કોરોના વાઇરસ : ગુજરાતમાં રાષ્ટ્રપતિશાસન લાદો, શિવસેનાની માગ

શિવસેનાનાના નેતા સંજય રાઉતે કહ્યું છે કે જો કોરોના મુદ્દે ગુજરાતની કામગીરીની સમીક્ષા કરવામાં આવે તો મહારાષ્ટ્ર કરતાં પહેલાં ગુજરાતમાં રાષ્ટ્રપતિશાસન લાદવું જોઈએ.

કોઈ નેતા કે પાર્ટીનું નામ લીધા વગર રાઉતે કહ્યું હતું કે મહારાષ્ટ્રની સરકારને અસ્થિર કરવાના પ્રયાસ નિષ્ફળ જશે અને વિપક્ષે 'ક્વોરૅન્ટીન' થઈ જવું જોઇએ.

રાજ્યસભામાં ભાજપના સંસદસભ્ય નારાયણ રાણેએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળીને રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદવાની માગ કરી હતી. મહારાષ્ટ્ર ભાજપના નેતા સુધીર મુનગંટીવારે પણ મહારાષ્ટ્રની સ્થિતિને 'ચિંતાજનક' ગણાવી હતી.

રાઉતે કહ્યું હતું, કે કોવિડ-19 સંદર્ભે ગુજરાતની કામગીરી અંગે ગુજરાત હાઈકોર્ટની ટિપ્પણીઓને ધ્યાને લઇએ તો ગુજરાતની કામગીરી મહારાષ્ટ્ર કરતાં પણ ખરાબ છે અને ત્યાં સૌપહેલાં રાષ્ટ્રપતિશાસન લાદવું જોઇએ.

રાઉતે કહ્યું હતું કે મહારાષ્ટ્રની યુતિ સરકારના ઘટકપક્ષો (શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) વચ્ચે કોઈ સમસ્યા નથી અને સરકાર 'સ્થિર' છે. સાથે જ ઉમેર્યું હતું કે મહારાષ્ટ્ર સરકારને અસ્થિર કરવાનો કોઇપણ પ્રયાસ 'બૂમરૅંગ' થશે.

મુંગાટીવારે કહ્યું હતું કે રાજ્ય સરકાર પાસે પૂરતા સંસાધન છે, પરંતુ રાજ્ય સરકાર સ્થિતિને કાબૂમાં લેવા માટે કશું નથી કરી રહી. ખાનગી ચેનલ સાથે વાત કરતા મુનગંટીવારે કહ્યું હતું કે 'મહારાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક ચોક્કસ છે, પરંતુ રાષ્ટ્રપતિ શાસન લાદવું પડે એટલી નહીં'

ગુજરાતમાં કૉંગ્રેસ વિ. ભાજપ

મંગળવારે ગુજરાત કૉંગ્રેસના પ્રતિનિધિ મંડળે અમદાવાદ સિવિલની મુલાકાત લીધી હતી, જે મુદ્દે રાજકીય સંગ્રામ ફાટી નીકળ્યો છે.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા, ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, કોરોનાનો ભોગ બનેલા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિતના નેતા સામેલ થયા છે. તેમણે હૉસ્પિટલમાં દરદીઓનાં પરિવારજનો સાથે મુલાકાત લીધી હતી.

પ્રતિનિધિમંડળનું કહેવું છે કે જ્યારે તેમણે હૉસ્પિટલની મુલાકાત લીધી, ત્યારે સુપરિન્ટેન્ડેન્ટ હાજર ન હતા આ સિવાય સિનિયર-રેસિડેન્ટ ડૉક્ટર અને સ્ટાફ વચ્ચે સંકલન સ્થાપિત કરવામાં સરકાર નિષ્ફળ રહી છે.

કૉંગ્રેસે આરોપ મૂક્યો હતો કે ટેસ્ટિંગ ઘટાડવાને કારણે મરણાંક વધ્યો છે અને ધમણ-1 દ્વારા કેટલા દરદીને સારવાર આપવામાં આવી, તે અંગે સ્ટાફ પાસે કોઈ વિગત નથી.

ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાના કહેવા પ્રમાણે, કૉંગ્રેસના પ્રતિનિધિમંડળની મુલાકાત 'રાજકીય સ્ટન્ટ' છે. તેમણે ધાનાણી ઉપર અધૂરી માહિતી દ્વારા ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો હતો.

ધાનાણીએ 866 ધમણ વૅન્ટિલેટરને ચાલુ રાખવા સરકાર નંગદીઠ રૂ. બે લાખ 92 હજાર જેટલો ખર્ચ કરશે, તેવો આરોપ મૂક્યો હતો. જેના જવાબમાં પંડ્યાએ કહ્યું હતું કે 'ક્વૉટેશન રજૂ કરે અન્યથા પાયાવિહોણાં આક્ષેપ બંધ કરે.'

ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો પિટિશનમાં સરકારની કામગીરીની આકરી ટીકા કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો