કોરોના વાઇરસ : શું આ દવા વાઇરસને ખતમ કરી શકે છે?

    • લેેખક, મોહરસિંહ મીણા
    • પદ, જયપુરથી, બીબીસી ગુજરાતી માટે

રાજસ્થાનની રાજધાની જયપુરની સવાઈ માનસિંહ હૉસ્પિટલ (એસએમએસ) કોરોના પૉઝિટિવ દર્દીઓના ઇલાજને લઈને ચર્ચામાં છે.

હકીકતમાં આ હૉસ્પિટલમાં દાખલ કોરોના પૉઝિટિવ ત્રણ દર્દીઓને રેટ્રોવાઇરલ ડ્રગના માધ્યમથી સાજા કરાયા છે.

તેમાં બે ઇટાલીથી જયપુર આવ્યા હતા અને એક જયપુરના રહેવાસી છે.

જયપુરના નિવાસી જેમને ચેપ લાગ્યો હતો એમની ઉંમર 85 વર્ષની જણાવાય છે.

હૉસ્પિટલનો દાવો છે કે ઇલાજ બાદ આ દર્દીઓનો કોરોના રિપોર્ટ નૅગેટિવ આવ્યો છે.

પરંતુ તેમને હાલમાં ડૉક્ટરોના નિરીક્ષણ હેઠળ આઇસોલેશનમાં રાખવામાં આવશે.

બીબીસી સાથે વાત કરતાં એસએમએસ હૉસ્પિટલના ચિકિત્સા અધીક્ષક ડૉ. ડીએસ મીણાએ આ દાવો કર્યો છે.

નવો ડ્રગ કેવી રીતે કામ કરે છે?

હકીકતમાં કોરોના વાઇરસ સાવ નવી બીમારી છે. કોરોના વાઇરસ અને એચઆઈવી વાઇરસનું એક જેવું મૉલિક્યુલર સ્ટ્રક્ચર હોવાને કારણે દર્દીઓને આ ઍન્ટિ ડ્રગ આપવામાં આવે છે. એચઆઈવી ઍન્ટિ ડ્રગ લોપિનાવિર (LOPINAVIR) અને રિટોનાવિર (RITONAVIR) ઍન્ટિ ડ્રગ આપવાનો નિર્ણય વરિષ્ઠ ડૉક્ટરોની ટીમે લીધો. આને રેટ્રોવાઇરલ ડ્રગ પણ કહેવાય છે.

આ ટીમમાં સામેલ ડૉક્ટર સુધીરના જણાવ્યા અનુસાર, "SARSના દર્દીઓ પર પણ આ ડ્રગનો ઉપયોગ થઈ ચૂક્યો છે. કોરોના વાઇરસ પણ એક વાઇરસથી ફેલાતી બીમારી છે. કોરોનાનો વાઇરસ આ પરિવારનો વાઇસ છે જે મ્યુટેશનથી બનેલો છે."

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિચર્સ (ICMR)એ તેના માટે સત્તાવાર ગાઇડલાઇન જાહેર કરીને કહ્યું કે કેવા દર્દીઓ પર આ ડ્રગનો ઉપયોગ કરી શકાય છે.

સવાઈ માનસિંહ હૉસ્પિટલમાં આઈસીએમઆર ગાઇડલાઇન હેઠળ આ ડ્રગનો ઉપયોગ કરાયો છે.

ડૉ. મીણાના અનુસાર ગાઇડલાઇનમાં સ્પષ્ટ કહેવાયું છે કે 'કૉમ્પ્રોમાઇઝ્ડ' દર્દીઓમાં જ તેનો ઉપયોગ કરી શકાય છે.

'કૉમ્પ્રોમાઇઝ્ડ' દર્દીઓ કોણ છે? તેની પરિભાષા જણાવતાં ડૉ. મીણાએ કહ્યું કે એવા દર્દીઓ જેમની ઉંમર 60 વર્ષથી ઉપર છે અને સાથે જ તેમને ડાયાબિટીસ, હૃદયરોગની બીમારી છે. તેના પર જ ઉપયોગ કરી શકાય છે. ઓછી ઉંમરના અને જેને કોઈ પ્રકારની બીમારી નથી એવા લોકો પર આ ડ્રગનો ઉપયોગ હાલમાં નથી કરાઈ રહ્યો.

રાજસ્થાનમાં કોરોનાના ચાર દર્દીઓમાંથી ત્રણ આવા 'કૉમ્પ્રોમાઇઝ્ડ' દર્દીઓ છે.

કોરોના વાઇરસ પૉઝિટિવથી નૅગેટિવ થયેલા દર્દીઓ માટે ડૉક્ટરોની વિશેષ ટીમની રચના કરાઈ છે. તેમના નિરીક્ષણમાં જ આગળ તેમનો ઇલાજ કરાશે.

નવા ડ્રગના ઉપયોગ બાદ ઇટાલીનિવાસી મહિલા અને જયપુરનિવાસી વૃદ્ધ હાલમાં કોરોના નૅગેટિવ છે, પરંતુ તેમને ફેફસાં, ડાયાબિટીસ, હાયપરટેન્શનની સમસ્યા છે.

રાજસ્થાનમાં ચોથા દર્દીની ઉંમર ઓછી છે, માટે શરૂઆતમાં તેમના પર આ ડ્રગનો ઉપયોગ નથી કરાયો.

બીબીસી સાથે વાત કરતાં ડૉ. મીણાએ જણાવ્યું કે મંગળવારથી એ દર્દીને પણ આ રેટ્રોવાઇરલ ડ્રગ આપવામાં આવ્યો છે. આઈસીએમઆરની ગાઇડલાઇન અને ડૉક્ટરોની વિશેષ ટીમની સલાહ પર જ આ નિર્ણય લેવાયો હતો.

બીબીસી સાથેની વાતચીતમાં રાજસ્થાનના સ્વાસ્થ્યવિભાગના અધિક મુખ્ય સચિવ રોહિતકુમાર સિંહે પણ આ વાતની પુષ્ટિ કરી છે.

રોહિતનું કહેવું છે કે ઍન્ટિ વાઇરલ ડ્રગનો પબ્લિક હેલ્થ ઇમરજન્સીમાં જ ઉપયોગ કરી શકાય છે. આ ઍન્ટિ વાઇરલ ડ્રગનો ઉપયોગ કરતાં પહેલાં એક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.

ક્યાં-ક્યાં થઈ રહ્યો છે ઉપયોગ?

સવાઈ માનસિંહ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના ડૉક્ટર સુધીર ભંડારી એ ટીમના સભ્ય રહી ચૂક્યા છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "ભારત પહેલાં ચીન અને અમેરિકામાં પણ આનો ઉપયોગ થઈ ચૂક્યો છે. એટલે એ વાત સાચી નથી કે ભારતે સૌથી પહેલાં આ પ્રકારના ડ્રગનો ઉપયોગ કોરોનાની સારવાર માટે કર્યો છે."

એ વાત પણ સાચી છે કે જયપુરમાં દર્દીઓ સારા થઈ જતાં સવાઈ માનસિંહ હૉસ્પિટલમાં બીજા દેશોમાંથી આ મામલે ફોન ચોક્કસથી આવી રહ્યા છે.

ડૉક્ટર મીણાએ દાવો કર્યો છે કે તેમણે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઇટાલી સુધી આ નવી સારવારની ટેકનિકના વિષયમાં ફોન આવ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ કેટલાક દર્દીઓ પર આની મંજૂરી આપી દેવાઈ છે.

જોકે, દેશનાં અન્ય રાજ્યોમાં આનો ઉપયોગ કેમ નથી કરાઈ રહ્યો? સવાલના જવાબમાં ડૉક્ટર સુધીર કેટલાંય કારણો આપે છે.

સૌથી પહેલાં તેઓ જણાવે છે કે આનો ઉપયોગ માત્ર જાહેર સ્વાસ્થ્ય કટોકટીમાં જ કરી શકાય છે. બીજું એ કે આ ડ્રગનો ઉપયોગ કોના પર થવાનો છે એને લઈને પણ આકરા નિર્દેશ છે.

સારવારની રીતે કેટલી સફળ?

ત્રીજું કારણ એ પણ છે કે કોરોના વાઇરસ નવીન પ્રકારનો વાઇરસ છે અને આ ડ્રગનાં તમામ ચરણોમાં ક્લિનિકલ ટ્રાયલ થયા નથી.

આ ડ્રગને કોરોનાની સારવારમાં સફળ ગણી શકાય?

આ સવાલના જવાબમાં આઈસીએમઆરના મહાનિદેશક બલરામ ભાર્ગવ કહે છે કે ચાર લોકો પર ડ્રગનું પરીક્ષણ કરીને કોઈ ડેટા મેળવી ન શકાય.

આ જ સવાલ કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધનથી રેટ્રોવાઇરલ ડ્રગના ઉપયોગ અંગે રાજ્યમાં પ્રશ્ન પુછાયો હતો.

જવાબમાં તેમણે કહ્યું, "આઈસીએમઆરના વૈજ્ઞાનિકો વિશ્વભરમાં કોરોનાની સારવારને લઈને જે પણ કામ થઈ રહ્યું છે, તેના પર નજર રાખી રહ્યા છે. વિશેષજ્ઞોની તપાસ બાદ કેટલાક દર્દીઓને રેટ્રોવાઇરલ દવાઓ અપાઈ રહી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો