રાજ્યસભા ચૂંટણી ટાણે ફરી ગુજરાતમાં ભાજપ કૉંગ્રેસનિર્ભર

    • લેેખક, ડો ધીમંત પુરોહિત
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

રાજ્યસભાની ચૂંટણી આમ તો ઔપચારિકતા માત્ર હોય છે, એમાં ના તો લોકસભાની ચૂંટણીઓ જેવું રાજકારણ હોય, ના રોમાંચ. જોકે, ગુજરાતની રાજ્યસભાની બેઠકો માટેની ચુંટણીઓ એમાં અપવાદ છે.

કોરોનાના લૉકડાઉનને કારણે મોકૂફ રખાયેલી અને હવે 19મી જૂને થનારી રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી નેટફ્લિક્સ કે એમેઝોન પ્રાઇમની કોઈ વેબ-સિરીઝને ટક્કર મારે એટલી રહસ્યમય, રોમાંચક અને નાટ્યાત્મક પ્રસંગોના ચઢાવ-ઉતારથી ભરપૂર છે.

આજની જ વાત કરું, તો આ સ્ટોરી માટે બીબીસી ગુજરાતીની ન્યૂઝ કૉ-ઓર્ડિનેટર શૈલી સાથે મારે ફોન પર વાત ચાલતી હતી અને હું મનમાં પેરલલ સ્ટોરી વિચારતો હતો. વાત પૂરી કરી ફોન મૂકું એ દરમિયાન મારા સોર્સના ચાર મિસ કૉલ હતા. મેં કૉલ-બૅક કર્યો ત્યારે જાણ થઈ કે મારી વાત ચાલતી હતી એ દરમિયાન જ કૉંગ્રેસના આઠમા ધારાસભ્ય મોરબીના બ્રિજેશ મેરજાએ પણ ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.

આ રાજીનામાં સાથે, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 78થી ગગડતું ગગડતું 66 ઉપર આવી ગયું છે. એનાથી ચૂંટણીના સમીકરણો સંપૂર્ણપણે ભાજપની તરફેણમાં બદલાઈ ગયા છે.

ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનની જીત નિશ્ચિત થઈ ગઈ છે અને કૉંગ્રેસના બે દિગ્ગજ ઉમેદવારો શક્તિસિંહ ગોહિલ કે ભરતસિંહ સોલંકી પૈકી કોઈ એકની હાર નિશ્ચિત દેખાઈ રહી છે.

જ્યારે અમિત શાહની આબરૂ ગઈ

થોડું ફલૅશબૅકમાં જઈએ. મોદી-શાહના ગુજરાતમાં રાજ્યસભા 2020ની ચૂંટણી સમજવા માટે આ પહેલાની ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી 2017 સમજવી પડે. એ હાઈ-પ્રોફાઇલ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો હતા અમિત શાહ અને સ્મૃતિ ઈરાની અને કૉંગ્રેસનાં અહમદ પટેલ.

અહમદ પટેલને હરાવવા ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા બળવંત સિંહને ઉભા રાખ્યા. આ ઉપરાંત કૉંગ્રેસના 57માંથી 15 ધારાસભ્યોના રાજીનામાં અપાવ્યાં અને ક્રોસ વોટિંગ કરાવ્યું.

આમ છતાં, 20-20 મૅચ જેવા નેઇલ બાઇટિંગ ઇલેકશનમાં ભાજપના બે વોટ શક્તિસિંહ ગોહિલે ટેકનિકલ કારણસર રદ કરાવ્યા અને જેડીયુના છોટુ વસાવાએ પાર્ટી વ્હીપ અવગણીને અહમદ પટેલને વોટ આપ્યો. આ એક વોટથી કૉંગ્રેસના ટ્રબલ શૂટર ગણાતા અહમદ પટેલ આબરૂ બચી ગઈ અને ચૂંટણીઓના અઠંગ ખેલાડી ગણાતા અમિત શાહની આબરૂ ગઈ.

નરહરિ અમીનની એન્ટ્રી

રાજ્યસભા ચુંટણી 2020 માત્ર ચુંટણી નથી, ભાજપ માટે 2017ની નામોશીભરી 'હાર'નો બદલો લેવાનો મોકો છે. ગુજરાત વિધાનસભામાં બંને પક્ષના સંખ્યાબળ પ્રમાણે કાયદેસર ભાજપ-કૉંગ્રેસ બંનેને બે-બે બેઠક મળે એવી સ્થિતિ હતી.

કૉંગ્રેસમાં પહેલા ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ નક્કી હતા. બીજા ઉમેદવાર તરીકે રાજીવ શુકલાના નામની વાત હતી પરંતુ ભરતસિંહ સોલંકીએ બહારવટાની ધમકી આપીને પોતાનું નામ જાહેર કરાવ્યું.

ભાજપમાં પહેલા બે નામ જાહેર થયા - અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા. જો કે છેલ્લી ઘડીએ મૂળ કૉંગ્રેસી ગોત્રના ભાજપી નેતા નરહરિ અમીનનું નામ ત્રીજા ઉમેદવાર તરીકે જાહેર થયું. એ સાથે જ ભાજપે ઢોલ ટીપીને જાહેર કરી દીધું કે અમે આ ચૂંટણીમાં (પણ) અંચઈ કરીશું.

ઝાડ પરથી પાકા ફળો ખરે એમ પાંચ કૉંગ્રેસી ધારાસભ્યો ટપોટપ ખરીને ભાજપની ઝોળીમાં જઈ પડ્યાં.

હાંફળી-ફાંફળી કૉંગ્રેસે એના બાકી બચેલા ધારાસભ્યોને પડોશી કૉંગ્રેસી રાજ્ય રાજસ્થાનના એક રિસોર્ટમાં મોકલી દીધાં, કારણ કે નરહરિ અમીન જીતવા માટે હજી બીજા ત્રણ ધારાસભ્યો તોડવાની ફિરાકમાં હતા.

આવામાં કોરોનાનું લૉકડાઉન આવ્યું અને રાજ્યસભાની ચૂંટણીઓ જ મોકૂફ થઈ ગઈ. આમ નાટકમાં બે મહિનાનો ઇન્ટરવલ પડ્યો.

કૉંગ્રેસના બે સિંહ સામસામે થઈ ગયા

પહેલી જૂને વડાપ્રધાને લૉકડાઉન અનલૉક કર્યું અને ગુજરાતમાં ખરીદ વેચાણ ફરી શરૂ થયું. બે કૉંગ્રેસી ધારાસભ્યો અક્ષય પટેલ અને જીતુ ચૌધરી ધારાસભ્યપદેથી રાજીનામું આપીને અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા.

કૉંગ્રેસ હજી કંઈ સમજી શકે એ પહેલાં આપણે અગાઉ કહ્યું એમ ત્રીજા એટલે કે કુલ આઠમા ધારાસભ્ય મોરબીના બ્રિજેશ મેરજાની પણ વિકેટ પડી અને એમને પોલીસ રક્ષણ લેવું પડ્યું.

હજી બીજા ધારાસભ્યો પણ જઈ શકે એવા ફફડાટમાં કૉંગ્રેસે ફરી ધારાસભ્યોને રિસોર્ટ ભેગા કરવા માંડ્યા. જો કે ખરી કૉમિક ટ્રૅજેડી હવે થઈ છે.

અમિત શાહની રાજરમતમાં (આપણે આને ચાણક્યની ચાલ નહીં કહીએ) મુકાબલો ભાજપ કૉંગ્રેસ વચ્ચે થવાને બદલે કૉંગ્રેસના જ બે સિંહો શક્તિસિંહ અને ભરતસિંહ વચ્ચે આવીને ઉભો રહ્યો છે.

આ જ કારણ છે, કે કૉંગ્રેસના ધારાસભ્યો આ વખતે પહેલીવાર કોઈ એક રિસોર્ટમાં જવાને બદલે ગ્રુપ મુજબ ઉત્તર, દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્ર એમ ચાર અલગ અલગ રિસોર્ટમાં છે.

સૌરાષ્ટ્રના રાજકોટનાં રિસોર્ટમાં શક્તિસિંહનો કૅમ્પ છે અને મધ્ય ગુજરાતના આણંદના રિસોર્ટમાં ભરતસિંહનો કૅમ્પ. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો બંને કેમ્પ વચ્ચે વહેંચાયેલા છે. કોણ ક્યાં ગયું એ તો વોટિંગને દિવસે જ ખબર પડશે.

કોરોનામાં પૉલિટિક્સ

શક્તિસિંહ બાપુ ખરા પણ બળવાવાળા બાપુ નહીં. જ્યારે ભરતસિંહ આ વખતે 'ફાઇટ ટુ ફિનિશ'નાં મૂડ અને મોડમાં છે-શંકરસિંહ વાઘેલા બાપુવાળા રસ્તે.

આ વાત તો એમણે રાજીવ શુક્લા જેવા હેવી વેઇટની ટિકિટ કપાવીને પોતાને માટે ટિકિટ લીધી ત્યારે જ સ્પષ્ટ થઈ ગઈ હતી.

અત્યારે ભલે કૉંગ્રેસ ઓફિશિયલી શક્તિસિંહ ગોહિલને એમના 1 નંબરના અને ભરતસિંહ સોલંકીને 2 નંબરના ઉમેદવાર કહેતી હોય પણ ભરતસિંહને એ મંજૂર નથી. ભરતસિંહે પોતાના માટે બે જ ઓપ્શન રાખ્યા છે. 'ગમે તે' કરીને આ ચૂંટણી જીતીને રાજ્યસભામાં જવું અને જો એમ ન થાય તો 'કેસરિયા' કરવા. કૉંગ્રેસના વધ્યા ઘટ્યા ધારાસભ્યો તૂટે એ અત્યારે તો દીવાલ પર લખેલી હકીકત લાગે છે.

જોકે, કમનસીબે મોદી-શાહના ગુજરાતમાં આ રાજકીય ખેલ એવા ટાણે મંડાયો છે, જ્યારે ગુજરાત કોરોના સામે જીવસટોસટની લડાઈ લડી રહ્યું છે. અમદાવાદનો મૃત્યુ દર આખા ભારતમાં સૌથી વધારે છે. અમદાવાદમાં મરણ એક હજારનાં આંક સુધી છે અને પૉઝિટિવ કેસ 14,000ને પાર કરી ગયા છે.

સત્તાવાર આંકડા મુજબ ગુજરાતમાં કેસનો આંકડો 20 હજારને સ્પર્શવા પર છે અને 1200થી વધારે મોત થયા છે. લોકો રાહ જોઈને બેઠા છે, કે સરકાર નવા સાચા વૅન્ટિલેટરો ખરીદે પણ સમાચારો તો ધારાસભ્યોની ખરીદીના સંભળાય છે.

બોલો હવે? ગુજરાતી પ્રજા અનલૉક થયેલી ભાજપ-કૉંગ્રેસની આ ભવાઈ મ્હોં વકાસીને જોઈ રહી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો