સ્ટૅચ્યૂ ઑફ યુનિટી : ગુજરાત સરકારે લૉકડાઉનમાં જમીન હડપી લીધાનો આરોપ આદિવાસીઓ કેમ મૂકે છે?

    • લેેખક, હરિતા કાંડપાલ
    • પદ, બીબીસી સંવાદદાતા

લૉકડાઉન દરમિયાન નર્મદા જિલ્લામાં કેવડિયા કૉલોનીમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા છ ગામમાં ભૂમિ અધિગ્રહણનું કામ શરૂ થતા આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે.

સ્ટૅચ્યૂ યુનિટી પાસે આવેલા કેવડિયાના છ ગામ જેમાં કોઠી, ગોરા, વાગડિયા, કેવડિયા, લિમ્બડી, નવાગામમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા જમીનો પર ફેન્સિંગનું કામ શરૂ કરવામાં આવતા આદિવાસીઓએ વિરોધ કર્યો.

જમીન પર ફેન્સિંગનાં કામનો ગામ લોકોએ વિરોધ કરતા પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હોવાની ઘટના પણ બની.

મંગળવારે કેવડિયા ગામના 55 વર્ષના નટવરભાઈએ ફેન્સિંગના વિરોધમાં આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કર્યો હતો અને પોલીસે તેમની અટકાયત કરી.

ગામલોકોનું કહેવું છે કે તેમણે કેરોસીન છાંટીને આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કર્યો હતો.

લોકોનો આરોપ છે કે ફેન્સિંગનો વિરોધ કરનાર આદિવાસી મહિલાઓને ખેંચીખેંચીને કાઢવામાં આવ્યાં અને તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું. જોકે, તંત્ર આ આરોપ નકાર છે.

વાગડિયા ગામના સરપંચે બીબીસી ગુજરાતીને કહ્યું કે, ગામમાં ખાનગી જમીનના સાત/બારના ઉતારાના કાગળો બતાવ્યાં છતાં ફેન્સિંગ કરવામાં આવ્યું અને વિરોધ કરનારા યુવાનો પર પોલીસે લાઠીચાર્જ કર્યો.

પોલીસનું કહેવું છે કે જે જમીન સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડે સંપાદિત કરેલી છે તેના પર ફેન્સિંગનું કામ ચાલી રહ્યું છે, કોઈ ખાનગી જમીન પર ફેન્સિંગનું કામ નથી થઈ રહ્યું.

નિગમે હાઈકોર્ટના નિર્દેશ બાદ જમીન ગુમાવનાર ગામ લોકો માટે એક પૅકેજ પણ ઑફર કર્યું છે. જોકે એ પૅકેજ પરંતુ ગામ લોકોને એ મંજૂર નથી.

આદિવાસી કાર્યકરોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટમાં અરજી થાય એ પહેલાં જમીનો કબજો કરી લેવા માટે લૉકડાઉન દરમિયાન સરકારે આ કામગીરી કરી છે. જમીન પર એક વખત સરકારનો કબજો થઈ જાય તો આદિવાસી શું કરી શકશે?

ગામલોકોની શું માગ છે?

વાગડિયાના સરપંચ ગોવિંદ તાવડિયા કહે છે કે, નિગમે છ ગામમાંથી વાગડિયામાં મોટાભાગની જમીન અને કેવડિયામાં બધી જમીન પર ફેન્સિંગ કરી દીધું છે, બસ આદિવાસીઓના ઘરને બાકી રાખ્યા છે. અમે ગુજરાન માટે ખુલ્લી જમીન ખેડતા હતા એ પણ લઈ લેવામાં આવી છે. ફેન્સિંગ કરીને બોર્ડ મારી દેવામાં આવ્યા છે કે આ જમીન નિગમની છે. અમે તેનો વિરોધ કરીએ છીએ તો હિટલરશાહીની જેમ અમને મારવામાં આવે છે.

સરદાર સરોવર ડૅમ માટે અહીં 1960ના દાયકામાં જમીન સંપાદિત કરવામાં આવી હતી પરંતુ આ છ ગામોની જમીનો ડૅમ નિર્માણમાં વપરાઈ ન હતી એટલે તેમનો કબજો લેવામાં નહોતો આવ્યો.

હવે કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટી નિગમ અન્ય કાર્યો માટે આ જમીનોનો કબજો લેવા માગે છે. આ અંગેની એક અરજી હાઈકોર્ટમાં રદ કરી દેવામાં આવી છે.

ગોવિંદ તડવીએ બીબીસીને કહ્યું કે, આદિવાસી વિસ્તાર છે એટલે ગામ લોકો કે પછી ગ્રામસભાની પરવાનગી વગર આ પ્રકારની કામગીરી માટે પ્રશાસન અંદર ઘૂસી શકે નહીં. કાયદા મુજબ ગ્રામસભા સર્વોપરી છે પરંતુ તેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ ફેન્સિંગનું કામ તત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે એવી અમારી માગણી છે.

તેઓ કહે છે કે 60 વર્ષ વીતી ગયા છે, અમારા પૂર્વજોને ઊભા પાકના રૂપિયા 20-21 પ્રતિ એકર વળતર સિવાય કંઈ મળ્યું નહોતું. અમે વર્ષોથી આ જમીન પર ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા અને હવે સરકાર પર્યટન અને વિકાસના નામે અમારી જમીન લઈ લેવા માગે છે.

સરદાર સરોવર ડૅમ પ્રૉજેક્ટમાં ડૂબમાં ગયેલા 19 ગામના લોકોને જે લાભ આપવામાં આવ્યો છે એ જ લાભ કેવડિયામાં આ છ ગામના લોકોને આપવામાં આવે માગણી છે.

ગોવિંદ તડવીનું કહેવું છે કે સંપૂર્ણ અસરગ્રસ્ત ગામોનાં લોકોને 1.1.87ના રોજ પુખ્ત વયના દરેક પુત્રને પાંચ-પાંચ એકર જમીન, પરિવારના એક સભ્યને નોકરી અને રહેઠાણ માટે પ્લૉટ આપવામાં આવ્યો હતો જેમાં પશુઓ બાંધી શકે તેના માટે જમીન હતી. પરંતુ છ ગામના લોકો માટે 1.1.81ના રોજ પુખ્ત વયના પુત્રને લાભ મળે તેવી જોગવાઈ છે.

ગામ લોકોનું કહેવું છે કે આ છ ગામના લોકોને જે પૅકેજ નિગમ અત્યારે ઑફર કરી રહી છે તેમાં પ્રતિ એકર સાડા સાત લાખ રૂપિયા અને જમીનના બદલે તેટલી જ જમીન આપવાની જોગવાઈ છે. હવે 60 વર્ષ પછી ચોથી પેઢી આવી ગઈ છે અને પરિવારના સભ્યો વધ્યા છે એટલે એટલાં વળતરમાં ગામવાસીઓને પોતાની જમીનો છોડીને કેટલાય કિલોમિટર દૂર જતા રહેવું ન પોસાય.

ગોવિંદભાઈ કહે છે કે અમારા સંયુક્ત પરિવાર વચ્ચે 16 એકર નવ ગુંઠા જમીન છે, ભાગલા પાડીએ તો દોઢ-બે એકર જમીન બધાના ભાગમાં આવે. સરકારે જે વળતર આપે છે તેમાં પરિવારોને જે મળશે તેના કરતાં સારું છે કે તેઓ પોતાની પિત્રૃક જમીન પર ખેતી કરીને ગુજરાન ચલાવે.

તેમની માગ છે કે પંચાયતના રૅકર્ડમાં હાલ જેટલા ઘર છે એ પ્રમાણે વળતર આપે.

એમનો આરોપ છે કે વિયર ડૅમના ડૂબ ક્ષેત્રમાં 2005માં 18 વર્ષના પુત્ર હોય એમને જમીનનો લાભ મળ્યો છે, એ પ્રમાણે પણ લાભ આપવા સરકાર તૈયાર નથી. જે પૂર્વજોને ઊભા પાકનો જે લાભ આપ્યો હતો તે સિવાય કોઈ લાભ અમને મળ્યો નથી.

નેતાઓનો જમાવડો

શનિવારે નર્મદા જિલ્લામાં કૉંગ્રેસના 18 નેતાઓને ભૂમિઅધિગ્રહણનો વિરોધ કરી રહેલા આદિવાસીઓને મળવા જતા અટકાવવામાં આવ્યા હતા.

આ નેતાઓમાં કૉંગ્રેસના ધારાસભ્ય પી ડી વસાવા અને અન્ય કૉંગ્રેસ નેતાઓ પણ સામેલ હતા. એ સિવાય રવિવારે ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસના ભૂતપૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાએ પણ ગામની મુલાકાત લીધી.

શંકરસિંહ વાધેલાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, સરકાર પૅકેજના નામે લૉલીપૉપ પકડાવી રહી છે જે આદિવાસીઓને મંજૂર નથી.

શંકરસિંહ વાઘેલાએ સવાલ કર્યો કે, જો એ લોકો પોતાની જમીન પર ખુશ છે તો તેમને ખસેડવાની શું જરૂર?

આ વિસ્તારમાં વિવિધ રાજ્યોના ભવનો બનાવવાની પણ કવાયત ચાલી રહી છે એ મુદ્દે શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, સરકારને અન્ય રાજ્યોના ભવન અહીં બનાવવાની શું જરૂર છે, ગાંધીનગરમાં બનાવે આવા ભવનો.

ભૂમિઅધિગ્રહણને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી રદ થયા પછી લૉકડાઉનમાં તાત્કાલિક કામ શરૂ કરવા પર પ્રશ્ન ઊભો કરતા તેમણે કહ્યું કે, ડૅમ બનતા 60 વર્ષ લાગી ગયા, સ્ટૅચ્યુ ઑફ યુનિટીને વર્ષો લાગી ગયા તો આ બધા ભવનો બનાવવાની સરકારને આટલી ઉતાવળ શું છે?

ગુજરાત હાઈકોર્ટમાં અરજી

ગુજરાત હાઈકોર્ટે છ ગામના આદિવાસીઓની જમીન અંગેની સામાજિક કાર્યકરોની અરજીને હાલમાં ફગાવી હતી જેમાં સરકારને ભૂમિઅધિગ્રહણ રોકવાનો આદેશ આપવા વિનંતી કરવામાં આવી હતી.

અરજદાર સામાજિક કાર્યકર્તા આનંદ મંઝગાંવકરે બીબીસી ગુજરાતીને કહ્યું કે ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ પછી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ તરફથી છ ગામોમાં ભૂમિઅધિગ્રહણનું કામ શરૂ કરવામાં આવ્યું પરંતુ ગામવાસીઓએ તેનો વિરોધ કર્યો.

લિમ્બડી, કેવડિયા, વાગડિયા નવાગામ, કોઠી અને ગોરા ગામના લોકો પોતાની જમીન આપવા માટે તૈયાર નથી થઈ રહ્યા.

આનંદ મઝગાંવકરનું કહેવું છે કે “1894ના જમીન સંપાદન કાયદા પ્રમાણે સંપાદનનો હેતુ જણાવવો પડે. તે પ્રમાણે અહીં ડૅમ અને કૅનાલ નિર્માણનો હેતુ બતાવવામાં આવ્યો હતો. જોકે, ડેમ અને કૅનાલ માટે આ જમીન ન વપરાઈ. 1960માં વધારાની જમીન સંપાદિત કરાઈ હતી પરંતુ કબજો લોકો પાસે જ રહ્યો હતો. ડૅમમાં જમીન ન વપરાઈ હોવાથી તેમને અસરગ્રસ્ત નહોતા ગણવામાં આવ્યા એટલે તેમને વિસ્થાપિતોને મળતું રાહત પૅકેજ ન મળ્યું.”

“2013માં જમીન સંપાદનનો નવો કાયદો આવ્યો. એમાં 24.2 કલમ પ્રમાણે જો પાંચ વર્ષ સુધી સંપાદિત જમીન વપરાશ ન થાય અથવા કબજો ન લેવાયો હોય કે વળતર ન અપાયું હોય તો સંપાદન રદ થઈ જાય. આ અંગેની અરજી જુલાઈ 2019માં અમે હાઈકોર્ટમાં કરી હતી અને પછી જમીન સંપાદનના કેટલાક વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા જેમાં સુપ્રીમ કોર્ટે ધારા 24.2 પર સુનાવણી કરીને કાયદામાં ફેરફાર કર્યો. એના આધારે હાઇકોર્ટમાં અમારી અરજી રદ કરવામાં આવી.”

તેઓ કહે છે કે સરદાર સરોવર ડૅમ ગુજરાતની જીવાદોરી કહેવામાં આવ્યો હતો, પરંતુ હવે કેન્દ્રમાં સરદાર પટેલનું સ્ટૅચ્યૂ છે અને તેની આજુબાજુ આવેલા પ્રૉજેક્ટ છે જેમાં જાહેરહિતનો કોઈ હેતુ નથી.

આદિવાસી કાર્યકર પ્રફુલ વસાવાએ કહ્યું કે, લૉકડાઉનની આડમાં સરકાર આદિવાસીઓની જમીનને હડપ કરી લેવા માગે છે. અમે સુપ્રીમ કોર્ટમાં જઈએ એ પહેલાં સરકાર લૉકડાઉનમાં આ કામગીરી કરી રહી છે અને આદિવાસીઓ સાથે અન્યાય કરી રહી છે. એક વખત ફેન્સિંગ થઈ ગયું પછી ખેડૂતો શું કરી શકશે?

સરકારનું શું કહેવું છે?

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ ખાનગી જમીનો પર ફેન્સિંગ અને લોકોનાં ઘર ખાલી કરાવવાના આરોપોને સ્પષ્ટપણે નકારે છે.

નિગમનું કહેવું છે કે આ છ ગામમાં માત્ર એ જ જમીન પર ફેન્સિંગનું કામ ચાલુ છે જે નિગમની માલિકીની છે.

નિગમના નિવેદન પ્રમાણે 1962- 65 વચ્ચે જમીનો સંપાદિત કરવામાં આવી હતી અને તે સમયે જમીન સંપાદન અધિનિયમ મુજબ સંપાદિત વળતર ચૂકવવામાં આવ્યું હતું. ડૅમનું નિર્માણ થતા 19 ગામો ડૂબમાં જતા તેમને અસરગ્રસ્ત ગણવામાં આવ્યા હતા પરંતુ આ છ ગામની જમીન ડૂબમાં નહોતી ગઈ અને તેમને અસરગ્રસ્ત ગણવામાં આવ્યા ન હતા.

નિગમનું કહેવું છે કે સરકારે આ છ ગામના લોકો માટે 1992-92, 2013, 2015 અને 2018માં નવા પૅકેજ જાહેર કર્યા અને 2020માં પણ નવું પૅકેજ જાહેર કર્યું. હાઈકોર્ટમાં પણ તેને રજૂ કરવામાં આવ્યું હતું.

નિગમનો દાવો છે કે ફેબ્રુઆરીમાં હાઈકોર્ટે ગામલોકો અને સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને બેસીને સમાધાન કરવાનું કહ્યું હતું. એ વખતે નિગમે નવેસરથી પૅકેજ ઑફર કર્યું હતું. જેમાં છ ગામ અને વિયર ડૅમને કારણે અસરગ્રસ્ત લોકોને સંપાદિત જમીન જેટલી જ જમીન અન્ય જગ્યાએ આપવાની અથવા પ્રતિ હેક્ટર સાડા સાત લાખ રૂપિયા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.

આ સિવાય અસરગ્રસ્તોને રહેઠાણનો પ્લૉટ અને મકાન સહાય, ઘરવખરીનો સામાન સ્થળાંતરિત કરી આપવામાં મદદ, ગોરા ગામમાં નિગમની માલિકીની 16 હેક્ટર જમીનમાં છ ગામના અસરગ્રસ્ત લોકો માટે વસાહત બનાવવી અને દુકાન અથવા કૅબિન દૂર કરવામાં આવે તો સ્ટૅચ્યુ ઑફ યૂનિટી પાર્કિંગ સ્થળોએ શૉપિંગ કૉમ્પલેક્સમાં દુકાન આપવી જેનો ખર્ચ સરકાર ઉપાડશે, આવી ઑફર કરવામાં આવી હતી.

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજા કૉંગ્રેસ પર આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવે છે.

તેમણે કહ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ જમીનો પર ફેન્સિંગનું કામ શરૂ થયું છે, એસએસએનએલ ગામલોકોને તેમની જમીન માટે નવું પૅકેજ આપવા તૈયાર છે અને લૉકડાઉન ખૂલશે એટલે તેના પર કામ શરૂ થશે.

તેમણે કહ્યું કે જો અમારે આદિવાસીઓની ભલાઈ માટે તેમને પાછા તેમની જમીન પર સ્થળાંતરિત કરવા પડશે તો પણ અમે કરીશું. આદિવાસીઓ જાણે છે કે સ્ટૅચ્યુ ઑફ યુનિટીના આવવાથી ત્યાં રોજગારીની તક ઊભી થઈ છે પરંતુ કૉંગ્રેસ તેમને ગેરમાર્ગે દોરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો