કોરોના વાઇરસ રસી : વધુ એક સફળતા, આ કંપનીએ કર્યું પરીક્ષણ

    • લેેખક, જૅમ્સ ગૅલાઘેર
    • પદ, સ્વાસ્થ્ય અને વિજ્ઞાન સંવાદદાતા

અમેરિકાની એક કંપનીએ કહ્યું છે કે વૅક્સિન મારફતે લોકોનાં રોગપ્રતિકારક તંત્રને કોરોના વાઇરસ સામે લડવા માટે પ્રશિક્ષિત કરી શકાય છે.

મૉડર્નાએ કહ્યું કે સેફ્ટી ટ્રાયલમાં ભાગ લેનાર પ્રથમ આઠ લોકોમાં ન્યુટ્રલાઇઝિંગ ઍન્ટીબૉડીઝ મળી આવ્યા છે.

કંપનીનું કહેવું છે કે જે લોકો વાઇરસના સંક્રમણથી સાજા થયા છે, તેમનામાં જે રક્ષણ પેદા થાય છે, એવું જ વૅક્સિનમાં જોવા મળ્યું છે.

જુલાઈમાં આ અંગે મોટાપાયે ટ્રાયલની શરૂઆત કરવામાં આવશે.

હાલ દુનિયામાં કોરોના વાઇરસના વૅક્સિન પર 80 જેટલા સમૂહો કામ કરી રહ્યા છે.

મૉડર્ના પ્રયોગાત્કમ વૅક્સિનનું પરીક્ષણ કરનારી પ્રથમ કંપની છે, જેણે મનુષ્યો પર એમઆરએનએ-1273નું ટેસ્ટિંગ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે ઑક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા પણ વૅક્સિનનું માનવીય પરીક્ષણ કરાયું છે, પરંતુ હજી તેના પરિણામ જાહેર થયાં નથી.

કેવી રીતે કામ કરે છે?

આ વૅક્સિન કોરોના વાઇસના જિનેટિક કોડનો એક નાનકડો ભાગ હોય છે, જેને મનુષ્યમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે.

આનાથી મનુષ્યમાં સંક્રમણ ફેલાતું નથી અને કોવિડ-19નાં લક્ષણો પણ નથી ઉત્પન્ન થતા, પરંતુ તે રોગપ્રતિકારક તંત્રમાં એક પ્રતિભાવ પેદા કરી શકે છે.

અમેરિકાની સરકારી સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એલર્જી ઍન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝ દ્વારા કરવામાં આવેલા વૅક્સિનના પરીક્ષણ જાણવા મળ્યું કે વૅક્સિનથી ઍન્ટીબૉડીઝ ઉત્પન્ન કરી શકાયા છે, જે કોરોના વાઇરસને નિષ્પ્રભાવી કરી શકે છે.

કુલ 45 લોકો ટ્રાયલમાં સામેલ હતા, પરંતુ ઍન્ટીબૉડીઝ વાળો ટેસ્ટ માત્ર આઠ લોકો પર કરવામાં આવ્યો હતો.

મૉડર્ના કંપનીનું કહેવું છે કે જે લોકોએ વૅક્સિનનો નાનકડો ડૉઝ લીધો હતો, તેમનામાં પણ એટલા જ ઍન્ટીબૉડીઝ મળી આવ્યા જેટલા કોવિડ-19 સંક્રમણમાંથી સાજા થયેલા દરદીમાં ઉત્પન્ન થયા હોય છે.

એવા લોકો જેમને મધ્યમ માત્રામાં ડૉઝ આપવામાં આવ્યો, તેમનામાં કોવિડ-19માંથી સાજા થયેલા દરદીઓ કરતાં ઘણી વધારે માત્રામાં ઍન્ટીબૉડીઝ મળી આવ્યા હતા.

પ્રથમ તબક્કાની આ ટ્રાયલમાં વૅક્સિન સુરક્ષિત સાબિત થયા બાદ હવે તેની અસરકારકતા ચકાસવા માટે મોટા પાયે ટ્રાયલ કરવામાં આવશે.

અગાઉ ઉંદર પર કરવામાં આવેલા પરીક્ષણમાં સામે આવ્યું હતું કે વૅક્સિનથી ફેફસાંમાં વાઇરસને વધતો રોકી શકાય છે.

મૉડર્નાના ચીફ મેડિકલ ઑફિસર ડૉ. ટેલ ઝાક્સે કહ્યું, "એમઆરએનએ-1273ના પ્રથમ તબક્કાની ટ્રાયલે દર્શાવ્યું કે તેનાથી રોગપ્રતિકારક તંત્રમાં એ જ પ્રકારની પ્રતિરક્ષણ શક્તિ ઉત્પન્ન થાય છે, જે સંક્રમણમાંથી સાજા થયેલા દરદીમાં વિકસિત થતી હોય છે."

તેમણે કહ્યું કે "ડેટાથી અમારી માન્યતા પૂરવાર થાય છે કે એમઆરએન-1273 કોરોના વાઇરસના સંક્રમણથી બચાવવામાં સક્ષમ છે અને હવે અમે મોટાપાયે પરીક્ષણ માટે ડૉઝની પસંદગી કરી શકીએ છીએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો