NPC: કોરોનામાં ચીનની ઐતિહાસિક જાહેરાત, આ વર્ષે કોઈ GDP ટાર્ગેટ નહીં

ચીન આ વર્ષે આર્થિક વૃદ્ધિ દરનો લક્ષ્ય નક્કી નહીં કરે. શુક્રવારે સવારે ચીનની વાર્ષિક સંસદીય બેઠક નેશનલ પીપલ્સ કૉંગ્રેસમાં ત્રણ હજાર જેટલાં પ્રતિનિધિ હાજર હતા એમાં આ જાહેરાત કરવામાં આવી છે.

એનપીસીની બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવે છે અને સાથે જ અર્થવ્યવસ્થાની વૃદ્ધિનું લક્ષ્ય પણ નક્કી કરવામાં આવે છે. પરંતુ આ વખતે ચીને ઘોષણા કરી છે કે તે આર્થિક વૃદ્ધિ દરનું કોઈ લક્ષ્ય નક્કી નહીં કરે.

ચીનની આ જાહેરાત ઐતિહાસિક છે કેમ કે આવું તેણે પહેલીવાર કર્યું છે. કોરોના મહામારી અને લૉકડાઉનને પગલે દુનિયાભરની અર્થવ્યવસ્થાઓ માંદી પડી રહી છે ત્યારે ચીને આર્થિક વૃદ્ધિનું કોઈ જ લક્ષ્ય નહીં રાખવાની વાત કરી સૌને ચોંકાવી દીધા છે.

ચીનના વડા પ્રધાન લિ કેચિયાંગે કહ્યું છે, "આવું એટલા માટે કારણ કે આપણો દેશ કેટલીક લડાઈઓ લડી રહ્યો છે અને આવા અનિશ્ચિતતાના સમયમાં પ્રગતિનું આંકલન કરવું મુશ્કેલ છે. આ અનિશ્ચિતતા કોવિડ-19ના કારણે છે કારણ કે આનાથી દુનિયાની અર્થવ્યવસ્થા પ્રભાવિત થાય છે અને વેપાર પર પણ મોટી અસર પડે છે."

ચીનના બજેટમાં ખોટ 2019ની સરખામણીએ વધી ગઈ છે.

1990થી ચીને આર્થિક વૃદ્ધિના લક્ષ્યને જાહેર કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી આ સતત જાહેર થતા હતા.

આ પહેલીવખત છે જ્યારે ચીનના જીડીપીનો કોઈ લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો નથી.

વડા પ્રધાન લી કેચિયાંગે કહ્યું કે કોવિડ 19ને નિયંત્રિત કરવા માટે સરકારે એક ટ્રિલિયન યુઆન વધારે આપશે.

લી કેચિયાંગે એમ પણ કહ્યું કે ચીન અમેરિકાની સાથે ટ્રેડ ડીલ પર વાત કરશે, જે કોરોના વાઇરસની મહામારીના કારણે લટકી ગઈ હતી. તાઇવાનને લઈને કેચિયાંગે કહ્યું કે ચીને પોતાની સંપ્રભુતાને લઈને કડક વલણ અપનાવ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો