You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના ડૅક્સામૅથાસન: જીવનદાતા બનેલી આ દવા સાથે ભારતનો ખાસ સંબંધ કેમ છે?
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
"મંગળવાર સાંજથી જે ડૅક્સોનાનાં પત્તાં અને ઇન્જેક્શન વેચાવાનાં શરૂ થયાં છે ત્યારથી વાત ન પૂછો. જોકે આ દવા પહેલાં પણ મળતી રહી છે, પરંતુ હવે જે કોઈની પાસે પણ પ્રિસ્ક્રિપ્શન પર છે તે એક-એક મહિનાનો ડોઝ લઈ જઈ રહ્યો છે."
ઉત્તર પ્રદેશના લખનૌ શહેરમાં એક મેડિકલ સ્ટોરના માલિક રોહન કપૂરે ફોન પર મને આ વાત કહી.
એમણે આગળ જણાવ્યું, "0.5 એમજી પાવરવાળી ડૅક્સોનાની 30 ગોળી માત્ર સાત રૂપિયામાં મળે છે. શહેરમાં જ નહીં ગામડાંઓમાં પણ આની ખાસ્સી માગ છે."
દિલ્હી પાસેના નોઇડામાં પણ આ નામથી મળતી આવતી દવાઓ વિશે ઉત્સુકતા વધી ગઈ છે.
બુધવારે સાંજે દવાની એક દુકાન પર બે લોકો દુકાનદાર પાસે આ દવા વિશે પૂછપરછ કરી રહ્યા હતા.
દુકાનદાર એમને કહ્યું, "દવા તો સસ્તી છે સાહેબ, પરંતુ તમને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં આપી શકું, કારણ કે એમાં સ્ટેરૉઇડ હોય છે. તે ક્રોસિન અથવા કૉમ્બિફલેમ જેવી દવા નથી જેને સરળતાથી જેટલી જોઈએ ખરીદી શકીએ છીએ."
હકીકતમાં ડૅક્સોના અને આ નામથી મળતી આવતી ડઝનબંધ દવાઓ ભારતમાં જાણીતી છે, જેને ડૉક્ટરો ઘણા સમયથી દર્દીઓને આપતા આવ્યા છે.
આ બધામાં હોય છે ડૅક્સામૅથાસન નામનું સૉલ્ટ અથવા દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાતું કેમિકલ મિશ્રણ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સામાન્ય રીતે ટૅબ્લેટ અથવા ઇન્જેક્શનના માધ્યમથી ઉપયોગમાં લેવાનારી આ દવાને ડૉક્ટરો ગાંઠ, દમ, શરીરની અંદરના સોજા અથવા ઍલર્જી જેવી તકલીફોમાં આપતા હોય છે. સૅપ્સિસ જેવી ગંભીર મેડિકલ સ્થિતિમાં પણ આ દવા આપવામાં આવે છે.
ડૅક્સામૅથાસનની માગ કેમ?
હાલમાં જ બ્રિટનના નિષ્ણાતોએ દાવો કર્યો છે કે દુનિયાભરમાં ખૂબ જ સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ દવા ડૅક્સામૅથાસન કોરોના વાઇરસથી સંક્રમિત અને ગંભીર રૂપથી બીમાર દર્દીઓનો જીવ બચાવવામાં મદદ કરી શકે છે.
શોધકર્તાઓનું અનુમાન છે કે જો આ દવાનો ઉપયોગ બ્રિટનમાં સંક્રમણના શરૂઆતી તબક્કામાં જ કરવામાં આવ્યો હોત તો લગભગ 5000 લોકોના જીવ બચાવી શકાયા હોત.
ઑક્સફર્ડ યુનિવર્સિટીની એક ટીમે હૉસ્પિટલોમાં ભરતી 2000 દર્દીઓને આ દવા આપી અને એ પછી તેમનો તુલનાત્મક અભ્યાસ એ 4000 દર્દીઓ સાથે કર્યો જેમને દવા અપાઈ નહોતી.
જે દર્દી વૅન્ટિલેટર પર હતા એમને આ દવાની અસરથી 40 ટકાથી લઈને 28 ટકા સુધી મૃત્યુનું જોખમ ઘટી ગયું અને જેમને ઓક્સિજનની જરૂર હતી એમાં આ જોખમ 25 ટકાથી 20 ટકા સુધી ઓછું થઈ ગયું.
શોધકર્તાઓ પ્રમાણે, કોરોના વાઇરસનું સંક્રમણ શરીરમાં સોજો વધારવાનો પ્રયત્ન કરે છે જ્યારે કે ડૅક્સામૅથાસન આ પ્રક્રિયાને ધીમી પાડવામાં અસરકારક જણાઈ છે.
નોંધપાત્ર છે કે આ દવા એ જ દર્દીઓને આપવામાં આવવી જોઈએ જેઓ હૉસ્પિટલમાં ભરતી હોય અને જેમને ઓક્સિજન અથવા વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા હોય.
આ દવા સસ્તી પણ છે માટે ગરીબ દેશો માટે પણ ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ શોધ પર સકારાત્મક પ્રતિક્રિયા આપતા કહ્યું, "અમે ડૅક્સામૅથાસન પર થયેલી રિસર્ચનું સ્વાગત કરીએ છીએ જે કોરોના વાઇરસથી થનારા મૃત્યુના દરમાં ઘટાડો લાવી શકે છે. આપણે જીવન બચાવવા અને નવા સંક્રમણને ફેલાવાથી રોકવા પર ધ્યાન આપવું પડશે."
"સ્વભાવિક છે કે બ્રિટનમાં થયેલી આ શોધ પછીથી કોરોના વિરુદ્ધની લડાઈમાં આ દવા એક મોટી સફળતા ગણાવાઈ રહી છે."
ભારત અને ડૅક્સામૅથાસન
ભારતમાં ડૅક્સામૅથાસનનો ઉપયોગ 1960ના દશકથી થતો રહ્યો છે અને જેમજેમ વસ્તી વધતી ગઈ એમ એનું ચલણ પણ વધ્યું.
અનુમાન છે કે ભારતમાં ડૅક્સામૅથાસનનું વાર્ષિક વેચાણ 100 કરોડ રૂપિયાથી પણ વધારે છે અને જાણકાર આ વેચાણને ઘણું મોટું એટલા માટે જણાવે છે કે આ દવા ખૂબ જ સસ્તી છે.
ભારત સરકારના 'ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઑર્ડર' પૉલિસી (જરૂરી દવાઓની કિંમતને નિયંત્રિત કરવાની નીતિ) હેઠળ આ દવાની ગોળીઓનાં પત્તાં અને ઇન્જેક્શન પાંચ રૂપિયાથી લઈને દસ રૂપિયાની અંદર ખરીદી શકાય છે.
ડ્રગ રિસર્ચ અને મૅન્યુફેક્ચરિંગ નિષ્ણાત ડૉક્ટર અનુરાગ હિતકારી જણાવે છે, "ડૅક્સામૅથાસન સોડિયમ સલ્ફેટ એક સ્ટેરૉઇડ છે જે ભારતમાં બહુ જ કૉમન છે."
તેમણે કહ્યું, "નાના-મોટા મળીને ભારતમાં આ મૂળ દવાના આઠ ઉત્પાદકો છે, જ્યારે કે આ દવાનાં અલગ-અલગ ફૉર્મ્યુલેશન (ટૅબ્લેટ અને ઇન્જેક્શન) વગેરે બનાવવાવાળી કંપનીઓ 15થી વધુ છે."
"સાથે જ આ દવા માટે જરૂરી સૉલ્ટ્સ વિદેશથી આયાત પણ કરવામાં આવે છે."
કારણ કે તમામ સ્ટેરૉઇડમાંથી એક આ પણ છે એટલે ભારતમાં ડૅક્સામૅથાસન દવાના ફૉર્મ્યુલેશનનો ઉપયોગ બ્લડ કૅન્સર અથવા કેટલાંક અન્ય કૅન્સરના દર્દીઓની સારવાર માટે પણ થતો આવ્યો છે.
ઇન્દ્રપ્રસ્થ અપોલો અને મેદાંતા હૉસ્પિટલમાં કૅન્સર વિભાગના પ્રમુખ રહી ચૂકેલા ડૉ. રાકેશ ચોપરાએ જણાવ્યું, "સ્ટેરૉઇડનો ઉપયોગ કારગત એ રીતે થાય છે કે તે માનવશરીરમાં હાજર કૅન્સર સૅલ્સને ટાર્ગેટ કરે છે, જેથી કિમોથૅરપી વધુ અસર કરી શકે.
ડૅક્સામૅથાસન દવાનો ઊંડો સંબંધ ખેલાડીઓ અને ઍથ્લીટ્સ સાથે પણ રહ્યો છે.
સ્પૉર્ટ્સ સાથે જોડાયેલી નાની અથવા ગંભીર ઈજાઓમાંથી બહાર આવવા માટેની પ્રક્રિયામાં આ દવાનો ઉપયોગ કરવામાં આવતો રહ્યો છે, ખાસ કરીને ખેલાડીઓના જલદી સાજા થવા માટે.
જોકે આંતરરાષ્ટ્રીય ડૉપિંગ એજન્સીએ ડૅક્સામૅથાસનને એ દવાઓની શ્રેણીમાં રાખી છે જેને કોઈ પણ સ્પર્ધા દરમિયાન લેવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
પરંતુ સ્પર્ધા પહેલાં અથવા પછી સારવાર માટે એના ઉપયોગ પર પ્રતિબંધ નથી.
ડૅક્સામૅથાસનથી સાવચેતી
કારણ કે ડૅક્સામૅથાસન એક સસ્તી અને કારગત દવા છે એટલા માટે દેશના દૂરસુદૂરના વિસ્તારોમાં પણ એનું ચલણ ઘણું છે.
અને એની સાથે જ રહેલું છે એના દુરુપયોગનું જોખમ પણ.
જેએનએમસી એએમયુ મેડિકલ કૉલેજ સૅન્ટરના મેડિકલ ઑફિસર ડૉ. અસદ મહેમૂદનું માનવું છે, "ડૅક્સામૅથાસન એવી દવા છે જેનો ભારતમાં સૌથી વધારે દુરુપયોગ થાય છે."
તેમણે જણાવ્યું, "દવા અનેક મેડિકલ સમસ્યા ઉપર તરત જ અસર કરીને રાહત આપે છે. ઉદાહરણ તરીકે, બ્રેઇન ટ્યુમરના દર્દીઓના સોજા વગેરે એનાથી ઓછા થઈ જાય છે, પરંતુ તે સંપૂર્ણ સારવાર નથી, કારણ કે અસર સીમિત સમય માટે હોય છે."
"આ જ કારણ છે કે ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં આજે પણ ડિગ્રી ન હોય એવા નકલી ડૉક્ટરની ભરમાર છે ત્યાં લગભગ દરેક બીમારી માટે આ દવા લખી આપવામાં આવે છે."
સ્વાભાવિક છે કે જો આ દવાનો દુરુપયોગ થયો તો એનાં વિપરીત પરિણામો પણ હશે.
દિલ્હીની મૅક્સ હેલ્થકૅરના વરિષ્ઠ ઍનેસ્થૅટિસ્ટ ડૉક્ટર મનોજ સિંહાએ જણાવ્યું, "સ્કિન ઍલર્જીથી લઈને ગાંઠ સુધીની ફરિયાદમાં એનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ડૅક્સામૅથાસનનો વધારે ઉપયોગ કરવાથી માનવશરીરની ઇમ્યુનિટી ઘટી જાય છે, જે સારી વાત નથી."
આ દવાના વધુ પડતાં ઉપયોગથી દર્દીઓમાં બેચેની, ઊંઘમાં ઘટાડો, વજન વધવું અને શરીરમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવતી રહી છે.
ભારતમાં ડૅક્સામૅથાસન દવાનો ઉપયોગ ગર્ભવતીની સારવારમાં પણ થતો આવ્યો છે જેમને પ્રિમૅચ્યૉર લેબર (સમય પહેલાંની પ્રસવની સ્થિતિ)માંથી પસાર થવું પડે છે.
ડૉક્ટર અસદ મહેમૂદે જણાવ્યું, " આ દરમિયાન મહિલાઓમાં ખૂબ જ નબળાઈની ફરિયાદ વધી જાય છે અને આ દવા તાત્કાલિક રાહત આપે છે. પણ દવાની માત્રા કોઈ પ્રમાણિત ડૉક્ટરે જ લખવી જોઈએ, નહીં તો તેની આડઅસર જોવા મળી શકે છે."
રહ્યો સવાલ બ્રિટનના નિષ્ણાતોના દાવાનો, જેમાં કહેવાયું છે કે ડૅક્સામૅથાસન કોરોના વાઇરસથી સંક્રમિત અને ગંભીર રૂપથી બીમાર દર્દીઓના જીવ બચાવવામાં મદદ કરી શકે છે, તો ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ એટલે કે આઈસીએમઆર હજી "આ શોધનાં સંપૂર્ણ પરિણામોનો અભ્યાસ કરશે."
આઈસીએમઆરના મહાનિદેશક ડૉક્ટર શેખર માંડેએ કહ્યું, "શોધમાં એમ બતાવાયું છે કે કોરોના વાઇરસના વધુ પડતાં સંક્રમણથી પીડાઈ રહેલા અનેક દર્દીઓ પર આ દવાની અસર જોવાઈ છે. બીજી વાત કે આ દવાની એટલી અસર એ દર્દીઓ પર નથી જોવા મળી જેમનામાં લક્ષણો ઓછાં હતાં. અમે સંપૂર્ણ અભ્યાસના છપાવાની રાહ જોઈશું."
"પરંતુ આ દવા લોકોએ પોતાની રીતે બિલકુલ ન લેવી જોઈએ." તેમણે જણાવ્યું કે આના માટે મેડિકલ સુપરવિઝન અનિવાર્ય છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો