નરેન્દ્ર મોદીના 20 લાખ કરોડના પૅકેજથી ગરીબ મજૂરોનું કેટલું ભલું થશે? - દૃષ્ટિકોણ

    • લેેખક, આલોક જોશી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

તમે ઇચ્છો તો ગ્લાસ અડધો ભરેલો જોઈ શકો છો અને ઇચ્છો તો અડધો ખાલી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાતે આપેલો રાષ્ટ્રજોગ સંદેશ પણ કંઈક એવો જ છે.

તમે ઇચ્છો તો એમ જોઈ શકો છો કે તેમણે વીસ લાખ કરોડ રૂપિયાના પૅકેજની જાહેરાત કરી દીધી. હતાશ, નિરાશ અને એક અભૂતપૂર્વ સંકટ સામે ઝઝૂમી રહેલા દેશને એક નવો નારો આપી દીધો કે આ સંકટને કેવી રીતે અવસરમાં બદલી શકાય.

કેવી રીતે અહીંથી એક આત્મનિર્ભર ભારતની શરુઆત કરી શકાય, જેની ઓળખ પણ કંઈક અલગ હશે અને જે બદલાયેલા વિશ્વમાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે.

તમે એક ઊંડો શ્વાસ લઈને છાતી ફુલાવતાં બોલી શકો છો કે ભારતના ઇતિહાસનું સૌથી મોટું રાહત પૅકેજ લાવીને સરકારે બતાવી દીધું છે કે તે કેટલું બધું કરી શકે છે.

તમે ઇચ્છો તો એમ પણ જોઈ શકો કે પાછલાં ભાષણોની જેમ વડા પ્રધાને કેટલાક નવા નારા આપ્યા, શબ્દોની જાદુગરી બતાવી, અનુપ્રાસ અલંકારનો ઉપયોગ કર્યો અને એમણે એ સવાલોના જવાબ હકીકતમાં આપ્યા જ નહીં જે તમે સાંભળવા માગો છો.

જેમ કે ઘરે જવા માટે જીવ પર આવી ગયેલા ગરીબો અને કામદારોનું શું થશે, લૉકડાઉન હવે સમાપ્ત ન થયું તો ક્યારે થશે અને કેટલુ લાંબું ચાલશે. મોદીજીએ એલાન તો કરી દીધું પણ ખર્ચનાં નાણાં આવશે ક્યાંથી?

એટલું જ નહીં તમે ખાતાવહી ખોલી ગણાવી પણ શકો છો કે સરકાર પહેલાંથી જ પોણા બે લાખ કરોડ રૂપિયા પોતાના ખાતામાંથી ખર્ચવાની જાહેરાત કરી ચૂકી છે.

હવે રિઝર્વ બૅન્કના માધ્યમથી પણ તેમણે આઠ લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં ઠાલવવાની વ્યવસ્થા કરી છે.

બંનેને ઉમેરીએ તો લગભગ દસ લાખ કરોડ રૂપિયાની જાહેરાત પહેલાં જ કરાઈ ચૂકી છે અને પૅકેજના અડધા ભાગ એટલે કે 10 લાખ કરોડ રૂપિયા વધુ ખર્ચ કરવાનો છે.

વાત એટલી નાની પણ નથી. દસ લાખ કરોડ રૂપિયા એટલે દસ ટ્રિલિયન. સરળ ભાષામાં સમજીએ તો દસની આગળ બાર શૂન્ય મૂકી દો અને પહેલાંના દસ પણ હજી પૂરા તો ખર્ચાયા જ નથી.

એ પણ સિસ્ટમમાં આવશે, બૅન્કોમાંથી નીકળશે, વેપારમાં જોડાશે, ખર્ચ થશે, આ ખીસ્સામાંથી પેલા ખીસ્સામાં જશે ત્યારે જ તો માનવામાં આવશે કે નાણાંનો ઉપયોગ થઈ રહ્યો છે.

દરેકના હિસ્સામાં 15 હજાર રૂપિયા?

કુલ રકમને અન્ય રીતે જોઈએ તો વીસ લાખ કરોડ રૂપિયાનો એટલે મહિનામાં વીસ લાખ રૂપિયા કમાતા એક કરોડ લોકોની આવક અથવા તો બે લાખ કમાતા દસ કરોડ લોકોની આવક જેટલા થાય.

વીસ હજાર કમાતા સો કરોડ લોકોની આવક જેટાલ પણ થાય. એટલે કે 135 કરોડની વસતી વચ્ચે સરખે હિસ્સે વહેંચીએ તો લગભગ-લગભગ પંદર હજાર રૂપિયા દરેકના ભાગે આવે.

જો કે વૉટ્સઍપના ગણિતજ્ઞો રાત્રે નવ વાગ્યે જ હિસાબ કરી જણાવી ચૂક્યા હતા કે મોદીજીએ દરેકને પંદર લાખ રૂપિયા આપવાનો જે વાયદો કર્યો હતો એ પૂરો થઈ ગયો. જો કે એમને પણ દોષ આપી શકાય તેમ નથી.

પરંતુ મૂળ વાત એ છે કે સરકારે પોતાની તરફથી એ સંદેશ આપી દીધો છે કે કોરોના સામે લડવા માટે લૉકડાઉન કરવું એ એમની મજબૂરી હતી, તો રહી હશે.

હવે તેમણે એ બતાવવું છે કે આ દેશ એક મોટા સંકટમાંથી કેવી રીતે પોતાના માટે પ્રગતિનો નવો માર્ગ કાઢી શકે છે.

ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને વ્યવહારબુદ્ધિ ત્રણેય સાક્ષી છે કે ઘણી મોટી મુશ્કેલીઓને ઘણી વખત મોટી તકમાં પરિવર્તિત કરી શકાઈ છે.

મોદીજીએ પોતાના ભાષણમાં y2k સમસ્યાનું ઉદાહરણ પણ આપ્યું. 1991નું ઉદાહરણ પણ આપણી સામે છે. બંને સમયે એમ લાગ્યું હતું કે હવે બધું ખતમ થઈ ગયું.

બંને વખત અંધકારમાંથી એક નવો માર્ગ ખૂલ્યો હતો, પછી એ આઈ.ટી. જગતમાં ભારતનો દબદબો હોય કે પછી આર્થિક સુધારા પછી વાર્ષિક આઠ ટકાના વિકાસના વૃધ્ધિદરની ગાથા હોય, ભારતને લાભ મળતો રહ્યો હતો.

આ વાતને ભાગોમાં જોઈએ તો અનેક છૂટાછવાયાં સૂત્રો પડ્યાં છે.

12મેના ભાષણમાં આત્મનિર્ભર ભારતના પાંચ સ્તંભોનો ઉલ્લેખ થયો - ઇકૉનૉમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ, ડેમૉગ્રાફી અને ડિમાન્ડ.

તમે અને આપણે સૌ આ બધા પર સવાલ પૂછી શકીએ છીએ કે ક્વૉન્ટમ જમ્પ, આધુનિક ભારતની ઓળખ, રિફૉર્મ્સ અને સપ્લાય ચૅન વગેરેનું આખું ગણિત શું છે.

ઘણા લોકો છે જે બધું જ સમજી ગયા, પણ પરીઓની વાર્તા સાંભળતી વખતે જેમ મનમાં પરીલોકની એક છબિ ઉપસાવી લેતા હોઈએ છીએ, એ રીતે સમજ્યા.

આ જ કારણ છે કે ભાષણ પૂર્ણ થતાં જ એ નક્કી થઈ ગયું હતું કે આવનારો દિવસ શૅરબજારમાં એક નવી પરોઢ લાવશે.

સિંગાપોરના બજારમાં ભારતના જે ઇન્ડેક્સની લે-વેચ થાય છે એમાં લગભગ સાડા ત્રણ ટકાનો ઉછાળો દેખાતો હતો.

શૅરબજારમાં જોવા મળી શરૂઆતી તેજી

ધાર્યું તો એવું જ થયું, બુધવારે સવારે શરૂઆતી તેજી જોવા મળી. મોટાભાગના જાણકારોનું કહેવું છે કે માર્કેટને અપેક્ષા હતી કે સરકાર વધુમાં વધુ જીડીપીના પાંચથી સાત ટકા ખર્ચની જાહેરાત કરશે.

જ્યારે અહીં તો દસ ટકાનું પૅકેજ આવી ગયું. એટલેકે અપેક્ષાથી ઘણું વધારે આવ્યું. શૅરબજારના ખેલાડીઓ આમ પણ રાઈનો પહાડ બનાવવામાં માહેર હોય છે.

અમીરને, ગરીબને, મધ્યમ વર્ગને, ઉદ્યોગને, વેપાર-ધંધાને શું મળશે એનો હિસાબ કરાતો રહેશે, કોને કેટલું મળશે એનાથી કોને શું ફરક પડશે એ પણ બાદમાં જોઈ લેવાશે.

હાલ તો સેન્ટિમૅન્ટ સુધી ગયું છે તો શૅરબજારમાં પૈસા બનાવી લેવામાં આવે. સેન્ટિમૅન્ટ એક એવી વસ્તુ છે જે દેખાતી તો ક્યારેય નથી પણ શૅરમાર્કેટમાં ઉતાર-ચઢાવ લાવી દે છે. એટલે બુધવારે સવારે સેન્ટિમૅન્ટ સારુ રહેવાનું છે એ મંગળવારે રાત્રે જ સ્પષ્ટ થઈ ગયું હતું.

પણ આ સેન્ટિેમૅન્ટ કેટલો સમય ટકે છે એ કોઇ નહીં જણાવી શકે એટલે લાંબે ગાળે શું થવાનું છે એ સાવલનો જવાબ તો જવા જ દો.

હા, હજી પણ કેટલાક નિષ્ણાતો છે જે ઉત્સાહની આ ગંગામાં ડૂબકી લગાવતા પહેલાં એ જાણી લેવા માગે છે કે પાણી કેટલું ઊંડું છે.

તેઓ કહી રહ્યા છે કે હજી એ જોવું જરૂરી છે કે સરકારે પહેલાના દસ લાખ કરોડની ઉપર જે બીજા દસ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાની જાહેરાત કરી છે એ ક્યાં-ક્યાં ખર્ચ થવાના છે. એટલે કે કેટલી મૂડી કોને મળશે અને એ આવશે ક્યાંથી.

સૌથી મોટો સવાલ એ છે કે સરકાર શું નાણાં ભેગાં કરવાનો નવો રસ્તો શોધશે, નવી નોટ છાપશે, ઊછીનાં નાણાં લેશે, કે પછી એ નિયત ખર્ચને રોકીને એ રકમ આ પૅકેજ પર ખર્ચ કરશે.

આ સવાલોના જવાબ પૅકેજની તમામ વિગતો સામે આવ્યા પછી જ નક્કી થશે કે દેશને, અર્થવ્યવસ્થાને, ઉદ્યોગને, વેપારને, ગરીબો અને ખેડૂતોને અને નોકરી કરતા કે પછી નાનો ધંધો કરતા મધ્યમ વર્ગને દેશના આર્થિક ઇતિહાસના આ સૌથી મોટા પૅકેજમાંથી શું મળવા જઈ રહ્યું છે.

કે પછી આ એવું સન્માન સાબિત ન થઈ જાય જેની ચર્ચા તો ઘણી થાય પણ એમાં એક શાલ અને એક સર્ટિફિકૅટ સિવાય હાથમાં કંઈ નથી આવતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.