કોરોના વાઇરસ : શું અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં ધમણ-1 દ્વારા સારવાર અપાઈ રહી છે?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

લાંબા વિવાદ પછી એ સવાલ હજી પણ ઊભો જ છે કે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં કોરોનાના દરદીને વિવાદિત ધમણ-1 વૅન્ટિલેટર દ્વારા સારવાર અપાઈ રહી છે કે કેમ? સિવિલ હૉસ્પિટલની કોવિડ-19 મેડિસિટીના ઓએસડી(ઑફિસર ઑન સ્પેશ્યિલ ડ્યૂટી) ડૉ. એમ.એમ પ્રભાકર આ સવાલને સબજ્યુડિસ ગણાવી જવાબ આપવા ઇન્કાર કરે છે.

26 મે સુધીની ગુજરાત આરોગ્ય અને પરિવાર-કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરેલા કોરોનાના આંકડા પ્રમાણેની સ્થિતિ જોઈએ તો ગુજરાતમાં કેસોની સંખ્યા 15 હજાર થવા પર છે. અમદાવાદમાં 10 હજારથી વધારે કેસો છે.

રાજ્યમાં અત્યાર સુધી કુલ 915 લોકોનાં મૃત્યુ થયા છે જે પૈકી એકલા અમદાવાદ જિલ્લામાં જ 748 લોકોનાં મૃત્યુ થયા છે.

ગુજરાત હાઈકોર્ટેમાં સુઓમોટો પિટિશનની સુનાવણીને લઈને અનેક મુદ્દે ચર્ચા થઈ રહી છે ત્યારે આ બાબતો પર બીબીસી ગુજરાતીએ સિવિલ હૉસ્પિટલના ડૉ. એમ. એમ. પ્રભાકર સાથે વાત કરી હતી.

ધમણ-1નો સિવિલમાં વપરાશ અંગે

બીબીસીએ ડૉ. પ્રભાકર સાથે વાતચીત કરી અને પૂછ્યું કે ધમણ-1 વૅન્ટિલેટર દ્વારા અત્યારે સારવાર અપાઈ રહી છે કે કેમ? તો તેમણે જવાબ આપવાનો ઇન્કાર કરી કહ્યું કે, "આ પ્રશ્ન અસ્થાને છે, કારણકે મૅટર સબજ્યુડિસ છે એટલે જવાબ નહીં આપી શકાય."

ઉલ્લેખનીય છે કે રાજકોટની જ્યોતિ સીએનસીએ કંપનીએ બનાવેલું ધમણ-1 વૅન્ટિલેટર મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ 5 એપ્રિલ 2020ના રોજ વપરાશ માટે ખુલ્લુ મૂક્યું હતું.

વિપક્ષ કૉંગ્રેસે ધમણ-1માં ભ્રષ્ટાચારનો આરોપ મૂકયો છે અને તેને લીધે લોકોનાં મોત થઈ રહ્યાં છે એવી કથિત ટિપ્પણીઓ પણ કરી છે. આ વિવાદે શાસક ભાજપ અને વિપક્ષ કૉંગ્રેસ સામસામે આવી ગયા હતા.

કૉંગ્રેસના આરોપ પછી આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ યોજેલી પત્રકારપરિષદમાં ધમણ-1ની કાર્યક્ષમતા અને ગેરરીતિના સવાલને ફગાવી દેવામાં આવ્યા હતા. જંયતી રવિએ સરકારને 1000 ધમણ-1 મફતમાં આપનાર

જ્યોતિ સીએનસી કંપનીના વખાણ કરી તેમની કામગીરીને બિરદાવી હતી.

સિવિલમાં વૅન્ટિલેટરની કેટલી ઘટ છે? આ સવાલના જવાબમાં ડૉ.એમ.એમ. પ્રભાકરે કહ્યું હતું કે એક પણ ઘટ નથી. અમારે ત્યાં ફુલ આઈસીયુ અને બધા જ વૅન્ટિલેટર છે.

ઉલ્લેખનીય છે કે સિવિલ હૉસ્પિટલમાંથી હાઈ-ઍન્ડ વૅન્ટિલેટરની સરકાર પાસે માગણી કરવામાં આવેલી છે. આ માગણી વખતે જ ધમણ-1 પૂર્ણ રીતે ઉપયોગી નહીં હોવાની વાત કરાઈ હતી.

સિવિલ હૉસ્પિટલની સ્થિતિ અંગે

તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે સિવિલ હૉસ્પિટલની આકરી ટીકા કરી હતી અને તેને અંધાર કોટડી સાથે સરખાવી હતી. હાઈકોર્ટે જરૂર પડ્યે પોતે હૉસ્પિટલની મુલાકાત લેશે એમ પણ કહ્યું હતું.

કોર્ટની આ ટકોર પછી હૉસ્પિટલની સમિતિએ એ વિશે શું વિશેષ પગલાં લીધા? એના વિશે જવાબ આપતાં ડૉ.એમ.એમ.પ્રભાકરે કહ્યું હતું કે "ઓવર ઓલ બધું સારું જ છે."

ગુજરાતમાં કોરોનાને કારણે જેટલા મૃત્યુ થયા છે એમાંના અડધા કરતાં વધુ સિવિલ હૉસ્પિટલમાં નોંધાયા છે અને તમે કહો છો કે ઓવર ઓલ બધું સારું છે તો આટલો મરણાંક કેમ છે?

આ સવાલના જવાબમાં ડૉ.એમ.એમ. પ્રભાકરે કહ્યું હતું કે "આ સબજ્યુડિસ મેટર છે એટલે હું અત્યારે તો તમને જવાબ નહીં આપું."

અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલમાં પણ કોરોનાના દરદી સારવાર મેળવે છે અને સરદાર વલ્લભભાઈ પટેલ(એસવીપી) હૉસ્પિટલમાં પણ દરદીઓ સારવાર મેળવે છે. એસવીપી કરતાં સિવિલમાં મૃત્યુદર કેમ વધારે છે?

એ વિશે ડૉ. એમ.એમ. પ્રભાકરે કહ્યું હતું કે "એસવીપીનો વર્કલોડ અને સિવિલનો વર્કલોડ બે અલગ પ્રકારનો છે. સિવિલમાં દરદી સાવ છેલ્લે આવે છે. 108વાળાને પૂછશો તો એ વધારે સારી રીતે તમને જણાવી શકશે."

પરિવારને જાણકારીનો મુદ્દો

તાજેતરમાં અમદાવાદમાં દાણીલીમડા બીઆરટીએસ બસ સ્ટોપ પરથી કોરોના દરદીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ વ્યક્તિ સિવિલ હૉસ્પિટલમાં દાખલ હતી. આ મુદ્દાને લઈને પણ હોબાળો થયો.

બીબીસીએ ડૉ. એમ.એમ. પ્રભાકરને પૂછ્યું કે, સિવિલમાં કોરોનાને લીધે કોઈનું મૃત્યુ થાય તો તેમના પરિવારને મોડેથી જાણ કેમ થાય છે?

ડૉ. એમ.એમ. પ્રભાકરે કહ્યું કે "એ જૂની વાતો છે બધી."

બીબીસીએ વળતો સવાલ કરી કહ્યું કે આ તો અઠવાડિયા-દસ દિવસ અગાઉની વાત છે.

તો એના જવાબમાં ડૉ. પ્રભાકરે કહ્યું હતું કે "અમે વ્યવસ્થા બરાબર ગોઠવી છે. તમે કહો છો એવું નથી. શરૂઆતમાં થોડી ક્ષતિ રહી ગઈ હતી જે સુધારી લેવામાં આવી છે. વૉર્ડમાં મોબાઇલ છે, નીચે હેલ્પડેસ્ક પર ચાર મોબાઇલ આપ્યા છે. બધાને વાત કરાવીએ છીએ. જેવી કોઈ મરણની ઘટના બને કે તેમના સગાને જાણ કરવા પ્રયાસ કરીએ છીએ. સગાને જાણ ન થાય તો પોલીસને પણ જાણ કરીએ છીએ."

ગુજરાતમાં મૃત્યુ વધારે કેમ?

તમિલનાડુમાં કોરોનાના કેસ ગુજરાત કરતાં વધુ હોવા છતાં મૃત્યુદર ઓછો છે. નિષ્ણાતો એવું માને છે કે આપણે ત્યાં દરદી છેલ્લી ઘડીએ સારવાર માટે આવે છે. શું ખરેખર એવું છે?

એના જવાબમાં ડૉ.એમ.એમ. પ્રભાકરે કહ્યું હતું કે "આના વિશે તમે કોઈ ટૅકનિકલ માણસને પૂછો તો જવાબ આપી શકે, હું નિષ્ણાત નથી, હું માત્ર વહીવટદાર છું."

જાન્યુઆરીમાં જ જાહેર કરી દેવામાં આવ્યું હતું કે કોરોના જંગી બીમારી છે. ઘણાં દેશોને સતર્ક કરવામાં આવ્યા હતા, જેમાં ભારત પણ હતો. એ પછી આપણે ત્યાં એને ધ્યાનમાં રાખીને સિવિલ હૉસ્પિટલમાં કોઈ તૈયારી ફેબ્રુઆરી કે માર્ચમાં થઈ હતી? આ સવાલનો જવાબ આપતાં ડૉ. એમ.એમ. પ્રભાકરે કહ્યું હતું કે "આપણે ત્યાં કોરોના છેક માર્ચમાં આવ્યો. એ વખતે હોદ્દા પર હું નહોતો. હું અઠવાડિયા પહેલાં જ આવ્યો એટલે મને કંઈ ખબર નથી. "

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો