કોરોના વાઇરસ ગુજરાતમાં આટલો જીવલેણ કેમ બની ગયો છે?

    • લેેખક, નીતિન શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગત 20 મેના દિવસે પરવીન બાનોને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ. જ્યારે તેમણે પોતોના પુત્ર અમીર પઠાણને આ વાત કહી તો તેઓ પોતાનાં માતાને હૉસ્પિટલ લઈ ગયા.

અમીર ચિંતિત હતા કારણકે તેમનાં 54 વર્ષીય પરવીન બાનો ડાયાબિટીઝ અને હૃદયની બીમારીનાં પણ દરદી હતાં. આટલું જ નહીં, અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં કોવિડ-19ના અનેક કેસ સામે આવ્યા છે.

અમીર કહે છે કે અમે ત્રણ હૉસ્પિટલમાં ગયા. બે સરકારી અને એક ખાનગી હૉસ્પિટલ. પરંતુ ક્યાંય બેડ ન મળ્યો. અંતે અમીર માતાને ઘરે લઈને આવતા રહ્યા.

અમીર પઠાણ કહે છે કે તે દિવસે અને પછી રાત્રે માતાની તકલીફ વધી ગઈ. આને કારણે તેમનો પરિવાર તેમને અમદાવાદનાં સિવિલ હૉસ્પિટલમાં લઈને ગયો.

જ્યારે માએ લીધાં છેલ્લા શ્વાસ

હૉસ્પિટલમાં કોવિડ-19ના ટેસ્ટ માટે સૅમ્પલ લેવામાં આવ્યું અને ઑક્સિજન સપોર્ટ આપવામાં આવ્યો.

ડૉક્ટરોને ખબર પડી કે તેમનું બ્લડ ઑક્સિજન લેવલ બહુ ઓછું છે. પઠાણ કહે છે કે બ્લડ ઑક્સિજન લેવલ આખો દિવસ ઉપર-નીચે થતું રહ્યું, એટલે ડૉક્ટરોએ તેમને વૅન્ટિલેટર પર મૂકયાં.

થોડા કલાકો પછી 22 મેના એક વાગીને 29 મિનિટે પરવીન બાનો ગુજરી ગયા. બીજે દિવસે સવારે તેમનો ટેસ્ટ રિપોર્ટ આવ્યો જેમાં જાણવા મળ્યું કે તેમને કોરોના સંક્રમણ થયું હતું.

આ મામલે હૉસ્પિટલે બીબીસીના પ્રશ્નોનો જવાબ નથી આપ્યો.

અમીર પઠાણનું કહેવું છે કે જો તેમની માતાને એક દિવસ પહેલ હૉસ્પિટલમાં બેડ મળી ગયો હોત તો કદાચ તેઓ બચી જાત.

કોવિડ-19ને સારી રીતે હૅન્ડલ ન કરવા માટે અમદાવાદની સિવિલ હૉસ્પિટલ સતત ચર્ચામાં રહી છે.

ગુજરાત હાઈકોર્ટે સુઓમોટોની સુનાવણીમાં સિવિલ હૉસ્પિટલમાં 490 લોકોની મૃત્યુની સંખ્યાનો ઉલ્લેખ કરતા તેને એક 'ડંજન' એટલે કે કાળ કોટડી કહી હતી.

ગુજરાત હાઈકોર્ટે આ મહામારીને સારી રીતે સંભાળી ન શકવા માટે રાજ્ય સરકારની પણ આકરી ટીકા કરી હતી.

જોકે, સરકારે પોતાના તરફથી કોઈ પણ ઢીલ રાખવામાં આવી રહી હોવાની વાતનો ઇન્કાર કર્યો હતો અને ચીફ જસ્ટિસ વિક્રમ નાથ પરત ફર્યા બાદ થયેલી સુનાવણીમાં તો ગુજરાત હાઈકોર્ટે પણ સરકારની કામગીરીના અહેવાલ પર સંતોષજનક વલણ લીધું હતું.

પ્રશ્ન એ છે કે ગુજરાતમાં કોરોના વાઇરસને કારણે આટલા લોકો કેમ મરી રહ્યા છે?

અમદાવાદમાં આટલા લોકો કેમ મરી રહ્યા છે?

અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે અને લગભગ 70 લાખ લોકો રહે છે.

આ શહેર કોરોના વાઇરસથી સૌથી વધારે અસરગ્રસ્ત થયું છે કારણકે ગુજરાતના કોરોના સંક્રમણના કુલ કેસમાંથી 75 ટકા કેસ અમદાવાદમાં જ છે અને મોટાભાગના મૃત્યુ પણ અહીં જ થયા છે.

કોરોના વાઇરસ સંક્રમિત લોકોની સંખ્યાના આધારે ગુજરાત 22,527 કેસની સાથે ચોથું રાજ્ય છે જ્યાં આ મહામારીએ ભયંકર રૂપ લીધું છે.

જોકે રાજ્યોનો મૃત્યુદર 6.2 ટકા છે જે ભારતમાં સૌથી વધારે છે. આનો અર્થ છે કે સંક્રમિત થનાર કુલ લોકોમાંથી 6.2 ટકા લોકોનું મૃત્યુ થઈ રહ્યું છે.

ભારતનો મૃત્યુદર 2.8 ટકા છે એટલે એ જોતા ગુજરાતનો મૃત્યુદર બમણાથી વધારે છે.

જ્યારે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદમાં થનારાં આટલાં મૃત્યુને લઈને ચિંતા વ્યક્તિ કરી ત્યારે રાજ્ય સરકારે કહ્યું કે આમાંથી 80 ટકા મૃત્યુ કો-મૉર્બિડિટીવાળા દરદી હોય છે.

આનો અર્થ કે આ દરદી પહેલાથી બીમાર હતા અને તેના કારણે કોવિડ-19 તેમના માટે વધારે ખતરનાક સાબિત થયો.

પરંતુ સાર્વજનિક આરોગ્ય પર શોધ કરનારા કહે છે કે મૃત્યુદરનું કોઈ એક કારણ જણાવવું મુશ્કેલ છે.

અમુક વિશેષજ્ઞ આના માટે ગુજરાતમાં બીમાર લોકોની વધારે સંખ્યાને જવાબદાર ઠેરવે છે.

પરંતુ અમુક નિષ્ણાતો કહે છે કે બીમારીનો ભાર કોઈ એક કારણ ન હોઈ શકે. કારણકે તમિલનાડુમાં કોઈ પણ રાજ્યની અપેક્ષાએ વધારે ડાયાબિટીઝ રોગી રહે છે પરંતુ મૃત્યુદર ઘણો ઓછો છે.

કોણ જવાબદાર છે?

એ પણ પ્રશ્ન ઊભા થઈ રહ્યો છે કે શું ભારત કોવિડ-19ના મૃત્યુની સંખ્યા ઓછી કરીને બતાવે છે. કારણ કે, જો એવું હોય તો ગુજરાત એ બાબતમાં અપવાદ ગણી શકીએ એવા કોઈ પુરાવા નથી.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સતત આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ હિસ્ટ્રી અને દિલ્હીના ધાર્મિક આયોજનમાં સામેલ થનાર તબલીગી જમાતના લોકોને જવાબદાર ઠેરવતા આવ્યા છે. દિલ્હીનું ધાર્મિક આયોજન ભારતમાં કોરોના વાઇરસનું સૌથી મોટું ક્લસ્ટર બન્યું હતું.

પરંતુ એ પણ એવું કારક નથી કે જેની અસર ફક્ત ગુજરાત પર પડી હોય.

કેરળમાં ગુજરાત કરતાં પણ વધારે લોકો વિદેશથી પાછા આવ્યા છે. તમિલનાડુમાં કોરોના વાઇરસથી સંક્રમિતની કૉન્ટૅક્ટ ટ્રેસિંગમાં જાણવા મળ્યું કે ઘણા બધા સંક્રમિત લોકો કોઈને કોઈ પ્રકારે દિલ્હીના ધાર્મિક આયોજનમાં સામેલ થનાર લોકોનાં સંપર્કમાં આવ્યા હતા.

આ સ્થિતિમાં આ તમામ કારકોને સંક્રમણના કેસોમાં વૃદ્ધિ માટે જવાબદાર ઠેરવી શકાય પરંતુ તે મરનારની આટલી મોટી સંખ્યાનું કારણ નથી દર્શાવતા.

ઓછું ટેસ્ટિંગ, અવિશ્વાસ અને શરમ

અમદાવાદ હૉસ્પિટલ ઍન્ડ નર્સિંગ હોમ એસોસિએશનના અધ્યક્ષ ભરત ગઢવી કહે છે, "આનું એક કારણ હોઈ શકે કે લોકો હૉસ્પિટલમાં મોડેથી આવે છે."

ડૉક્ટરો કહે છે કે, ખાનગી હૉસ્પિટલ દરદીઓને લેવાની ના પાડે અથવા ઇલાજ કરવા સમર્થ નથી, જેના કારણે લોકો સરકારી હૉસ્પિટલમાં સારવાર કરાવવાથી બચવા માગે છે.

એક કારણ કારણ સરકારી હૉસ્પિટલોની ખરાબ હાલત અને લોકોનો અવિશ્વાસ પણ છે.

ડૉક્ટરો કહે છે કે આનું કારણ શરમ પણ હોઈ શકે છે.

ભારતના સૌથી મોટા સાર્વજનિક હૉસ્પિટલ એમ્સના નિદેશક રણદીપ ગુલેરિયાએ મે મહિનામાં અમદાવાદની સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોની મુલાકાત બાદ આ પ્રકારના સંકેત આપ્યા હતા.

તેમણે કહ્યું હતું, "એક બહુ મોટી મુશ્કેલી જેના પર વાત થઈ એ કોવિડ-19ને લઈને દરદીઓમાં શરમની ભાવના હતી. લોકો હજી ટેસ્ટિંગ માટે હૉસ્પિટલ આવવાથી ડરી રહ્યા છે."

મે મહિનામાં હૉસ્પિટલમાં ભરતી થનાર દરદીઓની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી હતી. એ સંભવત: એટલા માટે કારણકે સ્ક્રિનિંગ અને ટેસ્ટિંગ વધી ગઈ છે જેના કારણે ડૉક્ટર અને અધિકારીઓ વાઇરસને ઝડપથી ફેલાવવામાં સક્ષમ તત્વો (શાક અને ફળ વેચનાર)ને ઓળખવામાં સફળ થયા.

પરંતુ નિષ્ણાતો કહે છે કે અમદાવાદમાં ટેસ્ટિંગ હજી બહુ ઓછું છે.

અર્થશાસ્ત્રી પ્રોફેસર કાર્તિકેટ ભટ્ટ કહે છે, "સરકારે આ સમસ્યાનું સમાધાન કાઢવામાં ધ્યાન ન આપ્યું. ખાસ કરીને કન્ટેન્મેન્ટ ઝોનમાં."

તેઓ કહે છે કે અમદાવાદના જૂના શહેરી વિસ્તારમાં 10-11 કંટેન્મેન્ટ ઝોન છે. અને આ બધી જગ્યા ગીચ વસતી ધરાવે છે.

તેઓ કહે છે "આ વિસ્તારોને શહેરથી કાપી નાખવામાં આવ્યા હતા પરંતુ આ વિસ્તારોમાં વાઇરસને પ્રસરતો રોકવા માટે પૂરતા પગલા લેવામાં નહોતાં આવ્યા."

સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે કે "આ જગ્યાઓ પર શારીરિક અથવા સામાજિક દૂરીના નિયમનું પાલન કરવું મુશ્કેલ છે. કારણકે આ એ વિસ્તાર છે જ્યાં લોકો કપડાં અને વાસણ પણ ઘરની બહાર ધોવે છે."

ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના એક રિપોર્ટ પ્રમાણે, ''વિશેષજ્ઞ માને છે કે આ વિસ્તારમાં વાઇરસ બહુ ઝડપથી ફેલાયો અને જાણકારીના અભાવ અને શરમને કારણે લોકો હૉસ્પિટલ જવાનું ઉચિત સમજતા ન હતા.''

એક મોટું શહેર

વાઇરસથી સંક્રમિત થઈને બચવાવાળા પણ કહે છે કે શહેરની હૉસ્પિટલો આ સંકટ માટેની કોઈ તૈયારી નથી.

દસ દિવસ સુધી કોવિડ-19 વૉર્ડમાં સારવાર કરાવીને સાજા થયેલા 67 વર્ષીય લક્ષ્મી પરમાર કહે છે કે "મારે કેટલાક કલાકો સુધી બેડ માટે રાહ જોવી પડી."

તેઓ કહે છે, "શરૂઆતમાં કોઈ નાસ્તો નહોતો મળતો. મારે એક સ્થાનિક રાજનેતાને આની ફરિયાદ કરવી પડી. ત્યાં 40-50 દરદીઓ માટે બે બાથરૂમ હતા."

વિશેષજ્ઞ કહે છે કે આ મહામારીએ ગુજરાતના ખરાબ સ્વાસ્થ્ય તંત્રને ઉજાગર કર્યું છે.

પ્રોફેસર ભટ્ટ કહે છે, "આ બધું ન થયું હોત તો કોઈ પણ ગુજરાતના હૉસ્પિટલોની હાલતમાં રસ ન લેત. હવે ડૉક્ટરોની કમી અને પૅરામેડિક્સની અછત બધાની સામે આવી ગઈ છે. અમે જોઈ રહ્યા છીએ કે લૉકડાઉનના સમયમાં પણ ઉતાવળમાં લોકોને નોકરી પર રાખવામાં આવ્યા."

બ્રુકિંગ્ઝ ઇન્સ્ટિટ્યૂટના એક અધ્યયનમાં સામે આવ્યું કે ગુજરાતમાં પ્રતિ એક હજાર લોકો માટે 0.3 બેડ છે જે રાષ્ટ્રીય સરેરાશ 0.5 કરતા પણ ઓછા છે. એટલે પ્રતિ દસ હજાર લોકો પર ગુજરાતમાં માત્ર ત્રણ બેડ છે.

કોરોના વાઇરસના કેસ વધવાને કારણે બેડ, પીપીઈ કિટ અને ક્વોરૅન્ટીન કેન્દ્રોની અછત ઊભી થઈ છે.

છેલ્લા થોડા અઠવાડિયામાં ગુજરાતે કુલ સંક્રમિત લોકોની સંખ્યા તમિલનાડુ કરતા વધારે થઈ ગઈ છે. પરંતુ હાલત હજી ખરાબ છે કારણકે મૃત્યુદર ઘણો વધારે છે.

ગુજરાતના આરોગ્ય મંત્રી નીતિન પટેલ કહે છે કે "અમે કર્તવ્યોનું નિર્વહન કરવામાં નિષ્ફળ રહ્યા છીએ એ વાત સાથે હું અસહેમત છું. અમારી પાસે આ સમયે 23 હજાર ખાટલા ઉપલબ્ધ છે. અમારા આરોગ્યકર્મીઓ સતત કામ કરી રહ્યા છે. પરિસ્થિતિ કાબુમાં રહે તે માટે અમે શ્રેષ્ઠ મેડિકલ ઉપકરણો તેમને આપી રહ્યા છીએ જેથી. અને પરિસ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે."

પરંતુ ગુજરાત સરકારની ટીકાનું એક કારણ એ પણ છે કે ગુજરાતમાં પ્રથમ કેસ લૉકડાઉન શરૂ થતા પહેલા 19 માર્ચે આવ્યો હતો અને તેના પર સમયસર કાબૂ મેળવવામાં સરકાર નિષ્ફળ રહી છે.

ગઢવી કહે છે, "સરકારી નીતિઓ થોડી બહેતર થઈ શકી હોત. ટેસ્ટિંગ અને ક્વોરૅન્ટીન કેન્દ્ર જોવામાં મજબૂત હતા પરંતુ સમય સાથે બધા નબળા થવા લાગ્યા, જેમ જેમ સમય વીતતો ગયો પ્રશાસન થાકેલું દેખાવા લાગ્યું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો