નરેન્દ્ર મોદીએ કરી જાહેરાત, વાવાઝોડામાં રાહત માટે કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળને 1 હજાર કરોડ આપશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અંફન ચક્રવાતના કારણે પશ્વિમ બંગાળમાં રાહત માટે 1 હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

કોરોના વાઇરસની મહામારી વચ્ચે બુધવાર સાંજે ત્રાટકેલા વાવાઝોડા અંફનને લીધે પશ્ચિમ બંગાળમાં 72 લોકોનાં મૃત્યુ થયાં છે.

કોરોના વાઇરસની મહામારી વચ્ચે બુધવાર સાંજે ત્રાટકેલા વાવાઝોડા અંફનથી પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં થયેલા નુકસાનનો અંદાજો મેળવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બન્ને રાજ્યોનો પ્રવાસ પર છે.

વાડા પ્રધાને પશ્ચિમ બંગાળમાં પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી રાહત અને બચાવની બેઠકમાં ભાગ લીધો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના વાઇરસના કારણે સોશિયલ ડિસ્ટસિંગના નિયમોનું પાલન કરીને અંફન ચક્રવાત સમયે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાં પશ્ચિમ બંગાળે મમતાજીના નેતૃત્વમાં સારી લડાઈ લડી છે. આ પ્રતિકૂળ સમયમાં અમે તેમની સાથે છીએ.

નરેન્દ્ર મોદી આજે અંફન વાવાઝોડા બાદ નિરીક્ષણ માટે પશ્વિમ બંગાળ પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે પશ્વિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજી, ગવર્નર જગદીપ ધનખર અને બીજા અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગત મે મહિનામાં દેશ ચૂંટણીઓમાં વ્યસ્ત હતી ત્યારે ઓડિશામાં વાવઝોડું આવ્યું હતું. હવે વર્ષ પછી વાવાઝોડાએ આપણા દરિયાકાંઠાના વિસ્તારોને અસર પહોંચાડી છે. પશ્વિમ બંગાળના લોકોને ખૂબ જ અસર પહોંચી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "હું પશ્ચિમ બંગાળના મારા ભાઈ બહેનોને ખાતરી આપું છું કે આ ખરાબ સમયમાં આખો દેશ તમારી સાથે છે."

નરેન્દ્ર મોદીએ કહ્યું કે મૃતકોનાં પરિવારજનોને 2 લાખની સહાય કરવામાં આવશે અને જે લોકો ગંભીર રીતે ઘાયલ છે એમને 50 હજાર સહાય કરવામાં આવશે.

એમણે એમ પણ કહ્યું કે નુકસાનના આકલન માટે કેન્દ્ર સરકાર વિસ્તૃત સરવે કરાવશે અને તે માટે ટીમ મોકલવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ વડા પ્રધાનને પશ્ચિમ બંગાળની મુલાકાત લેવાની અપીલ કરી હતી.

મુખ્ય મંત્રી મમતા બેનરજીએ જણાવ્યું છે કે મૃતકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે.

બુધવારે ત્રાટકેલા વાવાઝોડાને લીધે 'સિટી ઑફ જૉય'ના નામે પ્રખ્યાત કોલકતાનો ચહેરો સંપૂર્ણ રીતે બદલાઈ ગયો છે. કોલકતામાં 15 લોકોનાં મૃત્યુ થયાં છે.

રસ્તાઓ પર ઠેરઠેર પડેલાં હજારો વૃક્ષો, વીજળી અને કૅબલના તૂટેલા તાર અને થાંભલા, એકબીજા સાથે અથડાઈને ક્ષતિગ્રસ્ત થયેલાં વાહનો, ક્ષતિગ્રસ્ત મકાનો, રસ્તા પર વિખરાયેલા કાચ, મોટા ભાગના વિસ્તારોમાં વીજલી ડૂલ છે અને કોલકતા ઍરપૉર્ટ પર પૂર જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

એક તરફ જ્યાં ભારત અને બાંગ્લાદેશ કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યા છે અને આ સમયમાં પોતાના અર્થતંત્રને લૉકડાઉન બાદ ફરીથી પાટે લાવવા મથી રહ્યા છે ત્યાં જ આ કુદરતી આફતે બંને દેશોની મુશ્કેલીમાં પારાવાર વધારો કર્યો છે.

આ વાવાઝોડું જમીન પર ત્રાટકતાં ભારત અને બાંગ્લાદેશના પ્રભાવિત વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો.

સમાચારસંસ્થા એએફપી મુજબ આ ગત બે દાયકામાં ત્રાટકેલું સૌથી ખતરનાક વાવાઝોડું છે.

અંફન વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને અને બાંગ્લાદેશમાં ભારે નુકસાન પહોંચ્યું છે. હજારો ઘરો નષ્ટ થયા છે અને અનેક સ્થળોએ વૃક્ષો પડી ગયા છે.

સમાચાર સંસ્થા રૉયટર્સ મુજબ અંફન વાવાઝોડાને લીધે પશ્ચિમ બંગાળમાં 165 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો અને મિટર જેટલી ઊંચી દરિયાની લહેરો કાંઠે ત્રાટકી.

સમાચાર સંસ્થા રૉયટર્સ મુજબ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું કે રાજ્યના બે જિલ્લા અંફનને કારણે ખરાબ રીતે અસર પામ્યા છે અને અનેક વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે. અહીં અત્યાર સુધી 10 લોકોનાં મૃત્યુ થયા છે.

એમણે કહ્યું કે, અત્યાર સુધી 5 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર લઈ જવામાં આવ્યા છે. તોફાનને કારણે અનેક વિસ્તારોમાં ભારે તબાહી થઈ છે. મારું માનવું છે કે આને કારણે થયેલું નુકસાન કોરોના કરતાં પણ વધારે હશે.

અધિકારીઓનું કહેવું છે કે નુકસાનનું યોગ્ય આકલન લગાવવામાં આજનો દિવસ જશે.

બાંગ્લાદેશની ખરાબ સ્થિતિ

બાંગ્લાદેશે કહ્યું છે કે આ તોફાનને કારણે સુંદરવન ડેલ્ટા વિસ્તારમાં મૅન્ગ્રૂવના જંગલોનો નાશ થયો છે અને હજી ત્યાંથી કોઈ વધારે માહિતી આવી શકી નથી.

બાંગ્લાદેશના હવામાન વિભાગના પ્રમુખ શમસુદ્દીન અહમદે કહ્યું કે દરિયાકિનારે સાતકિરા જિલ્લામાં 151 કિલોમિટરની ઝડપ સાથે પવન અને વરસાદે ભારે તબાહી મચાવી છે.

બાંગ્લાદેશમાં 30 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

જોકે, જાણકારો રાહત અને બચાવકાર્યમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં થઈ રહ્યું હોવાની કફોડી સ્થિતિ પણ જણાવે છે.

અધિકારીઓએ કહ્યું કે અહીં અત્યાર સુધી 12 લોકોનાં મૃત્યુ થયા છે જેમાં એક પાંચ વર્ષીય બાળકોન અને એક રાહતકામમાં જોડાયેલી વ્યક્તિનો પણ સમાવેશ થાય છે.

ફૉર્સેટ ચીફ મોઇનુદ્દીન ખાને સમાચાર સંસ્થા એએફપીને કહ્યું કે આ વાવાઝોડાએ કેટલું નુકસાન કર્યું છે તેનો અંદાજો પણ હાલ તો લગાવી શકાય એમ નથી. તોફાનને કારણે અનેક જાનવરો પાણીમાં વહી ગયા હોય એમ પણ બની શકે છે.

નોંધનીય છે કે કોરોનાને કારણે સ્થાનિક અધિકારીઓને અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય તેવા સમાચારો સામે આવી છે.

તેમજ આ આપદાથી લોકોને બચાવવા માટે અત્યારની પરિસ્થિતિમાં શૅલ્ટર હોમ્સ પણ પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાની ફરિયાદો ઊઠી છે.

નોંધનીય છે કે કોરોના વાઇરસને કારણે ભારતનાં અન્ય રાજ્યોમાંથી ભારતના પૂર્વ છેડે આવેલા ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પ્રવાસી મજૂરોનાં ટોળેટોળાં આવવાનું ચાલુ છે, તેવા સમયે આ કુદરતી આફત ત્રાટકતાં સ્થાનિક તંત્ર અને સરકારો મુશ્કેલીમાં મુકાઈ છે.

અંફન વાવાઝોડું એ બંગાળના અખાતમાં પેદા થયેલ વર્ષ 1999 પછીનું સૌથી ભયાનક વાવાઝોડું હોવાનું મનાઈ રહ્યું છે.

નોંધનીય છે અંફન વાવાઝોડું બુધવારે બપોરે ભારત અને બાંગ્લાદેશની સરહદે આવેલા 40 લાખ વસતિ ધરાવતા સુંદરવન વિસ્તારમાં ત્રાટક્યું હતું.

એ સમયે આ વિસ્તારમાં હવાની ગતિ 185 કિમિ પ્રતિ કલાક નોંધવામાં આવી હતી. ગુરુવારે તે બાંગ્લાદેશ અને ભૂટાન તરફ આગળ વધે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે.

હવામાનવિભાગના નિષ્ણાતોએ અંફનની અસરને કારણે વધુ 300 મિલિમિટર વરસાદની આગાહી કરી છે, જે કારણે પ્રભાવિત વિસ્તારોમાં પૂરનું જોખમ વધી જશે.

ક્યાંક વરસાદ મોડો આવશે તો ક્યાંક પૂરનો ભય

સુપર સાયક્લોન અંફનને કારણે ભારતમાં વરસાદના આગમન ઉપર અસર પડી શકે છે અને દેશમાં અપેક્ષા કરતાં ચોમાસું મોડું બેસશે એમ કહેવાઈ રહ્યું છે તો બાંગ્લાદેશમાં વધારે વરસાદથી પૂરની સ્થિતિ પણ ઊભી થાય એવો ભય સેવાઈ રહ્યો છે.

ભારતીય હવામાન ખાતાના વડા મૃત્યુંજય મોહપાત્રાના કહેવા પ્રમાણે:

"અંફનને કારણે કેરળના દરિયા કિનારે ચોમાસાનું આગમન થોડું મોડું થશે. ઉષ્ણકટિબંધીય ચક્રવાતને કારણે ચોમાસું તા. પાંચમી જૂને કેરળના તટીય વિસ્તારોમાં પહોંચે તેવી સંભાવના છે."

પશ્ચિમ બંગાળના ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, પૂર્વ-પશ્ચિમ મિદનાપોર, કોલકત્તા, હુગલી અને હાવડાને અસર પહોંચી શકે છે.

ઓડિશામાં આઈ.એમ.ડી.ના ડેપ્યુટી ડાયરેક્ટર ઉમાશંકર દાસના કહેવા પ્રમાણે: "અંફન સુપર સાયક્લોનના સ્વરૂપમાં ભદ્રક બાલાસોર, મયુરભંજ, કેન્દર્પારા,જાજપુર તથા જગતસિંહપુર જિલ્લાને મહત્તમ અસર કરે તેવી શક્યતા છે."

અંફન, ગુજરાત અને ગરમી

ભારતીય હવામાન ખાતાની આગાહી પ્રમાણે, ઉત્તર-પશ્ચિમ ભારત, મધ્ય ભારત તથા ગુજરાતમાં નીચેના સ્તરે ઉત્તર-પશ્ચિમી હવા અને હવામાનને કારણે ગુરુવાર સુધી ગુજરાત, રાજસ્થાન તથા પશ્ચિમ મધ્ય પ્રદેશમાં હિટવૅવ અનુભવાશે.

આ સિવાય ગુરુવાર તથા શુક્રવાર દરમિયાન પૂર્વ મધ્ય પ્રદેશ તથા વિદર્ભ (મહારાષ્ટ્ર)માં હિટવૅવ અનુભવાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો