'અમેરિકામાં રાજકારણનો વાઇરસ ફેલાઈ રહ્યો છે', એમ ચીનના વિદેશમંત્રીએ કેમ કહ્યું?

ચીનના વિદેશમંત્રી વોંગ યીએ કહ્યું છે કે અમેરિકાની અંદરની કેટલીક રાજકીય શક્તિઓ તેમના ફાયદા માટે ચીન-અમેરિકાના સંબંધોને ખોટી દિશામાં લઈ જઈ રહ્યા છે અને તેઓ બંને દેશોને નવા શીતયુદ્ધમાં ધકેલી રહ્યા છે.

તેમણે રવિવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, "આ એક ખતરનાક પ્રયાસ છે જે આપણને પાછળ ધકેલી દેશે." ચીન તેના સાર્વભૌમત્વનું રક્ષણ કરશે અને પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો અધિકાર ધરાવે છે. ચીનને અમેરિકામાં પરિવર્તન લાવામાં કોઇ રસ નથી અને અમેરિકા ચીનને પ્રગતિના માર્ગ પર આગળ વધતા રોકી નહીં શકે.

ચીનના વિદેશ પ્રધાને કહ્યું, "અમેરિકાની કેટલીક રાજકીય શક્તિઓ ચીન-અમેરિકાના પોતાના ભરડામાં લઈ રહ્યા છે અને બંને દેશોને નવા શીતયુદ્ધ તરફ દોરી જઈ રહ્યા છે." "ઇતિહાસના ચક્રને ફેરવવાનો આ એક જોખમી પ્રયાસ છે."

વોંગ યીએ કહ્યું કે ચીન અને અમેરિકાની રાજકીય વ્યવસ્થા અલગ છે અને તે બંને દેશોના પોતાના લોકોની ઇચ્છાથી નક્કી થયેલી છે.

યીએ કહ્યું કે, "તેઓ પોતાના માર્ગથી દૂર જઇ રહ્યા છે, પરંતુ તેનો અર્થ એ નથી કે સહકારની કોઈ સંભાવના નથી." "બંને પક્ષો વચ્ચે વિશ્વના ઘણા મોટા મુદ્દાઓ પર સલાહ અને ચર્ચા કરવાની જરૂર છે."

ચીનના વિદેશ પ્રધાને કહ્યું કે ચીન અને અમેરિકા વચ્ચે સહયોગની પરંપરા રહી છે અને કોરોના મહામારીના સંકટ દરમિયાન પણ આવું બન્યું હતું.

તેમણે કહ્યું,"કોરોના વાઇરસની શરુઆત સમયે, અમે એકબીજાને તબીબી ઉપકરણોની સહાય કરી હતી." "અમેરિકામાં 12 અબજથી વધુ માસ્ક મોકલવામાં આવ્યા છે, પરંતુ તે અફસોસ છે કે અમેરિકામાં રાજકારણનો વાઇરસ ફેલાઈ રહ્યો છે."

વોંગ યીએ એમ પણ કહ્યું હતું કે ચીન અને રશિયાએ આ રાજકીય વાઇરસ સામે અભેદ્ય કિલ્લો બનાવ્યો છે અને તેમના વ્યૂહાત્મક જોડાણની તાકાત પણ બતાવી છે. તેમણે કહ્યું, "કોવિડ -19 દરમિયાન રશિયા અને ચીને એકબીજાને મદદ કરી છે, જ્યાં સુધી આપણે બંને એક સાથે કામ કરવાનું ચાલુ રાખીશું, ત્યાં સુધી આપણે વિશ્વની વિવિધતાનું રક્ષણ, શાંતિ અને ન્યાયનું રક્ષણ કરવાનું ચાલુ રાખીશું."

તેમણે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO) પર અમેરિકા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે પણ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે વિશ્વની સ્વાસ્થય સમસ્યાઓનો સામનો કરવામાં WHOની ભૂમિકા મહત્વપૂર્ણ છે. WHO જીવન બચાવવામાં મદદ કરી રહ્યું છે.

વોંગ યીએ કહ્યું, "અમે આશા રાખીએ છીએ કે બધા દેશો એ સમજે કે માનવતા એક સમુદાય છે જેનું ભવિષ્ય એકસાથે જોડાણમાં છે. "આપણને એકબીજાના મહત્તમ સહકારની જરૂર છે અને તેમાં ઓછામાં ઓછા આક્ષેપો અને પ્રત્યારોપો હોવા જોઈએ. અમે બધા દેશોને વધુ સારી દુનિયા બનાવવા માટે અપીલ કરીએ છીએ."

તેમણે કહ્યું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પર કાદવ ફેંકનારા લોકો પોતાની જાતને જ ગંદી કરશે. સાથે તાઇવાનના મામલે ચીનના વિદેશપ્રધાને કહ્યું કે આ ચીનનો આંતરિક મુદ્દો છે અને તે મુદ્દે અન્ય કોઈની દખલ સહન કરવામાં નહીં આવે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો