નરેન્દ્ર મોદીએ કરેલી આત્મનિર્ભર બનવાની વાત અમલ કરવામાં કેટલી મુશ્કેલ?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લૉકડાઉનના ચોથા તબક્કાની અટકળો વચ્ચે મંગળવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં આત્મનિર્ભર ભારત અભિયાનની વાત કરી અને 20 લાખ કરોડના પૅકેજની જાહેરાત કરી.

પોતાના સંબોધનમાં ભારતમાં પ્રથમ વખત પીપીઈ કિટ અને એન-95 માસ્કનું ઉત્પાદન શરૂ કરવાની તથા ભારતમાંથી અન્ય દેશોમાં દવાઓ નિકાસ કરવાથી દેશનું ગૌરવ વધ્યાની વાત કરી.

એમણે 20 લાખ કરોડનું આર્થિક પૅકેજ જાહેર કર્યું જેનું કદ ભારતની જીડીપીના દસ ટકા જેટલું થાય છે.

વડા પ્રધાને 'આત્મનિર્ભર ભારત' પર ભાર મૂક્યો હતો અને લોકલ માટે વૉકલ થવાની સલાહ આપી, એટલે કે સ્થાનિક ઉત્પાદનોને પ્રાથમિકતા આપવા કહ્યું.

પોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદીએ કહ્યું, "ભારતની આત્મનિર્ભરતાના પાંચ પાયા હશે જેમાં અર્થતંત્ર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નૉલૉજી આધારિત તંત્ર, જીવંત ડેમોગ્રાફી (વસતિ) અને માગ. જ્યારે આપણે આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ, તે આત્મકેન્દ્રિત તંત્ર તરફી નથી. ભારતની આત્મનિર્ભરતામાં આખા વિશ્વનું સુખ, સહકાર અને શાંતિની ચિંતા પણ આવેલી છે."

અમે એ જાણવાનો પ્રયાસ કર્યો કે વડા પ્રધાન જે 'આત્મનિર્ભરતા'ની વાત કરી રહ્યા છે તે શું છે.

આત્મનિર્ભર ભારત એટલે શું?

સમાજશાસ્ત્રી પ્રોફેસર ઘનશ્યામ શાહનું કહેવું છે, "આમ તો વડા પ્રધાન મોદીના સંબોધનમાં એ વિશે કોઈ સ્પષ્ટતા નહોતી કે આત્મનિર્ભર ભારતનો અર્થ તેઓ શો કાઢે છે. વૈશ્વિકરણની દુનિયામાં આત્મનિર્ભર ભારત કેવી રીતે ઊભું થશે એની વિગતો તેમણે આપી નથી. આજે જ્યારે દુનિયા આખી કોરોના વાઇરસની મહામારી સામે લડી રહી છે અને ભારત મુશ્કેલીમાંથી તક ઊભી કરશે એવી વાત તેમણે કહી છે ત્યારે તુ તેનો રોડમૅપ શું છે?"

ઘનશ્યામ શાહનું કહેવું છે, "ગાંધીજીએ સ્વાવલંબનની વાત કરી હતી અને તેનું એક સ્વરૂપ તેમણે સામે મૂક્યું હતું. વડા પ્રધાન મોદીના સંબોધનમાં આત્મનિર્ભરતાની વાત લોકોમાં માત્ર એક આશા અને ઉત્સાહ વધારવા માટે હોય તેવું લાગે છે. તેમના જ મંત્રીઓ એમ કહે છે કે કોરોના મહામારીને કારણે ચીન તરફ શંકાસ્પદ વલણ વધતાં વિદેશી કંપનીઓને આપણે ગુજરાત લાવવાના પ્રયત્ન કરવા જોઈએ તો તેમાં ભારતની કે ગુજરાતની આત્મનિર્ભરતા સાથે ક્યાં તાદાત્મ્ય બેસે?"

ડૉ ઇંદિરા હિરવેનું કહેવું છે કે "વડા પ્રધાન મોદીનું મંગળવારનું સંબોધન બહુ અસ્પષ્ટ હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એ ન કહ્યું કે કયા પરિબળો પર 'આત્મનિર્ભર ભારત' આધાર રાખશે. તેમના સંબોધનમાં પ્રવાસી શ્રમિકો વિશે કંઈ કહેવામાં ન આવ્યું."

અર્થશાસ્ત્રના જાણકાર આત્મન શાહનું કહેવું છે કે "આત્મનિર્ભરતા નીતિનો વિષય છે, ત્વરિત આર્થિક પૅકેજનો નહીં. સંકટના સમયે સરકાર શ્રમિકોને, કંપનીઓને, મધ્યમ વર્ગના વેપારીઓને નાણાકીય મદદ કરે તેનાથી તેઓ આત્મનિર્ભર ન બને. લાંબા સમયના નીતિગત નિર્ણયોથી આત્મનિર્ભર બની શકાય."

ગુજરાતની આત્મનિર્ભરતા?

આત્મન શાહ કહે છે કે ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ યોજાય છે, સરકાર વિદેશી કંપનીઓને રોકાણ માટે આમંત્રિત કરે છે. વિદેશી કંપનીઓ ગુજરાતમાં ફેકટરી નાખે તો સ્થાનિક સ્તરે આંશિક કે વિપુલ રોજગાર મળે એ વાત ખરી પરંતુ સરવાળે તે કંપનીઓનો નફો તો વિદેશી કંપનીધારકો પાસે જ જાય."

આત્મન શાહ માને છે કે, "નમસ્તે ટ્રમ્પની ઇવેન્ટ હોય, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું ભવ્ય સ્વાગત હોય કે પછી દર વર્ષે યોજાતી વાઇબ્રન્ટ સમિટ હોય- આ તમામ વિદેશી રોકાણકારોની નજરમાં ગુજરાતને ચમકાવવા માટે જ કરવામાં આવે છે. પરંતુ ગુજરાતની આત્મનિર્ભરતાની વાત કરીએ તો સ્થાનિક કંપનીઓ માટે સબસિડીથી લઈને ટૅક્સમાં રાહત જેવા નીતિગત નિર્ણયો લેવા પડે."

આત્મન શાહનું કહેવું છે કે "ગુજરાત જ નહીં ભારતની ઇલેક્ટ્રૉનિક સામાન બનાવતી કંપનીઓનો કાચો માલ મોટા પ્રમાણમાંથી ચીનથી આવે છે અને એવી જ રીતે દવા બનાવતી કંપનીઓ પણ ઘણો કાચો માલ વિદેશથી આયાત કરે છે. હવે જો સરકાર આત્મનિર્ભરતાની વાત કરે તો ગુજરાતમાં આવેલી કંપનીઓ માટે એક રોડ-મૅપ જોઈએ જેથી તેઓ વિદેશી કંપનીઓ સામે ટક્કર લઈ શકે."

આત્મન શાહ કહે છે કે "સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન એ સારી વાત ગણાય પરંતુ ભારતે વિશ્વ વ્યાપાર સંગઠનમાં એવી સંધિઓ પર હસ્તાક્ષર કરેલા છે જેને કારણે તેઓ અન્ય દેશોમાંથી આયાતને બંધ ન કરી શકે. સ્થાનિક સ્તરનાં ઉત્પાદનો વાપરવા માટે જે મોબાઇલ ફોન પર લોકો સોશિયલ મીડિયા ઍપ્સ પર એક બીજાને સંદેશાઓ મોકલીને પ્રેરણા આપવા માગે છે તે ક્રમશ: ચીન અને અમેરિકાની કંપનીઓની છે."

હાલમાં અનેક રાજ્યોએ લેબર અંગેના કાયદાઓમાં ફેરફાર કર્યા છે, આત્મન શાહ તેને ટાંકતાં કહે છે કે ગાંધીજીએ ગ્રામ્ય વિસ્તારો માટે સ્વાવલંબનની વાત કરી હતી તેમાં મજૂરોના શોષણની વાત નહોતી અને શોષણથી આત્મનિર્ભર ન થઈ શકાય.

બીબીસી ગુજરાતીના વાચકોએ શું કહ્યું?

બીબીસી ગુજરાતીએ આ વિશે પોતાના વાંચકો સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રશ્ન પૂછ્યો.

100થી વધારે વાચકોએ એમાં પ્રતિક્રિયા આપી હતી. અનેક લોકોએ વડા પ્રધાનની અપીલને આવકાર આપ્યો અને કૉંગ્રેસની ટીકા કરી તો અનેક લોકો વડા પ્રધાનની આ વાતની ટીકા કરી.

આ પૈકી કેટલાક ઉત્તર આ પ્રમાણે હતા.

મહેશ શેઠ નામના વાચકે બીબીસી ગુજરાતીના ફેસબુક પેજ પર લખ્યું કે મધ્યમ વર્ગના લોકો તો પહેલાંથી જ આત્મનિર્ભર છે.

સિરાજ કાલાણિયાએ લૉકડાઉનમાં શ્રમિકની એક તસવીર પોસ્ટ કરતાં લખ્યું કે "આત્મનિર્ભર બનો, સરકારના ભરોસે ન રહો."

નરેન્દ્ર મોદીના સંબોધન વિશે પ્રકાશ ભરવાડે લખ્યું કે તેમાં બે વિરોધાભાસી વાતો હતી. જેમાં પ્રથમ એ કે ચીન સામેની નારાજગીના કારણે દુનિયાની કંપનીઓ ભારતમાં આવે અને બીજી લોકલ માટે વૉકલની વાત. હવે જો ચીનમાં કામ કરતી વિદેશી કંપનીઓને ભારત લાવવી હોય તો આ લોકલ વૉકલ વળી શું કહેવાય?

કૉન્ટ્રૅક્ટર ભૂમિકા લખે છે કે, 'આ વાત તો ગાંધીજીએ બહુ વર્ષો પહેલાં કહી હતી, કૉપી-પેસ્ટ.'

સતીશ રમાણીએ લખ્યું કે, રાજકારણીઓએ આત્મનિર્ભર થવાની જરૂર છે, લોકોના પૈસા લૂંટે નહીં.

અમરાન મોહમ્મદ નામના ફેસબુક યૂઝરે પ્રશ્ન કર્યો કે, "તો પછી મેક ઇન ઇન્ડિયા શું છે?"

નીલેશ રાઠોડ નામના ફેસબુક યૂઝરે લખ્યું કે, "ભારતમાં દરેક મજૂર આત્મનિર્ભર છે અને અમે સરકાર પાસે કોઈ આશા રાખતા નથી. મજૂરોના મત માટે સરકાર પણ અમારી આશા ન રાખે અને પોતાના ઈવીએમ પર નિર્ભર રહે...એક મજૂર."

અઝીઝખાને "અમારે ત્યાં કહેવત છે શેખ અપના દેખ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો