You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીન ફરીથી એવું કંઈક કરવા જઈ રહ્યું છે, જેના પર કોઈને વિશ્વાસ નથી
WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનું માનવું છે કે કોરોના વાઇરસના સંક્રમણને અંકુશમાં લેવાના ચીનના પ્રયાસો 'સંભવત: વિશ્વના ઇતિહાસમાં સૌથી મહત્ત્વાકાંક્ષી અને આક્રમક રહ્યા' છે.
પરંતુ હવે ચીન માત્ર દસ દિવસમાં વુહાનની સમગ્ર વસ્તીનું કોરોના પરીક્ષણ કરવા જઈ રહ્યું છે જેના કારણે સમગ્ર વિશ્વ આશ્ચર્યચકિત છે. વુહાન જાન્યુઆરીમાં કોરોના સંક્રમણનું કેન્દ્ર બની ગયું હતું. સૌથી પહેલો કેસ અહીં જ ડિસેમ્બર મહિનામાં નોંધાયો હતો.
વુહાનની કુલ વસ્તી 1.1 કરોડ છે. સ્થાનિક વહીવટી તંત્રે અહીંની સમગ્ર વસ્તીનું કોરોના પરીક્ષણ કરવાની યોજના પર કામ શરૂ કરી દીધું છે.
આ અંતર્ગત પહેલાં એવા લોકોની તપાસ કરવામાં આવશે જેમના પર કોરાનાનું જોખમ વધારે છે. ઉદાહરણ તરીકે આરોગ્યની સેવાઓ આપતા લોકો.
અધિકારીઓનું કહેવું છે કે, મોટા પાયે નમૂનાઓ એકત્રિત કરીને તબક્કાવાર રીતે પરીક્ષણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ચીનની આ મહત્ત્વાકાંક્ષી યોજનાનો અર્થ એ છે કે વુહાનમાં દરરોજ દસ લાખ લોકોનું પરીક્ષણ કરવામાં આવશે. અત્યારે, ત્યાં દરરોજ ચાલીસથી સાંઠ હજારની પરીક્ષણ ક્ષમતા છે, જેને મોટા પાયે વધારવાની જરૂર રહેશે.
અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત કાઉન્સિલ ઑફ ફોરેન અફેર્સના ગ્લોબલ હેલ્થના સિનિયર ફેલો યાનઝોંગ હુઆંગ કહે છે, "અમે ફક્ત કોઈ ચમત્કારની આશા રાખી શકીએ છીએ."
મોટા પ્રમાણમાં લોકોનાં પરીક્ષણનું લક્ષ્ય કેમ મૂકવામાં આવ્યું?
ગત સપ્તાહના અંતે, વુહાનમાં એક જ કૉમ્પલેક્સમાંથી છ નવા કેસ સામે આવ્યા બાદ આ મોટું પગલું લેવામાં આવ્યું છે. આ નવા કેસોમાં કોરોનાનાં કોઈપણ લક્ષણો જોવા નહોતાં મળ્યાં, પરંતુ તેઓનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલે કે તેમને કોરાનાનું સંક્રમણ થયું હતું. આવા કિસ્સાઓને એસિમ્પ્ટોમેટિક કહેવામાં આવે છે, એટલે કે જેમાં ચેપ લાગવાનું કોઈ લક્ષણ દેખાતું નથી.
આ ઘટના બાદ કૉમ્પલેક્સમાં રહેતા 5,000, લોકોનું પરીક્ષણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
કેટલાક લોકોનું કહેવું છે કે 1.1 કરોડ લોકોમાંથી સરખા પ્રમાણમાં લોકો ક્વોરૅન્ટાઇન થતાં પહેલાં જ શહેર છોડી ચૂકયા છે અથવા હમણાં જ તેમની તપાસ કરવામાં આવી છે. એટલે પરીક્ષણ શરૂ થયા બાદ અધિકારીઓ માટે આ બહુ મુશ્કેલ કામ નહીં હોય.
વુહાનના 40-50 લાખ લોકોની તપાસ પહેલાં જ થઇ ગઇ છે. વુહાન યુનિવર્સિટીમાં જીવ વિજ્ઞાનના ડેપ્યુટી ડિરેકટર યાંગ ઝાન્કીએ ગ્લોબલ ટાઇમ્સ ન્યૂઝ પેપરને કહ્યું છે કે 'વુહાન બાકી રહેલા 60-80 લાખ લોકોનું પરીક્ષણ દસ દિવસમાં કરવા માટે સક્ષમ છે.'
વાસ્તવિકતામાં ભલે 60 થી 80 લાખ લોકોનું પરીક્ષણ કરવાનું હોય તો પણ સમગ્ર પરીક્ષણ દસ દિવસમાં પૂર્ણ કરવા માટે, છથી આઠ લાખ લોકોનું પરીક્ષણ પ્રત્યેક દિવસે કરવું પડશે. જે એક મોટો પડકાર હશે.
22 એપ્રિલના રોજ, હુબેઇ પ્રાંતની સરકારે કહ્યું કે દરરોજ 89,000 લોકોનું પરીક્ષણ કરવામાં આવે છે. આમાં હુબેઈની રાજધાની વુહાનમાં કરવામાં આવતું પરીક્ષણ પણ સામેલ છે.
જ્યાં એક દિવસમાં 63,000 લોકોના પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 10 મેના રોજ વુહાનમાં માત્ર 40,000 પરીક્ષણ કરવામાં આવ્યા હતા.
શું લાખો લોકોનું આટલું જલ્દી પરીક્ષણ થઈ શકે?
કેટલાક આશાવાદી લોકોનું કહેવું છે કે જો ચીની સરકાર નક્કી કરે તો આ શક્ય છે. 13 મેના રોજ, ચાઇનીઝ મીડિયાએ વુહાન અધિકારીઓને ટાંકીને કહ્યું કે મોટા પાયે પરીક્ષણ મુખ્યત્વે કોઈ થર્ડ પાર્ટી કંપનીની મદદથી કરવામાં આવે છે.
સ્થાનિક હૉસ્પિટલો તેમના લોકોને મોકલે છે અને નમૂનાઓ એકત્રિત કરે છે.
અધિકારીઓના મતે, થર્ડ પાર્ટી કંપનીઓની પરીક્ષણ ક્ષમતા દરરોજની એક લાખ છે અને તેથી શક્ય છે કે આટલા ટૂંકા સમયમાં આટલા મોટા પાયે પરીક્ષણ કરવાનું લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે.
"તેથી પરીક્ષણ તબક્કાવાર કરવામાં આવશે. મતલબ કે કેટલાક જિલ્લાઓમાં તે 12મી મેથી શરૂ થશે, તો કેટલાકમાં 17મી મેથી એટલે તમામ જિલ્લાઓમાં, પરીક્ષણ દસ દિવસમાં સમાપ્ત થઈ જશે."
ચીનના ઉદ્યોગપ્રધાને ગયા મહિને જ કહ્યું હતું કે ચીન દરરોજ પચાસ લાખ ટેસ્ટ કીટ તૈયાર કરી શકે છે અને વધુ પરીક્ષણ કેન્દ્રો અને લૅબોરેટરીઓ તૈયાર કરવામાં આવી રહી છે જેથી નમૂનાઓને એકત્રિત કરી પરીક્ષણ કરી શકાય.
પ્રોફેસર યાંગ કહે છે કે જો કોઈના પાડોશમાં કેસ ન હોય તો દરેક વ્યક્તિની તપાસ કરવી જરૂરી નથી.
ગ્લોબલ ટાઇમ્સ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, 'એક વખત કોઇ વ્યક્તિનો ટેસ્ટ નેગેટીવ આવે તો પણ તે સંક્રમિત હોઇ શકે છે. એટલે આ રીતે તમે કયારેય નહી જાણી શકો. એ જરૂરી છે કે હાલની પરિસ્થિતી જાણવા માટે મહામારીના વિજ્ઞાનનો આધાર લઇએ.'
બીજા દોરના સંક્રમણનું જોખમ
જ્યારે ઘણા દેશોએ તેમના લૉકડાઉનમાં રાહત આપવાનું શરૂ કરી દીધું છે, ત્યારે તેની સાથે જ સંક્રમણના બીજા રાઉન્ડનું જોખમ, અધિકારીઓ માટે માથાનો દુખાવો બની રહ્યું છે.
વુહાનમાં 8 મી એપ્રિલે 11 અઠવાડિયાના કડક લૉકડાઉન બાદ છૂટ આપવામાં આવી હતી. પરંતુ હવે આ નવા કેસોના આગમન પછી, બીજા રાઉન્ડના સંક્રમણનું જોખમ વધ્યું છે.
ચીનના અન્ય શહેરોમાં પણ સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. ટ્રેન અને બસ સેવાઓ રદ કરવામાં આવી છે. મૂવીઝ, જીમ અને ઇન્ટરનેટ કાફે બધુ જ બંધ કરી દેવામાં આવ્યું છે.
ચીનના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શનના ચીફ એપિડેમોલૉજિસ્ટ વુ જુનિયો કહે છે કે ટેસ્ટનું પરિણામ નેગેટીવ આવ્યા પછી ફરી નવા કેસ સામે આવતા સરકાર હાઇ એલર્ટ પર છે.
તેમણે ચીનના સરકારી મીડિયા સીસીટીવીને કહ્યું કે, " ખરેખર વુહાનમાં આવા એક કરતાં વધારે કેસ સામે આવ્યા છે જેમાં ચેપનો સમયગાળો 30 થી 50 દિવસનો છે. નબળી ઇમ્યુનિટી ધરાવતા લોકોમાં વાઇરસનો પ્રભાવ વધુ દિવસો સુધી રહી શકે છે."
તેમણે વધુમાં કહ્યું કે વુહાનમાં દરેકને પરીક્ષણ કરવાની જરૂર નથી. જેમના પાડોશમાં કેસ નથી તેવા લોકો માટે પરીક્ષણ કરાવવાની જરૂર નથી.
ખર્ચાળ કામ
પ્રોફેસર હુઆંગ કહે છે કે વુહાનની આખી વસ્તીનું પરીક્ષણ કરવું એ 'ખૂબ જ ખર્ચાળ' કામ છે.
તેમનું કહેવું છે કે, "પરંતુ એ વાત ધ્યાનમાં રાખજો કે, આ ચીન છે. અહીં જે રીતે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું તે ઓછું ખર્ચાળ નહોતું. પરંતુ તેમનો હેતુ કોઈપણ કિંમતે મહત્તમ સુરક્ષા પ્રદાન કરવાનો છે."
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો