નરેન્દ્ર મોદીની ટ્રમ્પ સાથે દોસ્તી પણ અમેરિકન કંપનીઓ ભારતને બદલે ઇન્ડોનેશિયા ભણી કેમ ગઈ?

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ.
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ઇન્ડોનેશિયા દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં અમેરિકન કંપનીઓને આકર્ષવામાં મેદાન મારી ગયું છે. આમ કેમ બન્યું તે થોડો વિચાર માગી લે છે.

ફેબ્રુઆરીની 24-25 તારીખે અમદાવાદમાં અમેરિકન પ્રમુખને સત્કારવા હૈયે હૈયું દળાય તેટલી જનમેદની એકઠી થઈ હતી. આપણા વડા પ્રધાન અને ટ્રમ્પની દોસ્તીને આવકારવા માનવમહેરામણ હિલોળે ચઢ્યો હતો.

ટ્રમ્પે ભારત આગમન પહેલાં કહ્યું હતું કે “US is not treated well by India, but I like PM Modi a lot: Donald Trump”.

ટ્રમ્પને ભારતની મહેમાનનવાજી મંજૂર છે, પણ ભારતની સાથે વ્યાપારિક સંબંધો બાબતે તેમણે ભારત આવતાં કહેલા શબ્દો યાદ રાખવા જેવા છે.

ચીનમાંથી અમેરિકન કંપનીઓનું સ્થળાંતર

આજે ઘણી અમેરિકન કંપનીઓ ચીનમાંથી સ્થળાંતર કરી રહી છે. અપેક્ષા હતી તે ભારતમાં પોતાના ડેરા-તંબુ નાખશે પણ થયું ઊલટું.

ઘણી અમેરિકન કંપનીઓ વિયેતનામ, થાઇલૅન્ડ, તાઇવાન ગઈ અને હવે ઇન્ડોનેશિયા જેવા દેશોમાં પોતાની ફૅક્ટરીઓ પુનઃસ્થાપિત (રીલૉકેટ) કરી રહી છે.

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ રોકાણમંત્રી, લુહૂટ બિન્સર પંડજૈતાને યુએસ કંપનીઓ સાથે લોબિંગ કરી આકર્ષક ઑફર કરતાં 27 જેટલી અમેરિકન કંપનીઓનું ચીનથી ઇન્ડોનેશિયામાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

યુએસએ અને ચીન વચ્ચેના સંઘર્ષને કારણે ઇન્ડોનેશિયાને મોટો ફાયદો થયો છે. યુરોપિયન અને જાપાનની કંપનીઓ પણ ચીનથી બહાર જઈ રહી છે.

ભારત સરકારે પણ આકર્ષક ઑફર સાથે અમેરિકા, જાપાન અને અન્ય દેશો સાથે લોબિંગ કર્યું છે, પરંતુ સૌથી વધારે ફાયદો ઇન્ડોનેશિયાને થયો છે.

આમ, ચીનથી યુએસ ફૅક્ટરીઓના સ્થળાંતર માટેના મુખ્ય સ્થળ તરીકે ઇન્ડોનેશિયાએ દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો પરની લડાઈ જીતી લીધી.

ભારતમાં ચીનથી આવનાર અમેરિકન, જાપાનીઝ અને કોરિયન તેમજ અન્ય દેશોની મળીને 1,000 કંપનીઓ રોકાણ કરવાની છે તેવી વાત હતી.

તેને પગલે-પગલે ભારતે જુદાંજુદાં રાજ્યોમાં 10 મેગા ક્લસ્ટરનું લિસ્ટ તૈયાર કર્યું છે જે ખાસ કરીને દેશના મુખ્ય શહેરી વિસ્તારોમાં સ્થપાશે.

આમ, રોકાણો આકર્ષવા માટેની આકર્ષક નીતિ અને ટૅક્સ ઇન્સેન્ટિવ આપવાની ઑફરનો પણ તેમાં સમાવેશ થાય છે.

જોકે, ગઈ કાલના એક અંગ્રેજી અખબારમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ ચીનથી અન્ય દેશો તરફ સ્થળાંતરિત થતી કંપનીઓને વધારાના ટૅક્સની ચીમકી આપી હતી.

'મોદીનો કંપનીઓને આકર્ષવાનો પ્લાન ચોપટ'

તાજેતરમાં અમેરિકન ઍપલ કંપની ભારતમાં પોતાનું મૅન્યુફૅક્ચરિંગ યુનિટ સ્થળાંતરણ કરવા માગતી હતી, પરંતુ તે કોઈ નિર્ણય લે તે પહેલાં ટ્રમ્પે કંપનીને વધારાના ટૅક્સ નાખવાની ઘમકી આપી હતી.

આથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકાની કંપનીઓને આકર્ષવાનો પ્લાન ચોપટ થઈ ગયો.

ટ્રમ્પે કહ્યું હતું કે જે અમેરિકન કંપની અમેરિકા સિવાય અન્ય દેશોમાં પોતાના એકમો સ્થાપશે તો તેના ઉપર વધારાનો ટૅક્સ લાગશે. આમ, અમેરિકન કંપનીઓને આકર્ષવાનું સપનું રોળાઈ ગયું છે.

બીજી બાજુ અમેરિકાએ ચીનથી મોટા પાયે અમેરિકન કંપનીઓને ઇન્ડોનેશિયા તરફ સ્થળાંતરણ કરવાની વાત કરી છે.

રાષ્ટ્રપતિ જોકો વિડોડોના વહીવટ હેઠળના ઇન્ડોનેશિયાએ ચીનની લગભગ તમામ અમેરિકી કંપનીઓને કબજે કરવા માટે ખૂબ જ આક્રમકતા દાખવીને વિવિધ આકર્ષક ઑફર્સ સાથે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ અને યુએસ કંપનીઓના તમામ વડાઓ સાથે સીધી વાતચીત કરવા સહિતના યુએસ બહુરાષ્ટ્રીય કંપનીઓને કબજે કરવામાં સફળ થયા છે.

મધ્ય જાવામાં આવેલું બ્રિબ્સ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક જે આશરે 4000 હેક્ટર જમીન ધરાવે છે ત્યાં યુએસની ફૅક્ટરીઓને સ્થળાંતરિત કરવામાં આવશે ત્યાં અન્ય 25 જેટલાં ઔદ્યોગિક ક્ષેત્ર પણ છે.

ચીનની નજીકની ભૌગોલિક સ્થાન તરીકે અને સસ્તી મજૂરીને કારણે વિયેતનામની પસંદગી કોઈ ચીની કંપની દ્વારા કરવામાં આવી હતી, ત્યારે ઇન્ડોનેશિયાએ તેની વિશાળ મૅનપાવર, સારી માળખાગત સુવિધાઓ અને ઉદ્યોગો માટેની જમીન અને અન્ય પ્રોત્સાહનોને કારણે યુનાઇટેડ સ્ટેટ્સને ચીનમાંથી ઇન્ડોનેશિયા તરફ તેની કંપનીઓને સ્થળાંતરિત કરવા મજબૂર કર્યું હતું.

ઇન્ડોનેશિયાને પસંદ કરવાનું કારણ શું?

વિયેતનામમાં ચીની માલિકીની કંપનીનું વર્ચસ્વ પણ અમેરિકન કંપનીઓને ઇન્ડોનેશિયાને પસંદ કરવાનું કારણ છે.

ઇન્ડોનેશિયા (યુએસ કંપની) અને વિયેતનામ (ચીની કંપની) યુએસ-ચીન સંઘર્ષ વચ્ચેના સંઘર્ષનું પરિણામ છે, તો બીજી તરફ વડા પ્રધાન મોદીની ટ્રમ્પ સાથેની દોસ્તી કામ આવી નહીં.

પીટી કવાસન ઇન્ડસ્ટ્રી વિજયકુસુમા (કેઆઈડબ્લ્યુ)એ સૅન્ટ્રલ જાવાના બ્રિબ્સ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ (કેઆઈબી)ના રાજ્યની માલિકીની ડેવલપર તરીકે, ચાઇનાથી ફૅક્ટરીઓને સ્થળાંતર કરવાની યોજના ઘડી રહેલા યુએસ ફૅક્ટરીઓને આવકારવાની તૈયારી દર્શાવી હતી.

સરકારે સૅન્ટ્રલ જાવાના બ્રિબ્સનની આકર્ષક સ્થળ તરીકે પસંદગી કરી છે.

રાષ્ટ્રપતિએ મેરિટાઇમ ઇન્વેસ્ટમેન્ટના સંકલન પ્રધાન લુહૂટ બિન્સર પંડજૈતાને ડોનાલ્ડ ટ્રમ્પ ટીમ સાથે સંકલન સોંપ્યું હતું અને તેમણે સૅન્ટ્રલ જાવા ખાતેના બ્રેબેઝમાં 4,000 હેક્ટર જમીનની તૈયારી કરી હતી.

2019માં ઇન્ડોનેશિયાનો ચાઇના સાથેનો અનુભવ કડવો રહ્યો હતો. ચીનથી સ્થળાંતર કરતી 33 કંપનીઓમાંથી કોઈએ ઇન્ડોનેશિયામાં પ્રવેશ કર્યો નહોતો, જેમાંથી 23 કંપનીએ તો વિયેતનામમાં સ્થળાંતરણ કર્યું હતું.

આ બાબતને ધ્યાનમાં લઈ ઇન્ડોનેશિયા સતર્ક થઈ ગયું અને તેને અમેરિકી કંપનીઓને આકર્ષવા વિવિધ પગલાં લીધાં અને સાનુકૂળ વાતાવરણને કારણે ચીનમાંથી ઇન્ડોનેશિયા તરફ રોકાણ વધ્યું.

આમ, ઇન્ડોનેશિયાએ રાજદ્વારી રીતે અને ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ અને પૉલિસી અમલમાં મૂકતાં તે સફળ રહેવા પામ્યું હતું.

'સૅન્ટ્રલ જાવામાં ઉદ્યોગોને લાઇસન્સ આપવાની સિસ્ટમ સારી'

જે જગ્યાએ ચીનથી અમેરિકન ઉદ્યોગો સ્થળાંતરિત થવાના છે તે બ્રેબ્સન તેના વ્યૂહાત્મક સ્થાનને કારણે ખાસ ફાયદો ધરાવે છે.

ત્યાં સક્રિય ટ્રેન લાઇન, પેન્ટુરા લાઇન દ્વારા પસાર થાય છે અને ટ્રાન્સ જાવા ટોલ રોડ પ્રવેશની નજીક છે. વળી સૅન્ટ્રલ જાવામાં ઉદ્યોગોને લાઇસન્સ આપવાની સિસ્ટમ પણ ઘણી સારી છે.

આ સ્થળ ખાસ કરીને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે એક વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર બનશે એવું ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિનું કહેવું છે.

આમ થવાથી ભવિષ્યમાં ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે જરૂરી કાચો માલ આપણે ઇન્ડોનેશિયાથી મંગાવવો પડશે.

હવે અમેરિકા આ અંગે શું રણનીતિ અખત્યાર કરશે તે તો સમય જ બતાવશે, પરંતુ અત્યાર સુધી આપણે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે જરૂરી કાચો માલ ચીનમાંથી આયાત કરતાં હતા.

જ્યારે વડા પ્રધાન મોદીએ સ્વાશ્રયતા તરફનું વલણ અખત્યાર કરવાની વાત કરી છે ત્યારે આપણે ફાર્મા માટે જરૂરી કાચો માલ પણ દેશમાં જ બનાવવો જોઈએ.

'આપણે આત્મમંથન કરવું જોઈએ'

ઇન્ડોનેશિયામાં જે ડેવલપમૅન્ટ થઈ રહ્યું છે તેની શરૂઆત ત્યારે થઈ જ્યારે મેરિટાઇમ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટના સંકલન પ્રધાન લુહૂટ બિન્સર પંડજૈતાને રાષ્ટ્રપતિ જોકોવી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની 'ગુપ્ત' વાતચીત વિશે વાત કરી.

જોકોવીએ યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ)ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઇન્ડોનેશિયામાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે રોકાણની તકો વિશે ચર્ચા કરવા વિશે વાત કરી, કારણ કે 90% ફાર્માસ્યુટિકલ કાચા માલની આયાત કરવી જ જોઈએ.

લુહૂટે કહ્યું કે સરકાર મધ્ય જાવામાં 4000 હેક્ટર જમીન તૈયાર કરી રહી છે. જમીનને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે વિશેષ આર્થિક ક્ષેત્ર માટે ખાસ પ્રદાન કરવામાં આવી હતી.

4000 હેક્ટરના ઔદ્યોગિક ક્ષેત્ર વિશે લુહૂટનું નિવેદન બ્રેબેઝના ઔદ્યોગિક ક્ષેત્રમાં વિશિષ્ટ છે, કારણ કે કેન્ડલમાં ઔદ્યોગિક વસાહતનું ક્ષેત્રફળ ફક્ત 2,200 હેક્ટર છે.

ઉદ્યોગમંત્રી એગસ ગુમિવાંગના જણાવ્યા અનુસાર, અગાઉ 2020-2024માં 27 નવી ઔદ્યોગિક વસાહતો તૈયાર થશે.

ઔદ્યોગિક એસ્ટેટ દ્વારા વિકસિત કરવાનાં ક્ષેત્રોમાંનું એક મધ્ય જાવા બ્રિબ્સ છે અને એક મદુરામાં બાકીના 25 જાવાના બહારના ઔદ્યોગિક વિસ્તારોમાં નિર્દેશિત છે.

આમ, ઇન્ડોનેશિયાની સરકારની સતર્કતા અને ત્યાંની ઔદ્યોગિક નીતિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરે અમેરિકન કંપનીઓને આકર્ષવામાં મદદ કરી છે. જ્યારે આપણે ઝાઝું આગળ વધી શક્યા નથી. આ માટે કયાં કારણો છે તે આત્મમંથન માગી લે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો