You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેરળ હાથણી : જીવવા માટે ગર્ભવતી હાથણી ત્રણ દિવસ પાણીમાં ઊભી રહી, આખરે મરી ગઈ
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી ગુજરાતી માટે
દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં એક ગર્ભવતી હાથણીનું વિસ્ફોટકભરેલું એક અનનાસ ખાવાને કારણે થયેલા મૃત્યુએ માનવતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરી દીધા છે.
શંકા છે કે કેટલાંક મસ્તીખોર તત્ત્વોએ હાથણીને વિસ્ફોટકભરેલું અનનાસ હાથણીને ખવડાવી દીધું હતું.
માણસ અને પ્રાણી વચ્ચેના સંઘર્ષમાં આ ઘટના એ માનવતાના પતનની વધુ એક કહાણી છે.
વનવિભાગના અધિકારીઓ પ્રમાણે હાથણીની ઉંમર 14-15 વર્ષ હતી.
ઈજાગ્રસ્ત થયા બાદથી તે એટલી પીડામાં હતી કે તે ત્રણ દિવસ સુધી વેલિયાર નદીમાં ઊભી રહી અને તેની સારવાર કરવાના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા.
આ સમગ્ર સમય દરમિયાન તેનું મોઢું અને સૂંઢ પાણીની અંદર જ રહ્યાં.
સાઇલેંટ વૅલી નેશનલ પાર્ક, પલક્કડના વાઇલ્ડલાઇફ વૉર્ડન સેમુઅલ પચાઉએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, 'અમે એ સ્થળની ઓળખ નથી કરી શક્યા, જ્યાં તે ઈજાગ્રસ્ત થઈ હતી. તે માત્ર પાણી જ પી રહી હતી. કદાચ તેને આવું કરવાથી રાહત મળી રહી હશે. તેનું જડબું બંને તરફથી ગંભીરપણે ઈજાગ્રસ્ત થયું હતું. તેના દાંત પણ તૂટી ગયા હતા.'
પલ્લકડ જિલ્લાના મન્નારકડ વિસ્તારના વનઅધિકારી સુનીલ કુમારે બીબીસીને જણાવ્યું કે, 'વનવિભાગના અધિકારીઓને આ હાથણી 25 મેના રોજ મળી હતી, ત્યારે તે નજીકના એક ખેતરમાં પહોંચી ગઈ હતી, કદાચ એ પોતાના ગર્ભસ્થ શિશુ માટે કંઈક ભોજન મેળવવા માગતી હશે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગર્ભવતી હાથણીની હત્યાના કેસમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે.
સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ પ્રમાણે કેરળના વન અને પર્યાવરણમંત્રી રાજૂએ જણાવ્યું કે આ કેસમાં અન્ય કેટલાક લોકો પણ સંકળાયેલા છે અને તેમની શોધખોળ ચાલી રહી છે.
મંત્રીના જણાવ્યા અનુસાર આ કેસમાં આકરાં પગલાં લેવામાં આવશે, જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટના રોકી શકાય.
વનવિભાગે આ કેસની તપાસ માટે ત્રણ ટીમની રચના કરી છે. આ માલમે જે વ્યક્તિની ધરપકડ થઈ છે, હત્યા તેણે જ કરી છે કે કેમ એ હજુ સ્પષ્ટ થયું નથી.
બચાવનો પ્રયાસ નિષ્ફળ રહ્યો
હાથણીના ઈજાગ્રસ્ત થવાનો આ કિસ્સો ત્યારે લોકોની નજરમાં આવ્યો જ્યારે રેપિડ રિસ્પોન્સ ટીમના વનઅધિકારી મોહન કૃષ્ણનનને ફેસબુક પર આ ઘટના વિશે એક ભાવુક પોસ્ટ લખી.
તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ઈજાગ્રસ્ત થયા બાદ હાથણી એક ગામમાંથી ભાગીને બહાર નીકળી, પરંતુ તેણે કોઈનેય હાનિ ન પહોંચાડી.
હાથણીની તસવીરો ફેસબુક પર પોસ્ટ કરતાં તેમણે લખ્યું કે તે નેકદિલ હતી.
તેઓ જણાવે છે કે આ તસવીરોમાં હાથણીને થઈ રહેલી પીડા કેદ નથી થઈ શકી.
તેમજ સુનીલ કુમારનું કહેવું છે કે વનવિભાગે અન્ય હાથીઓની મદદથી હાથણીને બહાર કાઢવાના પ્રયાસ કર્યા, પરંતુ તેમને તેમાં સફળતા ન મળી.
વનવિભાગ પશુચિકિત્સકોની મદદથી હાથણીનું ઑપરેશન કરાવવાના પ્રયાસ કરી રહ્યું હતું.
આખરે આ ઈજાગ્રસ્ત હાથણીએ 27 મેના રોજ નદીમાં ઊભાં-ઊભાં જ જીવ ગુમાવ્યો. જ્યારે તેના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે લાવવામાં આવ્યો ત્યારે ખબર પડી કે તે ગર્ભવતી હતી.
કૃષ્ણાએ પોતાની પોસ્ટમાં લખ્યું, 'પોસ્ટમૉર્ટમ કરનાર ડૉક્ટરે મને કહ્યું કે તે એકલી નહોતી. હું ડૉક્ટરના દર્દને સમજી શકતો હતો. જોકે, તેમનો ચહેરો માસ્કની અંદર છુપાયેલો હતો. અમે ત્યાં જ ચિતા સળગાવીને તેના અંતિમ સંસ્કાર કર્યા. અમે તેના મૃતદેહ સામે શીશ ઝુકાવીને અંતિમ સન્માન પ્રગટ કર્યું.'
સેમુઅલ પચાઉ જણાવે છે કે આ મામલા સંદર્ભે ફરિયાદ દાખલ કરી દેવાઈ છે અને હાથણીના મૃત્યુ માટે જવાબદાર લોકોની શોધ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે.
નોંધનીય છે કે નિલાંબુર વનક્ષેત્રમાં પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચેનો આ સંઘર્ષ એ કોઈ નવી વાત નથી. આ વનક્ષેત્ર કેરળના મલ્લાપુરમ અને પલ્લકડ જિલ્લાના ચાર અન્ય વનક્ષેત્રો સાથે જોડાયેલું છે.
પચાઉ જણાવે છે કે, 'આ પહેલાં પણ લોકો અને પ્રાણીઓ વચ્ચેના સંઘર્ષના મામલા સામે આવતા રહ્યા છે, પરંતુ આવી રીતે કોઈ હાથણીને વિસ્ફોટકથી ઈજાગ્રસ્ત કરવાનો બનાવ પ્રથમવાર બન્યો છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો