કોરોના વાઇરસ : ખાનગી હૉસ્પિટલના ડૉક્ટરો ગુજરાત સરકારના આદેશ સામે નારાજ કેમ?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બી.બી.સી. ગુજરાતી માટે

અમદાવાદમાં કોરોના વાઇરસના કેસ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને ખાનગી હૉસ્પિટલના 50 ટકા બેડ કોરોનાના દર્દી માટે આપવાનો આદેશ કર્યો છે અને જો હૉસ્પિટલ ના આપે તો કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના આદેશ સામે અમદાવાદના ડૉક્ટરો ભારે નારાજ છે અને આ નારાજ ડૉક્ટરો સાથે બેઠક કરીને એમને આ મહામારીમાં જોતરવાની કવાયત પણ શરૂ કરાઈ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને આદેશ કર્યો છે કે અમદાવાદની 42 હૉસ્પિટલના 50% બેડ કોરોના વાઇરસના દર્દીઓ માટે ખાલી કરવા અને આ ખાનગી હૉસ્પિટલના ચાર્જમાં પણ હૉસ્પિટલના ધારાધોરણ પ્રમાણે 150% વધારો કરવો.

16 એપ્રિલે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને ઍપિડેમિક ઍક્ટ હેઠળ આ 42 હૉસ્પિટલમાં સરકારે અગાઉ 4500ના જે ભાવ નક્કી કરાયા હતા એમાં વધારો કરવાની વાત કરી છે.

અમદાવાદમાં વકરેલા કોરોનાના કેસને જોતાં નવા નિમાયેલા ઇન્ચાર્જ ઑફિસર રાજીવ ગુપ્તાએ જાહેર કર્યું છે કે આ 42 હૉસ્પિટલમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા જે દર્દીઓને દાખલ કરવામાં આવશે એમને 750થી 1800 રૂપિયા ભરવાના રહેશે અને જો દર્દી જાતે દાખલ થાય તો એને 4500થી 11250 સુધીના રેટ રાખવામાં આવશે.

સરકારના આદેશ સામે વિરોધ

ગુજરાત સરકારે 16 એપ્રિલે જાહેર કરેલા આ રેટમાં 15 મેથી જે પ્રકારે વધારો કરાયો છે, એ પછી પણ અમદાવાદના ખાનગી ડૉક્ટરો નારાજ છે.

અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના ભૂતપૂર્વ સચિવ ડૉક્ટર કે. જે. પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે આ તઘલખી નિર્ણય લેવાઈ રહ્યા છે. અમેરિકા જેવા દેશોમાં વાયરૉલૉજી વિભાગના નિષ્ણાતોની સલાહ લીધા વગર કામ થઈ રહ્યું છે.

"ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને જ્યારે કોરોનાની મહામારી સર્જાઈ ત્યારે ખાનગી ડૉક્ટરોને જોડાવવાનું કહ્યું હતું ત્યારે સ્વેચ્છાએ અમદાવાદના એક હજાર ડૉક્ટરોએ તૈયારી બતાવી હતી."

"ડૉક્ટર સાથે કોઈ સલાહ-પરામર્શ કર્યા વગર ઍપિડેમિક ઍક્ટની કલમ હેઠળ આ રીતે ખાનગી ડૉક્ટરોને દબાવવામાં આવી રહ્યા છે."

તેઓ કહે છે, "જો ખાનગી હૉસ્પિટલમાં 50% જગ્યા મ્યુનિસિપલ કૉર્પોરેશન લઈ લે તો બીજા રોગોના દર્દીઓની સારવાર કેવી રીતે સંભવ બને? કારણ કે હૉસ્પિટલમાં આવતા દર્દીની પહેલેથી રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને એટલે એને ચેપ લાગવાની સંભાવના વધી જાય છે."

"નર્સ સહિતના પૅરા-મેડિકલ સ્ટાફને જે કોરોનાની સારવાર ના કરતા હોય એમને પણ રોટેશનમાં રજા આપવી પડે એટલે નવી મુસીબત થાય છે."

ડૉક્ટર પટેલ કહે છે કે આ પ્રકારના ફતવા બહાર પાડી સરકાર પોતાની નિષ્ફળતા ખાનગી ડૉક્ટર પર ઢોળવા માગે છે, કારણ કે ઍપિડેમિક ઍક્ટ મુજબ ડૉક્ટરોને કોઈ પણ ફતવા બહાર પાડે તો ફરજિયાત પાલન કરવું પડે છે.

તેઓ એમ પણ કહે છે, "ખાનગી ડૉક્ટર પાસે પીપીઈ કિટ, એન-95 માસ્ક લઈને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ આવીને કહે કે અમને તમારી સેવાની જરૂર છે, તો કોઈ ડૉક્ટર ના પાડવાના હતા? ડૉક્ટર સેવા માટે તૈયાર છે."

મેડિકલ લીગલ પ્રૅક્ટિશનર ડૉક્ટર એમ. કે. જોશી ડૉક્ટર થયા પછી પ્રૅક્ટિસ છોડી વકીલ થયા છે અને તબીબી વ્યવસાયમાં દર્દીઓને થયેલા અન્યાયના કેસ લડે છે.

ડૉક્ટર એમ. કે. જોશીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ઍપિડેમિક ઍક્ટ નીચે સરકારને અનેક સત્તા મળેલી છે. એ ખાનગી ડૉક્ટરના દવાખાનાં કબજે લઈ શકે છે. આ સત્તાના રૂએ એ લોકો હૉસ્પિટલ કબજે કરી શકે છે.

"વાસ્તવમાં સરકારને હૉસ્પિટલની જેટલી જરૂર છે એના કરતાં વધારે ખાનગી ડૉક્ટરોને પેશન્ટની વધુ જરૂર છે, કારણ કે બધી હૉસ્પિટલ સાથે હું સંપર્કમાં છું."

"લોકો કોરોનાના ડરથી દવા કરાવવા જતા નથી એટલે ખાનગી હૉસ્પિટલ તો ખાલી જ છે, પણ સમસ્યા મોટી એ છે કે કોરોનાના દર્દીઓને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવશે તો એનું મૉનિટરિંગ કોણ કરશે?"

'ખાનગી ડૉક્ટર પર ઠીકરું ફોડવાનો પ્રયાસ'

ડૉક્ટર કે. જે. પટેલ કહે છે અમે ખુદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને અમદાવાદ મેડિકલ ઍસોસિયેશન તરફથી એક હજાર ખાનગી ડૉક્ટરનું લિસ્ટ આપ્યું છે કે આ ડૉક્ટર સેવા માટે તૈયાર છે, પરંતુ ખાનગી ડૉક્ટરની સેવા લેવાને બદલે ઍપિડેમિક ઍક્ટનો ડંડો બતાડી કોરોનાને ડામવામાં નિષ્ફળ ગયા છે એટલે ખાનગી ડૉક્ટરો પર ઠીકરું ફોડવાનો પ્રયાસ કરે છે.

"ભૂતકાળમાં સ્વાઇન ફ્લૂ, અને ડેન્ગ્યુથી જે મહામારી ફેલાઈ હતી એના પ્રમાણમાં આ કંઈ નથી. ડૉક્ટરને ગાઇડલાઇન આપવામાં નથી આવી કે લાઇન ઑફ ટ્રીટમેન્ટ શું છે અને ઍપિડેમિક ઍક્ટના હથિયારથી હૉસ્પિટલ માગી લે છે."

તેઓ કહે છે કે સરકાર એવું બતાવવા માગે છે કે અમે બધી તૈયારી કરી હતી પણ ખાનગી ડૉક્ટરો ન આવ્યા એટલે મહામારી કાબૂમાં ના લઈ શકાઈ. વાસ્તવમાં સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ વખતે જે મૃત્યુદર હતો એનાથી કોરોનાનો મૃત્યુદર ઘણો નીચો છે. છતાં ખાનગી ડૉક્ટરોએ પ્રૅક્ટિસ કરી જ છે.

"આવા સંજોગોમાં ઍપિડેમિક ઍક્ટનો ડંડો મારી ખાનગી ડૉક્ટરોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. જો આવી રીતે હૉસ્પિટલને કબજે કરશે તો બીજા રોગના દર્દીઓની સારવાર કેવી રીતે થશે? બીજા ગંભીર રોગની સારવાર માટે માણસો અને સાધનો નહીં હોય"

"સરકારે પોતાની પાસેના કૉમ્યુનિટી હૉલ, હૉસ્ટેલ, અરે વી.એસ. હૉસ્પિટલની 900 બેડની ખાલી પડેલી હૉસ્પિટલ કે ઉદ્ઘાટન વગર પડી રહેલી યુ.એન. મહેતાની 1200 બેડની હૉસ્પિટલ લેવી જોઈએ. ડૉક્ટર કોઈ ચોર લુટારા કે ગુનેગારો નથી કે એમને એપિડેમિક ઍક્ટના નામે ડંડા મારીને કામ કરાવે."

જવાબદારી કોણ લેશે?

તો ડૉક્ટર એમ.કે. જોશી પણ કહે છે કે જે દર્દી દાખલ થાય અને તેનું એનું મૃત્યુ થયું તો એની જવાબદરી કોની, સરકારની કે ખાનગી હૉસ્પિટલની? આ બાબતની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

"ઍપિડેમિક ઍક્ટમાં બધા પાવર છે કે હોટલ કે ખાનગી હૉસ્પિટલમાં દર્દીને રાખવા આવે તો એમની સારવાર માટેની કોણ જવાબદારી લેશે. એટલું જ નહીં જો ખાનગી હૉસ્પિટલ બીજા દર્દીને કોરોનાનો ચેપ લાગે તો એનું જવાબદાર કોણ બને? પરંતુ ઍપિડેમિક ઍક્ટનો હથિયાર તરીકે ઉપયોગ કરી ડૉક્ટરની સમસ્યા વધારી રહ્યા છે.

"જો ખાનગી હૉસ્પિટલમાં કોરોનાનો દર્દી દાખલ થાય તો એના પર સુપરવિઝનમાં સરકારી ડૉક્ટર હોવા જોઈએ, જેથી કોઈકની જવાબદારી બને. પણ આવા કેસમાં કોઈ ખાનગી હૉસ્પિટલ સરકારી જવાબદારી ઉઠાવવા તૈયાર ના થાય, કારણ કે જો એ પૈસા ભરીને સારવાર લેતો હોય અને કંઈક ખોટું થાય તો એના પાર કેસ થાય, તો જવાબદારી ખાનગી હૉસ્પિટલની આવે છે, સરકારી હૉસ્પિટલની આવતી નથી."

ડૉક્ટર જોશી કહે છે જો દર્દીનું મૃત્યુ થાય તો ગ્રાહક સુરક્ષા ધારા ટુ/ડી હેઠળ કેસ થઈ શકે છે, જેમાં સરકારી ડૉક્ટર નહીં પણ ખાનગી ડૉક્ટર જવાબદાર ઠરે છે એટલે આ હોબાળો થયો છે.

ખાનગી 42 હૉસ્પિટલને 50% બેડ ફાળવવાના નિર્ણયના વિરોધના નિરાકરણના પ્રયાસ ચાલુ હોવાની વાત કરતાં અમદાવાદનાં મેયર બીજલ પટેલે કહ્યું કે જે ખાનગી હૉસ્પિટલને કોરોનાની સારવાર માટે કોઈ તકલીફ હોય અથવા સાધનો કે સ્ટાફની તકલીફ હોય તો એમની અમદાવાદ હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે મિટિંગ કરી એમની મૂંઝવણો સાંભળવામાં આવશે. એનો રસ્તો પણ કાઢવામાં આવશે. એના પ્રયાસ ચાલુ પણ છે. જેથી દર્દીઓને સારવાર મળી રહે.

મેયરે બીબીસી સાથેની વાતચીતમાં વધુમાં કહ્યું કે "અત્યારે અમદાવાદમાં એસ.વી.પી. અને સિવિલ બે હૉસ્પિટલ છે. બાકી ખાનગી હૉસ્પિટલોને કોરોનાની સારવાર માટે લેવાનો સરકારનો નિર્ણય હતો, પણ અહીં સારવાર મોંઘી હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન જે દર્દીને ખાનગી હૉસ્પિટલમાં રીફર કરે એમનો ખર્ચ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન ઉઠાવશે."

મેયરે એવી પણ ખાતરી આપી કે ખાનગી ડૉક્ટરોની સમસ્યા પર પૂરતું ધ્યાન આપવામાં આવશે, પણ દર્દીઓની સગવડને જોતા ઍપિડેમિક ઍક્ટ પ્રમાણે જો કોઈ તૈયાર નહીં થાય તો પગલાં પણ ભરવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો