રાષ્ટ્રજોગ સંબોધન: મોદીએ દેશને આત્મનિર્ભર બનાવવા કચ્છનું ઉદાહરણ કેમ આપ્યું?

મંગળવારે સાંજે લગભગ આઠ કલાકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું, જેમાં તેમણે દેશને આત્મનિર્ભર બનાવવા માટે કુલે રૂ. 20 લાખ કરોડના પૅકેજની જાહેરાત કરી.

પોતાના સંબોધનમાં વડા પ્રધાને દેશને આત્મનિર્ભર બનાવવાની વાત કરી હતી, આ માટે તેમણે ભૂકંપ બાદ બેઠા થઈ ગયેલા કચ્છનું ઉદાહરણ ટાંક્યું હતું.

મોદીએ ઉમેર્યું હતું કે આર્થિક પૅકેજ અંગે નાણામંત્રી નિર્મલા સીતરામણ દ્વારા આગામી દિવસોમાં જાહેરાત કરાશે તથા ચોથા તબક્કાના લૉકડાઉનના નિયમો અંગે તા. 18મી મે પહેલાં સ્પષ્ટતા કરી દેવાશે.

તા. 26મી જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતના કચ્છ જિલ્લામાં રિક્ટર સ્કેલ ઉપર 7.7ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો, જેનું કેન્દ્રબિંદુ કચ્છના ભચાઉમાં હતું.

કચ્છનો ભૂકંપ ભારતની તાજેતરની સ્મૃતિનો સૌથી ભયાનક ભૂકંપ હતો, જેમાં 20 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યાં હતાં અને લગભગ દસ લાખ લોકો બેઘર બની ગયા હતા.

શું કહ્યું હતું મોદીએ?

પોતાના લગભગ 33 મિનિટના ભાષણમાં આત્મનિર્ભરતાનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું: "ભારત પ્રૉડક્ટની ગુણવત્તા સુધારી શકે છે અને સપ્લાય ચેઇનને વધુ સુદ્રઢ કરી શકે તેમ છે. ભારત આ કરી શકે છે અને કરશે જ."

ભૂકંપમાં બાદ કચ્છમા થયેલી તારાજી અને ફરી બેઠા થવાનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાન મોદીએ કહ્યું :

"મેં મારી નજરે કચ્છ ભૂકંપના એ દિવસો જોયાં છે. દરેક બાજુએ માત્ર કાટમાળ જ વેરાયેલો હતો. બધું ધ્વસ્ત થઈ ગયું હતું. એવું લાગતું હતું કે કચ્છ મોતની ચાદર ઓઢીને ઊંઘી ગયું છે."

"એ સ્થિતિમાં કોઈને લાગતું ન હતું કે ક્યારેય સ્થિતિ બદલશે, પરંતુ જોતજોતામાં કચ્છ બેઠું થયું, ચાલવા લાગ્યું અને આગળ નીકળી ગયું."

મોદીએ ઉમેર્યું કે 'કચ્છનું ઉદાહરણએ ભારતીયોની સંકલ્પશક્તિનું ઉદાહરણ છે. જો આપણે કશું નક્કી કરી લઈએ તો કોઈ લક્ષ્યાંક અશક્ય નથી.'

ભૂકંપ અને રાજ'કારણ'

કેટલાક રાજકીય વિશ્લેષકોના મતે, કચ્છના ભૂકંપ બાદ ગુજરાતીઓમાં સરકાર પ્રત્યે અસંતોષ ઊભો થયો, જેને ડામવા માટે 'નેતૃત્વ પરિવર્તન' જરૂરી બન્યું.

ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલને હઠાવીને 'દિલ્હીવાસ'માં મોકલી દેવાયેલા નરેન્દ્ર મોદીને વતન પરત મોકલવામાં આવ્યા અને ઑક્ટોબર-2001માં તેમણે પદભાર સંભાળી લીધો.

આ સાથે જ તેમણે કચ્છના પુનઃનિર્માણ ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું. કચ્છના પુનઃનિર્માણ અને પુનઃવસનની કામગીરીને પાર પાડવા માટ 'ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટી'ની સ્થાપના કરવામાં આવી.

ડિસેમ્બર-2001માં GSDMA દ્વારા 34 પન્નાનો પુનઃનિર્માણ નીતિનો દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો. જેના ઘડતરમાં પ્લાનિંગ કમિશનના તત્કાલીન ઉપાધ્યક્ષ વાય. કે. અલઘ, SEWA સંસ્થાનાં વડા ઈલાબહેન ભટ્ટ, નિરમાના કરશનભાઈ પટેલ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ અમદાવાદના પ્રો. અનિલ ગુપ્તા તથા પ્રો. ડૉ.દિલીપ માવળંકરે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

જાન્યુઆરીથી ડિસેમ્બરની વચ્ચે રિક્ટર સ્કેલ ઉપર ત્રણની તીવ્રતાના 500થી વધુ ભૂકંપ નોંધાયા હતા, જેના કારણે લોકોમાં ભય પેસી હતો.

સહાયની સરવાણી

કચ્છ દેશની સરહદ પર આવેલો જિલ્લો છે. 2011ની વસતિગણતરી પ્રમાણે, તે દેશનો સૌથી મોટો જિલ્લો છે, પરંતુ ત્યાં કિલોમીટરદીઠ વસતિ બહુ ઓછી હતી.

પાણીના અભાવે કચ્છીમાડુઓ નોકરીની શોધ તથા વેપાર-ધંધાના અર્થે મુંબઈ સહિત વિદેશમાં હિજરત કરી જતા. જોકે, આપત્તિના સમયે આ બાબત આશીર્વાદરૂપ બની.

દેશવિદેશમાં વસતાં ગુજરાતીઓએ સહાયની સરવાણી વહાવી દીધી અને લગભગ 13 કરોડ ડૉલર (આજના સમય પ્રમાણે લગભગ રૂ. એક હજાર કરોડ) વતન મોકલ્યા.

કચ્છના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા બે અબજ ડૉલરની ફાળવણી કરવામાં આવી.

મોટાભાગે ઉપેક્ષિત રહેલો કચ્છ જિલ્લો દેશ સહિત દુનિયાભરના નક્શા ઉપર ધ્યાને આવી ગયો હતો. આશંકાથી વિપરીત સહાયમાં ખાયકી ન થઈ અને લગભગ બે વર્ષમાં લગભગ તમામ ગામડાંઓનું પુનઃનિર્માણ થઈ ગયું.

ગ્રામીણસ્તરે વિકાસની રૂપરેખા ઘડવાની કામગીરી ગ્રામીણ કમિટીને સોંપવામાં આવી, જેથી કરીને એ.સી. ચેમ્બરમાં નહીં, પરંતુ વાસ્તવિક જરૂરિયાત મુજબ યોજના ઘડાઈ.

માલિક-આધારિત વલણ

કચ્છના પુનઃનિર્માણ અંગે સરદાર પટેલ યુનિર્સિટીમાં શોધ નિબંધ રજૂ કરનાર ડૉ. રાજેશ ખાંડોલના મતે:

"મહારાષ્ટ્રના લાતુરમાં (સપ્ટેમ્બર-1993, 6.4ની તીવ્રરતા) બાદ પુનઃનિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવ્યુ, જે સરકાર દ્વારા સંચાલિત હતું, પરંતુ કચ્છમાં પુનઃનિર્માણનું કામ માલિક દ્વારા સંચાલિત હતું."

"ભવિષ્યમાં ભૂકંપથી રક્ષણ થઈ શકે તે માટે કેવા પ્રકારનું નિર્માણકાર્ય હાથ ધરવું તે અંગેની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી અને ગ્રામજનોને તેનાથી વાકેફ કરવામાં આવ્યા."

"કૉન્ટ્રેક્ટરના બદલે માલિકે નિર્માણકાર્ય કરવાનું હોવાથી ડિઝાઇનિંગમાં ફ્લેક્સિબ્લિટી આવી અને વધુ સારું કરવાની ભાવના પણ થઈ."

સાંકડી ગલીઓને કારણે ભૂકંપ સમયે અનેક સ્થળોએ ઍમ્બુલન્સો પહોંચી સકી ન હતી, પુનઃનિર્માણ સમયે માલિકોએ સ્વૈચ્છાએ જ કપાત લીધી, જેનાં કારણે રસ્તા વધુ પહોળા બન્યા.

GSDMA દ્વારા ભૂજ, અંજાર, રાપર તથા ભચાઉ જેવા શહેરોના પુનઃનિર્માણ માટે ઍરિયા ડેવલપમેન્ટ ઑથૉરિટીની સ્થાપના કરવામાં આવી.

કૃષિ, બંદર, ખાણકામ, ઉદ્યોગ તથા પર્યટનક્ષેત્રે અગાઉ ન થયો હોય તેવો વિકાસ જોવા મળ્યો. સમગ્ર કચ્છે દાયકાઓની હરણફાળ એકસાથે ભરી, જેના માટે ભૂજ નમુનારૂપ બન્યું.

રાહતની રાહ

કેન્દ્ર સરકાર દ્વારા કચ્છમાં મૂડીરોકાણ કરનાર કંપનીઓને પાંચ વર્ષ માટે કરમુક્તિ આપવામાં આવી અને સેંકડો કરોડની આવક જતી કરી.

આથી, મોટાપાયે ખાનગી મૂડીરોકાણ ભુજ, ગાંધીધામ તથા અન્ય શહેરોમાં આવવા લાગ્યું.

એકસમયે નાના માછીમારી આધારિત નાનું એવું મુંદ્રા બંદર અદાણી જૂથને સોંપવામાં આવ્યું. સસ્તા શ્રમ તથા પૂરતા પ્રમાણમાં જમીનની ઉપલબ્ધતાને કારણે બંદરનો વિકાસ થયો. આજે આ બંદર દરરોજ સેંકડો ટન સામાનની હેરફેરનું સાક્ષી છે.

મુંદ્રા અલ્ટ્રા મૅગા પાવર પ્લાન્ટ તથા અન્ય ઉદ્યોગોને કારણે અગાઉ માત્ર હસ્તકળા પર આધારિત યુવાધન માટે નોકરીની તકો ઊભી થઈ.

આ સિવાય પવનચક્કી દ્વારા પુનઃપ્રાપ્ય ઊર્જાની બાબતમાં પણ કચ્છે હરણફાળ ભરી.

જોકે, વિપક્ષનો આરોપ છે કે ઉદ્યોગોના વિકાસના નામે અદાણી સહિતનાં ઉદ્યોગગૃહોને રાહત તથા ગૌચર જમીનોની લ્હાણી કરી દેવામાં આવી.

પ્રારંભિક 10 વર્ષમાં અલગ-અલગ ક્ષેત્રોમાં લગભગ 300 જેટલી કંપનીઓએ લગભગ 10 અબજ ડૉલરનું રોકાણ કર્યું.

ગુજરાતમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટેના 'ખુશ્બુ ગુજરાત કી' અભિયાન દ્વારા બોલીવૂડ અભિનેતા અમિતાભ બચ્ચને 'કચ્છ નહીં દેખા, તો કુછ નહીં દેખા' કહીને અહીંને અહીંના ઘૂડઘર, આઇના મહેલ તથા સફેદ રણની ઓળખ દુનિયાને કરાવી.

'કચ્છ રણોત્સવ' તથા 'સફેદ રણ'એ કચ્છના અંતરિયાળ ગામડાંમાં રહેતાં લોકો માટે સ્થાનિક સ્તરે જ રોજગારીની તકો ઊભી કરી.

બે વર્ષ સુધી સળંગ સારા વરસાદ અને બાદમાં પાઇપલાઇન દ્વારા નર્મદાના નીરે અહીં કૃષિ તથા બગાયત માટેની તકોની ઉજળી બનાવી. કચ્છની ખારેક તથા કેસર કેરીએ ગુજરાત સહિત દેશભરાં નામ કાઢ્યું છે.

કેટલાક કચ્છીઓ માને છે કે ભૂકંપએ 'અભિશાપમાં આશીર્વાદ' હતો. કોરોના સંદર્ભે આવું બનશે, તેના માટે રાહ જોવી રહી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો