કોરોના વૅક્સિન : WHOના ખાસ દૂતે જણાવ્યું લોકો સુધી પહોંચતાં લાગી શકે અઢી વર્ષ

    • લેેખક, નીતિન શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા

વિશ્વ આરોગ્ય સંસ્થાના કોવિડ-19 મામલાના ખાસ અધિકારી ડેવિડ નાબારોનું કહેવું છે કે કોરોના વાઇરસની રસી દરેક સુધી પહોંચતા અઢી વર્ષ જેટલો સમય લાગી શકે છે.

તમામ આકલનોને જોતા એક સુરક્ષિત અને અસરકારક રસી તૈયાર કરવામાં અઢાર મહિનાનો સમય લાગી શકે અને આપણને તે મોટી સંખ્યામાં જોઇશે. ત્યાર પછી વિશ્વની 7 અબજ 80 કરોડની જનસંખ્યા સુધી આ રસીને પહોંચાડવા માટે જરુરી ઉત્પાદન અને વહીવટીકાર્યમાં વધુ એક વર્ષનો સમય લી જશે. એમ તેમણે જીનિવામાં WHOના મુખ્યાલય ખાતેથી બીબીસીના નીતિન શ્રીવાસ્તવને કહ્યું.

નાબારો ઇમ્પીરિયલ કૉલેજ ઑફ લંડન ખાતે વૈશ્વિક આરોગ્ય વિશેના પ્રાધ્યાપક તરીકે પણ સેવા આપે છે. તેઓ ઇચ્છે છે કે લોકો એ વાત સ્વીકારીને ચાલે કે હજી એવા કેટલાક વાઇરસ છે, જેની સામે સુરક્ષા આપતી રસી હજી ઘણાં વર્ષ સુધી વિકસિત ન પણ થાય.

દેશમાં સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવાના ભારતના નિર્ણયની પ્રશંસા કરતા તેમણે એમ પણ ચેતવણી આપી કે ભારતે ખાસ કરીને તેના મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, દિલ્હી જેવાં શહેરોમાં વસ્તીની ગીચતાને કારણે અપેક્ષા કરતાં વધુ સમય સુધી આ શહેરોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને વ્યક્તિગત અલગતાનું પાલન કરવું પડશે.

એ વિના ચેપગ્રસ્ત વિસ્તારોમાં ફેલાવાની તપાસ મુશ્કેલ કાર્ય બની જશે.

ભારતમાં કોવિડ-19નો પહેલો કેસ આ વર્ષે જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં નોંધાયો હતો અને વાઇરસને વધુ ફેલાતો અટકાવવા માટે દેશ વ્યાપી લૉકડાઉન 24 માર્ચથી અમલમાં મૂકવામાં આવ્યું હતું, જ્યાં સુધીમાં દેશમાં કોવિડ-19ના 550 કેસ નોંધાઈ ચૂક્યા હતા.

ટેસ્ટને કારણે સંખ્યા વધી

ત્યારપછીના સમયગાળામાં આ અભૂતપૂર્વ લૉકડાઉનના પગલાને જીવનજરુરી વસ્તુઓના પુરવઠા ઉપરના નિયંત્રણો સમયાંતરે હળવા કરવા સાથે ત્રણ વાર વધારવામાં આવ્યું (અને ચોથી વખત નિર્ધારિત) હોવા છતાં અત્યાર સુધી સંક્રમણનો કુલ આંક 74281, જ્યારે મૃત્યુ આંક 2415 નોંધાઈ ચૂક્યો છે.

શું સંક્રમણનો મોટો આંકડો પરીક્ષણની વધારાયેલી સંખ્યાને કારણે છે અને શું તે હજી પણ વધી શકે તેમ પૂછતા કોવિડ-19 મહામારી મામલે WHOના ખાસ અધિકારીએ હકારમાં જવાબ આપ્યો.

તમને રોગની જાણ પરીક્ષણ કરો પછી જ થાય છે અને પરીક્ષણની સુવિધા તમામ જગ્યાઓએ ઉપલબ્ધ નથી હોતી, ન ભારતમાં કે ન વિશ્વમાં અન્ય ક્યાંય. પણ અન્ય કેટલાંક સૂચકચિન્હો છે, જેમ કે હૉસ્પિટલમાં શું જોવા મળી રહ્યું છે, શું ત્યાં કોરોના વાઇરસના સંક્રમણવાળા દર્દીઓમાં ઊભરો જોવા મળી રહ્યો છે.

જો હા તો તમે જાણો જ છો કે વાઇરસ આપણા પ્રયાસો કરતાં વધુ આગળ ચાલી રહ્યો છે. સાથે જ હેલ્થ પ્રોફેશનલ્સ અને સ્વાસ્થ્ય વીમા સેવાઓના સંપર્કમાં રહેવું પણ મદદગાર સાબિત થઈ શકે છે.

કામદારોની સમસ્યા વચ્ચે સરકારની મુશ્કેલી

ભારત સરકારે અચાનક દેશ વ્યાપી લૉકડાઉનની લાગુ કરી દેતાં કામ કરવા માટે અન્ય શહેરોમાં રહેતા શ્રમિકો ખાવા-પીવા અને રહેવાની વ્યવસ્થા વગર જ જે તે શહેરોમાં ફસાઈ ગયા.

શ્રમિકોને પડી રહેલી આ મુશ્કેલીને કારણે ભારતની ટીકા પણ થઈ.

પરંતુ ડેવિડ નાબારો માને છે કે નિશ્ચિતપણે આ એક મુશ્કેલ નિર્ણય રહ્યો હશે કારણ કે એની સાથે મોટી માનવીય અને આર્થિક કિંમત જોડાયેલી છે.

ડેવિડ કહે છે, "સમગ્ર વિશ્વમાં લોકો સરકારો અને ત્યાં સુધી કે WHOની પણ એ વાત માટે ટીકા કરી રહ્યા છે કે તેમણે અગાઉથી આ મહામારીને લઇને ખતરાની ચેતવણી કેમ ન આપી."

"સ્પેન, ઇટાલી, બ્રિટન અને અમેરિકાના લોકો પૂછી રહ્યા છે કે શું આપણે આ સમસ્યાને પહોંચી વળવા માટે પહેલાંથી વ્યવસ્થા કરી શકતા ન હતા?"

"ચોક્કસપણે હવે અમને લાગી રહ્યું છે કે તમે જેટલા ઝડપથી પગલાં લો છો એટલું સારું રહે છે, પરંતુ વિચારો કે ભારતમાં પહેલો મામલો ક્યારે સામે આવ્યો હતો અને ત્યારે જ જો તમે એક નીતિ લાગુ કરી દેતે તો એની આડઅસર લાખો કરોડો લોકો પર તાત્કાલિક પડતે."

"એવામાં તમે જ્યારે પાછળ ફરીને જુઓ છો ત્યારે તમારે રાજકીય દ્રષ્ટિએ પણ બાબતોને જોવી પડશે."

અસિમ્પ્ટોમૅટિક દર્દીઓએ સ્થિતિને જટિલ બનાવી?

જો કે ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ સત્તાવાર આંકડામાંથી જાણવા મળે છે કે ભારતનાં મોટા ભાગનાં રાજ્યોના કુલ કોરોના વાઇરસ સંક્રમિતોમાંથી 50થી 70 ટકા લોકોએ પોતાને અસિમ્પ્ટોમૅટિક એટલે કે કોઈ પણ લક્ષણ વિનાના ગણાવ્યા છે.

અસિમ્પ્ટોમૅટિક કોરોના વાઇરસ દર્દીઓમાં બિમારીના કોઈ સ્પષ્ટ લક્ષણ દેખાતાં નથી, કારણ કે તે મજબૂત રોગપ્રતિરોધક શક્તિ સહિત અનેક પાસાં પર આધાર રાખે છે. સાથે જ નિષ્ણાતો માને છે કે જો પરીક્ષણના માધ્યમથી જાણકારી ન મેળવાય તો આવા વ્યક્તિ વાઇરસના કૅરિયર બની શકે છે જે એને અન્ય લોકોમાં ટ્રાન્સફર કરી શકે છે.

ઇન્ટરવ્યૂ દરમિયાન નાબારોએ ભારતમાં મોટી સંખ્યામાં અસિમ્પ્ટોમૅટિક દર્દીઓને કારણે ઊભી થયેલી મુશ્કેલી વિશે સમજાવ્યું.

તેમણે કહ્યું, કારણ કે ભારતમાં હળવાં અથવા નજીવાં લક્ષણો ધરાવતા કોરોના પૉઝિટિવ દર્દીઓની સંખ્યા વધારે છે, એવામાં એને પહોંચી વળવા માટે સૌથી સારી રણનીતિ બનાવવી એક મોટો પડકાર છે. જ્યારે કોઈ વ્યક્તિમાં લક્ષણ દેખાય જ નથી રહ્યું તો એનું અર્થોપાર્જનનું કામકાજ છોડાવી સેલ્ફ આઇસોલેશનમાં રાખવી ઘણી મુશ્કેલ છે.

હકીકત એ જ છે કે સમગ્ર વિશ્વ ઘણી જ અલ અલગ પરિસ્થિતિઓવાળું છે અને એને કારણે આ મહામારીને કાબૂ કરવામાં વધુ મુશ્કેલી પડી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો