે "અમારી પાસે કોરોનાના પહેલાં ચાર કેસ 24 માર્ચે આવ્યા હતા. એ વખતે હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા બે આદિવાસી દર્દીઓનો વિચાર મને તરત આવ્યો હતો. મેં તેમને હૉસ્પિટલમાંથી ઘરે ચાલ્યા જવા જણાવ્યું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ હૉસ્પિટલમાં જે બે દર્દીની સારવાર કરી રહ્યાં હતાં, તેમાં એક જારવા આદિવાસી સમૂહનો પાંચ વર્ષનો છોકરો હતો. એ ન્યુમોનિયાથી પીડાતો હતો.
એ ઉપરાંત શોમેન આદિવાસી સમૂહનાં એક મહિલા હતાં, જે પ્રજનનસંબંધી સારવાર માટે હૉસ્પિટલમાં હતાં.
જારવા સમુદાય
જારવા આદિવાસી સમુદાય બાબતે વિશ્વને 1997માં ખબર પડી હતી. આ જનજાતિના લોકો જંગલમાં રહે છે. વસ્ત્રોનો ઉપયોગ તેઓ જાણતા નથી અને શિકાર કરીને ગુજારો કરે છે.
પૉર્ટ બ્લેરથી 80 કિલોમીટર દૂર આવેલા જંગલમાં આ જનજાતિના લોકો રહે છે.
હૉસ્પિટલમાંથી પેલા પાંચ વર્ષના છોકરાને રજા આપ્યાના એક સપ્તાહ પછી શાંતિ તેને મળવા જંગલમાં ગયા હતા.
શાંતિ ટેરેસાએ કહ્યું હતું કે "છોકરો સંપૂર્ણપણે સાજો થઈ ગયો હતો. હું તેની ભાષામાં થોડીઘણી વાત કરી શકતી હતી. મેં તેને કહ્યું હતું કે તેણે જંગલમાં વધુ અંદર રહેવા ચાલ્યા જવું જોઈએ અને થોડા દિવસ ત્યાં જ રહેવું જોઈએ."
આ પ્રજાતિના લોકો માટે આઇસોલેશન હજારો વર્ષોથી કવચનું કામ કરતું રહ્યું હતું, પણ પાછલી સદીમાં થયેલા વિકાસે તેમની વસતી પર માઠી અસર કરી છે.
શાંતિના જણાવ્યા અનુસાર, જારવા સમુદાયમાં હવે માત્ર 450 લોકો જ બચ્યા છે.
શાંતિ ટેરેસાએ કહ્યું હતું કે "આ લોકોની રોગપ્રતિકારક શક્તિ બહુ નબળી હોય છે. કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવી એક જ વ્યક્તિ સમગ્ર સમુદાયને ચેપ લગાવી શકે છે."
ફ્લોરેન્સ નાઇટિંગલ ઍવૉર્ડ
શાંતિએ જણાવ્યું હતું કે મહામારીની અસર ઓછી થશે પછી શોમેન સમૂહની એ મહિલાનો ઇલાજ હૉસ્પિટલમાં ફરી શરૂ કરવામાં આવશે.
શોમેન જનજાતિ પણ જારવા જનજાતિની માફક નિકોબાર દ્વીપસમૂહની એક શિકારી જનજાતિ છે. તેમની વસતી પણ લગભગ જારવા સમુદાય જેટલી જ છે.
48 વર્ષીય શાંતિ ટેરેસાએ ભારતીય આરોગ્યવિભાગ સાથે જોડાઈને નર્સિંગનું શિક્ષણ લીધું હતું.
તેમને ફ્લોરેન્સ નાઇટિંગલ ઍવૉર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યાં છે. નર્સિંગ ક્ષેત્રે આપવામાં આવતું આ સૌથી મોટું સન્માન છે.
શાંતિએ કહ્યું હતું કે "જારવા સમુદાયના લોકોને મળવાનું, તેમના માટે એકદમ સલામતીભર્યું છે એ સુનિશ્ચિત થયા પછી જ હું તેમને મળવા જઈશ."
'અમારા કામને હવે સ્વીકૃતિ મળી છે'
સ્પેનમાં કાર્યરત એક નર્સ મારિયા મોરેનો ઝિમેનેઝે કહ્યું હતું કે "વાઇરસનો ચેપ એટલો આક્રમક રીતે અને ઝડપથી ફેલાયો છે કે અમારી પાસે તેની સામે લડવાની તૈયારી કરવાનો તથા આયોજન કરવાનો સમય જ ન હતો."
32 વર્ષીય મારિયા બાર્સિલોનાની એક હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં કામ કરે છે.
માર્ચમાં કોરોનાનો પ્રકોપ વધવાની સાથે જ મારિયા અને તેમની ટીમે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ બાબતે બે કલાકની તાલીમ લીધી હતી અને મેદાનમાં કૂદી પડ્યાં હતાં.
મારિયાએ બીબીસીને કહ્યું હતું કે "માર્ચના મધ્યમાં મેં કોરોનાના પહેલા દર્દીનો સામનો કર્યો હતો. તેઓ તેમના આયુષ્યના સાતમા દાયકામાં હતા. એક મહિનો સારવાર કર્યા પછી તેમનો જીવ બચાવી શકાયો હતો."
સામાન્ય જિંદગીમાં...
મારિયાએ કહ્યું હતું કે "મેં એ દર્દીને રિકવરી વૉર્ડમાં જોયા ત્યારે હું બહુ રાજી થઈ હતી. મેં તેમને જણાવ્યું હતું કે જે લોકોએ તેમની આઈસીયુમાં સારવાર કરી હતી એમાંની એક હું પણ હતી."
"તેઓ મારી વાત સંપૂર્ણપણે સમજ્યા ન હોય એ શક્ય છે. આઈસીયુમાં દર્દીઓને મહદંશે બેભાન હાલતમાં રાખવામાં આવતા હોય છે."
મારિયાએ કહ્યું હતું કે "ઘણા દિવસ આઈસીયુમાં પસાર કર્યા પછી સાજા થયેલા દર્દીઓને, તેઓ સાજા થઈ ગયા હોવા બાબતે સતત શંકા રહેતી હોય છે. દર્દીઓ ભાવુક થઈને નર્સનો આભાર માને એવી ફિલ્મી ઘટના સામાન્ય જીવનમાં બનતી નથી. આઈસીયુમાંથી બહાર નીકળ્યા બાદ દર્દીની હાલત પહેલાં જેવી હોતી નથી. તેમને ઘણું યાદ નથી રહેતું અને તેઓ વધુ વાતો પણ કરતા નથી."
"તેઓ તેમના ઘરે પાછા જઈ રહ્યા હતા એ જોઈને હું બહુ રાજી થઈ હતી."
મારિયાના પતિ પણ એ જ હૉસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે, જ્યાં મારિયા કામ કરે છે. તેમની સાથે કામ કરતા કેટલાક લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. એકનું મૃત્યુ થયું છે અને કેટલાકને હજુ પણ ચેપ લાગેલો જ છે.
દર્દીઓ ભૂલી જાય છે...
સ્પેનમાં આકરા લૉકડાઉન પછી લોકોએ તેમના ઘરની બાલ્કનીમાં આવીને કોરોના વૉરિયર્સ માટે તાળી પાડવાનું અને તેમનો જુસ્સો વધારવાનું પોતાના રૂટિનમાં સામેલ કરી લીધું છે.
મારિયાએ કહ્યું હતું કે "સ્પેનમાં હેલ્થકૅરને માત્ર ડૉક્ટરો સંબંધિત ગણવાનું ચલણ છે. લોકો ડૉક્ટરોનો આભાર માને છે, પણ નર્સ ભૂલી જાય છે."
આ મહામારી પછી પરિસ્થિતિ બદલાશે એવી મારિયાને આશા છે.
મારિયાએ કહ્યું હતું કે "જે લોકો હૉસ્પિટલમાં દર્દી તરીકે દાખલ થાય છે એ લોકો જ અમારા કામને સમજી શકે છે, પણ હવે દરેક લોકોને અમારા કામ વિશે ખબર પડી રહી છે."
"લોકો અમારા કામનાં વખાણ કરતાં થશે ત્યારે ખરેખર સારું લાગશે. હું માનું છું કે અમારા કામને આદર આપવા માટે લોકોએ અમને યાદ રાખવા જોઈએ અને અમારું નામ લેવું જોઈએ."
'બીજું કોઈ નહીં, માત્ર હું જ તેમની સાથે હતી'
ગેબ્રિયેલા સેરાનો અમેરિકામાં નર્સ તરીકે કામ કરે છે. કોરોના સંક્રમિત પહેલા દર્દીને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી એ દિવસને તેઓ યાદ કરે છે.
ગેબ્રિયેલાએ કહ્યું હતું કે "એ મહિલા બહુ ખુશ હતાં. હું વ્હિલચૅરમાં તેમને બહાર લાવી હતી. સૂર્યનો પ્રકાશ જોવામાં અને તાજી હવામાં શ્વાસ લેવામાં કેટલી મજા આવી રહી છે એની વાત તેમણે કરી હતી."
ગેબ્રિયેલા સાત વર્ષથી નર્સનું કામ કરી રહ્યાં છે. કોરોના મહામારી દરમિયાન તેમણે સાન ફ્રાન્સિસ્કોની બહારના વિસ્તારમાં આવેલી એક હૉસ્પિટલમાં કામ કર્યું હતું.
ગેબ્રિયેલાએ કહ્યું હતું કે "હું કોરોનાના જે બે દર્દીઓની સારવાર કરી રહી હતી, તેમની હાલત બહુ સારી નહોતી. બન્નેની વય 70 વર્ષથી વધુ હતી. બન્ને સાજા થઈ ગયા એ વાતથી મારી હિંમત વધી હતી."
જોકે, કોરોનાના દર્દી ન હોય એવા બે લોકોના પાછલા ત્રણ મહિનામાં થયેલા મૃત્યુના સાક્ષી ગેબ્રિયેલા બન્યાં છે.
છેલ્લા કેટલાક કલાક
મોતની અણી પર પહોંચેલા એક મહિલાની સારવારની વાત ગેબ્રિયેલાએ કહી હતી.
તેમણે કહ્યું હતું કે "પહેલા દિવસે તેઓ થોડું હલનચલન કરતાં હતાં, પણ બોલી શકતાં ન હતાં. હું શું-શું કરી રહી છું એ મેં તેમને જણાવ્યું હતું, પણ તેઓ મારી વાતનો જવાબ આપતાં ન હતાં. બીજા દિવસે તેઓ આંખ ખોલી શકતાં નહોતાં."
એ મહિલાને મળવાની પરવાનગી હૉસ્પિટલના વહીવટી તંત્રે તેમના પરિવારજનોને આપી હતી, પણ તેમના નજીકના પરિવારમાં કમનસીબે કોઈ નહોતું અને તેમના સૌથી ગાઢ મિત્રે હૉસ્પિટલથી દૂર રહેવાનું જ ઉત્તમ ગણ્યું હતું.
ગેબ્રિયેલાએ કહ્યું હતું કે "હું તેમની પાસે બેઠી હતી, તેમનો હાથ પકડીને. મેં તેમને કહેલું કે બધું ઠીક થઈ જશે.. એ પળે તેમની સાથે માત્ર હું જ હતી. તેઓ મારી વાત સાંભળી શકતા હતાં કે નહીં એ મને ખબર નથી, પણ મારાથી જે થઈ શક્યું એ મેં તેમના માટે કર્યું હતું."
વાઇરસના ચેપનો ભય
દર્દીની આટલી કાળજીપૂર્વક સારવાર કરવા છતાં ગેબ્રિયેલાની નોકરી બચી શકી નહોતી. તેઓ સમયાંતરે હૉસ્પિટલ સાથે કૉન્ટ્રાક્ટ પર કામ કરતાં રહ્યાં હતાં.
હૉસ્પિટલમાં બીજા રોગના દર્દીઓ ઓછા આવી રહ્યા છે, કેમ કે તેમને વાઇરસનો ચેપ લાગવાનો ભય છે.
ઇમરજન્સી ન હોય તો બીજા રોગના દર્દીઓ હૉસ્પિટલથી દૂર જ રહે છે. તેથી જે હૉસ્પિટલે ગેબ્રિયેલાને કામ પર રાખ્યાં હતાં તેમણે તેમને છૂટા કરી દીધાં હતાં.
ગેબ્રિયેલાએ કહ્યું હતું કે "એક મહિનામાં મને ફરીથી નોકરી મળી જવાની આશા છે."
ચારે બાજુ ભયનું વાતાવરણ
28 વર્ષના ઓસમંડ સ્લેસ્ટિન માંડા તાન્ઝાનિયાના સૌથી મોટા શહેર દારેસલામની હૉસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે.
તેમણે કહ્યું હતું કે "લોકો અમારી પાસે આવતાં ડરી રહ્યા છે, પણ એ સારું છે. આજના સમયમાં દરેકને માથે ભય તોળાયેલો છે."
જે હૉસ્પિટલમાં ઓસમંડ કામ કરે છે તેમાં કોરોનાના સંદિગ્ધ દર્દીઓનું સ્કેનિંગ કરવામાં આવે છે અને ત્યાં તેમને ક્વોરૅન્ટીનમાં રાખવામાં આવે છે.
તેમના જણાવ્યા મુજબ, હૉસ્પિટલમાં તકેદારી રાખવા છતાં ચારે બાજુ ભયનું વાતાવરણ છે.
ઓસમંડે કહ્યું હતું કે "થોડા દિવસ પહેલાં અહીં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. નવજાત શિશુને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને તેને આઈસીયુમાં રાખવામાં આવ્યું હતું. મહિલાના પતિ કોરોના સંક્રમણના ડરથી પોતાની પત્ની તથા બાળકને જોવા માટે હૉસ્પિટલમાં આવ્યા નહોતા. એ સમયે હૉસ્પિટલની નર્સોએ તે મહિલાને સધિયારો આપ્યો હતો."
દરેક સંભવિત પ્રયાસ
સત્તાવાર આંકડા અનુસાર, તાન્ઝાનિયામાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં લગભગ 20 લોકોનાં મૃત્યુ થયાં છે, પણ આંતરરાષ્ટ્રીય રિપોર્ટમાં એ બાબતે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઓસમંડે કહ્યું હતું કે "તેઓ કોરોનાથી બચવા માટે પોતાના પક્ષે શક્ય હોય એ તમામ પ્રયાસ કરી રહ્યા છે. અમારી સાથે કામ કરતા કેટલાક લોકોએ તેમના પરિવારને વતન મોકલી આપ્યો છે."
ઓસમંડ તેમના ભાઈના પરિવાર સાથે રહે છે, પણ તેઓ પોતાના રહેવા માટે બીજું ઘર શોધી રહ્યા છે, જેથી પોતાના પરિવારના લોકોને કોરોનાના જોખમથી બચાવી શકે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : આ વૈશ્વિક બીમારીનો અંત ક્યારે આવશે? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો