અજિત જોગી : શિક્ષક, આઈપીએસ, આઈએએસ, મુખ્ય મંત્રીથી લઈને બળવાખોર સુધીની સફર

    • લેેખક, આલોક પ્રકાશ પુતુલ
    • પદ, રાયપુરથી બીબીસી ગુજરાતી માટે

છત્તીસગઢ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી અજિત જોગીનું આજે રાયપુરમાં નિધન થયું ગયું છે. આ મહિનાની નવ તારીખે ગંગાઇમલી નામના એક ફળનું બી તેમની શ્વાસ નળીમાં ફયાયું હતું, ત્યાર પછી કાર્ડિયક અરેસ્ટને કારણે તેમને રાયપુરની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રાધ્યાપક, આઈપીએસ, આઈએએસ અને પછી મુખ્યમંત્રી સુધીની સફરમાં તેઓ છેલ્લા 16 વર્ષથી વ્હીલચૅર પર હતા. એક સડક દુર્ઘટના પછી તેમની કમરથી નીચેનો ભાગ કામ કરતો બંધ થઈ ગયો હતો.

પરંતુ અજિત જોગી પોતાના જીવનના અંતિમ દિવસો સુધી પોતાની ઇચ્છાશક્તિ અને જિજીવિષાના બળે રાજ્યના સૌથી વધારે ચર્ચિત નેતા બન્યા હતા.

તેમના વિરોધી પણ કહેતા હતા કે જોગી વ્હીલચૅરના સહારે નહીં, 'વિલપાવર' એટલે ઇચ્છાશક્તિના સહારે જીવે છે.

તારીખ 21 એપ્રિલ 1946એ છત્તીસગઢના બિલાસપુરમાં અજિત જોગીનો જન્મ થયો હતો. તેમણે ભોપાલથી મિકેનિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને પછી દિલ્હી વિશ્વવિદ્યાલયથી કાયદાની ડિગ્રી લીધી હતી.

જોગીએ થોડા સમય સુધી રાયપુરની એન્જીનિયરિંગ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. તે દરમિયાન તેમણે સિવિલ સર્વિસીઝની પરીક્ષા આપી અને ભારતીય પોલીસ સેવામાં ચયનિત થયા. દોઢ વર્ષ પોલીસમાં સેવા આપ્યા બાદ તેમણે આઈએએસની પરીક્ષા પાસ કરી.

આ પરીક્ષાઓમાં ક્યારેય અનામતનો લાભ નહીં લેનાર અજિત જોગી પોતાને આદિવાસી માનતા હતા પરંતુ તેમની જ્ઞાતિને લઈને છેલ્લા વર્ષોમાં વિવાદ થયો હતો. તેમની જ્ઞાતિનો કેસ હજી કોર્ટમાં છે.

જોગી અવિભાજિત મધ્ય પ્રદેશમાં 14 વર્ષ સુધી કેટલાક મહત્ત્વપૂર્ણ જિલ્લાઓમાં કલેક્ટરના પદ પર રહ્યા હતા . પોતાની દબંગ છબીને કારણે તત્કાલીન મુખ્યમંત્રી અર્જુન સિંહની નજીક આવ્યા હતા. અર્જુન સિંહ અને રાજીવ ગાંધીની સલાહ પર તેઓ નોકરી છોડીને કૉંગ્રેસ પાર્ટીની તરફથી રાજ્યસભાના સભ્ય બન્યા હતા.

રાજીવ ગાંધીની કોર ટીમમાં સામેલ થયા બાદ તેઓ કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પણ બન્યા હતા.

લોકસભા ચૂંટણીમાં હાર્યા પછી મુખ્યમંત્રી બન્યા હતા

1998માં તેમણે રાયગઢ લોકસભા બેઠક પરથી પ્રથમ વખત ચૂંટણી લડ્યા અને સંસદ પહોંચ્યા.

જોકે એક વર્ષ પછી 1999માં તેમની હાર થઈ. ત્યારે માનવામાં આવી રહ્યું હતું કે તેઓ હવે પાર્ટીમાં સાઇડલાઇન થઈ ગયા. પરંતુ વર્ષ 2000માં મધ્યપ્રદેશથી અલગ જ્યારે છત્તીસગઢ રાજ્ય બન્યુ ત્યારે અજિત જોગી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા.

જોગીના સ્થાનિક ભાષામાં આપવામાં આવેલા ભાષણોથી છત્તીસગઢના લોકોમાં પ્રથમ વખત રાજ્યની અસ્મિતાની ભાવનાનો પ્રસાર થયો અને તેઓ પ્રભાવશાળી નેતા તરીકે સ્થાપિત થયા.

અજિત જોગી કહતે હતા કે "હું સ્વપનોનો સોદાગર છું."

પરંતુ કહેવામાં આવે છે કે અધિકારીથી નેતા બનેલા જોગી પોતાના અધિકારીઓ પર વધારે ભરોસો કરતા અને રાજ્યમાં અધિકારીઓએ પાર્ટીના નેતાઓને સાઇડલાઇન કરી દીધા.

સરકાર પર ગંભીર આરોપ લાગતા રહ્યા. માત્ર ત્રણ વર્ષની અંદર તેમનું સ્વપનું અધુરૂં રહી ગયું, અને 2003માં વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ હારી ગઈ. ભાજપની સરકાર બની જેણે 15 વર્ષ સુધી શાસન કર્યું.2003માં ચૂંટણી દરમિયાન તેમના પુત્ર અમિત જોગી પર રાકાંપાના નેતા રામવતાર જગ્ગીની હત્યાનો આરોપ લાગ્યો અને તેઓ વર્ષો સુધી જેલમાં રહ્યા.

ત્યાર પછી અજિત જોગી પર ધારાસભ્યોની ટ્રેડિંગના આરોપ લગાયા અને પાર્ટીમાંથી તેમને નિલંબિત કરવામાં આવ્યા હતા.

2004માં તેમને પાર્ટીમાં લેવાયા અને મહાસમુંદથી લોકસભા ટિકીટ પણ આપવામાં આવી. તેઓ ભાજપના દિગ્ગજ નેતા વિદ્યાચરણ શુક્લાને હરાવવામાં સફળ રહ્યા.

અકસ્માત

ચૂંટણી દરમિયાન 20 એપ્રિલ 2004ના દિવસે એક સડક દુર્ઘટનામાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયા અને કમરની નીચેનો ભાગ કામ કરતો બંધ થઈ ગયો, ત્યારથી તેઓ વ્હીલચૅર પર જ હતા.

પરંતુ રાજકારણ પહેલાની જેમ ચાલુ હતું, 2008માં વિધાનસભા ચૂંટણીમાં રાજ્યના શીર્ષ નેતાઓ કરતાં વધારે ચૂંટણી કાર્યક્રમ એકલા તેમણે કર્યા હતા. તેમનાં પત્ની અને પુત્ર પણ ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા.

જોકે 16 વર્ષ સુધી રાજ્યમાં કૉંગ્રેસમાં નિર્ણાયક ભૂમિકા નિભાવનાર અજિત જોગી ભૂપેશ બઘેલ અને ટીએસ સિંહદેવની યુતિ સામે સાઇડલાઇન થઈ ગયા હતા અને ભૂપેશ બઘેલ મુખ્યમંત્રી બન્યા હતા.

છત્તીસગઢ જનતા કૉંગ્રેસ

2016માં તેમણે છત્તીસગઢ જનતા કૉંગ્રેસના નામથી પોતાની પાર્ટીની જાહેરાત કરી હતી.

તેમની પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં પાંચ બેઠકો પર વિજય મેળવ્યો અને રાજ્યની કૉંગ્રેસ સરકાર વિરુદ્ધ નિશાન સાધતા રહ્યા.

જોકે સીધું કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ આક્ષેપો કરવાથી બચતા રહ્યા.

અજિત જોગી ગમે ત્યારે કૉંગ્રેસમાં જતા રહેશે એવી ચર્ચાઓ કાયમ થતી પણ હવે તેના પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો