ચીનની ડિજિટલ કરન્સી નવી વૈશ્વિક ક્રાંતિ છે કે અમેરિકન ડૉલરનો જવાબ?

    • લેેખક, ઝુબૈર અહેમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

સ્થળ : બિજિંગ. પ્રસંગ : વિન્ટર ઑલિમ્પિક્સ. વર્ષ : 2022

ચીન 2022 માં એક ડિજિટલ યુઆન ચલણ લાવવા માગે છે, જેનું નામ છે - ઈ-આરએમબી.

2022માં ચીન જતા લોકોએ આ નવા ડિજિટલ ચલણમાં જ ખરીદી કે વ્યવહાર કરવાનો રહેશે.

ના તો આ ચલણને જોઈ શકાશે કે ન તો સ્પર્શી શકાશે.

હાલ વિશ્વ આખું કોરોના વાઇરસના ચેપ સામે ઝૂઝવી રહ્યું છે, ત્યારે ચીન ડિજિટલ યુઆન પર પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં વ્યસ્ત છે.

ગયા મહિને, ચીનની કેન્દ્રીય બૅન્ક 'પીપલ્સ બૅન્ક ઑફ ચાઇના'એ શેનઝેન, ચેંગ્ડુ, સુઝો અને ઝિઓન'ગાન એમ ચાર મોટાં શહેરોમાં આના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.

આ પરિયોજનામાં સરકારી કર્મચારીઓના પગારનો અમુક હિસ્સો ડિજિટલ યુઆનમાં આપવામાં આવશે.

આ ઉપરાંત, સ્ટારબક્સ અને મૅકડોનાલ્ડ્સ જેવા 20 જેટલા ખાનગી વ્યવસાયી પણ આમાં સહભાગી થયા છે.

જો આ યોજના સફળ થાય તો ચીનની સરકાર વર્ષ 2022ના વિન્ટર ઑલિમ્પિક્સના તેને સમ્રગ દેશમાં લાગુ કરી દેશે.

જોકે આવું તબક્કાવાર રીતે કરવામાં આવશે અને તેમાં ઘણાં વર્ષોનો સમય પણ લાગી શકે છે.

આ પ્રોજેક્ટ પર વર્ષ 2014માં કામ શરૂ કરવામાં આવ્યું હતું અને ચીન તેના અમલીકરણ માટે ઘણી ઝડપે આગળ વધી રહ્યું છે.

ચીન પાસે આવું કરવાનાં મુખ્ય ત્રણ કારણો હોઈ શકે :

એક-અમેરિકા સાથે વધુ ગંભીર બની રહેલું વેપારયુદ્ધ. બે-ચીન વિરુદ્ધ કોરોના વાઇરસના મામલે અમેરિકા અને પશ્ચિમના દેશો દ્વારા સતત લગવાઈ રહેલા આરોપો. ત્રણ- ફેસબુક દ્વારા આ વર્ષે ડિજિટલ ચલણ 'લિબ્રા'ને લાવવાના પ્રયાસો.

ટૅક્ટૉનિક શિફ્ટ

ડિજિટલ યુઆન વૈશ્વિક સંતુલનને બદલી શકે એમ છે. તે ચીનના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટોનો એક ભાગ છે, જેનો હેતુ અમેરિકાના પ્રભાવને સમાપ્ત કરવાનો અને 21મી સદીમાં એક શક્તિશાળી દેશ તરીકે ઊભરવાનો છે.

નિષ્ણાતોનું કહેવું છે કે યુઆનના સફળ પ્રયોગથી દસ-પંદર વર્ષમાં નવી રાજકીય અને આર્થિક પ્રણાલીનો જન્મ થઈ શકે છે.

દિલ્હીસ્થિત 'ફોરેન સ્કૂલ ઑફ મૅનેજમૅન્ટ'માં ચીન અંગેના નિષ્ણાત ડૉ. ફૈસલ અહમદ કહે :

"ભારત અને અમેરિકા પણ અનુક્રમે 'લક્ષ્મી' અને 'ડૉલર' નામની પોતપોતાની ડિજિટલ કરન્સી પર કામ કરી રહ્યાં છે, પરંતુ હજી સુધી તે વાસ્તવિકતાથી ઘણી દૂર છે."

અમેરિકી ડૉલર વિરુદ્ધ ડિજિટલ કરન્સી

નિષ્ણાતોના મતે કરન્સીવર્લ્ડના બેતાજ બાદશાહ ડૉલર પર હવે જોખમ તોળાઈ રહ્યું છે.

મુંબઈસ્થિત 'ચૂરીવાલા સિક્યૉરિટીઝ'ના આલોક ચુરીવાલા કહે છે, "અમેરિકાના ફેડરલ રિઝર્વના અમેરિકન ડૉલરનું દેવું જોતાં ડૉલર તેની મૂળકિંમત કરતાં વધારે મોંઘો(ઓવર વૅલ્યૂડ) છે. એક નવા ચલણનું ચોક્કસપણે સ્વાગત છે, પરંતુ તેની વૈશ્વિક સ્વીકૃતિમાં લાંબો સમય લાગશે."

પ્રવીણ વિશેષ સિંગાપોરસ્થિત મૉડ્યુલર ઍસેટ મૅનેજમૅન્ટના પૉર્ટફોલિયો મૅનેજર છે અને વિશ્વભરના ચલણોમાં સોદા પાર પાડે છે.

તેઓ કહે છે કે, "ડિજિટલ યુઆન એ અમેરિકાના ડૉલરનું આકર્ષણ ઘટાડવા માટેનું મોટું પગલું છે."

"હાલમાં અમેરિકન ડૉલર વિશ્વનું પ્રચલિત ચલણ છે અને આવું વર્ષ 1970ના દાયકાની શરૂઆતમાં ગોલ્ડ સ્ટાન્ડર્ડના અંત પછી થયું હતું."

તેઓ ઉમેરે છે, "અમેરિકા-ચીનનું વેપારયુદ્ધ અને કોરોનાની મહામારીના વિવાદને લીધે હવે ઘટી રહેલું વૈશ્વિકરણ ડૉલર માટે જોખમ સર્જે છે."

"જોકે, તાત્કાલિક અન્ય કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી એટલે આ ફેરફારમાં સમય લાગશે. વિશ્વએ નિશ્ચિતપણે ચીનના પગલા ઉપર નજર રાખવી પડશે."

હાલમાં, અમેરિકન ડૉલરનું મહત્ત્વ એ વાતથી આંકી શકાય છે કે વર્ષ 2019માં લગભગ 90 ટકા આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો અમેરિકન ડૉલરમાં થયા હતા.

તેની સરખામણીમાં ચાઇનીઝ યુઆનની વૈશ્વિક ચુકવણી અને રિઝર્વ માત્ર બે ટકા હતાં.

વળી, વિશ્વના તમામ રિઝર્વનો 60 ટકાથી વધુ હિસ્સો અમેરિકન ડૉલરમાં છે.

ભારતનો 487 અબજ ડૉલરનો વિદેશી મુદ્રાભંડાર પણ અમેરિકન ડૉલરમાં છે અને ચીનના ખજાનામાં પણ મોટા પ્રમાણમાં અમેરિકી ડૉલર છે.

ડૉ. ફૈઝલ અહેમદનું માનવું છે કે ચીન તેનો ઉપયોગ ઘણી રીતે કરી શકે છે જેથી તેની શાખ વધી શકે એમ છે.

તેમનું કહેવું છે કે "ચીન આ ચલણનો ઉપયોગ જીયૉપૉલિટિકલ ફાયદા માટે, અન્ય દેશોને પ્રોત્સાહક પૅકેજો પૂરાં પાડવાં માટે અને મધ્ય એશિયાથી આર્ક્ટિક ક્ષેત્રમાં બૅલ્ટ ઍન્ડ રોડ(બી.આર.આઈ.) પ્રોજેક્ટમાં સામેલ દેશોમાં રોકાણ કરવા માટે કરી શકે છે."

હાલમાં, અમેરિકન ડૉલરની અસર અને તેના મહત્ત્વનો અર્થ એ છે કે અમેરિકા વિશ્વના રાજકીય અને આર્થિક મુદ્દાઓ પર પોતાનું પ્રભુત્વ જાળવી રાખે છે.

ઉદાહરણ તરીકે ઈરાન, રશિયા, ઉત્તર કોરિયા અને અન્ય દેશો સામે પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય વેપાર અને બૅન્કોના અમેરિકન ડૉલર પર અવલંબનને કારણે શક્ય છે.

ડૉઇશ બૅન્કે આ વર્ષના જાન્યુઆરીના અંતમાં ડિજિટલ કરન્સી વિશે એક વિશેષ અહેવાલ બહાર પાડયો હતો. જેમાં સૂચવ્યું હતું કે ચાઇનીઝ ડિજિટલ યુઆન વૈશ્વિક શક્તિસંતુલનને ફેરવી શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, "ચીન તેની મધ્યસ્થ બૅન્કની મદદથી ડિજિટલ ચલણ પર કામ કરી રહ્યું છે જેનો ઉપયોગ સોફટ અથવા હાર્ડપાવર ટૂલ તરીકે થઈ શકે છે."

"હકીકતમાં, જો ચીનમાં વેપાર કરતી કંપનીઓને ડિજિટલ યુઆન વાપરવાની ફરજ પાડવામાં આવે, તો તે વૈશ્વિક નાણાકીય બજારમાં ડૉલરના મહત્ત્વને ચોક્કસપણે નષ્ટ કરી શકે છે."

અહેવાલમાં જણાવાયું છે, "વીસમી સદીની શરૂઆતમાં અમેરિકાએ જે રીતે ડૉલરને પ્રોત્સાહન આપ્યું હતું, તેવી જ રીતે હવે ચીની સરકાર રેન્મિન્બી( RMB) (ચીનનું સત્તાવાર ચલણ, જેનું એકમ યુઆન છે)નું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો મોટો પ્રયાસ કરી રહી છે."

"2000થી 2015 સુધીમાં ચીનના વેપાર-વ્યવહારમાં આરએમબીનો હિસ્સો શૂન્યથી વધીને 25 ટકા થઈ ગયો છે."

બૅન્કે સૂચવ્યું હતું કે ડિજિટલ યુઆન અને તેના જેવી અન્ય ડિજિટલ કરન્સી રોકડને સમાપ્ત નહીં કરી શકે, પરંતુ ક્રૅડિટકાર્ડ જેવા ત્રીજા પક્ષના અંતનું કારણ બની શકે છે.

પ્રવીણ વિશેષ કહે છે, "ચુકવણીની અન્ય પદ્ધતિઓથી વિપરીત, તેનો ઉપયોગ ઇન્ટરનેટ કનેક્શન વગરની ચૂકવણી માટે થઈ શકે છે. તે વાસ્તવિક રોકડ જેવું છે, પરંતુ ડિજિટલ વિશ્વમાં."

તેઓ વધુમાં ઉમેરે છે, "ડિજિટલ યુઆનની સફળતા તેના પર નિર્ભર રહેશે કે સામાન્ય લોકો, રિટેલરો, કૉર્પોરેશન, સરકારો અને અન્ય દેશો દ્વારા તેને કેટલી ઝડપથી અપનાવવામાં આવે છે."

પણ વર્ચુઅલ વિશ્વમાં એક શક્તિ બનીને ઉપર આવનારી મુદ્રાઓમાં ફેસબુકની લિબ્રા અને ડિજીટલ યુઆન સિવાય કેટલીક અન્ય કરન્સી પણ ઉપલબ્ધ છે. તેમ જ કેટલીક પર કામ ચાલી રહ્યું છે.

બિટકોઇન પહેલાંથી જ બજારમાં ઉપલબ્ધ છે અને તેની લોકપ્રિયતા વધી રહી છે.

ભારતે ક્રિપ્ટૉકરન્સી પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ રિઝર્વ બૅન્ક ગંભીરતાથી ડિજિટલ કરન્સી 'લક્ષ્મી' વિશે વિચારી રહી છે.

ફેસબુકની લિબ્રા વર્સિસ ડિજિટલ યુઆન

ડૉઇશ બેન્કના અહેવાલમાં જણાવાયું છે, "આ સમયે મુખ્ય પ્રવાહની ડિજિટલ કરન્સી ફેસબુકની લિબ્રા અને ચીનની સરકારની ડિજિટલ યુઆન છે."

"ફેસબુકના વપરાશકારો અંદાજે અઢી અબજ છે, જે વિશ્વની વસતીનો ત્રીજો ભાગ છે. ચીનની એક અબજ 40 કરોડથી વધુની વસતી સાથે, ફેસબુક અને ચીનમાં ડિજિટલ કરન્સીને મુખ્યપ્રવાહમાં આગળ લઈ જવાની ક્ષમતા છે."

પરંતુ અન્ય ડિજિટલ કરન્સી અને ડિજિટલ યુઆન વચ્ચેનો મહત્ત્વપૂર્ણ તફાવત એ છે કે ડિજીટલ યુઆનને સૅન્ટ્રલ બૅન્ક ઑફ ચાઇના બહાર પાડશે, જેથી તેને સ્વીકૃતિ મળશે અને તેના પર વિશ્વાસ વધારશે.

અન્ય તમામ ડિજિટલ ચલણો વિકેન્દ્રિત છે અને કોઈપણ નિયમનકારી સત્તા હેઠળ આવતી નથી.

ડૉ. ફૈઝલ અહેમદ કહે છે, "ડિજિટલ યુઆન, લિબ્રા જેવી અન્ય મુદ્રાથી અલગ એક રાજ્યસમર્થિત ચલણ છે, જેની રાજકીય અસર પણ થશે.

"ઉદાહરણ તરીકે ડિજિટલ યુઆનના વપરાશથી ઉત્તર કોરિયા જેવા દેશોને અમેરિકન પ્રતિબંધોથી બચવામાં મદદ મળશે."

"ભારતની ડિજિટલ કરન્સી લક્ષ્મીનો જન્મ વર્ષ 2014માં થયો હતો. ડિજિટલ યુઆનનો વિચાર પણ એ જ વર્ષે ચીનમાં થયો હતો."

"પરંતુ ભારતની લક્ષ્મીના લૉન્ચિંગ માટે, પહેલાં આપણે આ મુદ્દે રચિત અનેક સમિતિઓના અહેવાલની રાહ જોવી પડશે."

એક નિષ્ણાતનું કહેવું છે, "ભારત ડિજિટલ વૉલેટને પ્રોત્સાહન આપી રહ્યું છે, જ્યારે ચીન ડિજિટલ ચલણ લૉન્ચ કરવા જઈ રહ્યું છે."

પ્રવીણ વિશેષ કહે છે, "ડિજિટલ યુઆનને જોખમ તરીકે નહીં પરંતુ ડિજિટલ યુગની ક્રાંતિ તરીકે જોવી જોઈએ. ભારતે એઇપીએસ (આધાર સક્ષમ ચુકવણી સિસ્ટમ) અને યુપીઆઈ (યુનિફાઇડ પૅમેન્ટ સિસ્ટમ)ના સ્થાનિક વપરાશે ડિજિટલ ક્રાંતિને આગળ વધારી છે."

ડિજિટલ કરન્સીના ફાયદા અને ગેરફાયદા

ડિજિટલ કરન્સીનો ફાયદો એ છે કે તેની નકલ કરી શકાતી નથી, વ્યવહારો ત્વરિત થઈ શકે છે, આંતરરાષ્ટ્રીય વ્યવહાર સસ્તો હશે, બધા લોકો તેનો ઉપયોગ કરી શકશે અને હવાલા, દાણચોરી અને ઉગ્રવાદી પ્રવૃત્તિઓને મદદ મળતી બંધ થઈ જશે.

ગેરલાભ એ છે કે લોકોને તેના પર ટૂંક સમયમાં વિશ્વાસ નહીં આવે, તેને વસતીના સૌથી ગરીબ વર્ગમાં પ્રવેશ નહીં મળે અને તેનો આધાર ડિજિટલ વૉલેટ પર નિર્ભર રહેશે.

નિષ્ણાતો કહે છે, જેમજેમ ટેકનૉલૉજીનો વિકાસ થશે તેમ ડિજિટલ કરન્સીના ફાયદા પણ વધશે.

આલોક ચૂરીવાલા કહે છે, "કોઈપણ સિસ્ટમમાં લોકોનો વિશ્વાસ વધારવામાં લાંબો સમય લાગે છે. અમેરિકન ડૉલર વર્ષ 1770થી અસ્તિત્વમાં છે."

"પ્રથમ વિશ્વયુદ્ધના સમયથી તેની લોકપ્રિયતા વધવા માંડી હતી અને બીજા વિશ્વયુદ્ધ સુધી તે વિશ્વનું સૌથી શ્રેષ્ઠ ચલણ બની ગયું."

ઇઝરાયલના ઇતિહાસકાર અને ચિંતક યુવલ નોઆ હરારી કહે છે કે ચલણ એક દંતકથા છે, જેનું વિશ્વવ્યાપી મહત્ત્વ છે.

દરેક જણ ડૉલર પર વિશ્વાસ કરે છે અને દરેક જણ તેને મહત્ત્વ આપે છે.

પરંતુ જો દુનિયામાં અમેરિકાની ધાક ઓછી થઈ જાય, તો બીજી કોઈ શક્તિ તેનું સ્થાન લઈ લેશે અને ચીન તે રેસમાં સૌથી આગળ દેખાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો