કોરોના વાઇરસ : રાહુલ ગાંધી - મોદી સરકાર સ્વીકારે, લૉકડાઉન નિષ્ફળ રહ્યું

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે, દેશમાં લૉકડાઉન નિષ્ફળ રહ્યું છે. આ વાતનો કેન્દ્ર સરકારે સ્વીકાર કરવો રહ્યો.

કૉંગ્રેસના નેતાએ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી પત્રકારપરિષદ સંબોધી હતી અને કેન્દ્ર સરકારની નીતિઓ ઉપર નિશાન સાધ્યું હતું.

ગાંધીના કહેવા પ્રમાણે, તેમણે વ્યક્તિગત રીતે તથા પાર્ટીએ કોરોના વાઇરસના પ્રસાર મુદ્દે ફેબ્રુઆરી મહિનાથી જ સરકારને ચેતવી હતી, પરંતુ મોદી સરકાર જરૂરી પગલાં લેવામાં નિષ્ફળ રહી.

ભાજપના નેતા તથા કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તેમની ઉપર કોરોના સંકટને 'રાજકીયરંગ' આપવાનો અને 'બે મોઢાની વાત' કરવાનો આરોપ મૂક્યો હતો.

'સરકારે ચિંતાની અવગણના કરી'

- સરકારનું કામ તંત્રને ચલાવવાનું હોય છે અને કૉંગ્રેસ પાર્ટી વિપક્ષ છે, તેણે સરકાર ઉપર દબાણ લાવવાનું હોય છે. જો સરકાર કોઈ બાબતે ગાફેલ હોય તો તેને સતર્ક કરવાનું કામ કૉંગ્રેસનું છે.

- ફેબ્રુઆરી મહિનામાં મેં કહ્યું હતું કે ગંભીર સ્થિતિ ઊભી થશે. અત્યારે પણ હું એ જ વાત કહું છું કે જો તાત્કાલિક આર્થિક મદદ આપવામાં નહીં આવે તો ગંભીર સ્થિતિ ઊભી થશે અને નાના તથા મધ્યમ ઉદ્યોગોને ટેકો આપવામાં નહીં આવે તો અગાઉ ક્યારેય ન જોવા મળ્યું હોય તેવું નુકસાન થશે.

- હું પૂર્ણ સન્માન સાથે સરકારને વિનંતી કરું છું કે મહેરબાની કરીને તમે આર્થિક પગલાં લો. નાના ઉદ્યોગોને બચાવો, નહીંતર બહુ મોટું આર્થિક નુકસાન થશે.

- હું નરેન્દ્ર મોદીજીને કહેવા માગું છુ કે તમે જે આર્થિક પૅકેજની જાહેરાત કરી છે, તેનાથી કોઈ લાભ નહીં થાય. 50 ટકા વસતિના ખાતામાં સીધાં જ રૂ. 7,500 જમા કરાવો.

- સરકારને લાગે છે કે જો અમે ગરીબો તથા શ્રમિકોને મોટી સહાય કરીશું તો વિદેશમાં છાપ ખરડાશે અને રેટિંગ ગગડશે.

- શ્રમિકોને લાગે છે કે તેમને તેમની સ્થિતિ ઉપર મૂકી દેવાયા છે. અનેક લોકોએ મને કહ્યું છે કે 'અમારો વિશ્વાસ તૂટી ગયો' હું જ્યારે આવું સાંભળું છું, ત્યારે માઠું લાગે છે. હું ઇચ્છું છું કે કોઈનો વિશ્વાસ ન તૂટે તથા કોઈએ આવા શબ્દ બોલવા ન પડે.

- કેન્દ્ર સરકાર ઇચ્છે તો દરેક શ્રમિકને માસિક રૂ. સાડા સાત હજાર આપી શકે છે, કારણ કે તેઓ પહેલાં ભારતીય છે અને પછી કોઈ રાજ્યના. જો કોઈ શ્રમિક અન્ય રાજ્યમાં જઈને મજૂરી કરવા ઇચ્છે તો તેને જવા દેવો જોઈએ, કોઈ મુખ્ય પ્રધાને તેનો નિર્ણય ન લેવાનો હોય.

- દરેક ભારતીય દેશમાં ઇચ્છે ત્યાં જઈને પોતાનાં સપનાં પૂર્ણ કરી શકે છે. આ શ્રમિકો ઉત્તર પ્રદેશ સરકારની સંપત્તિ નથી, પરંતુ ભારતના નાગરિક છે. આપણું કામ તેમને સપનાં પૂર્ણ કરવામાં મદદ કરવાનું છે.

- લૉકડાઉનથી ઇચ્છિત પરિણામ નથી મળ્યાં. વડા પ્રધાને 21 દિવસમાં કોરોનાને પરાજિત કરવાની વાત કહી હતી. સરકારે સ્વીકારવું રહ્યું કે તેમની પ્રથમ વ્યૂહરચના નિષ્ફળ રહી છે. હવે સરકારે સ્પષ્ટતા કરવી રહી કે તેની આગામી વ્યૂહરચના શું છે અને તે શ્રમિકોને કેવી રીતે મદદ કરશે તથા પરપ્રાંતીય શ્રમિકો વિશે શું કરવા માગે છે.

- વડા પ્રધાને સ્વીકારવું રહ્યું કે તેમની પહેલી યોજના નિષ્ફળ રહી છે. પહેલા ત્રણ વખત મોદી ફ્રન્ટફૂટ ઉપર રહ્યા, હવે તેઓ બેકફૂટ ઉપર જતા રહ્યા છે, હું તેમને કહેવા માગું છું કે તમે ફ્રન્ટફૂટ ઉપર રમો.

- સરહદના વિવાદ વિશે સરકારે સ્પષ્ટપણે જણાવવું જોઈએ, આ અંગેનું ચિત્ર હજુ સ્પષ્ટ નથી. નેપાળ અને ચીન સાથેની સરહદ પર શું થઈ રહ્યું છે, તે બાબતમાં પારદર્શકતા લાવવી જોઈએ. જ્યાર સુધી સરકાર કંઈ જણાવે નહીં, ત્યાર સુધી આ અંગે કશું કહી ન શકાય, હું પ્રેસ-કૉન્ફરન્સમાં કશું કહેવા નથી માગતો.

'કૉંગ્રેસની બે મોઢાંની વાત'

રાહુલ ગાંધીના નિવેદન ઉપર પ્રતિક્રિયા આપતાં પ્રકાશ જાવડેકરે કહ્યું: "દેશ કોરોના જેવી મહામારી સામે જંગ લડી રહ્યો છે. સમગ્ર દેશે એકસૂરમાં વાત કરવી જોઇએ ત્યારે કૉંગ્રેસ આવા સમયે પણ રાજકારણ રમી રહી છે."

"આજની (મંગળવારની) રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ તેનું ઉદાહરણ છે. લૉકડાઉન નિષ્ફળ રહ્યું હોવાની વાત સદંતર ખોટી છે, કારણ કે જ્યારે લૉકડાઉન લાગુ કરવામાં નહોતું આવ્યું, ત્યારે દર ત્રણ દિવસે કેસની સંખ્યા બમણી થઈ રહી હતી. હવે 13 દિવસે બમણી થઈ રહી છે."

જાવડેકરે કૉંગ્રેસની ઉપર બે મોઢાની વાત કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું :

"જ્યારે દેશભરમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું, ત્યારે કૉંગ્રેસે તેની ઉપર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે આમ કરવાથી અર્થતંત્ર બરબાદ થઈ જશે. હવે પાર્ટી ઢીલનો વિરોધ કરી રહી છે. જે બે બાજુની વાત છે."

અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, ઇટાલી, સ્પેન, ઇરાન બ્રાઝીલ તથા ચીનની સરખામણીએ ભારતને ઓછી અસર થઈ છે. અન્ય દેશોની સરખામણીએ સમયસર લૉકડાઉન લાગુ કરવાની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી હોવાનો જાવડેકરે દાવો કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો