નરેન્દ્ર મોદી સરકારનું રૂ. 20 લાખ કરોડનું પૅકેજ અર્થતંત્ર માટે બૂસ્ટર ડોઝ બનશે?

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોના સામે ઝઝૂમી રહેલ દેશની કકડભૂસ અર્થવ્યવસ્થાને સંજીવનીનો ડોઝ આપવાના આશયથી સ્વતંત્ર ભારતની અર્થવ્યવસ્થાના ઇતિહાસમાં ક્યારેય નહોતું આવ્યું એવું 20 લાખ કરોડનું કુલ જી.ડી.પી.ના 10 ટકા જેટલું મોટું પૅકેજ જાહેર કરીને અર્થવ્યવસ્થાને જાણે ઇન્જેક્શન આપ્યું છે.

આ જાહેરાત જે પ્રમાણે કરવામાં આવી છે તેનો પ્રમાણિકતાપૂર્વક અમલ કરવામાં આવશે અને જે કહ્યું છે તે મુજબ થશે તો 21મી સદીમાં દેશની અર્થવ્યવસ્થા મોટી છલાંગ લગાવશે.

જો આવું નહીં થાય તો 'ઇફ યૂ વોન્ટ ટુ ફિનિશ એ બેડ પ્રોડક્ટ અર્લી ઍડવર્ટાઇઝ ઇટ' એ સિદ્ધાંતને અનુસરીને ભારતીય અર્થવ્યવસ્થા સુસ્ત રહેશે અને એક મોટો અવસર ગુમાવી દીધાનો અફસોસ આ કાળખંડને અંકિત કરતો રહેશે.

આ લેખમાં પૅકેજના આંકડા અને ઝીણામાં ઝીણી વિગતોથી દુર રહીને માત્ર આ પૅકેજનો ઉદ્દેશ્ય, અપેક્ષાઓ અને એની સામેના પડકારો વિશે કેટલીક સરળ વાતો કરવી છે.

આ પૅકેજ રજૂ કરતા વડાપ્રધાન મોદીએ ભારતને આત્મનિર્ભર બનાવવાનું સ્વપ્ન વાગોળતાં પોતાનું રાષ્ટ્રજોગું સંબોધન શરૂ કર્યું, ત્યારે તેમાં જે ઉદ્દેશ્યો રજૂ કર્યા, તે સંક્ષિપ્તમાં નીચે મુજબ હતા.

નાની નહીં હરણફાળ

ટૂંટિયુંવાળીને સંકોચાઈ ગયેલી ભારતીય અર્થવ્યવસ્થા એક જબરદસ્ત હરણફાળ ભરે. લાંબા સમયથી દબાણ હેઠળ રહેલી અર્થવ્યવસ્થાને કોરોના અને લૉકડાઉનના ભારથી વધુ દબાયેલી અર્થવ્યવસ્થાને ફરી બેઠી કરી, મેં જેને 'હરણફાળ' અર્થાત્ અંગ્રેજીમાં Quantum Jump મારવા માટે પ્રાણ ફૂંકવા અને સક્ષમ બનાવવી એ આ પૅકેજનો પહેલો ઉદ્દેશ છે.

આંતરરાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર

ત્યારબાદ વિશ્વના અગ્રીમ દેશોમાં હયાત આંતરમાળખાકીય સવલતો જેમાં ટ્રાન્સપૉર્ટ, આરોગ્ય, શિક્ષણ, હાઉસિંગ, કુલ મિલાકે જીવન ધોરણની ગુણવત્તા માટે જરૂરી પેયજલ, સૅનિટેશન, ઊર્જા વગેરે ક્ષેત્રે આ દેશની આંતરમાળખાકીય સવલતો આધુનિક ભારતની મિસાલ બને. આનો અર્થ એ થાય કે હ્યુમન ડેવલપમૅન્ટ ઇન્ડેક્સથી માંડીને દરેક ક્ષેત્રે ભારત વિકસિત રાષ્ટ્રોનું બરોબરી કરતું થાય.

ટેકનૉલૉજીનો ટંકાર

વ્યવસ્થાતંત્ર જે ટેકનૉલૉજીથી ચાલિત હોય અને 21મી સદીમાં ગૌરવપૂર્ણ હાજરીમાં નોંધાવવાનું આપણું શમણું પૂરું કરે. વીસમી સદીના મહાન ચિંતક એલ્વિન ટોફલર કે આજના ફ્યૂચરૉલૉજિસ્ટ મિસિયો કાકુનો જ્ઞાન આધારિત વિશ્વ અને સમાજ વ્યવસ્થાનો બેવડો સંકલ્પ એક સાથે સિદ્ધ કરવામાં આવે.

ટોફલરે કહ્યું છે કે 'દરેક ક્ષેત્રે ટેકનૉલૉજી પગપેસારો કરી રહી છે. ટેકનૉલૉજીનું હાઇબ્રિડ મિશ્રણએ જીવનની પ્રણાલી બની જશે. જે તેને સ્વીકારશે, તેઓ આગળ વધશે અને જે નહીં સ્વીકારે તેઓ ડાયનાસોરની જેમ લુપ્ત થઈ જશે.'

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ સંકલ્પમાં ટેકનૉલૉજી સંચાલિત અને આધારિત વ્યવસ્થાઓવાળું ભારત ડોકાબારી કરતું હતું. જે રીતે ગામડાંમાં સરેરાશ માણસોએ પણ મોબાઇલ, ઇન્ટરનેટ, મશીનથી ચાલતા વાહનોનું સંચાલન અને મરમ્મત જેવી ટેકનૉલૉજી ઉપર મહારત હાંસલ કરી છે, તે જોતાં ભારતના છેવાડાના ખૂણામાં બેઠેલા સામાન્ય માણસ પાસે સાનુકૂળ વાતાવરણ મળે તો આ સંકલ્પને સાકાર કરવાની ક્ષમતા ધરબાયેલી પડી છે.

ડેમૉગ્રાફિક ડિવિન્ડ કે ડિઝાસ્ટર?

આપણી જનસંખ્યા/વસતી આપણને આત્મનિર્ભર બનવાની શક્તિ પૂરી પાડે. અંગ્રેજીમાં જેને 'ડેમૉગ્રાફિક ડિવિડન્ડ' કહે છે તેની આ વાત છે. આટલી મોટી વસતીને કારણે જ ભારત વિશ્વનું સૌથી મોટું મુક્ત બજાર બન્યું છે, ઘરઆંગણે મોટી ખરીદશક્તિ ઊભી થઈ છે.

70 ટકાથી વધુ વસતી 35 વરસથી નીચેની હોય અને સરેરાશ વય 30 વરસની આસપાસ હોય એવો ભારત માનવબળની ધુંવાધાર તાકાત ધરાવતો દેશ છે. બીજી બાજુ, આટલી મોટી શક્તિ જેને લગભગ 'બ્રૂટ ફોર્સ' કહી શકાય તેને જો સાચા કામ માટે જોતરવામાં ન આવે, તો આ વરદાન 'ડેમૉગ્રાફિક ડિવિડન્ડ'માંથી 'ડેમૉગ્રાફિક ડિઝાસ્ટર' બની જતાં વાર ના લાગે.

આવું ન થાય અને આ પૅકેજનું ચોથું ધ્યેય તે માટે પ્રધાનશાસકે દેશના બાબુતંત્રથી લઈને પ્રજાને પોતાની દૃષ્ટિક્ષમતા તેમ જ દરેક પ્રકારના માનવ સંસાધનોને સંકલિત કરીને હકારાત્મક ઊર્જાનો ધોધ પેદા કરવા માટે અસરકારક નેતૃત્વ પૂરું પાડવું પડશે.

બીજા વિશ્વયુદ્ધમાં ચર્ચિલનું ટાઇટલ હતું 'વૉર પ્રાઇમ મિનિસ્ટર'. એણે પોતાની દૃઢ નિર્ણયશક્તિ, ક્ષમતા અને દૃષ્ટિથી બીજા વિશ્વયુદ્ધને નિર્ણાયક યુદ્ધ તરફ દોરવામાં અને બ્રિટનને ગૌરવ અપાવવામાં જે ફાળો આપ્યો તે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે.

દેશના નેતૃત્વ માટે આજની આપત્તિ 'નવચેતના અને પુનરુત્થાન'ની તક લઈને આવી છે. વિશ્વના અનેક મહાન નેતાઓ જેમણે પોતાના દેશને રાખમાંથી ઊભો કર્યો, કોરોનાએ તેમની હરોળમાં સ્થાન લેવા માટેનું નિમંત્રણ સમાન છે.

વિશ્વાસની વાત અને વાટ

માંગ અને પુરવઠાની સાયકલ પુનઃજીવિત થાય, સપ્લાય ચેઇન પુનઃસ્થાપિત થાય અને એ રીતે ઉત્પાદનથી માંડી ઉપભોક્તા સુધી બધા નવસર્જિત આત્મવિશ્વાસ સાથે અર્થવ્યવસ્થાને પુનઃવેગવંતી બનાવવામાં નિમિત્ત બને તે વડા પ્રધાનના ઉદ્દેશનો પાંચમો ખંડ છે.

આ બધું કરવા માટે વડા પ્રધાન કહે છે કે લૅન્ડ, લેબર, લિક્વિડીટી અને લૉ આ ચારેય ક્ષેત્રમાં પ્રાણ ફૂંકવો પડશે, રસ્તામાં આવતા અવરોધો દૂર કરવા પડશે અને વિશ્વ સમૂહમાં ભારતનું સ્થાન અગ્રિમ હરોળમાં હોય તેના માટે કવાયત આરંભવી પડશે.

1929ની મહામંદી સાથે સરખાવી શકાય એવી મોટી આપત્તિ અને એમાં પાછો કોરોના વાઇરસ - આ ટેસ્ટ મૅચ છે, 20-20ના મૂડથી ફટકાબાજી નહીં કરી શકાય. વડા પ્રધાન સામેનો મોટો પડકાર પ્રજાના આત્મવિશ્વાસને જાગૃત કરવાનો છે.

કોરોના 'કાળ' અને કાલ

નાના વેપારી હોય કે નાનો ઉદ્યોગપતિ એની પાસે પૈસાની તંગી છે, મધ્યમ વર્ગની બચત ઘસાઈ રહી છે, શ્રમિકો મોટાપાયે સ્થળાંતર કરી ગયાં છે અને હજુ પણ સ્થળાંતર કરી રહ્યાં છે.

એક હદ સુધી કોરોનાના પ્રભાવને નાથી શકાયો છે પણ ડૉ. ગુલેરિયા જેવા નિષ્ણાતના મતે આ લડાઈ લાંબી ચાલવાની છે.

સોશિયલ ડિસ્ટન્સિંગથી માંડી માસ્ક પહેરવા, ટોળે ન વળવું, કામ વગર બહાર ના નીકળવું, જેવી કોરોનાના પ્રસારને નાથવા માટેની સાવ સરળ અને છતાંય રામબાણ વાત પાળવા માટેની પ્રજાકીય શિસ્ત કેળવાય તે જરૂરી છે.

પૅકેજ અને પૅકેજ અને...

છેલ્લે આ પૅકેજમાં અગાઉનાં બે પૅકેજ સામેલ છે, જેની કુલ રકમ અંદાજે સાત લાખ 80 હજાર કરોડ થાય છે એટલે બાકી રહેલા 13.2 લાખ કરોડ કોને અને કઈ રીતે મળવાના છે તેની વિગતો ઉપલબ્ધ થયેથી તે વિશે ચર્ચા કરીશું.

અગાઉનું પૅકેજ હજુ સુધી અપેક્ષિત અસર ઊભી કરવામાં નિષ્ફળ રહ્યું છે. તે નાના ઉદ્યોગો, નાના વેપારી, મોટો મધ્યમ વર્ગ, કોરોનાના લૉકડાઉનને કારણે 10 કરોડથી વધુ સંખ્યામાં ગરીબીની રેખા નીચે ધકેલાઈ ગયેલ જનસંખ્યા, જે પાક તો મબલખ પકવે છે પણ વેચી શકતો નથી એવો આપણો મજબૂર જગતનો તાત ખેડૂત, નાના શ્રમિકો અને સેવાકીય ક્ષેત્રના ભજિયાં-ભૂસાંવાળાથી માંડીને રીક્ષાવાળાઓ સુધી કોઈના ચહેરા પર આનંદનું સ્મિત લાવી શક્યું નથી.

રિઝર્વ બૅન્ક હોય, નાણામંત્રી હોય કે વડા પ્રધાન, એમની ભાવના અને આશય શુદ્ધ હો, તો પણ વહીવટી તંત્ર અને અમુક બાબુઓ ઊણાં ઉતરે છે. અધિકારીઓમાં જવાબદારીની ભાવના સ્થાપિત કરવી રહી.

હું કટોકટીનો જરાય ચાહક કે પ્રશંસક નથી, પરંતુ એ પણ હકીકત છે કે બાબુઓ અને બિસ્માર તંત્ર એકાએક કાર્યદક્ષ બની ગયા હતા.

પોતાનું સ્વરૂપ બદલવું એ વાઇરસનો ગુણધર્મ છે એમ સમય પ્રમાણે સ્વરૂપ બદલાય એ તંત્રનો પણ ગુણધર્મ છે. સરકારના માર્ગમાં અવરોધો પણ આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો