You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : શું શાકાહારી લોકોને ચેપ ન લાગે?
- લેેખક, બીબીસી રિયાલિટી ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
દુનિયાભરમાં કોરોના વાઇરસનો કેર ચાલુ છે. આ સાથે જ ખોટી અને ગુમરાહ કરનારી સ્વાસ્થ્યસલાહો પણ મોટા પાયે ઑનલાઇન ફેલાઈ રહી છે.
અમે તાજેતરનાં કેટલાંક ઉદાહરણો લીધાં છે અને જાણવાની કોશિશ કરી કે એ ક્યાંથી પેદા થઈ છે.
એ ડૉક્ટર જેમણે શાકાહારી બનવાની સલાહ ન આપી
મોટા ભાગે એવા સંદેશા મોકલાતા હોય છે જેમાં સામાન્ય રીતે ઠીકઠાક સલાહ હોય છે, પરંતુ તેમાં ઘણા દાવા પણ હોય છે જે સામાન્ય રીતે ગુમરાહ કરનારા અને નુકસાનકારક પણ હોય છે.
આવા સંદેશા વારંવાર સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર મોકલવામાં આવતા હોવાથી તેને ટ્રૅક કરવાનું મુશ્કેલ થઈ જાય છે.
ભારતની મુખ્ય બે મેડિકલ સંસ્થા અને એક મુખ્ય ભારતીય ડૉક્ટરે વૉટ્સઍપ ગ્રૂપ પર મોટા પાયે શૅર થતા આવા એક નકલી સંદેશાની આલોચના કરી છે, જેમાં તેમના નામે સ્વાસ્થ્યસલાહ અપાઈ છે.
આ સંદેશમાં વાઇરસથી બચવા માટે સાવધાની રાખવાની એક લાંબી યાદી અપાઈ છે. તેમાં સામાજિક અંતર, ભીડભાડથી બચવા અને સાફસફાઈ રાખવા જેવી કામની ચીજો સામેલ છે.
પરંતુ તેમાં શાકાહારી બનવાની પણ સલાહ અપાઈ છે. તેમજ બૅલ્ટ, વીંટી કે હાથ પર ઘડિયાળ પહેરવાથી બચવાની પણ સલાહ અપાઈ છે.
આમાંના કોઈ પણ ઉપાયથી વાઇરસથી બચવામાં મદદ મળતી હોવાનું કોઈ પ્રમાણ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોવિડ-19ને લઈને WHOએ આપેલી પોષણસંબંધી સલાહમાં પ્રોટિનની સાથે ફળ અને શાકભાજી લેવાની વાત કરી છે.
ફ્લૂ વૅક્સિનથી કોવિડ-19નું જોખમ નથી વધતું
આ એટલા માટે મહત્ત્વનું છે કે આમાં એક વાસ્તવિક સ્ટડી તરફ ઇશારો કરવામાં આવ્યો છે.
ફેસબુક પર મોટા પાયે શૅર કરાયેલી એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જો તમે કોઈ ઇન્ફ્લૂએન્ઝાની રસી લીધી છે તો કોવિડ-19ની ઝપેટમાં આવવાની શક્યતા વધી જાય છે.
આ પોસ્ટમાં અમેરિકન મિલિટરીના છાપેલા સ્ટડી અંગે પણ જણાવાયું છે.
પરંતુ આ અભ્યાસ ઑક્ટોબર 2019માં છપાયો હતો અને એ સમયે કોવિડ-19 શરૂ થયો નહોતો. સાથે જ તેમાં ઉપયોગમાં લીધેલા આંકડા 2017-18ની ફ્લૂ સિઝનના છે.
એ વાતનું કોઈ પ્રમાણ નથી કે ફ્લૂ જૅબ (ફ્લૂની વૅક્સિન)થી કોવિડ-19ના સંપર્કમાં આવવાનું જોખમ વધી જાય છે.
યુએસ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલની સલાહ સ્પષ્ટ છે: "ઇન્ફ્લૂએન્ઝા વૅક્સિનેશનથી લોકોની અન્ય શ્વાસોશ્વાસ સંક્રમણોની ઝપેટમાં આવવાની શક્યતા વધી જતી નથી."
ધૂમ્રપાનને લીધે વાઇરસથી બચવામાં મદદ નથી મળતી
આ દાવો વારંવાર કરવામાં આવે છે. ધૂમ્રપાન કરનારા લોકો ઇચ્છતા હશે કે આ દાવો સાચો હોય, પરંતુ એવું નથી.
આ વાતનો કોઈ પુરાવો નથી કે આ લોકોને કોવિડ-19નું ઓછું જોખમ છે. પરંતુ આ રીતના લેખો ઘણા છે, જેમાં કહેવાય છે કે ધૂમ્રપાન કરનારા લોકોને કોરોના થવાનું જોખમ ઓછું છે.
ઉદાહરણ તરીકે, 'યૂકે મેલ ઑનલાઇન'નો આ લેખ લઈ લો. આ લેખ હજારો વાર શૅર કરાયો છે, જેમાં કહેવાયું છે કે એ વાતનું પ્રમાણ છે કે સ્મૉકિંગથી કોરોના વાઇરસનું જોખમ ઓછું થઈ શકે છે.
તેમાં કહેવાયું છે કે ઘણા દેશોમાં થયેલાં અધ્યયનોની સમીક્ષાથી ખબર પડી છે કે હૉસ્પિટલમાં ભરતી થનારા કોવિડ-19ના દર્દીઓમાં ધૂમ્રપાન કરનારા લોકોની સંખ્યા ઓછી છે.
તેમાં એ પણ કહેવાયું છે કે નિષ્ણાતો તેની વચ્ચેનો સંબંધ શોધવાની કોશિશ કરી રહ્યા છે.
એક ફ્રેન્ચ હૉસ્પિટલના કરાયેલા અધ્યયનથી ખબર પડે છે કે નિકોટિન કોવિડ-19ના સંક્રમણને ફેલાવવાથી રોકવાનું કારણ હોઈ શકે છે.
નિકોટિન પેચ અને નિકોટિન રિપ્લેસમેન્ટ થૅરપીની કોરોના વાઇરસ પરની અસરને લઈને રિસર્ચ ચાલુ છે.
પરંતુ ડબલ્યુએચઓનું કહેવું છે, "કોવિડ-19ની સારવાર કે તેને રોકવામાં તમાકુ કે નિકોટિન વચ્ચેની લિંકની પુષ્ટિ મામલે હજુ સુધી કોઈ પૂરતી જાણકારી ઉપલબ્ધ નથી."
તેમાં કહેવાયું છે કે સ્મોકિંગની સાથે અન્ય સ્વાસ્થ્યસંબંધી સમસ્યાઓને જોતાં ધૂમ્રપાન કરનારા લોકોને કોરોના વાઇરસથી ગંભીર રીતે બીમાર થવાનું જોખમ વધુ છે.
સાથે જ આ વાતની સ્પષ્ટ મેડિકલ સલાહ છે કે જે લોકો સ્મૉકિંગ કરે છે, તેમણે વર્તમાન મહામારીને કારણે એ છોડી દેવું જોઈએ, કેમ કે તેનાથી ફેફસાંની ગંભીર બીમારી થઈ શકે છે.
લાંબા સમય સુધી માસ્ક પહેરવો નુકસાનકારક?
વધુ એક ગુમરાહ કરનારો લેખ સોશિયલ મીડિયામાં શૅર કરાઈ રહ્યો છે. તેમાં કહેવાયું છે કે લાંબા સમય સુધી માસ્ક પહેરવો સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
આ દાવો પહેલી વાર સ્પેનિશ ભાષામાં ઑનલાઇન કરાયો હતો તથા તેને દક્ષિણ અને મધ્ય અમેરિકામાં પણ મોટા પાયે શૅર કરવામાં આવ્યો હતો.
બાદમાં તેનો અનુવાદ અંગ્રેજી પ્લૅટફૉર્મ પર પણ આવી ગયો. તેમાં એક નાઇજીરિયન ન્યૂઝ સાઇટ પણ સામેલ છે, જ્યાં આ લેખ 55,000થી વધુ વાર ફેસબુક પર શૅર કરાયો છે.
લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે વધુ સમય માસ્ક પહેરીને શ્વાસ લેવાથી કાર્બનડાયૉક્સાઇડ શ્વાસના માધ્યમથી અંદર આવે છે.
તેનાથી ચક્કર આવે છે અને શરીરમાં ઑક્સિજન ઓછું થઈ જાય છે. એવી સલાહ અપાય છે કે દર 10 મિનિટે માસ્ક કાઢી નાખવો જોઈએ.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના ડૉ. રિચર્ડ મિહિગોએ બીબીસીને જણાવ્યું કે આ દાવો સાચો નથી અને વાસ્તવમાં તેનું પાલન કરવું ખતરનાક સાબિત થઈ શકે છે.
તેઓ કહ્યું, "નૉન-મેડિકલ અને મેડિકલ માસ્ક ગૂંથેલા દોરાથી બને છે. તેમાં શ્વાસ લેવાની ઉચ્ચ ક્ષમતા હોય છે. આ માસ્કથી તમે સામાન્ય રીતથી શ્વાસ લઈ શકો છે અને આ કણોને અંદર પ્રવેશતા રોકે છે."
તેઓએ એમ પણ કહ્યું કે માસ્ક કાઢીને શ્વાસ લેવાથી અને નુકસાનકારક અસરથી બચવાની સલાહ માનવાથી વાસ્તવમાં ચેપ લાગવાનું જોખમ વધી શકે છે.
એવી કેટલીક સ્થિતિ જેમાં ફેસ-માસ્ક પહેરવાની સલાહ કદાચ ન આપવામાં આવે. જેમ કે :
- બે વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો, જેમનાં ફેફસાં સંપૂર્ણ વિકસિત ન થયાં હોય.
- રેસ્પિરેટરી બીમારીવાળા લોકો, જેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
(દિલ્હીમાં શ્રુતિ મેનન અને નૈરોબીમાં પીટર મ્વાઈનું રિસર્ચ)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો