ચીન સામે હૉંગકૉંગમાં હોબાળો, ટિયરગૅસના સેલ છોડવામાં આવ્યા

હૉંગકૉંગમાં પ્રસ્તાવિત નવા સુરક્ષા કાયદાના વિરોધમાં સેંકડો લોકોએ રવિવારે વિરોધપ્રદર્શન કર્યું હતું.

લોકશાહીતરફી પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા પોલીસે ટિયરગૅસનો ઉપયોગ કર્યો હતો. ચીને હૉંગકૉંગમાં સુરક્ષા કાયદો લાગુ કરવાની યોજના બનાવી છે, જેનો લોકો વિરોધ કરી રહ્યા છે. વિરોધને જોતા હૉંગકૉંગમાં વહીવટી કચેરીની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

રવિવારે નવા સુરક્ષા કાયદાના વિરોધમાં સેંકડો વિરોધ પ્રદર્શનકારીઓ હૉંગકૉંગના રસ્તાઓ પર બેનરો અને પોસ્ટરો હાથમાં લઇને રસ્તા પર ઉતરી આવ્યા હતા.

ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ વિરોધ પ્રદર્શનકારીઓને ખાતરી આપી છે કે 'મૂળભૂત કાયદા' હેઠળ અપાયેલા સ્વતંત્રતા અને કાયદાકીય અધિકારથી હૉંગકૉંગના મોટાભાગના લોકોના હકને અસર નહીં થાય. તેનાથી શહેરના કારોબારી માહોલને પણ અસર નહીં થાય. આ કાયદો 'એક દેશ, બે સિસ્ટમ્સની' વ્યવસ્થા જાળવવામાં મદદ કરશે.

અગાઉ, વિશ્વના બસ્સો રાજકારણીઓએ નવા પ્રસ્તાવિત સુરક્ષા કાયદાના મુસદ્દાની ટીકા કરતું સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું.તેમણે તેમના દેશની સરકારોને અપીલ કરી છે કે તેઓ સ્પષ્ટતા કરે કે હૉંગકૉંગની સ્વાયતતા સાથે કોઈ ચેડા નહીં કરવામાં આવે. સંયુક્ત નિવેદનમાં સહી કરનારાઓમાં હૉંગકૉંગના પૂર્વ બ્રિટીશ ગવર્નર ક્રિસ પૈટનનો સમાવેશ હતો.

બે દાયકા પહેલાં, ચીન-બ્રિટને હૉંગકૉંગની સ્વાયતતા અંગે જૉઇન્ટ ડિક્લેરેશન બહાર પાડ્યું હતું.

ચીનની યોજનાને ઐતિહાસિક સંયુક્ત ડિક્લેરશનનું છડેચોક ઉલ્લંઘન ગણાવવામાં આવે છે.

ચીનના વિદેશપ્રધાને કહ્યું, "હૉંગકૉંગની ઘટનાઓ ચીનની આંતરિક બાબત છે. વૈશ્વિક સંબંધો હેઠળ બીજાના ઘરેલું મામલામાં દખલ ન દેવી જોઇએ. આ વાત ચીન સ્પષ્ટ કરવા માંગે છે."

હૉંગકૉંગમાં ચીને રાજકીય વિસ્ફોટ કર્યો જ્યારે તેમણે કહ્યું કે તેઓ આ શહેરમાં એક નવો સુરક્ષા કાયદો અમલમાં મૂકશે. ઘણા લોકોને ડર છે કે આનાથી હૉંગકૉંગના લોકોને આપવામાં આવેલી સ્વતંત્રતા છીનવાઇ જશે, જે સ્વતંત્રતા સામાન્ય ચીની નાગરીકોને પણ નથી મળતી .

આ કાયદો શું કહે છે?

સૌ પ્રથમ, ચીને આ પ્રસ્તાવિત કાયદાનો ડ્રાફ્ટ તેની રબર સ્ટૅમ્પ સંસદમાં રજૂ કર્યો છે.

બિલના મુસદ્દા પર આગામી સપ્તાહે સંસદમાં મતદાન કરવામાં આવશે. તે પછી જ આ પ્રસ્તાવ કાયદાનું સ્વરૂપ લઈ શકશે.

જોકે આ સૂચિત કાયદા વિશેની સંપૂર્ણ માહિતી હજુ સુધી બહાર આવી નથી, તેમ છતાં લોકોને ઘણી ચિંતાઓ છે.

જે વાતો હાલ સુધી બહાર આવી છે, તે અનુસાર, દેશ સાથેના સંબંધોને તોડવા, કેન્દ્ર સરકારની સત્તા અથવા સત્તાને નબળી પાડવી એ ગુનો ગણાશે.

લોકોને ધમકીઓ આપવી અથવા તેમની સામે હિંસાનો ઉપયોગ કરવો ચરમપંથના ગુના હેઠળ આવશે. હૉંગકૉંગના કેસમાં દખલ કરતી વિદેશી પ્રવૃત્તિઓ પણ ગુનાની શ્રેણીમાં આવશે.

સૂચિત કાયદાની જોગવાઈ મુજબ , જેના વિશે લોકો વધુ ચિંતિત છે તે બાબત એ છે કે ચીન હૉંગકૉંગમાં નવી સુરક્ષા એજન્સીઓનું ગઠન કરી શકે છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે જવાબદાર રહેશે. આનો અર્થ એ છે કે હૉંગકૉંગમાં ચીનની પોતાની કાયદા અમલીકરણ માટેની એજન્સીઓ હશે, જ્યારે આવી એજન્સીઓ તો શહેરમાં પહેલેથી જ છે.

ચીન આવું શા માટે કરી રહ્યું છે?

1997 માં, હૉંગકૉંગ બ્રિટિશરોના નિયંત્રણથી બહાર આવીને ચીન પાસે ગયું, પરંતુ આ માટે બંને દેશો વચ્ચે એક અનોખો કરાર થયો હતો. ત્યારે નાના બંધારણનો પાયો હૉંગકૉંગ માટે નાખ્યો હતો, જેને 'બેઝિક લૉ' એટલે કે મૂળભૂત કાયદો પણ કહેવામાં આવે છે.

આ સાથે, ચીનમાં 'એક દેશ, બે સિસ્ટમ્સ' ની પ્રણાલીનો જન્મ થયો. આ મૂળ કાયદાને કારણે હૉંગકૉંગના લોકોને અમુક મુદ્દાઓ પર આઝાદી મળશે. તેઓ જાહેરસભાઓ કરી શકશે, તેઓને બોલવાનો અને પોતાનો અવાજ ઉઠાવવાનો અધિકાર હશે અને ત્યાં એક સ્વતંત્ર ન્યાયતંત્ર પણ હશે.

સાથે જ કેટલાક લોકશાહી અધિકાર પણ મળ્યો, જે ચીનના સામાન્ય નાગરિકો પાસે નથી. આ કરાર હેઠળ, હૉંગકૉંગને પણ તેના રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને લાગુ કરવાનો અધિકાર છે. 'મૂળભૂત કાયદા'ની કલમ 23માં તેની જોગવાઈ કરવામાં આવી છે.

પરંતુ આ જોગવાઈ એટલી લોકપ્રિય હતી કે તેનો ઉપયોગ ક્યારેય થયો નહીં. વર્ષ 2003 માં પણ સરકારે એક વખત પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યારે પાંચ લાખ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને સરકારે તેનાં પગલાં પાછાં ખેંચવા પડયાં હતાં.

ગત વર્ષે, પ્રત્યાર્પણના કાયદાને લીધે મહિનાઓનો વિરોધ અને હિંસા ફાટી નીકળી હતી. પાછળથી, આ વિરોધએ ચીનવિરોધી અને લોકશાહીનાં સમર્થનનું સ્વરૂપ પણ લઈ લીધું, તેથી ચીન નથી ઇચ્છતું કે આવી ઘટના ફરીથી ત્યાં બને.

હૉંગકૉંગના લોકો કેમ ગભરાઈ રહ્યા છે?

જો કે, આ પ્રસ્તાવિત કાયદાનો હજી સુધી અમલ કરવામાં આવ્યો નથી, તેથી તેની જોગવાઈઓ વિશે નિશ્ચિતપણે કંઇક કહેવું મુશ્કેલ છે, પરંતુ હજી પણ હૉંગકૉંગના લોકોને ડર છે કે આ પ્રસ્તાવિત કાયદાને કારણે તેમના નાગરિક અધિકાર છીનવાઈ શકે છે.

ચીન વિશેની બાબતોના જાણકાર વિલી લૅમે ચિંતા વ્યક્ત કરતા કહે છે કે આ કાયદા હેઠળ લોકોને ચીનની ટીકા કરવાના ગુનામાં સજા થઈ શકે છે. ચીનના મુખ્ય વિસ્તારમાં આવું થાય છે.

લોકોને ડર છે કે આ કાયદાથી તેમની અભિવ્યક્તિની સ્વતંત્રતા અને વિરોધના અધિકારનો ભંગ થશે. આજે હૉંગકૉંગમાં આ કાનૂની અધિકાર છે.ચીનમાં આવી પ્રવૃત્તિઓ કેન્દ્ર સરકારની શક્તિ અથવા સત્તાને નબળી બનાવવાના ઘેરામાં આવે છે.

જોશુઆ વાંગ જેવા ક્રાંતિકારી કાર્યકરો વિદેશી સરકારોની સામે હૉંગકૉંગમાં લોકશાહીતરફી અભિયાનમાં મદદ કરવાના મુદ્દાને ઉઠાવતા રહ્યા છે. વર્ષો સુધી કરાયેલા પ્રયત્નો પછી અમેરિકાએ હૉંગકૉંગનો માનવ અધિકાર અને લોકશાહી અધિનિયમ પસાર કર્યો હતો. કેટલાક લોકોને ડર છે કે આવનારા સમયમાં આવી હિલચાલ ગુનાની શ્રેણીમાં આવશે.

ડરના અન્ય કારણો પણ છે. ઘણા લોકોને ડર છે કે હૉંગકૉંગની ન્યાય વ્યવસ્થા પણ ચીન જેવી જ બની જશે.

યુનિવર્સિટી ઓફ હૉંગકૉંગના કાયદાના અધ્યાપક, પ્રોફેસર જોહાનેસ ચાન કહે છે:

"રાષ્ટ્રીય સુરક્ષાને લગતી લગભગ તમામ બાબતો બંધ દરવાજા પાછળ સાંભળવામાં આવે છે. આક્ષેપો શું છે અને પુરાવા શું છે તે તેમને ક્યારેય જણાવવામાં આવતું નથી અને રાષ્ટ્રીય સુરક્ષાની વિભાવના અસ્પષ્ટ છે કે તમે કોઈપણ પ્રવૃત્તિ તેના કાર્યક્ષેત્ર હેઠળ લાવી શકો છો."

લોકોના ડરનું બીજું એક કારણ મુજબ ઘણા લોકોને લાગે છે કે આજે હૉંગકૉંગને મળી રહેલી સ્વતંત્રતાને ઘટાડશે તો હૉંગકૉંગનું આકર્ષણ આર્થિક અને વ્યાપારી કેન્દ્ર તરીકે નબળું પડી જશે.

નિરીક્ષકો કહે છે કે હૉંગકૉંગમાં માત્ર રાજકીય ભવિષ્ય જ નહીં, પરંતુ આર્થિક ભાવિ પણ દાવ પર લાગ્યું છે.

ચીન પાસે શું રસ્તો છે?

'બેઝિક લો' મુજબ, ચીનમાં લાગુ કાયદો હૉંગકૉંગમાં ત્યાર લાગુ નહીં કરી શકાશે, જયાં સુધી તે ત્રીજી અનુસૂચિમાં નોંધાય ન જાય. ત્યાં પહેલાંથી જ કેટલાક કાયદાઓ નોંધાયેલા છે, પરંતુ તેમાંથી મોટાભાગની જોગવાઈઓ બિન-વિવાદાસ્પદ હતી અને વિદેશીનીતિ વિષયથી સંબંધિત છે.

જોકે, ચીન પાસે અન્ય માર્ગ પણ છે. ચીનના મુખ્ય ભૂમિ પર લાગુ કાયદા હૉંગકૉંગમાં એક સત્તાવાર હુકમનામું બહાર પાડી લાગુ કરી શકાય છે, જો આમ કરવામાં આવે છે તો તેનો અર્થ થશે હૉંગકૉંગની સંસદના અધિકારની અવગણના થઈ છે.

હૉંગકૉંગના ચીફ ઍક્ઝિક્યુટિવ કૅરી લેમ પહેલેથી જ કહી ચૂક્યા છે કે આ કાયદો શક્ય તેટલી વહેલી તકે પસાર થાય તે માટે તે ચીનની સરકારને સહયોગ આપશે. વિવેચકો કહે છે કે આ 'એક દેશ, બે પ્રણાલીઓ'ની શિષ્ટતાનું એકદમ ઉલ્લંઘન છે, જે હૉંગકૉંગ માટે ખૂબ મહત્ત્વનું છે.

પ્રોફેસર ચાન કહે છે કે પ્રસ્તાવિત કાયદો હૉંગકૉંગના 'મૂળભૂત કાયદા'ની કલમ 23નું પણ ઉલ્લંઘન કરે છે. તેઓ કહે છે, "એવું લાગે છે કે ચીન પોતાની સ્વતંત્ર ઇચ્છા પ્રમાણે 'મૂળભૂત કાયદા'ની વ્યાખ્યા આપી શકે છે અને આવી ઘટનાઓ સતત વધી રહી છે."

ચીન જે કાયદો હૉંગકૉંગમાં લાગુ કરવા માંગે છે તે કાયદાનો ડ્રાફ્ટ સૂચવે છે કે હૉંગકૉંગ સરકારે હજી પણ આર્ટિકલ 23 હેઠળ અલગ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાવવાની જરૂર છે.

પ્રોફેસર ચાન કહે છે કે જો રાષ્ટ્રીય કાયદામાં કોઈ વસ્તુ પર પ્રતિબંધ મૂકવામાં આવે, તો પછી તેને ત્રીજી સૂચિમાં પહેલા સામેલ કરવું જોઈએ અને આ માર્ગ હૉંગકૉંગની સંસદથી પસાર થઇને જાય છે, કારણ કે બંનેની ન્યાય વ્યવસ્થા જુદી-જુદીછે

તેઓ કહે છે કે, "ફોજદારી ન્યાય પ્રણાલી કે જે બંને જગ્યાએ લાગુ પડે છે તે જુદા-જુદા મૂલ્યો પર આધારિત છે. તેથી, કોઇપણ વાતને અપરાધ સાબિત કરવી તે નિર્ણય હૉંગકૉંગની સરકારે કરવો જોઇએ ન કે ચીનની કેન્દ્ર સરકારે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો