કોરોના વાઇરસ : 36 દિવસ વૅન્ટિલેટર પર રહ્યા બાદ જીવતા રહેલા શખ્સની કહાણી

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી ન્યૂઝ

"તેઓ આજે રાતે કદાચ બચી નહીં શકે, સ્થિતિ ઝડપથી બગડી રહી છે."

કોલકાતામાં સૂમસામ રસ્તા પર હૉસ્પિટલથી ઘરે જતી વખતે ડૉક્ટર સાસ્વતી સિન્હાએ પોતાના દર્દીનાં પત્નીને ફોન પર આ વાત કહી.

એ 11 એપ્રિલની રાત હતી. એ સમયે કોરોના વાઇરસને કારણે દેશભરમાં લૉકડાઉન કડક રીતે લાગુ હતું.

નીતઈદાસ મુખરજી નામના દર્દી બે અઠવાડિયાંથી કોવિડ-19ને કારણે શહેરની એએમઆઈઆઈ હૉસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં હતાં અને આ ડૉક્ટર ત્યાં ક્રિટિકલ કૅરમાં કન્સલન્ટન્ટ હતાં.

52 વર્ષીય સામાજિક કાર્યકર મુખરજી બેઘરો માટે એક બિનલાભદાયી સંસ્થા ચલાવે છે અને તેઓ કોરોનાને કારણે વૅન્ટિલેટર પર હતા.

30 માર્ચ સાંજે તેમને સખત તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેઓ હૉસ્પિટલ પહોંચ્યા હતા.

'એક ઘૂંટ પાણી પીવું પણ મુશ્કેલ થઈ ગયું હતું'

તેમનો એક્સ-રે ખરાબ સ્થિતિ તરફ ઇશારો કરતો હતો. તેમનાં ફેફસાંની સ્થિતિ બહુ ખરાબ હતી. હવાને કારણે વચ્ચે પ્રવાહી ભરાઈ ગયું અને તેને કારણે બાકીનાં અંગોને ઑક્સિજન મળતું નહોતું.

એ રાતે ડૉક્ટરોએ ઑક્સિજનનું સ્તર વધારવા માટે હાઈ-ફ્લો માસ્કનો ઉપયોગ કર્યો, તેમને ડાયાબિટીસની દવા અપાઈ અને કોવિડ-19 ટેસ્ટ માટે તેમના ગળામાંથી લાળ લેવાઈ.

હવે તેમને શ્વાસ લેવામાં બહુ તકલીફ પડતી હતી અને એક ઘૂંટ પાણી પીવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. મોટા ભાગે સામાન્ય લોકોમાં ઑક્સિજનનું સ્તર 94 ટકાથી લઈને 100 ટકા હોય છે, પરંતુ તેમનામાં આ સ્તર ઘટીને 83 ટકા થઈ ગયું હતું.

પ્રતિમિનિટ 10થી 20 વાર શ્વાસ લેવો સામાન્ય છે, પરંતુ મુખરજી એક મિનિટમાં 50 વાર શ્વાસ લેતા હતા.

તેઓ બેભાન થઈ ગયા તો તેમને વૅન્ટિલેટર પર રખાયા. બાદમાં તેઓ ત્રણ અઠવાડિયાંથી વધુ સમયથી વૅન્ટિલેટર પર રહ્યા અને આખરે જીવનરક્ષક મશીનથી તેમને અલગ કરાયા.

અન્ય દર્દીઓ કરતાં નસીબદાર કેવી રીતે?

કોવિડ-19થી ગંભીર રીતે બીમાર મોટા ભાગના દર્દીઓ મુખરજીની જેમ નસીબદાર નથી હોતા.

એક સ્ટડી અનુસાર, ન્યૂયૉર્કમાં જે એક ચતુર્થાંશ દર્દીઓને શ્વાસ લેવા માટે વૅન્ટિલેટરની જરૂર પડી, તેમનું મૃત્યુ ઇલાજના પહેલા અઠવાડિયામાં થઈ ગયું.

એક બ્રિટિશ સ્ટડી અનુસાર, જે બે તૃતીયાંશ કોવિડ-19 દર્દીઓને વૅન્ટિલેટર પર રાખ્યા હતા તેમનું મૃત્યુ થઈ ગયું.

એવો પણ રિપોર્ટ હતો કે કોવિડ-19ના દર્દીઓ પર વૅન્ટિલેટર યોગ્ય રીતે કામ કરતા નથી.

બેલ્ઝિયમની ઇરાઝમે યુનિવર્સિટી હૉસ્પિટલમાં ઇન્ટેસિવ કૅર મેડિસિનનાં પ્રોફેસર ઝ્યાં-લુઈસ વિન્સેટે કહ્યું, "કૃત્રિમ રીતે શ્વાસ આપવાના કેસમાં અમને ઘણાં ખરાબ પરિણામ મળ્યાં છે. શ્વાસ આપવા માટે હવા આપતી વખતે ફેફસાંને નુકસાન થયું. આવું ખાસ એ સમયે થયું જ્યારે લોકો વિચારે છે કે શ્વાસ લેવામાં નિષ્ફળતાનો સંબંધ માત્ર ઍક્યૂટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રૉમ એટલે કે એઆરડીએસ સાથે હોય છે."

એક રાતમાં અચાનક બધું બદલાઈ ગયું

મુખરજી જ્યે વૅન્ટિલેટર પર હતા ત્યારે તેઓ 'મસલ રિલેક્સ્ટેન્ટ્સ' પર પણ હતા. તેમાં દવાઓ દ્વારા માંસપેશીઓને શક્તિહીન બનાવી દેવાય છે, જેથી દર્દી જાતે શ્વાસ લેવાની કોશિશ ન કરે.

પરંતુ એક એપ્રિલની રાતે બધું અચાનક બદલાઈ ગયું.

તેમનો તાવ વધી ગયો, હૃદયગતિ અને બ્લડપ્રેશર ઘટવા લાગ્યું. આ બધી બાબતો એક નવા સંક્રમણ તરફ ઇશારો કરતી હતી.

આવી સ્થિતિમાં સમય વેડફવો યોગ્ય નહોતું, આથી ડૉક્ટર સિન્હાએ પોતાની ક્રિટિકલ કૅર ટીમને ફોન પર જ નિર્દેશ આપ્યા.

તેઓ જ્યારે પાછાં ફર્યાં ત્યારે મુખરજીને બચાવવાની લડાઈ બીજી વાર શરૂ થઈ.

ડૉક્ટર સિન્હા અને તેમની ટીમે રક્તવાહિનીઓમાં સંક્રમણને દૂર કરવા ઍન્ટિબાયોટિકનો શક્તિશાળી 'આખરી સહારો' લીધો. સાથે જ તેઓએ બ્લડપ્રેશર સ્થિર કરવા મસલ રિલેક્સ્ટેન્ટ્સ અને દવાઓનો સહારો લીધો.

આ તોફાનને શમવામાં ત્રણ કલાકનો સમય લાગ્યો.

ઇન્ટેસિવ કૅરમાં 16 વર્ષ કામ કરનારાં ડૉક્ટર સિન્હા કહે છે કે આ તેમના જીવનનો સૌથી મોટો 'હાથ-પગ ફુલાવી દેનારો અનુભવ' હતો.

ત્રણ કલાક રોકાયાં વિના પીપીઈ કિટમાં કામ

તેઓ કહે છે, "અમારે બહુ ઝડપથી અને યોગ્ય રીતે કામ કરવાનું હતું. પીપીઈ કિટમાં અમને પરસેવો વળતો હતો અને અમને ઝાંખું દેખાતું હતું. અમે ચાર લોકોએ એ રાતે સતત ત્રણ કલાક રોકાયાં વિના કામ કર્યું."

"અમે દર મિનિટે મૉનિટર તરફ જોઈ રહ્યાં હતાં કે તેમાં કેટલો ફેરફાર આવે છે. હું જાતને કહેતી હતી કે અમે આ શખ્સને જીવતો રાખવા માગીએ છીએ. તેઓ સંપૂર્ણ બીમાર નથી, પણ તેઓ માત્ર એક કોવિડ-19 દર્દી છે, જે આઈસીયુમાં છે."

મુખરજી જ્યારે સ્થિર થયા ત્યારે રાતના બે વાગ્યા હતા. ડૉક્ટર સિન્હાએ ફોન ચેક કર્યો તો તેમાં મુખરજીનાં પત્ની અને તેમનાં સગાંઓના 15 મિસ્ડ કૉલ હતા.

તેમનાં સંબંધી ન્યૂજર્સીમાં શ્વાસ સંબંધી બીમારીઓ પર શોધ કરતાં હતાં.

નીતઈદાસ મુખરજીનાં પત્ની અને વ્યવસાયે હ્યુમન રિસૉર્સ મૅનેજર અપરાજિતા મુખરજી કહે છે, "એ મારી જિંદગીની બહુ ભયાનક રાત હતી. હું વિચારતી હતી કે મેં મારા પતિને ગુમાવી દીધા છે."

તેઓ લૉકડાઉનમાં પોતાના ઘરમાં 80 વર્ષીય સાસુ સાથે ક્વોરૅન્ટીનમાં હતાં. તેમની સાથે આંશિક રીતે વિકલાંગ તેમનાં કાકી પણ હતાં, જોકે તેમનામાંથી કોઈને પણ કોરોના પૉઝિટિવ નહોતો.

ખતરો સંપૂર્ણ ટળ્યો નહોતો

એ સમયે આવેલી એક મુશ્કેલી તો દૂર થઈ હતી, પરંતુ મુખરજીની સ્થિતિ હજુ પણ ગંભીર હતી.

મુખરજીનું વજન વધુ હતું અને વધુ વજનવાળા દર્દીઓને પડખું ફરવામાં પણ તકલીફ થતી હોય છે.

ડૉક્ટરોએ તેમને હાઇડ્રોક્સિક્લોરોક્વિન આપી જે સામાન્ય રીતે મેલેરિયાના દર્દીઓને અપાય છે. આ સિવાય તેમને વિટામિન, ઍન્ટિબાયોટિક્સ અને અન્ય કેટલીક દવાઓ અપાઈ, પરંતુ તેમનો તાવ ઓછો ન થયો.

આઈસીયુમાં મુખરજીની પથારીમાંથી દરેક રાતે એલાર્મ ચોક્કસ વાગતું હતું. ક્યારેક ઑક્સિજનની માત્રા ઘટી જતી તો ક્યારેક એક્સ-રે મશીનમાં તેમનાં ફેફસાં 'સફેદ' દેખાવાં લાગતાં.

ડૉક્ટર સિન્હા કહે છે, "તેમની તબિયતમાં થોડો સુધારો હતો અને જે સુધારો લાગતો એ પણ બહુ ધીમો હતો."

આખરે હૉસ્પિટલમાં દાખલ થયાના એક મહિના પછી મુખરજીમાં સંક્રમણ સામે લડવાનાં લક્ષણો દેખાવાં લાગ્યાં.

અંતે તેઓ રવિવારે ભાનમાં આવ્યા. તેમનાં પત્નીએ તેમને વીડિયો કૉલ કર્યો તો તેઓ ફોન પર એકીટશે જોઈ રહ્યા.

'મને લાગ્યું કે કોઈએ કેદ કરી લીધો છે'

મુખરજીએ જણાવ્યું કે તેમને કંઈ ખબર નહોતી કે શું ચાલી રહ્યું છે.

તેઓ કહે છે, "મારી સામે બધું ધૂંધળું હતું. મેં સામે ઊભેલી નીલા રંગની વેશભૂષામાં એક મહિલાને જોઈ હતી, પછી ખબર પડી કે તે મારી ડૉક્ટર છે."

"તમે જાણો છો, હું ત્રણ અઠવાડિયાં સુધી સૂતો રહ્યો. મને કંઈ ખબર નથી કે હું હૉસ્પિટલમાં શું કામ હતો? મારી યાદશક્તિ ગાયબ છે."

"પણ મને કંઈક યાદ છે. હું જ્યારે કૉમામાં હતો ત્યારે કોઈક ભ્રમમાં હતો. મને લાગતું હતું કે હું ક્યાંક કેદ છું. મને રસ્સીથી બાંધ્યો હતો અને લોકો મને કહી રહ્યા હતા કે હું ઠીક નથી. તેઓ મારા પરિવાર પાસેથી પૈસા લેતા હતા અને મને છોડતા નહોતા. અને હું મદદ માટે લોકોનો સંપર્ક કરવાના પ્રયત્નો કરી રહ્યો છું."

એપ્રિલના અંતમાં મુખરજીને વૅન્ટિલેટરથી દૂર કરાયા અને તેઓએ અંદાજે એક મહિના પછી જાતે શ્વાસ લીધો.

ડૉક્ટર કહે છે કે વૅન્ટિલેટરથી નીકળીને જાતે શ્વાસ લેવો મુખરજી માટે મુશ્કેલ હતું, કેમ કે તેમને વારેઘડીએ 'પૅનિક ઍટેક' આવી જતો અને તેઓ કટોકટીની ઘંટડી વગાડી દેતા હતા.

તેમને લાગતું હતું કે તેઓ મશીન વિના શ્વાસ લઈ શકતા નથી.

3 મેના રોજ તેમનું વૅન્ટિલેટર બંધ કરાયું અને પાંચ દિવસ પછી તેમને ઘરે મોકલી દીધા.

ડૉક્ટર સિન્હા કહે છે, "આ હકીકતમાં એક લાંબી લડાઈ હતી. તેમને ગંભીર એઆરડીએસ હતો. તેમને ચાર અઠવાડિયાં સુધી સખત તાવ રહ્યો. તેઓ જાતે શ્વાસ લઈ શકતા નહોતા. વાઇરસ ઝડપથી તેમને ઝપેટમાં લઈ રહ્યો હતો."

'વાઇરસને હરાવી શકાય છે'

હવે ઘરમાં મુખરજી પોતાની નવી જિંદગી શરૂ કરી રહ્યા છે.

તેઓ હવે કોઈની મદદ લીધા વિના ચાલવાનું શરૂ કરી રહ્યા છે. તેમની ઘણીબધી યાદશક્તિ પાછી આવી ગઈ છે.

હૉસ્પિટલ લઈ ગયા એ પહેલાં તેઓ ઘણા દિવસોથી ખાંસતા હતા અને એક ડૉક્ટરને તેમણે બતાવ્યું હતું, જેમણે કહ્યું હતું કે આ ગળાનો ચેપ છે. તેઓ કામે જતા હતા, ફેસ માસ્ક પહેરતા હતા અને ગરીબ-બેઘરોની સંભાળ રાખતા હતા.

તેઓ કામથી હૉસ્પિટલ, પોલીસ સ્ટેશન અને શેલ્ટર હોમ્સ જતા હતા.

તેઓ તેમની ડાયાબિટીસની દવા છોડી રહ્યા હતા, આથી હૉસ્પિટલમાં દાખલ થતી વખતે તેમનું બ્લડશુગર એકદમ ઘટી ગયું હતું. તેઓ ઍન્ટિબાયોટિક અને નેબુલાઇઝર લઈ રહ્યા હતા, કેમ કે દર વખતે સિઝન બદલાતાં ખાંસી થતાં તેઓ તેને લેતા હતા.

મુખરજીનાં પત્ની કહે છે, "તેઓએ જ્યારે ડિહાઇડ્રેશન અને કલાકો સુધી સૂવાની ફરિયાદ કરી ત્યારે મને કંઈક ખોટું થતું હોય તેમ લાગ્યું. તેઓ બહુ થાકેલા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. એમ તેમને વ્હિલચૅર પર બેસાડ્યા અને હૉસ્પિટલ લઈ ગયા."

ગત સપ્તાહે 82 દિવસ સુધી કોવિડ-19 દર્દીઓના આઈસીયુમાં રહ્યાં બાદ ડૉક્ટર સિન્હાએ રજા લીધી.

તેમની ટીમે મુખરજીની 100થી વધુ તસવીરો ખેંચી છે, જેથી તેઓ આ જંગને યાદ રાખી શકે.

આ તસવીરોમાં પીપીઈ કિટમાં નાખેલાં નર્સો, મુખરજીની પથારી પાસે કટિબદ્ધ સ્વાસ્થ્યકર્મીઓ, જે દિવસે દર્દીને ભાન આવ્યું, જે દિવસે તેમને વૅન્ટિલેટરથી દૂર કર્યા અને જ્યારે તેઓએ હૉસ્પિટલ છોડી- આ બધી તસવીરો છે.

ડૉક્ટર સિન્હા કહે છે, "અમે એક ટીમ તરીકે બસ પોતાનું કામ કરતાં હતાં."

મુખરજી ખુશ છે કે તેઓ જાતે શ્વાસ લઈ રહ્યા છે.

તેઓ કહે છે, "હું જાણું છું કે હું બીમારીથી લડ્યો છું, પરંતુ ડૉક્ટરો અને નર્સોએ મારી જિંદગી બચાવવા માટે લડાઈ લડી છે. જીવતાં બચેલા લોકોએ પોતાની કહાણીઓ સંભળાવવાની જરૂર છે. તેનાથી વાઇરસને હરાવી શકાય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો