મોદી રાષ્ટ્રજોગ સંબોધન : આત્મનિર્ભર ભારત શક્ય છે કે હથેળીમાં હીરા દેખાડાય છે?

    • લેેખક, ઝુબેર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક નવો 'આત્મનિર્ભર ભારત"નો મંત્ર આપ્યો છે.

વડા પ્રધાનનું "આત્મનિર્ભર ભારતના નિર્માણનું આહ્વાન," માત્ર કોરોના સંકટનો સામનો કરવા માટેનું નહીં, પણ ભવિષ્ય માટે ભારતના પુનઃનિર્માણનું છે એમ પક્ષના આંતરિક મૅમોમાં જણાવાયું હતું. "ભારતનું ભાવિ સુરક્ષિત" કરવા માટેનું આ પગલું છે તેમ પણ જણાવાયું હતું.

મંગળવારે તેમણે રાષ્ટ્રને સંબોધન કર્યું, તેમાં વારંવાર આત્મનિર્ભર થવાના સંકલ્પ અને તેને સાકાર કરવા માટેના ઉલ્લેખો કર્યા હતા. ધીરે-ધીરે નહીં, પણ 20 લાખ કરોડના પૅકેજ સાથે એક "લાંબી છલાંગ" લગાવીને તેને હાંસલ કરવાની વાત તેમણે કરી.

સ્વદેશી નહીં આત્મનિર્ભર

નરેન્દ્ર મોદીએ સ્વદેશી શબ્દનો ઉપયોગ કર્યો નહોતો, કેમ કે તેને જૂનોપુરાણો વિચાર કરીને સમયની રેતીમાં ક્યાંય દાટી દેવાયો છે.

સ્વદેશી આર્થિક મૉડલમાં દુનિયાથી અળગા ઊભેલા અને સંરક્ષણાત્મક અર્થતંત્ર ધરાવતા ભારતની છબી ઊભી થાય છે. સ્વદેશીનો વિચાર રાષ્ટ્રવાદીઓની વિચારસરણી ગણાય છે.

પરંતુ વડા પ્રધાનનો આત્મનિર્ભરતાનો વિચાર સ્વદેશી પરિકલ્પનામાંથી જ આવે છે, કેમ કે તેમણે ખાદીને કઈ રીતે લોકપ્રિય બનાવવામાં આવી તેનો ઉલ્લેખ પણ કર્યો હતો.

દાયકાઓ સુધી ભારત પોતાના વેપારઉદ્યોગોને વિશ્વ માટે ખોલવા અચકાતું હતું.

આત્મવિશ્વાસનો અભાવ અને બાહ્ય દુનિયા સામે શંકાને કારણે આવી વૃત્તિ જાગી હતી.

સ્વદેશીથી ઉદારીકરણ

વીતેલી સદીના છેલ્લા ચાર દાયકા દરમિયાન ભારત આયોજિત પંચવર્ષીય યોજનાના સહારે જ આગળ વધતું રહ્યું હતું, જેનો આધાર સ્વદેશી મૉડલ જ હતું.

તેના પર નિર્ભર રહેવાના કારણે 'હિન્દુ વિકાસ દર' તરીકે ઓળખાતા એટલે કે (2.5થી 3 ટકાના દર સાથે જ) અર્થતંત્રનો વિકાસ થતો રહ્યો હતો.

આખરે આર્થિક સંકડામણના કારણે જ ભારતને 1991માં ઉદારીકરણ અપનાવીને વિશ્વ માટે દરવાજા ખોલવા પડ્યા હતા.

આજે ફરીથી ભારતે ઉદારીકરણ છોડીને પોતાના પુરતા મર્યાદિત થવાની વાત કરી છે. મોદીએ કહ્યું કે પોતે આત્મનિર્ભરતાની વાત કરે છે ત્યારે દુનિયા સાથેની કડી તોડી નાખવાની વાત નથી કરી રહ્યા, પરંતુ હાલના વૈશ્વિક અર્થતંત્રમાં અમેરિકાના શૅરબજારમાં નાનકડી ઉથલપાથલ થાય તેના પડઘા ચીન અને ભારતની શૅરબજારમાં પડતા હોય, ત્યારે આત્મનિર્ભરતા એટલી સહેલી બનવાની નથી.

બીજું કે સ્થાનિક ધોરણે ઉત્પાદનો તૈયાર કરવા અને તેમને સ્પર્ધાત્મક બનાવવા તે માટે અમુક પ્રકારનું સંરક્ષણ તેમને આપવું પડશે, જેના કારણે ભારતે સીધા જ વર્લ્ડ ટ્રૅડ ઑર્ગેનાઇઝેશન (WTO)ના સભ્ય દેશો સાથે ઘર્ષણમાં ઉતરવું પડશે.

સ્પર્ધા નહીં, સ્થાનિક ઉત્પાદન

જોકે ભાજપના એક આંતરિક સ્રોતનું કહેવું છે કે મોદીની આત્મનિર્ભરતાની કલ્પના જુદા પ્રકારની છે. તેઓ કહે છે :

"પીએમ મોદીના આત્મનિર્ભરતાના વિચારમાં ક્યાંક એકલા પડી જવાથી કે અલગ રહેવાની વાત નથી." "કાર્યક્ષમતા વધારવા માટે ખાસ ચર્ચા થઈ રહી છે. વિશ્વ સાથે સ્પર્ધા કરવા ઉપરાંત વિશ્વને મદદરૂપ થવાની વાત થઈ રહી છે."

મોદીની વાતને વાજબી પણ ગણી શકાય છે, કેમ કે ઘણી સ્થાનિક કંપનીઓ મહામારી પછીના તબક્કે સ્થાનિક ધોરણે ઉત્પાદન વધારવા માટેનું વિચારી રહી છે.

આર.એસ.એસ. (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) સાથે સંકળાયેલા 'સ્વદેશી જાગરણ મંચ'ના અરૂણ ઓઝાના મતે કોરોના સંકટ પછી "બધા દેશોમાં આર્થિક રાષ્ટ્રવાદ આવવાનો છે".

દેશ આત્મનિર્ભરતાનો માર્ગ પકડી રહ્યો છે તેનું સ્વાગત કરતાં ઓઝા કહે છે, "અમે તો વર્ષોથી આત્મનિર્ભરતા અને સ્વદેશી માટેની સલાહ આપી રહ્યા છીએ."

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ "અમેરિકા ફર્સ્ટ"ની નીતિ અપનાવી રહ્યા છે. અમેરિકા સાથે વેપાર કે વેરાયુદ્ધમાં ભારત ઉતરી શકે તેમ નથી. ભારતની મુલાકાત દરમિયાન 25 ફેબ્રુઆરીએ ટ્રમ્પે ખુલ્લેઆમ કહ્યું હતું કે ભારતમાં આયાત દરો સૌથી ઊંચા છે:

"ભારતમાં કદાચ વિશ્વના સૌથી ઊંચા ટેરિફ છે અને તે બંધ કરવા જોઈએ, કમસે કમ અમેરિકા સામે."

"લૉકલ માટે વૉકલ બનો" બનો એવું નરેન્દ્ર મોદીએ પોતાના અડધા કલાકના ભાષણમાં કહ્યું હતું. આ કોઈ સ્લોગન જેવું લાગે છે.

આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાની ઇચ્છા દરેક દેશની હોય છે. નરેન્દ્ર મોદી માટે મુશ્કેલી તેના અમલમાં આવી શકે છે. ભૂતકાળમાં તેમના માનીતા કાર્યક્રમ મેક ઇન ઇન્ડિયામાં અમલની જ મુશ્કેલી નડી હતી.

મેક ઇન ઇન્ડિયા મારફત દેશને મૅન્યુફૅક્ચરિંગનું હબ બનાવવાની વાત હતી, પણ તેમાં સફળતા મળી નથી. કેટલાક ટીકાકારો કહે છે તે પ્રમાણે "મોદી વાતો કરવામાં હોંશિયાર છે, પણ અમલ કરવામાં ટૂંકા પડે છે."

આત્મનિર્ભરતા કેવી રીતે પ્રાપ્ત કરીશું તેનો કોઈ નકશો વડા પ્રધાને આપ્યો નથી. જોકે તેમણે કેટલાક અણસાર આપ્યો. દાખલા તરીકે તેમણે કહ્યું કે પાંચ સ્તંભ પર તે ઊભો હશે: અર્થતંત્ર, માળખાકીય સુવિધાઓ, સિસ્ટમ, ધબકતી લોકશાહી અને માગ.

શું આ પાંચેય સ્તંભ સારી સ્થિતિમાં છે? તે એટલા મજબૂત છે?

અર્થતંત્ર-

પાંચ સ્તંભની મજબૂતાઈ વિશે ટીકાકારોને બહુ ખાતરી નથી. દેશનું 2.7 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર હાલમાં બે ટકા કરતાંય ઓછા દરે વિકસી રહ્યું છે, જે ઐતિહાસિક રીતે સૌથી ઓછો છે. વૈશ્વિક પુરવઠા તંત્ર પણ ઢીલું પડ્યું છે. મૂલ્ય આધારિત તક છે, પણ તેમાં ચીન સામે સ્પર્ધા કરી શકાય તેમ નથી.

અર્થશાસ્ત્રીઓ કહે છે કે અત્યારે ભારત સામે સૌથી મોટો પડકાર કરોડો ગરીબ લોકોને ગરીબની રેખામાંથી બહાર કાઢવાનો છે, કેમ કે લૉકડાઉનને કારણે આ બધા ફરીથી રેખાની નીચે જતા રહ્યા છે.

માળખાકીય સુવિધાઓ- ચીન સાથે સ્પર્ધા કરવા કે ચીનમાં રહેલી કંપનીઓને આકર્ષવા માટે વિશ્વ કક્ષાની માળખાકીય સુવિધાઓ ઊભી કરવી પડે. જમીન, વીજળી અને જળસ્ત્રોતોમાં મોટા સુધારા કરવા પડે તેમ છે.

ભારતમાં વિદેશી કંપનીઓ માટે એક અવરોધ માળખાકીય સુવિધાઓનો અભાવ જ છે. ટીકાકારો કહે છે કે મોદી સરકાર પાસે છ વર્ષ હતા, પણ તે દરમિયાન બહુ ઓછી સુવિધાઓ ઊભી થઈ શકી છે. માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં વર્ષો લાગતા હોય છે અને ભારત પાસે એટલો સમય નથી.

સિસ્ટમ - વડા પ્રધાને ટેકનૉલૉજીનો મહત્તમ ઉપયોગ કરવાની વાત. તે દિશામાં સરકારે કેટલાંક પગલાં લીધાં પણ છે. આધુનિક ટેકનૉલૉજી અપનાવવી અને સમાજમાં ડિજિટલ ટૅકને પ્રોત્સાહન આપવા પગલાં લેવાયાં છે. અર્થતંત્ર માટે તે ચાવીરૂપ બની શકે છે.

લોકશાહીની મજબૂતાઈ તરીકે વસતિ - વિશ્લેષકો કહે છે કે લોકતાંત્રિક મૂલ્યો મોદીના શાસનમાં ઘણા ઘસાયા છે, પરંતુ ભારતની મુખ્ય તાકાત લોકતંત્ર છે અને અહીં ચીન સાથે ભારત સ્પર્ધા કરી શકે છે.

લોકશાહીનું મૂલ્ય સમજતી હોય તેવી કંપનીઓ, માનવ અધિકાર અને બાળમજૂરી માટે ચિંતા કરતી હોય તેવી કંપનીઓ માટે સામ્યવાદી ચીન કરતાં ભારતમાં કામ કરવું વધારે સાનુકૂળ પડે.

માગ - એ વાત ખરી કે ભારતની સ્થાનિક વિશાળ બજાર મૂડીરોકાણકારોને આકર્ષી શકે તેમ છે. જોકે વિશ્લેષકો કહે છે કે હાલમાં માગમાં ઘટાડો થયો છે. કોરોના સંકટમાંથી બહાર આવ્યા પછી તેમાં વધારો થઈ શકે છે.

ઘણા નાના અને મધ્યમ ઉદ્યોગો એટલે કે SME એકમોને સરકારી સહાયની જરૂર પડે તેમ છે. સારી વાત એ છે કે વડા પ્રધાનની આત્મનિર્ભરતા SME એકમોના સહયોગથી જ સિદ્ધ થઈ શકે તેમ છે.

મોદી સરકાર બુધવારથી દેશભરમાં આત્મનિર્ભરતાની પ્રચાર ઝુંબેશ શરૂ કરી રહી છે. તેમાં મોટા નેતાઓ તથા તાલુકા કક્ષાના પક્ષના કાર્યકરોને પણ આવરી લેવામાં આવશે. તેમને કહેવાશે કે તમારે સોશિયલ મીડિયામાં વડા પ્રધાનનો સંદેશ વહેતો મૂકવાનો છે અને ટીવી ન્યૂઝ ચેનલોમાં મુલાકાતોમાં આત્મનિર્ભરતાનો પ્રચાર કરવાનો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો