નેપાળ ભારતને વધુ એક ઝટકો આપવાની તૈયારીમાં છે?

નેપાળની સત્તારૂઢ પાર્ટી નેપાળી કૉમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી)ની સચિવાલયની એક બેઠકમાં નેપાળી પુરુષો સાથે લગ્ન કરનારાં વિદેશી મહિલાઓને લગ્નનાં સાત વર્ષ બાદ નાગરિકતા આપવાના નિર્ણયને પરવાનગી અપાઈ છે.

સચિવાલયની બેઠકમાં પાર્ટીએ આ નિર્ણય લીધો છે, જેના પ્રસ્તાવને સંસદીય રાજ્ય મંત્રાલય અને સુશાસન સમિતિ સંસદને મોકલશે.

નિર્ણય અંગે જાણકારી આપતાં પાર્ટીના પ્રવક્તા નારાયણ કાજી શ્રેષ્ઠે કહ્યું કે સચિવાલયની બેઠક પ્રમાણે નેપાળી પુરુષો સાથે લગ્ન કરનારી વિદેશી મહિલાને સાત વર્ષ બાદ પોતાની જૂની નાગરિકતા ત્યાગવાનું પ્રમાણ કે તેની સાથેનું પ્રમાણ બતાવીને નેપાળી નાગરિકતા અપાશે.

તેમનું કહેવું છે કે આ કાયદો ભારત સહિત બધી વિદેશી મહિલાઓને લાગુ પડશે.

નિર્ણયનો થઈ રહ્યો છે વિરોધ

નેપાળની સત્તારૂઢ પાર્ટીના આ નિર્ણયનો મુખ્ય વિપક્ષી દળ નેપાળી કૉંગ્રેસે વિરોધ કર્યો છે.

વિદેશી મહિલાઓને નાગરિકતા આપવાના નિર્ણય મામલે છેલ્લાં બે વર્ષથી ઘણી પાર્ટીઓમાં મતભેદ છે.

રાષ્ટ્રીય ઍસેમ્બલીમાં નેપાળી કૉંગ્રેસના સાંસદ રાધેશ્યામ અધિકારીએ કહ્યું કે નાગરિકતા આપવાની પહેલાંની રીતો જોવા જઈએ તો વિવાહિત મહિલાને ગમે ત્યારે નાગરિકતા મળી શકે છે, પરંતુ કૉમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી)નો આ નિર્ણય બંધારણને અનુરૂપ નથી.

નેપાળના બંધારણના અનુચ્છેદ 11 (6)ની જોગવાઈ અનુસાર, નેપાળી પુરુષ સાથે લગ્ન કરનારાં વિદેશી મહિલા કાયદા પ્રમાણે નેપાળની નાગરિકતા મેળવી શકે છે.

નાગરિકતાના કાયદા અનુસાર, વિદેશી મહિલાએ નાગરિકતા લેતી વખતે વિવાહિત સંબંધ અને જૂની નાગરિકતા ત્યાગનું પ્રમાણ આપવાનું હોય છે.

અધિનિયમમાં સંશોધન બિલ અંગે નેપાળી કૉંગ્રેસ અને તરાઈ-કેન્દ્રીય દળોએ કહ્યું કે બંધારણ અનુસાર પાછલી જોગવાઈને ચાલુ રાખવી જોઈએ.

સત્તાધારી દળ પાસે વિધાનમંડળ-સંસદનાં બંને સદનમાં બહુમતી છે, બિલ સીપીએન (માઆવાદી)ના નિર્ણય અનુસાર પાસ કરાઈ શકાય છે.

વિરોધ કેમ થઈ રહ્યો છે?

આ સંશોધનનો વિરોધ કરી રહેલી તરાઈ-કેન્દ્રીય જનતા સમાજવાદી પાર્ટીના નેતા લક્ષ્મણ કર્ણે પણ સીપીએન (માઓવાદી)ના નિર્ણયનો વિરોધ કર્યો છે.

તેઓએ કહ્યું, "નેપાળ અને ભારત ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધ ધરાવે છે, આથી આ રીતની વ્યવસ્થાએ લોકોની ભાવનાઓ પર હુમલો કર્યો છે. અમારી માગ વર્તમાન વ્યવસ્થાને જાળવી રાખવાની છે."

નેપાળની આ જોગવાઈ પર સોશિયલ મીડિયામાં પણ અસંતોષના સૂર સાંભળવા મળી રહ્યા છે.

નેપાળ અને ભારતનાં સીમાવર્તી ક્ષેત્રોમાં આંતર-દેશીય લગ્નો થવાં સામાન્ય વાત છે. ભારતીય દીકરીઓનાં નેપાળમાં લગ્ન કરાય છે, જ્યારે નેપાળી દીકરીઓ ભારતની વહુ બને છે.

ભારતને ધ્યાનમાં રાખીને પગલું ભરાયું?

નેપાળના ગૃહમંત્રી રામ બહાદુર થાપાનું કહેવું છે કે નાગરિકતા નિયમમાં ફેરફારનો આ પ્રસ્તાવ ભારતને ધ્યાનમાં રાખીને કરાઈ રહ્યો છે.

હાલમાં જ ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે નેપાળનો ભારત સાથે રોટી-બેટીનો સંબંધ છે, જેને દુનિયાની કોઈ તાકાત તોડી ન શકે.

હવે નેપાળના આ પગલા બાદ લાગી રહ્યું છે કે રોટી-બેટીનો આ સંબંધ કમજોર થઈ રહ્યો છે.

તો ભારતમાં પણ વિદેશી મહિલાઓને લગ્નનાં સાત વર્ષ પછી નાગરિકતા મળવાની જોગવાઈ છે, પરંતુ આ નેપાળની મહિલાઓને લાગુ પડતી નથી.

નેપાળ સાથે ચાલી રહ્યો છે વિવાદ

ભારત અને નેપાળ વચ્ચે આ સમયે કૂટનીતિક સ્તરે વિવાદ ચાલી રહ્યો છે.

નેપાળે પોતાના નકશામાં સંશોધનને કાયદાકીય માન્યતા આપી દીધી છે, આ નકશામાં લિપુલેખ સહિત ત્રણ વિવાદિત ક્ષેત્રોને નેપાળનો ભાગ દર્શાવાયાં છે.

તો ભારતનું કહેવું છે કે નેપાળ સાથેનો વિવાદ વાતચીતના માધ્યમથી ઉકેલાઈ રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો