You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન : આત્મનિર્ભર ભારત અભિયાન માટે રૂ. 20 લાખ કરોડનું પૅકેજ, લૉકડાઉન 4.0 આવશે
કોરોના વાઇરસની મહામારી વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમી વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનના મુખ્ય મુદ્દા
- વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન શરૂ, લૉકડાઉનમાં રાહત પર મીટ
- કોરોનાને કારણે દેશ વિદેશમાં મૃત્યુ પામેલાંઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું
- કોરોના જેવું સંકટ આપણે અગાઉ ક્યારેય જોયું સાંભળ્યું નથી, માનવજાતા માટે આ સંકટ અકલ્પનીય
- કોરોના સામે થાકવું હારવું કે તૂટવું માનવજાતને મંજૂર નથી, એટલે હવે આપણે આ નિયમોનું પાલન કરીને બચવાનું પણ છે અને આગળ પણ વધવાનું છે
- કોરોના પહેલાં અને પછીની સ્થિતિને ભારતની નજરથી જોઈએ, તો 21મી સદી ભારતની હશે તે આપણું સપનું જ નહીં, જવાબદારી પણ
- કોરોના પૂર્વે ભારતમા PPE કિટ્સ બનતી ન હતી અને એન 95 માસ્ક નામમાત્રના બનતા, આજે બંને દૈનિક બે બે લાખની સંખ્યામાં નિર્માણ થાય છે
- આત્મનિર્ભર ભારત એટલે આત્મકેન્દ્રિત ભારત નહીં, પરંતુ તેમાં સમગ્ર વિશ્વની સુખ શાંતિની ચિંતા અભિપ્રેત
- પૃથ્વીને માતા તથા વિશ્વને પરિવાર માનતી સંસ્કૃતિ આત્મનિર્ભર બને ત્યારે સુખી અને સમુદ્ધ વિશ્વ બને
- ટીબી, પોલિયો, ઇન્ટરનેશનલ સૉલર અલાયન્સ, ઇન્ટરનેશનલ યોગ દિવસ અને સ્વચ્છ ભારત જેવાં ભારતનાં અભિયાનોથી વિશ્વને પણ ફેર પડ્યો
- જરૂરિયાના સમયે વિશ્વભરમાં દવાની નિકાસ થવાથી દેશની પ્રશંસા થઈ રહી છે, જે દેશવાસીને ગદગદ કરી દે
- 130 કરોડ દેશવાસીઓ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લે, દેશ પાસે સાધન સામર્થ્ય અને ટેલેન્ટ છે
- આત્મનિર્ભર ભારતની ઇમારત પાંચ સ્તંભ ઉપર ઊભી હશે; ઇકૉનૉમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિક સિસ્ટમ, ડેમૉગ્રાફી અને ડિમાન્ડ હશે
- મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન માટે વિશેષ પૅકેજની જાહેરાત કરી, RBI અને કેન્દ્ર સરકારના અગાઉનું પૅકેજને સંયુક્ત રીતે ગણતા નવું પૅકેજ કુલ રૂ. 20 લાખ કરોડનું રહેશે
- મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન માટે વિશેષ પૅકેજની જાહેરાત કરી, RBI અને કેન્દ્ર સરકારના અગાઉનું પૅકેજને સંયુક્ત રીતે ગણતા નવું પૅકેજ કુલ રૂ. 20 લાખ કરોડનું રહેશે
- લૅન્ડ, લેબર, લિક્વિડિટી તથા લૉ એમ તમામ બાબત ઉપર પૅકેજ દ્વારા ભાર મૂકાશે, જે લઘુ અને કુટિર ઉદ્યોગોને આધાર આપશે, જે સૌથી વધુ રોજગાર આપશે
- કેન્દ્ર સરકારનું આર્થિક પૅકેજ ખેડૂતો, શ્રમિકો, મધ્યમવર્ગ તથા દેશના ઉદ્યોગજગત માટે
- બુધવારથી નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આત્મનિર્ભર ભારતના પૅકેજની વિગતો આપવામાં આવશે
- બુધવારથી નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આત્મનિર્ભર ભારતના પૅકેજની વિગતો આપવામાં આવશે
- જનધન-આધાર-મોબાઇલની મદદથી ગરીબોના ખાતાંમાં સીધા નાણાં પહોંચ્યાં, કૃષિઉત્પાદન અને વિતરણમાં સુધાર આવશે, ટૅક્સ નિયમોને સરળ બનાવાશે
- આત્મનિર્ભર ભારત દેશને ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ભૂમિકા ભજવવા માટે મદદ કરશે
- ગરીબ, પરપ્રાંતીય શ્રમિક, માછીમાર, પશુપાલક, શ્રમિક તથા ઘરઘાટી એમ તમામ માટે આર્થિક પૅકેજમાં જોગવાઈ હશે
- કોરોનાએ ભારતને લોકલ માર્કેટ, લોકલ ડિમાન્ડ અને લોકલ સપ્લાયનું મહત્ત્વ સમજાવ્યું અને તેને દેશને બચાવ્યો
- આજથી દરેક ભારતવાસીએ લોકલ બ્રાન્ડ્સનો સામાન ખરીદે તથા તેનો પ્રચાર પણ કરે, દેશ આવું બધું કરી શકવા માટે સક્ષમ
- કોરોના લાંબા સમય સુધી જીવનનો ભાગરૂપ બની રહેશે, જિંદગીને તેની આજુબાજુ કેન્દ્રિત ન રાખી શકાય ; માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી બની રહેશે
- લૉકડાઉન 4.0 લાગુ થશે, તે સંપૂર્ણપણે નવીન હશે, તેના માટેની માહિતી તા. 18મી મે પહેલાં અપાશે
- આત્મનિર્ભરતા ભારતને સુખ અને સંતોષ આપવા ઉપરાંત સશક્ત બનાવશે
'ભારત માતા રડે છે'
વડા પ્રધાનના રાષ્ટ્રજોગ સંબોધન અંગે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા પણ જોવા મળી હતી.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સમયે જ એક વીડિયો ટ્વિટર ઉપર મૂક્યો હતો, જેમાં તેમણે માગ કરી હતી કે 'પરપ્રાંતીય શ્રમિકોને ઘર સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવે.'
'હજારો શ્રમિક ભાઈ-બહેન રસ્તા ઉપર પગપાળા ઘરે જઈ રહ્યાં છે. કેન્દ્ર સરકારએ તમામના ખાતામાં કમસે કમ રૂ. 7500 જમા કરાવે. ભારત માતા તેમના સંતાનોને રસ્તે રઝળતા જોઈને દુખી છે.'
વરિષ્ઠ પત્રકાર રાણા અયુબે લખ્યું કે સમગ્ર ભાષણમાં શ્રમિકોના ઉચાટને શાંત પાડવા માટે કશું ન હતું, જેઓ જીવન તથા રોજી ગુમાવી રહ્યા છે. અન્ય એક ટ્વીટમાં અયુબે લખ્યું, લૉકડાઉનના બે મહિના પછી પૅકેજ જાહેર થયું, જે નાણામંત્રી સમજાવશે અને આગામી લૉકડાઉન અંગે વિચારણા બાદ જાહેર થશે. જો તમને તત્કાળ રાહતની અપેક્ષા હોય, તો આ સંબોધનમાં તમારા માટે કંઈ ન હતું.
ફૅક્ટચેકિંગ વેબસાઇટ અલ્ટ-ન્યૂઝના સહ-સંસ્થાપક પ્રતીક સિંહાએ ટ્વિટર પર લખ્યું, 'વડા પ્રધાનનું ભાષણનો સાર ટિક-ટૉક વીડિયોમાં સમાવી શકાય એટલો હતો.'
અન્ય એક પત્રકાર યુસૂફ ઉંઝાવાલાએ લખ્યું કે જમીન-શ્રમ અને કાયદાક્ષેત્રે સુધાર અને 300 અબજ ડૉલરનું પૅકેજ. જેનો હેતુ વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતનેઆત્મનિર્ભર બનાવવા માટેનો છે. આગામી દિવસોમાં સરકાર તેની જાહેરાત કરશે. ફિંગર્સ ક્રૉસ્ડ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લૉકડાઉનને લંબાવવા માટે વિનંતી કરાઈ હતી
આ પહેલાં સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્ય પ્રધાન સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સંવાદ કર્યો હતો, જેમાં તામિલનાડુના મુખ્ય પ્રધાન પલ્લાનીસ્વામી તથા બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર સહિત અનેકે તા. 31મી મે સુધી ચોથી વખત લૉકડાઉનને લંબાવવા વિનંતી કરી હતી.
બીજી બાજુ, કેન્દ્ર સરકાર ત્રીજા તબક્કાથી લૉકડાઉન દરમિયાનના નિષેધોને ધીમે-ધીમે હળવા કરી રહી છે, જેમાં રેલવ્યવસ્થાને ફરી શરૂ કરવાનો પણ સમાવેશ થાય છે.
મંગળવારે લૉકડાઉનનો 49મો દિવસ છે. સૌ પહલાં 19મી માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક-દિવસીય 'જનતા-કર્ફ્યુ' રાખવાની વાત કહી હતી.
કોરોના સંબંધિત બીજા પ્રજાજોગ સંદેશમાં 21 દિવસીય રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી હતી અને 'જે જ્યાં છે, તે ત્યાં રહે'ની સ્થિતિ જાળવી રાખવા કહ્યું હતું.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના આંકડા પ્રમાણે, મંગળવારે બપોરે દેશમાં કોવિડ-19ના 46 હજાર કરતાં વધુ ઍક્ટિવ કેસ છે, જ્યારે મરણાંક 2300 પર પહોંચવામાં છે.
કોરોના: રાષ્ટ્રજોગ સંબોધન/સંવાદ
તા. 14મી એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંબંધે અંતિમ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે સાત મુદ્દે દેશવાસીઓનો સાથ માગ્યો હતો.
કોરોના મુદ્દે સૌ પહેલાં 19મી માર્ચે કોરોના વાઇરસના સંદર્ભે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.
જેમાં તેમણે એક દિવસ (22મી માર્ચે) માટે 'જનતા કર્ફ્યુ'નું પાલન કરવા તથા સાંજે પાંચ વાગ્યે પાંચ મિનિટ માટે આરોગ્યક્ષેત્રે સંકળાયેલા કર્મચારીઓ, પોલીસવાળા તથા મીડિયાકર્મીઓનું થાળી કે તાળી વગાડીને અભિવાદન કરવા આહ્વાન કર્યું હતું.
24મી માર્ચે સાંજે આઠ કલાકે તેમણે વધુ એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ, જેમાં તેમણે મધ્યરાત્રિથી દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી અને 'જે જ્યાં છે, ત્યાં રહે'નું આહ્વાન કર્યું.
ત્રીજી એપ્રિલે સવારે નવ વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ વીડિયો સંદેશ આપ્યો, જેમાં તેમણે 5મી એપ્રિલના રાત્રે નવ વાગ્યે નવ મિનિટ માટે 'દીવા, મીણબત્તી કે મોબાઇલની ફ્લેશલાઇટ' દ્વારા એકજૂટ હોવાની તથા પ્રકાશ ફેલાવવાની અપીલ કરી હતી.
વડા પ્રધાન મોદીના પ્રતિમાસિક રાષ્ટ્રજોગ સંવાદ 'મન કી બાત'ના માર્ચ (29મી) તથા એપ્રિલ (26મી)ના કાર્યક્રમ મહદંશે કોરોના પર જ કેન્દ્રિત રહ્યા હતા, જેમાં તેમનો સંવાદ કોરોના-કેન્દ્રિત જ રહ્યો હતો.
અન્ય નોંધપાત્ર રાષ્ટ્રજોગ સંબોધન
ઑગસ્ટ-2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠન તથા તેના વિશેષ રાજ્યના દરજ્જાને નાબૂદ કરવા પાછળ કેન્દ્ર સરકારના તર્ક અને જમ્મુ-કાશ્મીરની પ્રજાને કેવી રીતે લાભકારક થશે તે જણાવવા માટે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.
કોરોના સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી (તા. આઠમી નવેમ્બર 2016) તથા 'મિશન શક્તિ'ની (જેમાં ભારતે જમીન પરથી અવકાશમાં સેટેલાઇટને ધ્વસ્ત કરવાની ક્ષમતા હાંસલ કરી) સફળતાની જાહેરાત રાષ્ટ્રજોગ સંબોધન દ્વારા કરી હતી.
વિપક્ષ સહિત કેટલાક અર્થશાસ્ત્રીઓ માને છે કે નોટબંધીને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગોની કમર તૂટી ગઈ. 'મિશન શક્તિ'ની જાહેરાત વખતે સામાન્ય ચૂંટણી ચાલી રહી હતી, જેથી વિપક્ષે તેની સામે ચૂંટણીપંચનાં દ્વાર ખખડાવ્યાં હતાં.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો