You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ચૂંદડીવાળા માતાજી' : પ્રહલાદ જાનીનું શું 10 વર્ષ અગાઉ પરીક્ષણ થયું હતું?
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
'ચૂંદડીવાળા માતાજી' તરીકે જાણીતા અને ગુજરાતના અંબાજીમાં વસવાટ કરતાં પ્રહલાદભાઈ જાનીનું 91 વર્ષની ઉંમરે અવસાન થયું છે. જોકે, તેમનો દાવો એ હતો કે તેઓ 300 વર્ષ જીવશે.
છેલ્લાં સરેરાશ 80 વર્ષથી તેમણે અન્નજળનો ત્યાગ કર્યો હતો એવો દાવો કરવામાં આવે છે.
જોકે, વિજ્ઞાન મુજબ આટલો લાંબો સમય પાણી-ખોરાક વિના કોઈ જીવી શકે નહીં. બીબીસીના એક અહેવાલ મુજબ માણસના શરીરમાંથી 4થી કપ પાણી ઓછું થાય છે. આ પાણી શ્વાસ વાટે, પરસેવા વાટે, મૂત્રમાર્ગે બહાર જતું રહે છે.
બીબીસીના અન્ય એક અહેવાલ મુજબ કેટલાક નિષ્ણાતો માને છે કે માણસ મહત્તમ બે મહિના જેટલો સમય ખોરાક વિના રહી શકે છે.
પ્રહલાદ જાની કહેતાં કે તેઓ મેડિટેશન એટલે કે ધ્યાન દ્વારા ઊર્જા મેળવે છે.
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ તેમને શ્રદ્ધાંજલિ આપતા ટ્વિટર પર લખ્યું હતું કે "વર્ષો સુધી અન્ન-જળ ન લેનારા ચૂંદડીવાળા માતાજી વૈજ્ઞાનિકો માટે પણ સંશોધનનો વિષય હતાં."
અનેક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સોશ્યલ મીડિયામાં પણ ટ્રેન્ડ પણ જોવા મળ્યો હતો.
ગુજરાતના કાયદા તેમજ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તેમને શ્રદ્ધાંજલિ આપતાં ટ્વીટર પર લખ્યું હતું કે "1929માં જન્મ થયા બાદ માત્ર 12 વર્ષની ઉંમરે તેમણે અન્ન-જળનો ત્યાગ કરેલો." ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અંબાજી તેમના આશ્રમની મુલાકાત લીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મેડિકલ સંશોધન
એકાંતવાસમાં રહેતા પ્રહલાદ જાની એ કોઈ ચમત્કારિક પુરૂષ છે કે મેડિકલ મિસ્ટરી એ વિશે 2010માં એક સંશોધન થયું હતું. કોઈ વ્યક્તિ અન્ન-જળ વગર આટલાં વર્ષો સુધી કઈ રીતે જીવી શકે એ વિશે ડૉક્ટરોની એક ટીમે આ સંશોધન કર્યું હતું. ભારતીય સેનાને પણ એ જાણવામાં રસ પડ્યો હતો.
અમદાવાદમાં 2010માં 22 એપ્રિલથી 6 મે સુધી એટલે કે 15 દિવસનું એક સંશોધન પ્રહલાદ જાની પર સ્ટર્લિંગ હૉસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. જેમાં ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયૉલૉજી ઍન્ડ અપ્લાઇડ સાયન્સના ડિરેક્ટર ડૉ. જી. ઇલાવલગાન, ન્યુરોલૉજિસ્ટ ડૉ. સુધીર શાહ, ડૉ.ઉર્મન ધ્રુવ(કન્સલ્ટીંગ ફિઝિશિયન તેમજ ડાયાબિટિલૉજિસ્ટ), ડૉ. હિમાંશુ પટેલ(નૅફ્રોલૉજિસ્ટ) વગેરે એ ભાગ લીધો હતો.
આ સંશોધન દરમિયાન પ્રહલાદ જાની પર 24 કલાક સીસીટીવી કૅમેરા દ્વારા તેમજ વ્યક્તિગત નિરીક્ષણ રાખવામાં આવતું હતું. તેમનું એમઆરઆઈ, અલ્ટ્રાસાઉન્ડ, એક્સ-રે વગેરે કરવામાં આવ્યું હતું. સમયાંતરે પ્રહાલાદ જાની પર ક્લિનિકલ, બાયોકેમિકલ, રેડિયોલૉજિકલ તેમજ અન્ય પરીક્ષણ કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન પ્રહલાદ જાનીએ અન્ન-જળ ગ્રહણ કર્યું નહોતું. તેમણે મળ કે મૂત્રત્યાગ પણ કર્યો ન હતો.
પરીક્ષણમાં ભાગ લેનારા ડૉ. સુધીર શાહે એ વખતે કહ્યું હતું કે "અમે છેલ્લા 100 કલાક કરતાં વધુ સમયથી માતાજીનું નિરીક્ષણ કરી રહ્યા છીએ. તેમણે અન્ન-જળ લીધાં નથી. સાથે જ તેમણે મળ કે મૂત્રત્યાગ પણ કર્યો નથી. જે વિજ્ઞાન માટે પણ પડકારજનક છે."
ડૉ. જી. ઈલાવલગાને એ વખતે કહ્યું હતું કે "પ્રહલાદ જાની વર્ષોથી અન્ન-જળ વગર રહે છે. આર્મીના જવાનો રણ કે અન્ય ભૌગોલિક રીતે વિકટ ગણાતા સ્થળે હોય ત્યારે તેમને ક્યારેક અન્ન-જળ મળતા નથી. આવી સ્થિતિમાં તેઓ કઈ રીતે ટકી શકે એ જાણવા માટે આ સંશોધનમાં અમે રસ દાખવ્યો હતો. "
જોકે, ડૉક્ટર્સ વતી એવું પણ જણાવવામાં આવ્યું હતું કે હૉસ્પિટલમાં થયેલાં આ નિરીક્ષણોની કેટલીક મર્યાદા છે. સમયાંતરે હજી કેટલાંક વધુ સંશોધન પ્રહલાદ જાની પર કરવા પડે. કેટલાક નિરીક્ષણ તેમના નિવાસસ્થાને કરવા પડે.
વઘારે સંશોધન ન થયું
ગુજરાતના જાણીતા રેશનાલિસ્ટ પિયુષ જાદુગરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, અન્ન-જળ વિના જીવવાનો એમનો દાવો હતો તેને એક કેસ સ્ટડી તરીકે ગણી શરીર પર વધારે સંશોધન તેમણે ન થવા દીધું તે એક બાબત સંદેહાત્મક ગણી શકાય.
પિયુષ જાદુગરે એમ પણ કહ્યું કે એમણે પોતે 300 વર્ષ જીવશે એવો દાવો કર્યો હતો અને અનેક સામાન્ય જીવન જીવનાર પણ 100 વર્ષ જીવતા હોય છે. આ સંજોગોમાં તેમનો એ દાવો ખોટો પડ્યો જે દર્શાવે છે કે ચમત્કાર જેવું કંઈ હોતું નથી.
પિયુષ જાદુગરનું માનવું છે કે એ છતાં જે શરીર આટલો લાંબો સમય અન્ન-જળ વિના રહ્યું હોય એ હજી પણ સંશોધનને પાત્ર છે. મૃત શરીરને વૈજ્ઞાનિક સંશોધન માટે લાયક ગણી તેનો અભ્યાસ થવો જોઈએ જેથી એના તારણો પર પહોંચી શકાય.
અગાઉ મૃત્યુની અફવા ફેલાઈ હતી
ડૉ. જી. ઈલાવલગાનેને એ વખતે પ્રેસ કૉન્ફરન્સમાં મીડિયા સાથે વાત કરી ત્યારે હાર્ટ કેર ફાઉન્ડેશનના એ વખતના પ્રમુખ ડૉ. કે.કે. અગ્રવાલે આજતક ન્યૂઝ ચેનલ પર ડૉ. જી. ઈલાવલગાનને કહ્યું હતું કે "તમે મેડિકલ ડૉક્ટર નથી, તમે ફિઝિયૉલૉજિસ્ટ છો. તમારે આ મુદ્દે કોઈ દાવાદલીલથી બચવું જોઈએ. તમારી વિશ્વસનીયતા જોખમમાં ન મૂકવી જોઈએ."
એના જવાબમાં ડૉ. જી. ઈલાવલગાને કહ્યું હતું કે "અમે કોઈ દાવો નથી કરતાં, અમે માત્ર અભ્યાસ કરી રહ્યા છીએ કે અન્ન-જળ વગર જો કોઈ માણસ રહી શકતો હોય તો એ કઈ રીતે શક્ય છે."
પ્રહલાદ જાની મુળે મહેસાણાના ચરાડા ગામના વતની હતા. આ વર્ષે માર્ચ મહિનામાં તેમનું અવસાન થયું છે એવી અફવા સોશિયલ મીડિયામાં ફેલાઈ હતી. જોકે, એ પછી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે તેનું ખંડન કર્યું હતું. ટ્રસ્ટે કહ્યું હતું કે કે તેઓ ચૈત્ર નવરાત્રિ નિમિત્તે મૌન ધારણ કરીને ગુફામાં બેઠા છે.
સફેદ દાઢી સાથે કપાળે ચાંદલો, નાકમાં નથણી અને લાલ કપડાં એ પ્રહલાદ જાનીનો પહેરવેશે હતો અને લોકો તેમના દર્શન માટે આવતા હતા.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો