ગુજરાત કોરોના અપડેટ : 16 હજારથી વધુ કેસ, એક હજારથી વધુ મૃત્યુ

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાઇરસના નવા 438 કેસો નોંધાયા છે. આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદીમાં આ જાણકારી આપવામાં આવી છે.

જે નવા કેસો નોંધાયા એમાં સૌથી વધુ અમદાવાદમાં 299 કેસો નોંધાયા છે.

જ્યારે સુરતમાં 55, વડોદરામાં 34, ગાંધીનગરમાં 13 સુરેન્દ્રનગરમાં પાંચ, બનાસકાંઠા, રાજકોટ, વલસાડમાં ચાર-ચાર, પંચમહાલ અને ખેડામાં ત્રણ-ત્રણ, મહેસાણા, ભરૂચ, સાબરકાંઠામાં બે-બે તથા અરવલ્લી, પાટણ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, અમરેલીમાં એક-એક કેસ નોંધાયો છે.

હાલમાં રાજ્યમાં કુલ 5837 ઍક્ટિવ કેસો છે. જ્યારે 9919 દરદીઓ સાજા થઈ ગયા છે અને 1038 દરદીઓનાં મૃત્યુ થયાં છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 16,794 થઈ ગઈ છે.

અનલૉક-1 : સોમવારથી દેશમાં દોડશે 200 વિશેષ ટ્રેનો

ભારતીય રેલવે સોમવારે એક જૂને 200 વિશેષ ટ્રેનો ચલાવશે.

રેલમંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું છે કે આ ટ્રેનો શ્રમિક સ્પેશિયલ ટ્રેનો સિવાયની વધારાની ટ્રેનો હશે.

આ ઉપરાંત પણ ભારતીય રેલવે દેશનાં પ્રમુખ શહેરો વચ્ચે 15 જોડી વિશેષ એસી-ટ્રેનો ચલાવી રહી છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં સૌથી વધારે કેસ, મૃતકાંક 5,164

સમાચાર એજન્સી પીટીઆઈ ભારતના સ્વાસ્થ્યમંત્રાલયને ટાંકીને લખે છે કે છેલ્લા 24 કલાકમાં ભારતમાં અત્યાર સુધીના સૌથી વધારે કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના ભારતમાં 8,380 કેસ નોંધાયા છે. આ સાથે જ મૃતકાંક પણ 5,164 થયો છે.

ઉલ્લેખનીય છે કે ચોથા લૉકડાઉન બાદ પહેલી જૂનથી દેશમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી રહી છે.

આજે લૉકડાઉન 4.0નો છેલ્લો દિવસ

31 મે લૉકડાઉન 4.0નો છેલ્લો દિવસ છે. જોકે લૉકડાઉન 5.0 થશે કે કેમ એ ચર્ચાનો અંત શનિવારે રાત્રે જ આવી ગયો હતો.

કેન્દ્ર સરકારે લૉકડાઉન 5.0 એટલે એક જૂનથી લઈને 30 જૂન સુધીની ગાઇડલાઇન જાહેર કરી છે. તેને લૉકડાઉન 5ની જગ્યાએ અનલૉક-1 કહેવાઈ રહ્યું છે.

આ હેઠળ બધી ગતિવિધિઓ તબક્કાવાર ખોલવાના દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે.

જોકે રાતે નવ વાગ્યાથી લઈને સવારે પાંચ વાગ્યા સુધી બધી ગતિવિધિઓ પર સંપૂર્ણ રોક રહેશે.

આ ગતિવિધિઓને કન્ટેન્મૅન્ટ ઝોનની બહાર જ ખોલી શકાશે.

પહેલા તબક્કામાં આઠ જૂન પછીથી ધર્મસ્થળો, હોટલો, રેસ્ટેરાં, શૉપિંગ-મૉલને ખોલવાની મંજૂરી અપાશે. આ માટે સરકાર એક અલગથી દિશાનિર્દેશ જાહેર કરશે

બીજા તબક્કામાં સ્કૂલો, કૉલેજો, શિક્ષણ-પ્રશિક્ષણ સંસ્થાઓને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો સાથે વિચારવિમર્શ કર્યા બાદ જુલાઈ મહિનામાં ખોલવાની પરવાનગી અપાશે.

ત્રીજા તબક્કામાં પરિસ્થિતિઓનું વિશ્લેષણ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય વિમાનયાત્રા, મેટ્રોસેવા, સિનેમાહૉલ, જિમ, સ્વિમિંગ-પૂલ અને મનોરંજન પાર્ક વગેરે ખોલવાની તારીખ જાહેર કરાશે.

આ અંગે વધુ વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો.

રવિવાર, 31 મે 2020

શુભ પ્રભાત. બીબીસી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. કોરોના વાઇરસના સંક્રમણ અંગે ગુજરાત સહિત દેશ-વિદેશની અપડેટ્સ તમે અહીં મેળવી શકશો.

ગુજરાતમાં કોરોના વાઇરસના દરદીઓનો સાજા થવાનો દર વધ્યો છે. રાજ્યના આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગની પ્રેસ-રિલીઝમાં આ દાવો કરાયો છે.

પ્રેસ-રિલીઝ અનુસાર ગત પંદર દિવસમાં રાજ્યમાં કોવિડ-19ની સારવાર બાદ સાજા થવાનો દર 39.20 ટકાથી વધીને 56.43 ટકા થઈ ગયો છે. રાજ્ય સરકારે એવો પણ દાવો કર્યો છે કે દેશના અન્ય રાજ્યોમાં કોરોના વાઇરસના દરદીઓની સાજા થવાની સરેરાશ 47.40 ટકા છે, જ્યારે ગુજરાતમાં આ સરેરાશ 56.43 ટકા છે.

જોકે, આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વાઇરસના 412 નવા કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 284 કેસો નોંધાયા છે. જોકે, આ દરમિયાન 621 દરદીઓ સારવાર બાદ સાજા પણ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 27 લોકોનાં વાઇરસને લીધે મૃત્યુ થયાં છે.

ભારતમાં લૉકડાઉન 5.0ની જાહેરાત, શું-શું ખૂલશે?

કોરોના વાઇરસના કોપને પહોંચી વળવા માટે દેશમાં ફરી એક વખત લૉકડાઉન જાહેર કરી દેવાયું છે. લૉકડાઉન 5.0 અંગેની માર્ગદર્શિકા સરકારે જાહેર કરી દીધી છે અને લૉકડાઉનને એક મહિના માટે વધારી દેવાયું છે. આ વખતે કન્ટૅન્મેન્ટ ઝોનની બહાર તબક્કાવાર છૂટ આપવામાં આવી છે.

પ્રથમ તબક્કામાં આઠ જૂનથી ધાર્મિક સ્થળ, પૂજા-અર્ચનાનાં કેન્દ્રો, હોટલ, રેસ્ટોરાં, હૉસ્પિટાલિટીનાં ક્ષેત્રો અને શૉપિંગ મૉલ્સ ખોલી શકાશે. સરકાર આને 'અનલૉક ચરણ-એક' ગણાવી રહી છે.

બીજા તબક્કામાં શાળા, કૉલેજો, શૈક્ષણિક સંસથાનો, ટ્રેનિંગ સેન્ટરો-કૉચિંગ સેન્ટરોને રાજ્ય સરકાર સાથે વિચારવિમર્શ કરાયા બાદ ખોલવામાં આવશે.

પાકિસ્તાનમાં કોરોના વાઇરસ કેવી ઝડપે વધી રહ્યો છે?

પાકિસ્તાનમાં કોરોના સંક્રમણના કુલ 67651 કેસ નોંધાયા છે. પાકિસ્તાનમાં કોરોના વાઇરસથી અત્યાર સુધીમાં 1433 લોકોનાં મૃત્યુ થયાં છે.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કોરોના સંક્રમણના 1140 નવા કેસ સામે આવ્યા છે અને પ્રાંતમાં ચેપગ્રસ્તોનો કુલ આંક 24104 પહોંચી ગયો છે.

પંજાબ પ્રાઇમરી અને સેકેન્ડરી હેલ્થકૅર અનુસાર, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કોરોના વાઇરસને કારણે 29 લોકોનાં મૃત્યુ થયાં છે જે બાદ પ્રાંતમાં મૃતાંક 429 થઈ ગયો છે.

પંજાબ પ્રાંતમાં અત્યાર સુધીમાં 228541 પરીક્ષણ કરાયાં છે, જ્યારે પ્રાંતમાં અત્યાર સુધીમાં 6507 દરદીઓ સાજા થઇ ગયા છે.

આ તરફ, કરાચીની એનઆઈડી યુનિવર્સિટીના એંજિનયરિંગ વિભાગે વૅન્ટિલેટરનું નવું મૉડલ તૈયાર કર્યું છે. પ્રાથમિક તપાસ પછી, આ મૉડલ હવે ક્લિનિકલ ટ્રાયલ હેઠળ છે.

દરમિયાન, પંજાબના આરોગ્યમંત્રી ડૉકટર યાસ્મિન રશીદ કહે છે કે લોકોને ખ્યાલ હોવો જોઈએ કે અહીં કોરોના વાઇરસ છે અને હવે આપણે તેની સાથે જ રહેવું પડશે.

પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે પંજાબ પ્રાંતમાં કોરોના સંક્રમણની સંખ્યા પ્રતિદિન વધી રહી છે.

સિંધ પ્રાંતમાં એક જ દિવસમાં 1247 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 38 લોકોનાં મૃત્યુ થયાં છે.

સિંધમાં અત્યાર સુધીમાં 176703 લોકોનાં પરીક્ષણ કરાયાં છે. સિંધમાં હાલ 27307 લોકો સંક્રમિત છે.

આ સિવાય, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સંક્રમણના 9067 કેસ છે, જ્યારે બ્લુચિસ્તાનમાં ચાર હજારથી વધુ કેસ નોંધાયા છે.

અમેરિકામાં 'પંજાબ મૉડલ'ની ચર્ચા કેમ?

મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત અને દિલ્હી આ ચારેય રાજ્યો સમગ્ર ભારતમાં કોરોનાના પ્રકોપથી સૌથી વધારે ત્રસ્ત છે.

આ ઉપરાંત કોરોનાનો સામનો કરવામાં કેરળે નોંધપાત્ર કામગીરી કરી છે.

નોંધનીય છે કે દેશમાં કોરોના વાઇરસના સંક્રમણનો પ્રથમ મામલો કેરળમાં જ સામે આવ્યો હતો. તેમ છતાં સમગ્ર દેશ અને દુનિયા માટે ઘાતક નીવડેલો આ વાઇરસ ત્યાં માત્ર સાત લોકોનાં મોતનું કારણ બની શક્યો છે.

પરંતુ કેરળ સિવાય પણ ભારતના અન્ય એક રાજ્યમાં કોરોનાની રોકથામમાં નોંધપાત્ર કામગીરી થઈ છે. જેની નોંધ અમેરિકાએ પણ લીધી છે.

યુનિવર્સિટી ઑફ મિશિગનમાં બાયોસ્ટૅટિસ્ટિક્સ અને મહામારી રોગ વિશેષજ્ઞ પ્રોફેસર ભ્રમર મુખરજીએ ભારતના કોરોના વાઇરસથી પ્રભાવિત રાજ્યો પર એક અભ્યાસ કર્યો છે.

તેમના અભ્યાસ પ્રમાણે કેરળ સિવાય પંજાબ એવું બીજું રાજ્ય છે, જેણે કોરોના સામે તુલનાત્મક દૃષ્ટિએ સારું કામ કર્યું છે.

કેરળ અને પંજાબને તેઓ 'ડૂઇંગ વેલ' એટલે કે સારું કામ કરનારાં રાજ્યો ગણે છે.

પ્રોફેસર ભ્રમર મુખરજીએ 'લૉકડાઉન ઇફેક્ટ ઑન કોવિડ 19 સ્પ્રેડ ઇન ઇન્ડિયા : નેશનલ ડેટા માસ્કિંગ સ્ટેટ લેવલ ટ્રેંડ્સ' પર એક રિસર્ચ-પેપર તૈયાર કર્યું છે.

આ જ પેપરમાં તેમણે કેરળ સાથે પંજાબનો પણ ઉલ્લેખ કર્યો છે. પંજાબ અને કેરળ પણ એ રાજ્યોની યાદીમાં છે, જ્યાં કોરોના સામે રાજ્ય સરકારો સારું કામ કરી રહી છે, જેનાં પરિણામો પણ કોરોનાના દર્દીઓની કુલ સંખ્યામાં દેખાઈ રહ્યાં છે.

કોરોના વાઇરસ : તુર્કીમાં બે મહિના બાદ શુક્રવારે મસ્જિદો ફરીથી ખૂલી

તુર્કીની સરકાર મે મહિનામાં સતત લૉકડાઉનમાં ઢીલ આપી રહી છે અને અહીં શૉપિંગ મૉલ, સલૂન અને બ્યુટી-પાર્લર ખોલી દેવાયાં છે.

રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને કહ્યું કે સોમવારથી રેસ્ટોરાં, કાફે, લાઇબ્રેરી, પાર્ક, સમૃદ્રતટ જેવી ઘણી જગ્યાઓ ખોલી દેવાશે.

શુક્રવારે સેંકડો લોકોએ માસ્ક પહેરીને ઇસ્તંબૂલની ઐતિહાસિક નીલી મસ્જિદની બહાર નમાજ પઢી.

એવી જ રીતે ઑટોમન સામ્રાજ્યના સમયની ફતિહ મસ્જિદમાં અને બહાર નમાજ પઢવામાં આવી હતી અને નગરપાલિકાએ લોકોને સેનિટાઇઝર આપ્યું હતું.

તુર્કીમાં સત્તાવાર રીતે કોવિડ-19ને કારણે 4,397 લોકોનાં મૃત્યુ થયાં છે.

જોકે કેટલાક ડૉક્ટર આશંકા વ્યક્ત કરીને દાવો કરે છે કે સાચો આંકજો બમણો હોઈ શકે છે.

લૉકડાઉન 5.0 : શું ખુલ્લું રહેશે અને શું રહેશે બંધ?

દેશભરમાં કોરોનાને કારણે લાગુ લૉકડાઉનનો સમય 31 મેના રોજ પૂરો થવાનો છે. એવી અટકળો છે કે હવે સરકાર પાંચમું લૉકડાઉન પણ લગાવવા જઈ રહી છે.

દિલ્હીથી છપાનારાં લગભગ બધાં છાપાંઓમાં લૉકડાઉન 5.0 સાથે જોડાયેલા સમાચાર પહેલા પાને છે.

'ધ ઇકૉનૉમિક ટાઇમ્સ'માં છપાયેલા સમાચાર અનુસાર, ગૃહમંત્રી અમિત શાહે રાજ્યોના મુખ્ય મંત્રીઓના અભિપ્રાય જાણીને આ અંગે વડા પ્રધાન મોદી સાથે વાત કરી છે, જે બાદ 31 મેની રાત પહેલાં લૉકડાઉન 5.0ના નવા દિશાનિર્દશો જાહેર કરાઈ શકે છે.

સૂત્રોના હવાલાથી અખબર લખે છે કે નવા દિશાનિર્દેશો અનુસાર પહેલી જૂનથી 13 શહેરને છોડીને દેશની અન્ય જગ્યાએ પ્રતિબંધ ખસેડી લેવાશે.

દેશના સંક્રમિતોની કુલ સંખ્યાના 70 ટકા કેસ આ 13 શહેરોમાં છે. આ શહેર છે- દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, અમદાવાદ, થાણે, પૂણે, હૈદરાબાદ, કોલકાતા/હાવડા, ઇંદોર, જયપુર, જોધપુર, ચેંગલપટ્ટુ અને તિરુવલ્લુવર.

'ધ હિંદુ' અખબાર અનુસાર લૉકડાઉનના પાંચમા તબક્કામાં કેટલાક નિયમો સાથે ધાર્મિક સ્થળો ખૂલી શકે છે, જોકે મૉલ અને રેસ્ટોરાં બંધ રહી શકે છે. મેટ્રોના રૂટ્સ મોટા ભાગે એ શહેરોના કન્ટેન્મેન્ટ ઝોન છે, જેને કારણે બની શકે કે મેટ્રો શરૂ કરવાની મંજૂરી ન અપાય.

અખબાર લખે છે કે શક્ય છે કે લૉકડાઉન 5.0 દરમિયાન ગૃહમંત્રાલયના દિશાનિર્દેશોને લાગુ કરવામાં રાજ્યોને વધુ આઝાદી અપાશે. અખબાર કહે છે કે આશા છે કે રવિવારે 'મનની વાત' કાર્યક્રમમાં મોદી નવા દિશાનિર્દેશો અંગે જાણકારી આપી શકે છે.

દેશમાં કોરોના મહામારીને ફેલાવવાથી રોકવા માટે 24 માર્ચથી પહેલી વાર લૉકડાઉન લાગુ કર્યું હતું. બાદમાં તેને ચાર વાર આગળ વધાર્યું હતું.

ગોધરાના 26 મુસ્લિમો પાકિસ્તાનમાં ફસાયા

ભારત તથા પાકિસ્તાનમાં લાગુ કરવામાં આવેલા લૉકાડઉનને લીધે ગોધરાના 26 લોકો પાકિસ્તાનના કરાંચીમાં ફસાયા છે.

આ અંગે બીબીસીના સહયોગી દક્ષેશ શાહ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર લગ્નપ્રસંગે હાજરી આપવા માટે આ 26 લોકો બે મહિના અગાઉ પાકિસ્તાન ગયા હતા.

જોકે કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણને લીધે આંતરરાષ્ટ્રીય સરહદ બંધ કરવામાં આવી હતી અને વિદેશથી ભારતમાં આવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા.

જેને લીધે ગોધારાના આ 26 લોકો કરાંચીમાં જ ફસાઈ ગયા હતા. તેઓ ભારત પરત આવવા માગે છે અને એ માટે તેમણે ભારત સરકારની મદદ પણ માગી છે.

તેમનું કહેવું છે કે અન્ય તમામ વ્યવસ્થા થઈ ગઈ છે પણ પાકિસ્તાનથી ભારત આવવા માટે અટારી-વાઘા સરહદ પાર કરવાની પરવાનગી મળી શકી નથી.

શું ભારતમાં જુલાઈમાં સ્થિતિ બગડશે?

ભારતમાં ચાર તબક્કાના લૉકડાઉન દરમિયાન પણ કોરોના વાઇરસના સંક્રમણના કેસોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળ્યો છે.

આ ઉપરાંત ચોથા તબક્કાના લૉકડાઉનમાં કેટલાંક રાજ્યોમાં છૂટછાટો આપવામાં આવી અને ડૉમેસ્ટિક ફ્લાઇટ્સ પણ શરૂ કરી દેવામાં આવી છે.

ભારતમાં કોરોના વાઇરસ પર રિસર્ચ કરી રહેલા કેટલાક લોકોનું કહેવું છે કે આવનારા સમયમાં ભારતમાં હજી લાખો કેસો વધી શકે છે. જુઓ વીડિયો અહેવાલ.

WHOથી છેડો ફાડવાની ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે અમેરિકા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO સાથેના તેમના તમામ સંબંધ તોડવા જઈ રહ્યું છે.

ટ્રમ્પે આરોપ લગાવ્યા છે કે વિશ્વ આરોગ્ય સંગઠન કોરોના વાઇરસના સંક્રમણને રોકવામાં નિષ્ફળ નીવડ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રની આ એજન્સીનું ભંડોળ ટ્રમ્પ અગાઉ જ બંધ કરી ચૂક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ચીનની કઠપૂતળી છે.

ટ્રમ્પે શુક્રવારે પત્રકારપરિષદમાં કહ્યું, "અમે WHOમાં વ્યાપક સુધારા માટે વિનંતી કરી હતી પણ તેઓ એવું કરવામાં નિષ્ફળ રહ્યા."

"આજથી અમે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથેનો સંબંધ તોડી રહ્યા છીએ. અમેરિકા આ ભંડોળનો ઉપયોગ વૈશ્વિક પબ્લિક હેલ્થના ક્ષેત્રમાં કરશે."

"WHO સંપૂર્ રીતે ચીનના તાબામાં છે જ્યારે તે અમેરિકાની તુલનામા ખૂબ ઓછું ફંડ આપે છે."

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગયા મહિને જ WHOને ચેતવણી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે જો 30 દિવસની અંદર WHOમાં નક્કર સુધારા નહીં થાય તો અમેરિકા ફંડ અટકાવી દેશે.

ગુજરાતમાં સ્થિતિ કેમ બગડી?

લૉકડાઉન 4.0 પૂર્ણ થવાના આરે છે ત્યારે ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા 16 હજારને નજીક પહોંચી ગઈ છે.

લૉકડાઉન દરમિયાન પણ ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો થતો જોવા મળ્યો છે.

એક બાજુ ગુજરાત સરકાર કોરોનાને નિયંત્રણમાં રાખવા માટે પોતાની પીઠ થાબડતી જોવા મળી રહી છે અને બીજી બાજુ રોજબરોજ નાગરિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે. આ મામલે ગુજરાત સરકારની કામગીરીને લઈને ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો પણ દાખલ કરી છે.

ગુજરાત સરકારનો દાવો છે કે તે યોગ્ય કામગીરી કરી રહી છે. જોકે, મૃત્યુનો આંકડો સતત વધતો રહ્યો છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કેમ વણસી રહી છે જુઓ વીડિયો અહેવાલ.

શનિવાર, 30 મે 2020

શુભ પ્રભાત. બીબીસી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. કોરોના વાઇરસના સંક્રમણ અંગે ગુજરાત સહિત દેશ-વિદેશની અપડેટ્સ તમે અહીં મેળવી શકશો.

ગુજરાતમાં કેસો 16,000ની નજીક

ગુજરાતમાં શુક્રવારે કોરોના વાઇરસના 372 નવા કેસો આવ્યા છે. જ્યારે 20 લોકોનાં મોત થયાં છે અને 608 દર્દીઓને ડિસચાર્જ કરવામાં આવ્યા છે.

આ સાથે રાજ્યમાં કુલ કોરોના વાઇરસની કેસની સંખ્યા 15944 થઈ ગયા છે. 29 મેના રોજ આવેલા 372માંથી 253 મામલા માત્ર અમદાવાદના છે.

રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યમાં આજે કોરોના વાઇરસના કારણે 20 લોકોનાં મોત થયાં છે. જેમાં અમદાવાદમાં 18 અને સુરતમાં 2 લોકોનાં મોત થયાં છે.

રાજ્યમાં લૉકડાઉન 5.0ની ચર્ચા વચ્ચે કોરોના વાઇરસના આંકડા સતત વધી રહ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાઇરસને કારમે 980 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. જેમાં અમદાવાદમાંથી 798 લોકોએ જીવ ગુમાવ્યો છે.

અમદાવાદ શહેરમાં 29 મે સુધી 11,597 કોરોનાના કેસ આવી ચૂક્યા છે. જ્યારે અત્યારસુધીમાં 8,609 લોકોને ડિસચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 29 મે સુધીમાં કુલ 2,72,409 લોકોને ક્વોરૅન્ટાઇન કરવામાં આવ્યા છે.

ભારતમાં હાલ 1,70,000 જેટલા મામલા છે, જેમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્ર અને ત્યારબાદ તામિલનાડુમાં છે. ગુજરાત કોરોના વાઇરસના કેસોની સંખ્યામાં હાલ ચોથા ક્રમે છે.

ગુજરાતમાં કોરોનાના કેસ કાબૂમાં કેમ ન આવ્યા?

ગુજરાતમાં કોરોનાના દર્દીઓનો આંકડો 15 હજારને પાર પહોંચી ગયો છે. એક બાજુ ગુજરાત સરકાર કોરોનાને નિયંત્રણમાં રાખવા માટે પોતાની પીઠ થાબડતી જોવા મળી રહી છે અને બીજી બાજુ રોજબરોજ નાગરિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

માત્ર આરોગ્ય ક્ષેત્રે જ નહીં પરંતુ સામાજિક કલ્યાણ બાબતે પણ કોરોનાની મહામારીએ ગુજરાત સરકારની ક્ષમતા-અક્ષમતાઓનો ખ્યાલ કરાવી દીધો છે. સમગ્ર માહિતી માટે વીડિયો જુઓ

પ્રખ્યાત જ્યોતિષ બેજાન દારુવાલાનું અમદાવાદમાં નિધન

પ્રખ્યાત જ્યોતિષ બેજાન દારુવાલાનું અમદાવાદની અપોલો હૉસ્પિટલમાં નિધન થઈ ગયું છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને બેજાન દારૂવાલના અવસાન પર દુખ વ્યક્ત કર્યું હતું. તેમના પુત્ર બેહરામ દારૂવાલાએ આ બાબતે માહિતી આપતા કહ્યું હતું કે "અમદાવાદના અપોલો હૉસ્પિટલમાં શુક્રવાર સાંજે 5.13 વાગ્યે તેઓ અવસાન પામ્યા હતા. આ માનવતા માટે મોટું નુકસાન છે."એવા અહેવાલો છે કે તેઓ કોવિડ-19થી ચેપગ્રસ્ત હતા અને તેમની અમદાવાદમાં સારવાર ચાલી રહી હતી. બેજાન દારૂવાલા ભારતમા પ્રખ્યાત જ્યોતિષી હતા અને રાજકારણથી લઈને વિશ્વ અને દેશના ભવિષ્ય વિશે ભવિષ્યવાણી માટે જાણીતા હતા.

ગુજરાત હાઈકોર્ટે કહ્યું ખાનગી હૉસ્પિટલમાં સારવાર ખર્ચ 10 ટકા ઘટાડો

ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં કોરોના સંક્રમણ માટે ટેસ્ટિંગને લઈને ઉઠાવવામાં આવેલા પ્રશ્નોની બાબતમાં ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચને પક્ષકાર તરીકે જોડાવાના આદેશ કર્યા છે.

રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં કહ્યું કે રાજ્યમાં કોરોના દરદીઓના ટેસ્ટિંગ આઈસીએમઆરની ગાઇડલાઇન્સ મુજબ કરવામાં આવે છે.

ગુજરાત હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે ખાનગી લૅબમાં કોવિડ-19ના ટેસ્ટ કેમ નથી થઈ રહ્યા.

હાઈકોર્ટે સરકારને વધારેમાં વધારે ટેસ્ટિંગ કિટ્સ ખરીદીને ખાનગી અને સરકારી લૅબમાં ટેસ્ટ કરવાના નિર્દેશ આપ્યા હતા. ગુજરાત સરકારે હાઈકોર્ટ પાસેથી આ અંગે જવાબ આપવા માટે સમય માગ્યો હતો.

બીજી તરફ ખાનગી હૉસ્પિટલોના ડૉક્ટરોએ ટેસ્ટિંગ નીતિની સમીક્ષાની માગણી કરી હતી. કોરોના સંક્રમણના ટેસ્ટ માટે હાલ સરકારની પરવાનગી લેવી પડે છે અને અમદાવાદ હૉસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સ એસોસિએસને આ અંગે ગુજરાત સરકારને પત્ર લખીને કહ્યું હતું કે કોરોના સંક્રમણના ટેસ્ટ થવામાં ત્રણથી ચાર દિવસ લાગી જતા દરદીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ગુજરાત સરકાર દ્વારા આપવાં આવેલી માહિતી મુજબ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને જસ્ટિસ જે બી પારડીવાલાની બૅન્ચ સમક્ષ રાજ્ય સકાર સામે થયેલી સુઓમોટો અરજી અંગે હાઈકોર્ટે નોંધ્યુ કે અમદાવાદમાં કોવિડ-19 સિવિલ હૉસ્પિટલના સંદર્ભમાં રાજ્ય સરકારે હાઈકોર્ટના નિર્દશોનું પાલન કર્યું છે.

જોકે ગત અઠવાડિયે હાઈકોર્ટની ડિવિઝન બૅન્ચે કોવિડ-19 સામેની કામગીરીને લઈને સરકારની ઝાટકણી કાઢી હતી અને સિવિલ હૉસ્પિટલની પરિસ્થિતિની કડક શબ્દોમાં ટીકા કરી હતી.

હાઈકોર્ટ દ્વારા નીમવામાં આવેલ ત્રણ સભ્યોની કમિટીએ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં અંગેનો વિગતવાર અહેવાલ કોર્ટ સમક્ષ રજુ કર્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા ખાનગી હૉસ્પિટલોમાં કોવિડ-19ની સારવાર અંગેના જે રેટ તારીખ 16 મેના નક્કી કરવામાં આવેલા તેમાં દસ ટકાનો ઘટાડો કરવાના આદેશ પણ આપ્યા છે.

હાઈકોર્ટે ગુજરાતમાંથી 950થી વધારે શ્રમિક સ્પેશિયલ ટ્રેન દ્વારા 14 લાખથી વધુ શ્રમિકોને તેમના વતન-રાજ્ય પહોંચાડવામાં આવ્યા હોવાની નોંધી લીધી છે.

પ્રવાસી શ્રમિકોનો મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલતો હોવાને કારણે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આ બાબતમાં કોઈ નિર્દેશ આપ્યા નથી.

કોરોનાના બીજા ઝટકાની ચેતવણી

જૉન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટી પ્રમાણે વિશ્વમાં લગભગ 60 લાખ લોકો કોરોના વાઇરસથી ચેપગ્રસ્ત થયા છે. જેમાંથી ત્રણ લાખ 59 હજાર લોકો કોવિડ-19ને કારણે મૃત્યુ પામ્યા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વિશેષ અધિકારી ડૉક્ટર ડેવિડ નબારોએ કહ્યું કે "અમે કોરોના સંક્રમણના એક વધારાના ઝટકા માટે તૈયાર રહેવું જોઈએ". તેમણે કહ્યું કે "જેમ-જેમ લૉકડાઉનમાં ઢીલ વધશે ત્યારે કોરોના સંક્રમણના કેસમાં વધારે ઉછાળો આવી શકે છે, જેના માટે તૈયાર રહેવું જોઈએ."

બ્રાઝિલને લૅટિન અમેરિકામાં કોરોના વાઇરસ સંક્રમણનું સૌથી મોટું કેન્દ્ર કહેવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં અહીં કોવિડ-19ના 26 હજાર ચાર સોથી વધારે કેસ સામે આવ્યા છે.

લેબનાન સરકારે નિર્ણય લીધો છે કે જો કોઈ નાગરિક માસ્ક વગર બહાર નીકળશે તો તેના પર દંડ લગાવી શકાશે. માસ્ક વગર જાહેર બસ સેવામાં યાત્રા કરવા પર 16 અમેરિકન ડૉલર એટલે 1200 રૂપિયાનો દંડ ભરવો પડશે.

અમેરિકામાં અત્યાર સુધી 40 મિલિયન એટલે કે ચાર કરોડ બેરોજગારી ભત્તા માટે અરજી કરી ચૂક્યા છે જેમાંથી 20 લાખ લોકોએ બે અઠવાડિયામાં અરજી કરી છે.

ભારતમાં કોરોનાથીથી મૃત્યુ પામનારાઓની સંખ્યા ચીન કરતાં વધી

ભારતમાં કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા ચીન કરતાં વધી ગઈ છે.

જૉન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટીના ડેટા પ્રમાણે, ભારતમાં અત્યાર સુધી કોરોનાથી 4,711 લોકોનું મૃત્યુ થયું છે, જ્યારે ચીનમાં અત્યાર સુધી 4,638 લોકોનાં મૃત્યુ થયાં છે.

શુક્રવાર સવારની સ્થિતિ પ્રમાણે, દુનિયામાં કોરોના વાઇરસના સંક્રમણથી સૌથી વધારે અસરગ્રસ્ત દેશોની સૂચિમાં ભારત હવે નવમાં સ્થાને છે.

યુનિવર્સિટીના ડૅશબોર્ડ પ્રમાણે, ભારતમાં કોરોના સંક્રમણના કુલ 1,65,386 કેસ છે, જ્યારે તુર્કીમાં 1,60,979 કેસ નોંધાયેલા છે.

ચીનમાં કોરોના વાઇરસે પહેલી વખત દેખા દીધી હતી અને માર્ચ મહિનાના મધ્ય ભાગમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ તેને મહામારી જાહેર કરી હતી.

ભારતમાં હવે લૉકડાઉનનો ચોથો તબક્કો પૂર્ણ થવામાં છે અને હવે લૉકડાઉનને લંબાવવામાં આવશે કે નહીં, તેના પર અત્યાર સુધી કોઈ આધિકારિક રૂપથી સ્પષ્ટતા નથી કરવામાં આવી.

નિષ્ણાતોનું માનવું છે કે આવતા બે મહિના દરમિયાન કોરોનાનું સંક્રમણ તેના ચરમ પર પહોંચી શકે છે.

નિષ્ણાતોનું માનવું છે કે પરપ્રાંતીય શ્રમિકોના પહોંચવાથી તેમના વતનમાં કેવી સ્થિતિ ઊભી થઈ છે, તેની સમીક્ષા કરવા માટે સાતથી દસ દિવસનો સમય લાગશે.

દક્ષિણ કોરિયામાં ફરી સામે આવ્યા સંક્રમણના કેસો, 251 શાળાઓ બંધ કરાઈ

દક્ષિણ કોરિયામાં કોરોના વાઇરસના સંક્રમણના નવા કેસ સામે આવ્યા એ પછી ત્યાંની સરકારે 251 શાળાઓ બંધ કરી દીધી છે.

સંક્રમણના કેસોમાં ઘટાડો નોંધાતાં થોડા દિવસો અગાઉ જ અહીં શાળાઓ શરૂ કરાઈ હતી.

સોલથી બીબીસી સંવાદદાતા લૉરા બિકર જણાવે છે કે છેલ્લા 24 કલાકમાં અહીં કોરોના વાઇરસના સંક્રમણના નવા 56 કેસ નોંધાયા છે.

આ પહેલાં ગઈકાલે સંક્રમણના 79 કેસ નોંધાયા હતા. જે છેલ્લા બે મહિનામાં નોંધાયેલા કેસોની સંખ્યાની તુલનામાં સૌથી વધારે છે.

આ પૈકી મોટાભાગના કેસ પશ્ચિમ કોરિયાના બુચનના એક ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરમાં નોંધાયા છે. બુચન ગીચ વસતી ધરાવતો વિસ્તાર હોવાથી અધિકારીઓની ચિંતામાં વધારો થયો છે.

સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે તેમને અહીં કામ કરતા લોકોનાં બૂટ અને કપડાં પર કોવિડ-19 વાઇરસની કેટલીક નિશાનીઓ મળી છે. સંપર્કમાં આવેલા તમામ લોકોને ટ્રૅક કરાઈ રહ્યા છે.

સંક્રમણના ડરથી બુચન શહેરની 251 શાળાઓને બંધ કરવાની ફરજ પડી છે, જ્યારે સેંકડો શાળાઓના મહામારી બાદ ઓપનિંગના કાર્યક્રમને રદ કરવામાં આવ્યા છે.

સોલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના માતાનો પણ કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

જેના પગલે સ્વાસ્થ્યવિભાગ દ્વારા પ્રતિબંધ ફરીથી લાગુ કરવામાં આવ્યા છે.

દિલ્હીમાં ગુજરાત કરતાં કેસ વધ્યા

વિશ્વમાં કોવિડ-19ના ચેપગ્રસ્તોની સંખ્યા 58 લાખ ત્રણ હજારથી વધુ થઈ ગઈ છે, જ્યારે ત્રણ લાખ 59 હજાર 791 દરદીઓનાં મૃત્યુ થયાં છે. કોરોના સંબંધિત અન્ય માહિતી. બીજી બાજુ, દેશમાં ગુજરાત કરતાં દિલ્હીમાં કેસ વધી ગયા છે.

- બ્રાઝિલ દુનિયામાં કોરોનાથી પીડિત બીજો સૌથી મોટો દેશ બની ગયો છે. ત્યાં ચાર લાખ 38 હજારથી વધુ કેસ નોંધાયેલા છે, જ્યારે 26 હજારથી વધુનાં મૃત્યુ થયાં છે.

- અમેરિકામાં કોરોનાની સૌથી વધુ ભયાનક અસર જોવા મળી છે. જ્યાં 17 લાખ 20 હજાર કેસ નોંધાયેલા છે. જ્યારે એક લાખ એક હજારથી વધુ મૃત્યુ થયાં છે.

- કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના આંકડા મુજબ દેશમાં ચેપગ્રસ્તોની કુલ સંખ્યા 1,65,799 છે, જ્યારે 4,638નાં મૃત્યુ થયાં છે. 71,105 પેશન્ટ્સને સારવાર બાદ રજા મળી ગઈ છે.

- એક જ દિવસમાં 7,466 નવા કેસ નોંધાતા દેશમાં ઍક્ટિવ કેસની સંખ્યા 89 હજાર 987 ઉપર પહોંચી ગઈ છે.

- દિલ્હીમાં (16,281) ગુજરાત (15,562) કરતાં ઓછાં કેસ હતાં, પરંતુ ગત એક સપ્તાહ દરમિયાન ખાસ્સો એવો ઉછાળ જોવા મળ્યો છે. ગુરુવારે એક જ દિવસમાં 1024 કેસની વૃદ્ધિ નોંધાઈ હતી.

- મહારાષ્ટ્ર (59,546 કેસ અને 1,982 મૃત્યુ) પહેલા તથા તામિલનાડુ (19 હજાર 372) કેસ સાથે બીજાક્રમે છે.

- ત્રીજા ક્રમે રશિયા છે, જ્યાં ત્રણ લાખ 80 હજાર જેટલા કેસ નોંધાયા છે.

કોરોના વાઇરસ અને લોહી વચ્ચેનો સંબંધ જાણો વીડિયોમાં

નમસ્કાર. બીબીસી ગુજરાતીના શુક્રવાર (તા. 29 મે)ના કોરોના વાઇરસ સંબંધિત અપડેટ્સમાં આપનું સ્વાગત છે.

ગુજરાતથી આવનારાઓને કર્ણાટકે અટકાવ્યાં

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 367 કેસો સાથે આંકડો 15,572 થઈ ગયો છે અને કર્ણાટકની સરકારે ગુજરાત સહિત પાંચ રાજ્યોના લોકોનો પ્રવેશ પ્રતિબંધિત કરી દીધો છે.

કર્ણાટકે ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી આવનાર વિમાનો, બસો, ટ્રેનો અને અન્ય વાહનો પ્રતિબંધિત જાહેર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુમાં કોરોના સંક્રમણના કેસો સૌથી વધારે છે.

કર્ણાટકમાં અત્યાર સુધી કોરોનાના 2418 કેસો સામે આવ્યા છે અને 47 લોકોનાં મૃત્યુ થયા છે.

ગુજરાતમાં કેસોની સ્થિતિ

ગુજરાતમાં 28 મેની સાંજની સરકારની અખબારી યાદી મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 367 નવા પૉઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 22 દરદીઓના મૃત્યુ પણ થયા છે.

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 454 દરદીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.

ગુજરાતમાં કોરોના કુલ સંક્રમિતોની સંખ્યા 15,572એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં હાલ સુધીમાં 8001 લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે 960 લોકો મૃત્યુ પામ્યા છે.

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં સૌથી વધારે કેસ અમદાવાદમા (247), સુરત (44), વડોદરા (33), મહીસાગર (૦8), કચ્છ (૦7), રાજકોટ (07) નવા કેસ નોંધાયેલ છે.

અમદાવાદમાં 16 લોકોનાં મૃત્યુ થયા છે. જ્યારે વડોદરામાં ત્રણ લોકોનાં મૃત્યુ થયા છે.

પરપ્રાંતીય શ્રમિકો પાસેથી ભાડું લેવાની સુપ્રીમ કોર્ટની મનાઈ

પરપ્રાંતીય શ્રમિકો પાસેથી બસ કે ટ્રેનનું ભાડું ન લેવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યા છે.

નિર્દેશ મુજબ, ભાડું શ્રમિક જ્યાંથી ઉપડે તે તથા જ્યાં પહોંચે તે રાજ્ય વહેંચે. આ સિવાય રાજ્ય સરકારો માગે ત્યારે ટ્રેન આપવા રેલવેને આદેશ કર્યો છે. સ્ટેશન પર રાજ્ય સરકાર દ્વારા શ્રમિકો માટે ભોજનપાણીની વ્યવસ્થા કરવામાં આવે અને પ્રવાસ દરમિયાન રેલવે આ જવાબદારી ઉપાડે.

જો કોઈ શ્રમિક રસ્તા ઉપર ચાલીને વતન જતો દેખાય તો સ્થાનિક વહીવટીતંત્ર તેમને રાહત છાવણી સુધી લઈ જાય.

સોનિયા-રાહુલે ગરીબો માટે રાહત માગી

કૉંગ્રેસના વચગાળાનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે કોરોના વાઇરસ તથા સતત લૉકડાઉનથી પીડિત જરૂરિયાતમંદોની મદદ કરવા માટે મોદી સરકાર પૈસા છૂટા કરે.

'સ્પિકઅપ ઇન્ડિયા' અભિયાન હેઠળ ગાંધીએ વીડિયો પોસ્ટ કર્યો હતો અને કહ્યું હતું કે દેશ ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. સરકારે ગરીબોની પીડા અને દર્દની અવગણના કરી છે.

ગાંધીએ કહ્યું, "અમે સરકારને અપીલ કરીએ છીએ કે તે ખજાનો ખોલે અને ગરીબોને મદદ કરે. આગામી છ માસ સુધી દરેક પરિવારના ખાતામાં માસિક રૂ. સાડા સાત હજાર જમા કરાવે અને તાત્કાલિક રૂ. દસ હજારની સહાય કરે."

સોનિયા ગાંધીએ કહ્યું કે વતન પરત ફરવા માગતા શ્રમિકોની નિઃશુલ્ક અને સલામત સવારી અંગે સરકાર વ્યવસ્થા કરે. ગામડાંમાં પરત ફરેલાં શ્રમિકો માટે રોજગારની તકો ઊભી કરવામાં આવે તથા તેમના માટે રૅશનની વ્યવસ્થા કરવામાં આવે.

ગાંધીના કહેવા પ્રમણે, જો નાના અને મધ્યમ ઉદ્યોગોને તત્કાળ આર્થિક રાહત આપવામાં નહીં આવે તો ત્રણ કરોડ રોજગાર ઉપર જોખમ ઊભું થશે.

અન્ય એક વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું કે 'દેશના નાગરિકોને ધિરાણ નહીં, પરંતુ નાણાંની જરૂર છે.'

તેમને દેશના લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે પૅકેજની માગ કરી તથા મનરેગા (મહાત્મા ગાંધી નેશનલ રુરલ ઍમ્પ્લૉયમૅન્ટ ગૅરંટી ઍક્ટ) હેઠળ 100ને બદલે 200 દિવસ રોજગાર આપવાની પણ માગ કહી.

ટેસ્ટિંગ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં ધા

અમદાવાદ મેડિકલ ઍસોસિયેશને ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને માગ કરી છે કે ઑપરેશન કરાવવા માગતા દરદીઓના કોવિડ-19 ટેસ્ટ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવાની જરૂર છે. શું છે સમગ્ર મુદ્દો અહીં વાચો.

કોરિયામાં કેસની સંખ્યામાં ઉછાળ

ગુરવારે દક્ષિણ કોરિયામાં 79 નવા કેસ નોંધાયા, જે ગત દોઢ મહિનામાં સૌથી વધારે છે. અધિકારીઓને આશંકા છે કે નવા કેસોએ 'વધુ એક જુવાળ' હોય શકે છે.

વિશ્વભરમાં કોરોના સામેની લડાઈમાં દક્ષિણ કોરિયાને 'નમુનારૂપ કામગીરી' કરવા બદલ વખાણવામાં આવે છે.

છેલ્લા કેટલાક દિવસોથી નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે અને જનજીવન થાળે પડી રહ્યું હતું, ત્યારે નવા કેસોએ અધિકારીઓના માથા ઉપર ચિંતાની સળ લાવી દીધી છે.

સૌથી વધુ કેસ દેશની રાજધાની અને આર્થિક પાટનગર સિઓલમાં નોંધાયા છે.

જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ, દક્ષિણ કોરિયામાં કુલ કેસની સંખ્યા 11 હજાર 344 ઉપર પહોંચી ગઈ છે, જ્યારે 269 મૃત્યુ થયાં છે.

આ પહેલાં તા. પાંચમી એપ્રિલે બીમારી ચરમ ઉપર હતી ત્યારે 81 કેસ નોંધાયા હતા.

ગુજરાતાં કેસોની સંખ્યામાં વધારો કેમ?

ગુજરાત સરકારનો દાવો છે કે તેણે કોરોનાને અટકાવવા ટેસ્ટિંગ અને સાધનોની ખરીદી સહિત અનેક પગલાં લીધા છે. છતાં ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. બુધવારે આ સંખ્યા 15 હજારને પાર કરી ગઈ. ત્યારે જાણો કે સા માટે ગુજરાતમાં કોરોનાને કાબુમાં નથી લઈ શકાતો.

અમેરિકામાં એક લાખ કેસ

અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા એક લાખને વટાવી ચૂકી છે.

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર મૃતકોની કુલ સંખ્યા એક લાખ 47 થઈ ગઈ છે.

આ અગાઉ રાષ્ટ્રપતિ ટ્રમ્પ કહી ચૂક્યા છે જો એક લાખ લોકોનાં મોત થાય તો એ સંખ્યા ડરાવણી હશે પણ એને રોકવાના પ્રયાસ કરાઈ રહ્યા છે.

કોરિયા, વિયતનામ, ઇરાક અને અફગાનિસ્તાનની 44 વર્ષની લડાઈમાં જેટલાં મૃત્યુ થયાં, એટલાં જ મૃત્યુ અહીં છેલ્લા ત્રણ મહિનામાં કોરોના વાઇરસના સંક્રમણને લીધે થયાં છે.

અમેરિકા બાદનો મૃતકાંકમાં બીજા ક્રમ પર બ્રિટન છે. બ્રિટનમાં 37 હજાર લોકોનાં મોત થયાં છે.

28 મે 2020, ગુરુવાર

શુભ પ્રભાત. બીબીસી ગુજરાતીના આ અપડેટ પેજ પર આપનું સ્વાગત છે. અહીં કોરોના વાઇરસ સંબંધિત ગુજરાત અને દેશ-દુનિયાની અપડેટ આપવામાં આવશે.

ગુજરાતમાં કેસો 15 હજારને પાર

ગુજરાત સરકારે આજે જાહેર કરેલી પ્રેસ નોટમાં દાવો કર્યો છે કે ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણની સ્થિતિ નિયંત્રણમાં છે.

જોકે, 27 મેના રોજ આવેલી કેસોની સંખ્યા 26 મેના કેસોથી થોડી વધારે છે. 26 મેના 361 કેસો સામે આવ્યા હતા અને આજે 376 કેસો સામે આવ્યા છે.

ગુજરાત સરકારની અખબારી યાદીનું કહેવું છે, "રાજ્યમાં 15 દિવસ પહેલાં કેસ બમણા થવાનો દર જે 16 દિવસનો હતો તે વધીને 24.84 દિવસે પહોંચ્યો છે. આ કેસ બમણા થવાનો દર ગત સમય દરમિયાન રાજ્યમાં નોંધાયેલ કેસોના ગ્રોથ રેટને આધારે ગણવામાં આવે છે. આથી કોરોના વાઇરસનો રોગચાળો નિયંત્રણ હેઠળ છે, તે ફલિત થાય છે."

આ ગુજરાત સરકારની અખબારી યાદીનો દાવો છે અને બીબીસીએ તેની ચકાસણી કે પૃષ્ટિ કરી નથી.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા કુલ 376 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે અમદાવાદમાં (256 કેસ), સુરત (34 કેસ), વડોદરા (29 કેસ), મહીસાગર (14 કેસ), વલસાડ (10 કેસ) નોંધાયા છે.

ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં 23 લોકોનાં મૃત્યુ થતાં મૃતકાંક 938એ પહોંચ્યો છે.

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 410 દરદીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કુલ દરદીઓની સંખ્યા 15,205એ પહોંચી છે. ગુજરાતમાં ઍક્ટિવ કેસની સંખ્યા 3720 છે, જ્યારે 7547 દરદીઓની સાજા થતાં રજા આપવામાં આવી છે.

ભારતમાં કેસોની સંખ્યા દોઢ લાખને પાર કરી ગઈ છે. દેશમાં 1 લાખ 51 હજાર 767 કોરોના કેસો છે અને 4337 લોકોનાં મૃત્યુ થયા છે.

મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા 54, 758 થઈ ગઈ છે અને 1792 લોકોનાં મૃત્યુ થયા છે.

મહારાષ્ટ્ર પછી સૌથી વઘારે કેસો તામિલનાડુમાં છે. તામિલનાડુમાં 17,728 કેસ છે અને 127 લોકોનાં મૃત્યુ થયા છે.

દુનિયામાં કોરોના સંક્રમણની સંખ્યા 55 લાખ 88 હજાર થઈ ગઈ છે અને સાડા ત્રણ લાખ લોકોનાં મૃત્યુ થયા છે.

બ્રાઝિલમાં સ્થિતિ એક જ મૃત્યુથી 25 હજાર પર કેવી રીતે પહોંચી ગઈ?

તા. 26મી ફેબ્રુઆરી સુધી બ્રાઝિલમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો, ત્યાર સુધીમાં કોરોનાએ ચીનમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને વિશ્વના અનેક દેશ તેનાથી ચિંતિત થવા લાગ્યા હતા.

લગભગ એક મહિના પહેલાં 26મી ફેબ્રુઆરીએ ગીચ વસ્તી ધરાવતા સાઓ પાઉલોમાં પહેલો કેસ નોંધાયો હતો.

61 વર્ષીય વ્યક્તિ ઉત્તર ઇટાલીના લૉમબાર્ડીની મુલાકાત લઈને વતન પરત ફર્યા હતા.

લૉમબાર્ડી ઇટાલીના કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારમાંથી એક હતો, જ્યાં મોટી સંખ્યામાં મૃત્યુ થયા હતા અને મોટી સંખ્યામાં કેસ નોંધાયા હતા.

સત્તાવાર રીતે આ કેસને બ્રાઝિલનો કોવિડ-19નો પહેલો કેસ ગણાવાય છે, પરંતુ જાણકારોના કહેવા પ્રમાણે, 'વાઇરસ એથી બહુ પહેલાં બ્રાઝિલમાં પ્રવેશી ગયો હશે.'

એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી બ્રાઝિલમાં મરણ પામનારાઓની સંખ્યા ઉપર નજર નહોતી પડતી, બાદમાં જાણે કેસોની સંખ્યાનો વિસ્ફોટ થયો.

મંગળવાર બપોરે જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા પ્રમાણે, બ્રાઝિલમાં અત્યારસુધીમાં 24 હજાર 500થી વધુ મૃત્યુ થયાં છે, જ્યારે ત્રણ લાખ 91 હજાર કરતાં વધુ કેસ સાથે તે બીજા ક્રમે સૌથી વધુ પ્રભાવિત દેશ છે. વિશ્વમાં કોરોના વાઇરસના 55 લાખ 94 હજાર કરતાં વધુ ઍક્ટિવ કેસ છે.

11મી એપ્રિલના દિવસે ત્યાં મૃત્યુ આંક એક હજારને પાર કરી ગયો, દક્ષિણ વૃત્તમાં તે પહેલો એવો દેશ બન્યો કે જ્યાં આટલી મોટી સંખ્યામાં મૃત્યુ થયાં.

ત્યારસુધી એવી થિયરી ચાલી રહી હતી કે 'યુરોપમાં કોરોના વાઇરસનું જેવું સ્વરૂપ જોવા મળ્યું, તેવું વિકરાળ સ્વરૂપ ગરમ વાતાવરણ ધરાવતાં દેશોમાં જોવા નહીં મળે.'

ગ્રાફમાં જોઈ શકાય છે કે કેવી રીતે કોરોનાના કેસ અને મૃતકોની સંખ્યામાં ઉછાળો જોવાયો હતો .

તા. 17મી મેના દિવસે કેસોની સંખ્યાની દૃષ્ટિએ સ્પેન ઇટાલી કરતાં પણ વધી ગઈ. કોવિડ-19ને કારણે મૃત્યુ પામનરાઓની સંખ્યાની દૃષ્ટિએ બ્રાઝિલ છઠ્ઠા ક્રમે છે. તાજેતરમાં અમેરિકાએ બ્રાઝિલથી આવનારાઓ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.

કોરોના વાઇરસને કારણે ચેપગ્રસ્તોની સંખ્યા (1,681,418) બાબતમાં અને મૃતકોની સંખ્યા (98 હજાર 130)ની બાબતમાં અમેરિકા ટોચ ઉપર છે.

મૃતકાંકની બાબતમાં યુ.કે. (37,130) બીજા ક્રમે, ઇટાલી (32 હજાર 955) ત્રીજા ક્રમે, ફ્રાન્સ (28,533) ચોથા ક્રમે અને સ્પેન (27,117) પાંચમા ક્રમે છે.

ફેબ્રુઆરીથી ઍપ્રિલ દરમિયાન બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસેનારો કોરોના વાઇરસની સરખામણી 'સામાન્ય શરદી ઉધરસ' સાથે કરતાં રહ્યાં અને મીડિયા ઉપર ભયનો માહોલ ઊભો કરવાનો આરોપ મૂક્યો.

વિશ્વમાં મૃતકાંક ત્રણ લાખ 50 હજારને પાર

કોરોના વાઇરસને કારણે ચેપગ્રસ્તોની સંખ્યા (1,681,418) બાબતમાં અને મૃતકોની સંખ્યા (98 હજાર 130)ની બાબતમાં અમેરિકા ટોચ ઉપર છે.

વિશ્વમાં કોરોના વાઇરસના 55 લાખ 94 હજાર કરતાં વધુ ઍક્ટિવ કેસ છે. મૃતકાંકની બાબતમાં યુ.કે. (37,130) બીજા ક્રમે, ઇટાલી (32 હજાર 955) ત્રીજા ક્રમે, ફ્રાન્સ (28,533) ચોથા ક્રમે અને સ્પેન (27,117) પાંચમા ક્રમે છે.

કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા મુજબ, બુધવારે સવારે દેશમાં કુલ કેસની સંખ્યા દોઢ લાખને પાર (1,51,767) કરી ગઈ છે.

મહારાષ્ટ્રમાં (54 હજાર 758) અને તામિલનાડુમાં (17,728) કેસ નોંધાયેલા છે. ગુજરાત આ યાદીમાં ત્રીજા ક્રમે, જ્યારે દિલ્હી (14,465) ચોથા ક્રમે છે.

ગુજરાતમાં (MoHFW, ગુજરાત) 14 હજાર 821 કેસ નોંધાયેલા છે, જ્યારે 915 મૃત્યુ થયાં છે. સાત હજાર 139 દરદી સાજા થઈ ગયા છે. સોથી વધુ અમદાવાદમાં 10,841 કેસ છે.

એ દસ દેશ જ્યાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ નોંધાયા છે.

  • અમેરિકા - 1,681,418 કેસ ; 98,929 મૃત્યુ
  • બ્રાઝિલ - 391,222 કેસ ; 24,512 મૃત્યુ
  • રશિયા - 362,342 કેસ ; 3,807 મૃત્યુ
  • યુ.કે. - 266,599 કેસ ; 37,130 મૃત્યુ
  • સ્પેન - 236,259 કેસ ; 27,117 મૃત્યુ
  • ઇટાલી- 230,555 કેસ ; 32,955 મૃત્યુ
  • ફ્રાંસ - 182,847 કેસ ; 28,533 મૃત્યુ
  • જર્મની - 181,200 કેસ ; 8,372 મૃત્યુ
  • તુર્કી - 158,762 કેસ ; 4,397 મૃત્યુ
  • ભારત - 151,876 કેસ ; 4,346 મૃત્યુ
  • ઈરાન - 139,511 કેસ; 7,508 મૃત્યુ

કેન્દ્ર સરકારે 'આરોગ્યસેતુ' મોબાઇલ ઍપ્લિકેશનનો સૉર્સ-કોડ સાર્વજનિક કરી દીધો છે, જેના કારણે હવે તેની ચકાસણી શક્ય છે.

ડિજિટલ અધિકારક્ષેત્રે કામ કરતા નાગરિકો તેને આવકારયાદક પહેલ ગણાવે છે અને માને છે કે તેનાથી વપરાશકર્તાઓની પ્રાઇવસીને સુરક્ષિત રાખી શકાશે.

નીતિ આયોગના સી.ઈ.ઓ. અમિતાભ કાંતના કહેવા પ્રમાણે, દુનિયામાં બીજી કોઈ સરકારે આટલું પારદર્શક વલણ નથી અપનાવ્યું.

કોરોના વાઇરસ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનાર વ્યક્તિઓ અંગે માહિતી મેળવવાના હેતુસર ઍપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં આ ઍપ્લિકેશન બહાર પાડવામાં આવી હતી. હાલમાં લગભગ 11 કરોડ 50 લાખ વખત ડાઉનલોડ થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે નેશનલ ઇન્ફૉર્મેટિક સેન્ટરે હજુ માત્ર ઍન્ડ્રોઇડ ઍપનો જ કોડ બહાર પાડ્યો છે અને ટૂંક સમયમાં iOSનો સૉર્સકોડ બહાર પાડવાની વાત કહી છે.

બ્રિટનમાં ક્લિનિકલ ટ્રાયલ શરૂ

બ્રિટનની સ્વાસ્થ્યસેવા એનએચએસ કોરોના વાઇરસના દર્દીઓ માટે રેમડેસિવિયર દવા ઉપલબ્ધ કરાવશે.

બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મૅટ હૅનકૉકે કહ્યું છે કે બ્રિટન કોવિડ-19ના દર્દીઓ માટે રેમડેસિવિયર દવાનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની છે. તેમનું કહેવું છે કે કોરોના મહામારી શરૂ થઈ એ પછી દર્દીઓની સારવાર માટે લેવાયેલું આ સૌથી મોટું પગલું હશે.

બ્રિટનના રેગ્યુલેટર્સનું કહેવું છે કે આ દવાના ઉપયોગ અંગે પૂરતા પુરાવા છે અને કેટલીક હૉસ્પિટલોમાં આના ઉપયોગ અંગે પરવાનગી આપી શકાય છે.

જોકે હાલમાં આ દવાનો સપ્લાય ઓછો હોવાના કારણે આ દવા માત્ર એ લોકોને આપવામાં આવશે કે જેમને એની જરૂર છે. અમેરિકા અને જાપાનમાં પણ આ દવાના ઉપયોગને લઈને આ પ્રકારનાં જ પગલાં લેવાયાં છે.

જોકે સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતો ચેતવણી આપી ચૂક્યા છે કે કોવિડ-19ના દર્દીઓ માટે રેમડેસિવિયર યોગ્ય નથી.

ગુજરાતમાં 361 નવા કેસ

ગુજરાતમાં કોરોના વાઇરસની મહામારીમાં છેલ્લા 24 કલાકમાં 361 નવા કેસ નોંધાયા છે જેમાં અમદાવાદ હજી ટોચ પર છે.

રાજ્યમાં અમદાવાદમાં 23 દરદીઓનાં મૃત્યુ થયા છે. આ ઉપરાંત ખેડા, પંચમહાલ, પાટણ અને સુરતમાં 1-1 દરદીઓનાં મૃત્યુ થયા છે. આમ કુલ 915 લોકોનાં મૃત્યુ થયા છે.

અમદાવાદમાં 251 નવા કેસ સામે આવ્યા છે. ઉપરાંત સુરતમાં 36, વડોદરામાં 31, સાબરકાંઠામાં 8, ગાંધીનગરમાં 7, જામનગરમાં 5 તથા બનાસકાંઠા, વલસાડ અને મહીસાગરમાં 3-3 કેસ સામે આવ્યા છે.

ગુજરાત સરકારની પ્રેસનોટ મુજબ છેલ્લા 24 કલાકમાં 503 લોકો સાજા થયા છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ મુજબ ગુજરાતનો રિકવરી રેટ વધીને 48.13 ટકા થયો છે અને છેલ્લા 6 દિવસમાં ભરૂચ, ભાવનગર, છોટા ઉદેપુર અને દ્વારકામાં એક પણ નવો કેસ સામે નથી આવ્યો. જોકે, સરકારની અખબારી યાદી આ જિલ્લાઓમાં છેલ્લા 6 દિવસમાં કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે તેની કોઈ વિગતો રજૂ કરી રહી નથી.

ઉલ્લેખનીય છે કે 25 મેની રાત સુધીની માહિતી મુજબ રાજ્યમાં 14468 કેસો હતા.

'પાકિસ્તાનમાં ફરી લૉકડાઉન લાગુ કરવું પડશે'

પાકિસ્તાનમાં કોરોનાના કેસની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે, ત્યારે દેશના ટોચના આરોગ્ય અધિકારીએ ચેતવણી આપી છે કે જો આવી જ રીતે કેસ તથા મરણાંકની સંખ્યા વધતી રહી તો દેશમાં ફરી એક વખત લૉકડાઉન લાગુ કરવાની સ્થિતિ ઊભી થશે.

ડૉ. ઝફર મિર્ઝાએ ફરીથી લૉકડાઉનની સ્થિતિ ઊભી ન થાય તે માટે નાગરિકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું કડકાઈથી પાલન કરવાનો આગ્રહ કર્યો છે.

પાકિસ્તાને મે મહિનાની શરૂઆતથી તબક્કાવાર રીતે લૉકડાઉન હઠાવવાની શરૂઆત કરી છે.

જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર પાકિસ્તાનમાં કોરોનાના 57 હજાર 700થી વધુ કેસ નોંધાયેલા છે, જ્યારે 1,197 મૃત્યુ થયા છે.

ગુજરાત: ભાજપ વિ. કૉંગ્રેસ-શિવસેના

શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતનું કહેવું છે કે 'જો કોરોના મુદ્દે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ થતી હોય, તો ગુજરાત હાઈકોર્ટની ટિપ્પણીને જોતાં સૌ પહેલાં ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું પડે.'

આ પહેલાં રાજ્યસભામાં ભાજપના સંસદસભ્ય નારાયણ રાણેએ રાજ્યના ગવર્નર ભગતસિંહ કોશિયારીને મળીને માગ કરી હતી કે રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદવું જોઇએ.

બીજી બાજુ, ગુજરાત કૉંગ્રેસના પ્રતિનિધિમંડળે મંગળવારે અમદાવાદ સિવિલ હૉસ્પિટલની મુલાકાત લઈને રાજ્ય સરકારની કામગીરી તથા ધમણ વૅન્ટિલેટર ઉપર સવાલ ઉઠાવ્યા હતા. ભાજપનું કહેવું છે કે આ એક 'રાજકીય સ્ટન્ટ' હતો. સમગ્ર માહિતી અહીં વાચો.

બેપરવાહ થશે તો કેસ વધશે

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે જે દેશોમાં કોરોનાના ચેપની સંખ્યા ઘટી રહી છે, તેમણે ગાફેલ ન થવું જોઇએ અને પ્રસારને અટકાવવા માટે લેવામાં આવેલાં પગલાંને ઉતાવળે પાછાં ન ખેંચવા જોઇએ અન્યથા 'સંક્રમણ તત્કાળ વધી શકે છે.'

WHO હેલ્થ ઇમર્જન્સીઝના ડૉ. રેયાનનું કહેવું છે કે મધ્ય અને દક્ષિણ અમેરિકા, આફ્રિકા તથા દક્ષિણ એશિયાના દેશોમાં કેસોની સંખ્યા સતત વધી રહી છે.

આ બીમારી કેટલીક વખત ઉછાળ લે છે. મતલબ કે જ્યાં પ્રથમ તબક્કો પસાર થઈ ગયો છે, ત્યાં ચાલુ વર્ષે બીજી વખત કેસોની સંખ્યા વધી શકે છે.

ડૉ. રેયાનનું કહેવું છે કે પ્રસારને અટકાવવા માટે લાદવામાં આવેલાં નિયંત્રણો એકસાથે ઉઠાવી લેવામાં આવે તો તત્કાળ ઉછાળ આવી શકે છે.

ડૉ. રેયાનના કહેવા પ્રમાણે, "એ બાબતને અવગણી ન શકાય કે આ બીમારીનો દર ઘટી રહ્યો હોય તો પણ તે ઝડપથી ફેલાઈ શકે છે.આ બીમારી ઘટે જ છે, એવું નથી."

ડૉ. રેયાને ભલામણ કરી હતી કે અમેરિકા તથા યુરોપિયન દેશોમાં આ બીમારીને અટકાવવા માટે લેવામાં આવેલાં પગલાંને યથાવત્ રાખવામાં આવે, જેથી કરીને ગ્રાફ સતત ઘટતો રહે તથા અચાનક જ ઉછાળ ન આવે.

યુરોપના અનેક દેશો તથા અમેરિકાના અનેક પ્રાંતોમાં લૉકડાઉનમાં છૂટ આપવામાં આવી છે, તેનેથી બીમારીનો પ્રસાર અટકાવવામાં મદદ મળી છે, પરંતુ અર્થવ્યવસ્થાઓને ફટકો પડ્યો છે.

WHOએ ક્લોરોક્વિનનું પરીક્ષણ અટકાવ્યું

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કોરોના વાઇરસના દરદી પર હાઇડ્રૉક્સિક્લોરોક્વિનના ઉપયોગ અંગે ચાલી રહેલી ક્લિનિકલ ટ્રાયલને હાલ પૂરતી અસ્થાયી રીતે રોકી દેવાનો નિર્ણય લીધો છે.

સંગઠનના નિદેશક ડૉ. ટ્રેડ્રૉસ ઍડનહૉનમ ગિબ્રીયેસૂસે સોમવારે કહ્યું કે આ દવાના સુરક્ષિત ઉપયોગ અંગે ડેટા સૅફ્ટી મૉનિટરિંગ બોર્ડ અભ્યાસ કરશે. સાથે જ આ દવા સંબંધિત વિશ્વમાં કરાઈ રહેલા પ્રયોગો અંગે એક વ્યાપક વિશ્લેષણ પણ કરવામાં આવશે.

ટ્રેડ્રૉસે એવું પણ કહ્યું કે સામાન્ય રીતે હાઇડ્રૉક્સિક્લોરોક્વિન અને ક્લોરોક્વિનનો ઉપયોગ મલેરિયાના રોગીઓ અને લુપસ જેવી ઑટોઇમ્યુન બીમારીના કેસોમાં થાય છે.

જોકે, કોરોના વાઇરસના દરદીઓમાં આ દવાના સુરક્ષિત ઉપયોગને લઈને ચિંતા વ્યક્ત કરાઈ રહી છે.

તેમણે સાયન્સ જનરલ 'લૅન્સેટ'માં છપાયેલા એક અભ્યાસનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ સ્ટડી અનુસાર કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓને જ્યાં હાઇડ્રૉક્સિક્લોરોક્વિન દવા આપવામાં આવી રહી છે, ત્યાં મૃત્યુનું જોખમ વધી જાય છે.

આ અભ્યાસ સામે આવ્યા બાદ શનિવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સૉલિડારિટી ટ્રાયલ (WHOની દેખરેખ હેઠળ થઈ રહેલી કોવિડ-19ની ક્લિનિકલ ટ્રાયલ)ના ઍક્ઝિક્યુટિવ ગ્રૂપની એક બેઠક યોજાઈ.

10 સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓ ધરાવતા આ ગ્રૂપની બેઠક બાદ આ દવા સંબંધિત ક્લિનિકલ ટ્રાયને અસ્થાયી રીતે સ્થગિત કરી દેવાનો નિર્ણય લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ દવાના ઉપયોગને લઈને સતત પ્રોત્સાહિત કરી રહ્યા છે.

તેમણે હાલમાં જ કહ્યું હતું કે તેઓ કોરોના વાઇરસથી બચવા માટે હાઇડ્રૉક્સિક્લોરોક્વિનનું સેવન કરી રહ્યા છે.

જોકે, આ દવા કારોના વાઇરસ સામે કેટલી કારગત નીવડી છે એ અંગે કોઈ પ્રમાણ નથી મળ્યાં.

માર્ચમાં ભારતે આ દવાની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ટ્રમ્પ ઇચ્છતા હતા કે ભારત આ પ્રતિબંધ હઠાવે અને અમેરિકાને પૂરી પાડે.

ટ્રમ્પના કહેવા પર ભારતે દવા પરના પ્રતિબંધો આંશિક રૂપે હઠાવી દીધા હતા.

આ અપડેટ પેજ પર બીબીસી ગુજરાતીના વાચકો અને દર્શકોનું સ્વાગત છે. અહીં કોરોના વાઇરસ સંબંધિત ગુજરાત અને દેશદુનિયાની અપડેટ આપવામાં આવશે.

ગુજરાતમાં કોરોનાના 405 નવા કેસો સાથે દરદીઓની સંખ્યા 14468 થઈ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 405 કેસ સામે આવ્યા છે અને 30 લોકોનાં મૃત્યુ થયા છે તથા 224 લોકોને રજા આપવામાં આવી છે.

405 કેસો પૈકી સૌથી વધારે 310 કેસો અમદાવાદ શહેરમાં નોંધાયા છે. મૃત્યુ પામનાર કુલ દરદીઓમાં 25 અમદાવાદના, 3 ગાંધીનગરના તથા આણંદ-સુરતના 1-1 દરદીઓ છે.

આ સાથે ગુજરાતમાં કુલ કોરોના કેસોની સંખ્યા 14,468 થઈ ગઈ છે. કુલ દરદીઓ પૈકી 109 વૅન્ટિલેટર પર છે અને 6835 દરદીઓની સ્થિતિ સ્થિર જણાવવામાં આવી છે.

અમદાવાદ શહેર સહિત અમદાવાદ જિલ્લામાં 10590 કેસો છે. અમદાવાદ જિલ્લામાં 722 લોકોનાં મૃત્યુ થયા છે અને 5681 ઍક્ટિવ કેસો છે.

આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને આવતીકાલથી જીએમડીસી ગ્રાઉન્ટ ખાતે કેરી વેચાણ કેન્દ્ર શરૂ કરવાની જાહેરાત કરી છે.

મેયર બીજલબહેન પટેલ તેનું ઉદ્ઘાટન કરશે અને તેમાં 100 જેટલા સ્ટોલ હશે તથા લોકો સવારે 8થી 4 સુધી કેરી ખરીદી શકશે.

રેલવે ભવનની ઇમારતને સીલ કરાઈ

તાજેતરમાં રેલવે બોર્ડના કેટલાક કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો, જેના પગલે નવીદિલ્હી સ્થિત રેલવે ભવનની ઇમારતને સીલ કરી દેવામાં આવી છે.

મંગળવાર તથા બુધવારે બે દિવસ માટે સમગ્ર રેલભવનને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે, જ્યારે કચેરીના ચોથા માળને શુક્રવાર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ગાળા દરમિયાન ઇમારતને સૅનિટાઇઝ કરવાનું તથા જંતુમુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

કોરોના વાઇરસ મુદ્દે ગુજરાત સરકારની કામગીરીની રાજ્યની હાઈકોર્ટે ટીકા કરી છે. ઉચ્ચ અદાલતે અવલોકન કર્યું હતું કે સરકારી હૉસ્પિટલોમાં ગરીબો સારવાર લેવા માટે આવે છે એટલે તેમની જિંદગી કિંમતી નથી, એવું ન માનવું જોઇએ.

ગુજરાત હાઈકોર્ટે એક રેસિડેન્ટ ડૉક્ટરના પત્રને સુઓમૉટો પિટિશન તરીકે ગણીને હાઈકોર્ટનો જવાબ માગ્યો હતો. અહીં સમગ્ર વિગતો વાંચો.

સોમવારથી ભારતમાં આંતરદેશીય ઉડ્ડાણોની સેવા શરૂ થઈ, જેમાં ભારે અંધાધૂંધી ફેલાઈ હતી. કેટલાક રાજ્યોએ ઉડ્ડાણના નિર્ધારિત સમયની ગણતરીની કલાકો પહેલાં આગમન સંખ્યા ઉપર નિયંત્રણ લાદતા આ સમસ્યા ઊભી થઈ હતી.

મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ પ્રથમ દિવસે 80 જેટલી ઉડ્ડાણો રદ થઈ હતી, ઓડિશાએ ભુવનેશ્વર આવતી 10માંથી પાંચ ઉડ્ડાણ રદ કરી હતી.

આ સિવાય મુંબઈ અને ચેન્નાઈ જેવા વ્યસ્ત હવાઈમથકો ઉપર વધારાના નિયંત્રણ લાદવામાં આવ્યા હતા, જેના કારણે અનેક ઉડ્ડાણન સમયમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી.

સોમવારથી ઇન્ડિગો, સ્પાઇસજેટ અને વિસ્તારા જેવી ઍરલાઇન્સ કંપનીઓએ તેમની ઉડ્ડાણસેવાઓ ફરી શરૂ કરી હતી.

અણિના સમયે ઉડ્ડાણો રદ થતાં અનેક મુસાફરો ઍરપૉર્ટ પર અનિશ્ચિતતામાં અટવાઈ ગયા હતા.

સોમવારે ઍરહૉસ્ટેસ તેમના યુનિફૉર્મની ઉપર પી.પી.ઈ. (પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમૅન્ટ) પહેરેલ જોવા મળ્યા હતા.

બીજી બાજુ, સુપ્રીમ કોર્ટે ઍરઇન્ડિયાને આગામી 10 દિવસ સુધી આંતરરાષ્ટ્રીય ઉડ્ડાણોમાં વચ્ચેની સીટ પણ ભરવાની છૂટ આપી છે.

સાથે જ દસ દિવસ બાદ વચ્ચેની બેઠક ખાલી રાખવી જોઈએ. કોર્ટે અવલોકન કર્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થવું જોઈએ, તે કૉમનસેન્સની વાત છે.

દરમિયાન સૉલિસિટર જનરલે જણાવ્યું હતું કે ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ ઍવિએશનના નિર્દેષશ માત્ર ડૉમેસ્ટિક ઉડ્ડાણ માટે હતા. વિદેશમાંથી આવતાં નાગરિકો માટે ક્વોરૅન્ટીનનું પાલન ફરજિયાત રાખવામાં આવ્યું છે.

ગુજરાતમાં નિષ્ફળતા ઢાંકવા ટેસ્ટિંગ ઘટાડ્યું

કૉંગ્રેસે આરોપ મૂક્યો છે કે ગુજરાત સરકારે પોતાની નિષ્ફળતાને છૂપાવવા માટે ટેસ્ટિંગની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું હતું કે WHOની ચેતવણી છતાં અમદાવાદ ખાતે 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ આયોજિત કરાયો, જેના કારણે આ સમસ્યા ગુજરાતમાં ઘર કરી ગઈ. આ અંગે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવશે.

ચાવડાએ કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે વારંવાર પત્ર લખવા છતાં ગુજરાત સરકારે કોઈ કાર્યવાહી હાથ નહોતી ધરી હવે હાઈકોર્ટની ટિપ્પણી બાદ સફાળી જાગી છે.

ચાવડાએ કહ્યું હતું કે ગુજરાતની જનતા મુશ્કેલીમાં હોય અને મરી રહી હોય ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન તથા નાયબમુખ્ય પ્રધાન સહિતના નેતાઓએ એ.સી. ચેમ્બરમાં બેસીને વીડિયો કૉન્ફરન્સિંગ કરવાના બદલે સ્થિતિ અંગે જાત માહિતી મેળવવી જોઈએ.

માસ્કમાં નફાખોરી, શ્રમિકોને વતન મોકલવા, ખેડૂતોને ઉપજના વ્યાજબી ભાવ, લૉકડાઉનને કારણે વેપારીઓની આર્થિક પાયમાલી સહિત તમામ બાબતે રાજ્ય સરકાર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ ચાવડાએ કર્યો હતો.

તેમણે ઉમેર્યું હતું કે કોરોના મહામારી સામેની જંગમાં અગાઉ પણ કૉંગ્રેસની સાથે હતી અને હજુ પણ સાથે જ છે.

ઈદ ઉપર ઓછાયો

સોમવારે કોરોનાના ઓછાયાની વચ્ચે ભારતમાં ઈદની ઊજવણી થઈ. મુસ્લિમોએ ઈદગાહમાં જઈને નમાઝ પઢવાને બદલે પોતપોતાના ઘરે જ નમાઝ પઢી.

મૌલવીઓ તથા ધર્મગુરુઓએ કોરોનાના અનુસંધાને ઈદગાહમાં કે મસ્જિદમાં નમાઝ પઢવાનો આગ્રહ રાખવાને બદલે ઘરે જ પઢવા જણાવ્યું હતું.

ભારતમાં તા. 25મી માર્ચથી લૉકડાઉન ચાલુ છે અને ચોથા તબક્કાના લૉકડાઉનમાં સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી અવરજવર પર નિયંત્રણો છે એટલે ચાલુ વર્ષે ઈદની ખરીદી અને રોનક જોવા નથી મળી.

ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ અને ત્રિપુરામાંથી લૉકડાઉનને કારણે મુસ્લિમોએ ઘરમાં જ રહીને ઈદ ઊજવી હોવાના અહેવાલ છે.

ઉલ્લેખનીય છે કે ચાંદની ગવાહીને આધારે વિશ્વના અલગ-અલગ દેશોમાં શનિવાર, રવિવાર અને સોમવારે ઈદની ઊજવણી થઈ.

વિદેશમાં ઈદ

- તુર્કી અને સાઉદી અરેબિયામાં લૉકડાઉનને કારણે નાગરિકો ઘરની બહાર નહોતા નીકળ્યા.

- ઇન્ડોનેશિયામાં સરકારે નાગરિકોની અવરજવર ઉપર નિયંત્રણ મૂક્યા છે. નાગરિકોને ચકાસણી બાદ મસ્જિદમાં પ્રવેશ અપાયો હતો.

- કેન્યામાં નાગરિકોએ ઘરમાં રહીને જ ઈદની ઉજવણી કરી.

- થાઇલૅન્ડમાં નાગરિકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને મસ્જિદમાં ઈદ ઊજવી.

- બ્રિટનમાં લૉકડાઉન લાગુ હોવાને કારણે નાગરિકોએ ઘરમાં રહીને જ ઈદ મનાવી હતી.

- શ્રીલંકામાં લૉકડાઉન લાગુ હોવાથી નાગરિકોએ ઘરમાં રહીને ઇબાદત કરી હતી.

- રશિયામાં ઘરે રહેવાના નિર્દેશ હોવાને કારણે મસ્જિદોની આસપાસ સન્નાટો છવાયેલો રહ્યો હતો.

- ઇટાલીમાં મુસ્લિમોએ મોં પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને મસ્જિદોમાં ઈદ ઉજવી હતી.

આંતરદેશીય ઉડ્ડાણો શરૂ

કોરોના વાઇરસના ભય વચ્ચે દેશમાં આજથી ડૉમેસ્ટિક ફ્લાઇટ શરૂ થઈ ગઈ. જે અંતર્ગત અમદાવાદ ઍરપૉર્ટ પર આજે સવારે દેશના વિવિધ ભાગોમાંથી આવી પહોંચ્યા હતા.

જેના ભાગરૂપે દિલ્હી ઍરપૉર્ટથી સવારે 4:45 વાગ્યે પ્રથમ ફ્લાઇટ રવાના થઈ. જ્યારે મુંબઈ ઍરપૉર્ટથી સવારે 6:45એ પ્રથમ ફ્લાઇટ પટણા માટે ઊડી.

આ પહેલાં ડૉમેસ્ટિક ફ્લાઇટની શરૂઆતને લઈને નાગરિક ઉડ્ડયનમંત્રી હરદીપસિંહ પૂરીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું:

"દેશમાં નાગરિક ઉડ્ડયન કાર્યોની ભલામણ કરવા માટે વિવિધ રાજ્યો સાથે વાતચીતનો એક લાંબો દિવસ રહ્યો.""આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળને બાકાત કરતા સોમવારે દેશમાં ડૉમેસ્ટિક ફ્લાઇટની શરૂઆત થશે."

જોકે, ફ્લાઇટથી આવતા મુસાફરો માટે ક્વોરૅન્ટીન અને સૅલ્ફ આઇસોલેશના નિયમો પાળવા ફરજિયાત છે, જેથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સંક્રમણને ફેલાતું અટકાવી શકાય.

ફ્લાઇટમાં ચઢતા અને ઊતરતા મુસાફરો માટે રાષ્ટ્રીય ગાઇડલાઇન હોવા છતાં કેટલાંક રાજ્યોએ પોતાના નિયમો બનાવ્યા છે.

જેમ કે કર્ણાટકે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાંથી આવતા મુસાફરો માટે અનિવાર્ય રૂપે સાત દિવસ માટે સરકારી ક્વોરૅન્ટીન અને પછી હોમ ક્વોરૅન્ટીનનો નિયમ બનાવ્યો છે.

મેઘાલય અને પંજાબમાં બહારથી આવતા મુસાફરો માટે સ્વૅબ-ટેસ્ટ ફરજિયાત બનાવી છે.

કેટલાંક રાજ્યોએ રવિવારે જાહેર કરવામાં આવેલી રાષ્ટ્રીય ગાઇડલાઇન મુજબ મુસાફરોને તાવ જેવાં લક્ષણ દેખાતાં જ તેમને ક્વોરૅન્ટીન સુવિધામાં લઈ જવામાં આવશે.

વિશ્વના 10 સૌથી ચેપગ્રસ્ત દેશોમાં ભારત સામેલ

જૉન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટીના ડૅશબૉર્ડ અનુસાર કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ભારતે ઈરાનને પાછળ રાખી દીધું છે. ભારત હવે દુનિયાના 10 સૌથી વધુ ચેપગ્રસ્ત દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે.

આ યાદીમાં શનિવારે ઈરાન દસમા ક્રમે હતું અને ત્યાં ચેપગ્રસ્ત દર્દીઓનો આંક 133,521 હતો. જોકે, રવિવારે ભારતમાં કુલ ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં આવેલા ઉછાળા બાદ ઈરાન 11માં ક્રમે આવી ગયું છે.

યુનિવર્સિટી અનુસાર, ભારતમાં કુલ ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 138,536 છે. વાઇરસને લીધે ઈરાનમાં (7,417), જ્યારે ભારતમાં (4,024) મૃત્યુ થયાં છે.

ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ભારતમાં સંક્રમણના કુલ 138,845 મામલાની પુષ્ટિ થઈ છે.

ભારતમાં સોમવારે કેસોની સંખ્યાની બાબતમાં સૌથી મોટો ઉછાળ (6,977 કેસ) જોવા મળ્યો હતો, જ્યારે 154 મૃત્યુ થયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને ટાંકતા ન્યૂઝ એજન્સી એ.એન.આઈ. જણાવે છે કે દેશમાં 77,103 ઍક્ટિવ કેસ છે. કુલ 57720 દરદી સાજા થયા છે.વિશ્વની વાત કરીએ તો કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યાના હિસાબે બ્રાઝિલ હવે રશિયાથી આગળ નીકળી ગયું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને શનિવારે દક્ષિણ અમેરિકાને કોરોના વાઇરસનું નવું કેન્દ્ર ગણાવ્યું હતું.

જૉન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટી અનુસાર સમગ્ર દુનિયામાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા રવિવારે 50,70 લાખ થઈ ગઈ છે અને વાઇરસના લીધે અત્યાર સુધી વિશ્વમાં 343,617 મૃત્યુ થયાં છે.

એ દસ દેશ જ્યાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ નોંધાયા છે.

  • અમેરિકા - 1,635,192 કેસ , 97,495 મૃત્યુ
  • બ્રાઝિલ - 347,398 કેસ , 22,013 મૃત્યુ
  • રશિયા - 344,481 કેસ, 3,541 મૃત્યુ
  • બ્રિટન - 260,916 કેસ, 36,875 મૃત્યુ
  • સ્પેન - 235,772 કેસ, 28,752 મૃત્યુ
  • ઇટાલી- 229,858 કેસ, 32,785 મૃત્યુ
  • ફ્રાંસ - 182,102 કેસ, 28,219 મૃત્યુ
  • જર્મની - 180,157 કેસ, 8,28 મૃત્યુ
  • તુર્કી - 156,827 કેસ, 4,340 મૃત્યુ
  • ભારત - 138,536 કેસ, 4,024 મૃત્યુ
  • ઈરાન - 135,701 કેસ, 7,417 મૃત્યુ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો