You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત રાજ્યસભા ચૂંટણી : ભાજપે કઈ રીતે કૉંગ્રેસની 'ગણતરી' બગાડી?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થઈ ગયાં છે, જે મુજબ ભાજપના ત્રણ ઉમેદવાર વિજેતા થયા છે, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલનો વિજય થયો છે અને ભરતસિંહ સોલંકી પરાજિત થયા છે.
ભાજપે અભય ભારદ્વાજ અને રમીલાબહેન બારા ઉપરાંત ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનના નામની જાહેરાત કરી, ત્યારથી એવું માનવામાં આવતું હતું કે ત્રીજા ઉમેદવારને જિતાડવા માટે ભાજપ શક્ય તમામ પ્રયાસ કરશે.
ચૂંટણી પૂર્વે કૉંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં ધરી દીધાં હતાં, જેનાં કારણે પાર્ટીનું સંખ્યબાળ ઘટી ગયું હતું. પાર્ટીને ભારતીય ટ્રાઇબલ પાર્ટી, એન.સી.પી. તથા અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પૂર્ણ ટેકાની આશા હતી, પરંતુ તે કેટલાક અંશે ઠગારી નીવડી હતી.
2017ની રાજ્યસભા ચૂંટણી સમયે કૉંગ્રેસના નેતા અહમદ પટેલ સામે ભાજપની વ્યૂહરચના નિષ્ફળ નીવડી હતી, પરંતુ 2019 બાદ વધુ એક વખત વ્યૂહરચના સફળ થવા પામી હતી.
'રાજી'નામાંમાં રાઝ
ન્યૂઝ એજન્સી પી.ટી.આઈ.ના એક અહેવાલ મુજબ, કોરોનાના પ્રસાર પૂર્વે માર્ચ મહિનામાં ચૂંટણી યોજાવાની હતી, તે સમયે કૉંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધાં હતાં.
પછીના બે મહિનાના ગાળા દરમિયાન વધુ ત્રણ ધારાસભ્યોએ પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો. આ સિવાય બે ધારાસભ્ય કાયદાકીય કાર્યવાહીને કારણે મતાધિકારથી વંચિત થઈ ગયા.
મોરારિબાપુની ઉપર હુમલાના પ્રયાસથી ચર્ચામાં આવેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે મતાધિકાર માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, પરંતુ તેમને નિરાશા સાંપડી હતી.
આ સંજોગોમાં ગૃહનું સંખ્યાબળ ઘટી ગયું. રાજ્યસભાની ફૉર્મ્યુલા પ્રમાણે, ઉમેદવારને જીતવા માટે 35 મત (પસંદગી ક્રમાંકમાં પહેલાં)ની જરૂર હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપ પાસે 103નું સંખ્યાબળ હતું, જે ત્રણેય ઉમેદવારને જીતાડવા માટે (35 x 3 = 105) અપૂરતું હતું.
તરી જવાની ગણતરી
આઠ ધારાસભ્યોનાં રાજીનામાં બાદ કૉંગ્રેસનું સંખ્યાબળ 65 રહી જવા પામ્યું હતું. આથી પાર્ટીએ એન.સી.પી. (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી) તરફ નજર દોડાવી હતી. શિવસેનાના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારમાં બંને ભાગીદાર છે, એટલે આ સ્વાભાવિક પણ હતું.
એન.સી.પી.ના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજા છે, જેઓ કુતિયાણાની બેઠક ઉપરથી ધારાસભ્ય છે.
કૉંગ્રેસે 2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડગામની બેઠક ઉપરથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિરુદ્ધ ઉમેદવાર ન ઉતારીને તેમના વિજયને સરળ બનાવ્યો હતો.
મેવાણીનું ભાજપ સરકાર અને વિચારધારા વિરુદ્ધનું વલણ ઉપરાંત 2019ની રાજ્યસભાની ચૂંટણી દરમિયાન પણ તેમણે કૉંગ્રેસના ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યું હતું. આથી, પાર્ટીએ મેવાણી પર પણ મીટ માંડી.
આ સિવાય ભારતીય ટ્રાઇબલ પાર્ટીના બે ધારાસભ્ય ઉપર નજર દોડાવી હતી. 2017ની રાજ્યસભાની ચૂંટણી સમયે છોટુભાઈ વસાવા જે.ડી.યુ. (જનતા દળ યુનાઇટેડ)માં હતા, છતાં તેમણે પાર્ટી વ્હીપની અવગણના કરીને કૉંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલને વિજેતા બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.
આથી, તેમણે બીટીપીની સ્થાપના કરી, જેના વર્તમાન વિધાનસભામાં બે ધારાસભ્ય છે. ધારાસભ્ય મહેશભાઈ વસાવા પણ આ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરે છે.
આ સંજોગોમાં જો ભાજપના 103 ધારાસભ્યમાંથી એક-બે પણ વ્હીપની અવગણના કરે તો પાર્ટીનું ત્રીજા ઉમેદવાર માટેનું ગણિત બગડી જાય.
બિહાર કૉંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલને પ્રથમ, જ્યારે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાના પિતરાઈ ભરતસિંહ સોલંકીને બીજા ઉમેદવાર બનાવ્યા હતા.
બપોર સુધી સસ્પેન્સ
કાંધલ જાડેજાએ પાર્ટીના વ્હીપની અવગણના કરીને ભાજપના કૅમ્પમાં જઈને રાજ્યસભાના મતદાન માટેની તાલીમ લીધી હતી, જેથી સ્પષ્ટ હતું કે તેઓ કઈ તરફ ઢળશે.
આ સિવાય ભારતીય ટ્રાઇબલ પાર્ટીના છોટુભાઈ વસાવાએ અણિના સમય સુધી પત્તાં ખોલ્યાં નહોતાં. ચાર વાગ્યા સુધી મતદાન થવાનું હતું, ત્યારે તેમણે ત્રણ વાગ્યે પોતાનો નિર્ણય જાહેર કરવાનું એલાન કર્યું હતું. ત્યારસુધીમાં ભાજપ કૅમ્પનું મતદાન થઈ ગયું હતું.
આ દરમિયાન ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, સિદ્ધાર્થ પટેલ તથા ઇન્દ્રવિજયસિંહ ગોહિલે પ્રયાસ કર્યા હતા. ભાજપના નેતા ભરતસિંહ પરમાર તેમને ભાજપ તરફી મતદાન કરવા માટે મનાવવા પહોંચ્યા હતા. પરમાર-વસાવા વચ્ચે બંધ બારણે ચર્ચા પણ થઈ હતી.
અણિના સમયે વસાવાએ મતદાન નહીં કરવાની જાહેરાત કરી હતી.
બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથે વાત કરતા તેમણે કહ્યું :
"બંને પક્ષોએ મારો સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ પાર્ટી આદિવાસીની સમસ્યાના નિરાકરણનું કામ નથી કરી રહી. આથી અમે મતદાનનો બહિષ્કાર કરીને આંદોલન કરીશું."
વસાવા છેલ્લા લગભગ ત્રણ દાયકાથી દક્ષિણ ગુજરાતના પટ્ટા ઉપર વર્ચસ્વ ધરાવે છે. તેમણે કહ્યું કે તેઓ આદિવાસી ઉપરાંત દલિત તથા મુસ્લિમો માટે પણ અવાજ ઉઠાવશે અને આંદોલન કરશે, જેનો પરચો આગામી ચૂંટણીઓમાં જોવા મળશે.
...ને ગણિત બદલાઈ ગયું
બદલાયેલા સંજોગોમાં ગૃહનું સંખ્યાબળ ઘટીને 170 ઉપર આવી ગયું, આ સંજોગોમાં ભાજપ પાસે 104 ધારાસભ્ય (103 + કાંધલ જાડેજા) થઈ ગયું. સામે પક્ષે કૉંગ્રેસનું સંખ્યાબળ 66નું થયું. (65 + જિગ્નેશ મેવાણી.)
વિધાનસભાની ચૂંટણીની ફૉર્મ્યુલા મુજબ (ગૃહની સંખ્યા /ખાલી પડેલી બેઠકો +1) દરેક ઉમેદવારને જીતવા માટે 34 મત (પસંદગીમાં પ્રથમ)ની જરૂર રહી, જેણે ભાજપના ત્રણેય ઉમેદવારનો માર્ગ (34 X 3 = 102) સરળ કરી આપ્યો.
બે મત ખૂટતા કૉંગ્રેસ તેના બીજા ઉમેદવારને વિજેતા બનાવી શકી ન હતી.
જો અને તો....
જો ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન તથા કૉંગ્રેસના બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકી વચ્ચે પ્રથમ પસંદગીના મત એકસરખા પડ્યા હોત, તો દ્વિતીય પસંદગીના આધારે વિજેતા નક્કી થયો હોત.
ગૃહમાં સંખ્યાબળ જોતાં આ સ્થિતિ પણ ભાજપના પક્ષે જ લાભકારક રહી હોત અને નરહરિ અમીનનો વિજય નિશ્ચિત બન્યો હોત.
વ્હીપની અવગના કરવા બદલ એનસીપી ધારાસભ્ય કાંધલ જાડેજા વિરુદ્ધ પાર્ટીમાંથી હાંકી કાઢવાની કે તેમના સભ્યપદને રદ કરવા જેવી કાર્યવાહી કરી શકે છે.
પક્ષાંતર વિરોધી કાયદાની જોગવાઈ પ્રમાણે, પાર્ટીના ચૂંટાયેલા બે-તૃતીયાંશ લોકપ્રતિનિધિ (ધારાસભ્ય કે સંસદસભ્ય ) બીજા પક્ષમાં જોડાઈ શકે છે અથવા તો નવા પક્ષની સ્થાપના કરી શકે છે.
ગુજરાત વિધાનસભામાં કાંધલ જાડેજા એનસીપીના એકમાત્ર ધારાસભ્ય છે, એટલે તેમની પાસે ભાજપમાં જોડાવાનો વિકલ્પ ખુલ્લો રહે છે.
ગેમચૅન્જર વસાવા
2020ની રાજ્યસભાની ચૂંટણી દરમિયાન છોટુભાઈ વસાવાએ ભાજપના ઉમેદવારની જીતમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. જોકે, 2017ની ચૂંટણીમાં તેમણે ભાજપનો ખેલ ઉંધો પાડી દીધો હતો.
એ સમયે ભાજપે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલને હરાવવાનો પ્રયાસ કર્યો હતો અને એ વખતે છોટુ વસાવાનો મત નિર્ણાયક સાબિત થયો હતો.1
અગાઉ કૉંગ્રેસના નીશિત વ્યાસે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું, "અમને ખબર હતી કે અમારામાંથી બે વોટનું ક્રૉસ વોટિંગ થવાનું છે અને એન.સી.પી.ના બેમાંથી એક વોટ ભાજપમાં જવાનો."
એ વખતે છોટુ વસાવા જનતા દળ (યુનાઇટેડ)માંથી ચૂંટાયેલા ધારાસભ્ય હતા.
"જે.ડી.(યુ)ના એકમાત્ર ધારાસભ્ય છોટુ વસાવાને ભાજપના દબાણથી વ્હીપ મળ્યો છે અને ફરજિયાત ભાજપને વોટ આપવાના છે."
"અમે અમારા સંપર્કો લગાવ્યા અને છોટુ વસાવાને કૉંગ્રેસતરફી વોટ કરવા માટે મનાવી લીધા, કારણ કે એ કૉંગ્રેસમાં નહીં હોવા છતાં ભાજપથી નારાજ હતા."
"એ વખતે ભોળા ગોહિલ અને રાઘવજીએ (પટેલ) ક્રૉસવોટિંગ કર્યું, પણ ભાજપની ગાડીમાં આવેલા છોટુ વસાવાના વોટને કારણે કૉંગ્રેસની જીત પાક્કી થઈ ગઈ હતી."
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો