એ પ્રેમસંબંધ જેમાં એક હત્યાને છુપાવવા નવ લોકોની ઠંડે કલેજે હત્યા કરાઈ

એક મહિલાની હત્યા કરીને કેસને છુપાવવા માટે એક વ્યક્તિએ બીજા નવ લોકોની હત્યા કરી. જેમાં છ લોકો એક જ પરિવારના છે, જ્યારે બાકીના ત્રણ લોકો બહારના છે. મૃતકોમાં એક બાળક પણ છે.

તેલંગણાના વારાંગલમાં એક કૂવામાંથી નવ લોકોની લાશ મળતા ચકચાર મચી ગઈ હતી.

એકની હત્યા છાસમાં ઊંઘની ગોળી નાખી કરાઈ હતી, જ્યારે બાકીના નવની હત્યા કોલ્ડડ્રિંક્સમાં ઊંઘની ગોળી નાખી કરાઈ.

25 મેએ પોલીસે પ્રેસ-કૉન્ફરન્સ યોજી હતી, જેમાં આરોપી સંજીવ કુમારને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને કેસની વિગતો આપી હતી.

ઘટનાક્રમ શું હતો?

નવ વ્યક્તિમાં જેમના પરિવારના છ લોકો મૃત્યુ પામ્યાં છે તે મકસૂદ તેલંગણાના વારાંગલ જિલ્લામાં રહેતા હતા.

મકસૂદના પરિવારમાં તેમનાં પત્ની, ત્રણ બાળક અને તેમની દીકરીને એક નાનું બાળક પણ હતું.

મૂળ પશ્ચિમ બંગાળના મકસૂદ 20 વર્ષથી પોતાના પરિવાર સાથે વારાંગલ જિલ્લામાં રહે છે.

મકસૂદનાં પત્ની પણ તેમની સાથે કોથળા બનાવવાનું કામ કરે છે. મકસૂદનો પરિવાર સંજીવ કુમાર યાદવને જાણતો હતો. સંજીવ કુમાર બિહારના છે.

મકસૂદનાં પત્નીનાં બહેનની દીકરી રફિકા પરિણીત હતી, પરંતુ તેમણે છૂટાછેડા લીધા હતા.

તેઓ પોતાનાં ત્રણ બાળકો સાથે રહેતાં હતાં. ત્યારબાદ તેઓ સંજીવ કુમારના સંપર્કમાં આવ્યાં અને બંને વચ્ચે સંબંધ બંધાતા સાથે રહેવાનું શરૂ કર્યું હતું.

સંજીવ કુમાર યાદવે રફિકાની મોટી દીકરી સાથે સંબંધ બાંધવાના પ્રયત્નો કરતાં રફિકા અને સંજીવ વચ્ચે ઝઘડો થયો હતો.

ત્યારબાદ સંજીવ રફિકાને પોતાના ગામડે બિહાર પોતાના પરિવારના સભ્યોને મળાવવા અને લગ્નની પરવાનગી માટે 6 માર્ચે લઈ ગયા હતા.

રસ્તામાં સંજીવ કુમારે છાસમાં ઊંઘની ગોળીઓ નાખી રફિકાને બેભાન કરી દીધાં. રફિકા બેભાન થતાં તેમને ટ્રેનમાંથી નીચે ફેંકી દેતાં તેઓ મૃત્યુ પામ્યાં હતાં.

ત્યારબાદ સંજીવ કુમાર વારાંગલ પરત ફર્યા હતા. રફિકા તેમની સાથે જોવા ન મળતાં મકસૂદના પરિવારે અને આસપાસના લોકોએ રફિકાની પૂછપરછ કરી હતી.

રફિકાની ભાળ ન મળતાં તેમને પોલીસ ફરિયાદ નોંધાવવા કહેવામાં આવ્યું હતું.

પોલીસ ફરિયાદ નોંધવા માટે તેમની પર દબાણ આવતા સંજીવે આખા પરિવારની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો.

20 મેના રોજ મકસૂદના દીકરાના જન્મદિવસે તેમણે પોતાના પ્લાન પર અમલ કરવાનું નક્કી કર્યું.

કેવી રીતે નવ લોકોને મોતને ઘાટ ઉતાર્યા?

20 મેની રાત્રે સંજીવ કુમાર મકસૂદના ઘરે તેમના દીકરાની બર્થ-ડે પાર્ટીમાં પણ પહોંચ્યા હતા.

વારાંગલની વિવિધ દવાની દુકાનો પરથી સંજીવ કુમારે 60 ઊંઘની ગોળીઓ ખરીદી હતી.

એ પાર્ટીમાં આસપાસના બે બિહારી કર્મી શ્રીરામ અને શ્યામ જોડાયા હતા. ઉપરાંત મકસૂદને ઓળખતો ત્રિપુરાનો એક છોકરો પણ આ પાર્ટીમાં જોડાયો હતો.

સંજીવે આ તમામ લોકોના કોલ્ડડ્રિંક્સમાં ઊંઘની ગોળી ભેળવી દીધી, જેના કારણે તમામ લોકો બેહોશ થઈ ગયા.

સંજીવે બેહોશ લોકોને કોથળામાં ભરીને કૂવામાં ફેંકી દીધા, જેના કારણે ગૂંગળામણ થવાથી અને કૂવાના પાણીમાં ડૂબી જવાથી આ નવ લોકો મૃત્યુ પામ્યાં હતાં.

પોલીસના કહેવા પ્રમાણે, સંજીવે રાતના 12.30થી લઈને 5 વાગ્યા સુધીમાં તમામ લોકોની હત્યા કરી.

પોલીસે એમ પણ કહ્યું કે સંજીવની સાથે આ લોકોને પાણીમાં ફેંકવામાં બીજી વ્યક્તિની પણ મદદ લીધી હતી.

સંજીવે હત્યા પછી એ વિસ્તારની અનેક વખત મુલાકાત લીધી હતી. ચાર દિવસ સુધી સતત મુલાકાત લીધી હતી, જે પાસેના ગોડાઉનના કૅમેરામાં કેદ થઈ હતી.

પોલીસે કહ્યું કે સંજીવ પર શંકા હતી અને તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે.

આ હત્યાકાંડમાં મકસૂદ, તેમનાં પત્ની, દીકરી બુશરા, તેમનો દીકરો અને મકસૂદના બીજા બે દીકરા શાદાબ આલમ, સોહૈલ આલમ અને બિહારી કામદાર શ્રીરામ અને શ્યામ ઉપરાંત ત્રિપુરાના એક છોકરાની હત્યા કરાઈ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો