ભારત-ચીન સીમાવિવાદ અંગે ડોનાલ્ડ ટ્રમ્પ શું બોલ્યા?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ભારત અને ચીન વચ્ચેના તણાવ પર નજર રાખી રહ્યા છે અને મદદ કરવા માગે છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ભારત અને ચીન સાથે વાતચીત કરી રહ્યું છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસની બહાર પત્રકારોને કહ્યું, "આ બહુ મુશ્કેલ પરિસ્થિતિ છે. અમે ભારત સાથે વાત કરી રહ્યા છીએ. અમે ચીન સાથે પણ વાત કરી રહ્યા છીએ."

"ત્યાં બંને વચ્ચે મોટી સમસ્યા છે. બંને એકબીજાની સામસામે આવી ગયા છે અને અમે જોઈશું કે આગળ શું થશે. અમે તેમની મદદ કરવાની કોશિશ પણ કરી રહ્યા છીએ."

15-16ની રાતે ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના કમાન્ડિંગ ઑફિસર સહિત 20 સૈનિકોનાં મૃત્યુ થયાં હતા.

ચીનના પણ ઘણા સૈનિકો ઘાયલ હોવાના સમાચાર છે, જોકે ચીને સત્તાવાર રીતે કોઈ આંકડો જાહેર કર્યો નથી.

ભારત અને ચીન વચ્ચેના વર્તમાન તણાવને જોતાં અમેરિકાના રાષ્ટ્રપતિએ ગત મહિને સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે તેઓ ભારત અને ચીન વચ્ચે મધ્યસ્થી કરવા માટે તૈયાર છે.

આધિપત્યનો ચીનનો દાવો ફગાવ્યો

ગલવાન ઘાટી પર ચીનનું આધિપત્ય છે એવો ચીનની સરકારે કરેલો દાવો ભારતે ફગાવી દીધો છે.

ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ગલવાન ઘાટી પરની સ્થિતિ ઐતિહાસિક રીતે સ્પષ્ટ છે અને ચીનનો ઍક્ચ્યુઅલ લાઇન ઑફ કંટ્રોલને લઈને કરવામાં આવેલો દાવો અતિશયોક્તિપૂર્ણ છે અને ટકી શકે એમ નથી તથા સ્વીકાર્ય નથી.

સામાચાર સંસ્થા એએેનઆઈ ભારતના વિદેશ મંત્રાલયને ટાંકીને લખે છે કે, ગલવાન ખીણ પર દાવો ચીનની પોતાની ભૂતકાળ સ્થિતિ સાથે પણ બેસતો નથી.

ઍક્ચ્યુઅલ લાઇન ઑફ કંટ્રોલ પર ભારતે સમજૂતીનો ભંગ કર્યો અને નિયમ તોડયાં એવો આરોપ ચીને મૂક્યો હતો તેને પણ ભારતે નકારી કાઢ્યો છે.

ભારતનું કહેવું છે કે તે મે મહિનાથી ચીન ભારતનું સામાન્ય પેટ્રોલિંગ પર અડચણો ઊભી કરી રહ્યું છે અને તેને પરિણામે સામેસામે આવવાની સ્થિતિ આવી જેને ગ્રાઉન્ડ કમાંડરે સંભાળી. ભારત પૉઝિશન બદલી રહ્યું છે એ વાત સ્વીકાર્ય નથી.

આ દરમિયાન આજે આગામી 23 જૂને યોજાનારી ભારત, રશિયા અને ચીનની વીડિયો કૉન્ફરન્સ પણ પાછી ઠેલવામાં કરવામાં આવી છે.

ચીને શું કહ્યું હતું?

અગાઉ ચીને કહ્યું છે કે તેમની અટકાયતમાં કોઈ ભારતીય નથી. ચીને એમ પણ કહ્યું કે આખી ગલવાન ઘાટી તેના અધિકારક્ષેત્રમાં છે.

ચીનના વિદેશ મંત્રાલયની દૈનિક પ્રેસ-કૉન્ફરન્સમાં એક સવાલના જવાબમાં પ્રવક્તા ઝાઓ લીજિયાને કહ્યું, "જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી આ સમયે ચીનની અટકાયતમાં કોઈ ભારતીય સૈનિક નથી."

જોકે તેઓએ ભારતીય સૈનિકોને હિરાસતમાં લીધા હોવાની વાતની પુષ્ટિ કરી નથી.

ભારતીય મીડિયા રિપોર્ટોમાં કહેવાયું કે ચીને 15-16 જૂનની રાતે થયેલી હિંસક અથડામણ બાદ ભારતના ચાર અધિકારી અને છ જવાનોને પોતાના કબજામાં લીધા હતા, જેમને ગુરુવારે સાંજે છોડી દીધા છે.

આ હિંસક ઘર્ષણમાં ભારતના 20 સૈનિકો માર્યા ગયા હતા, જેમાં એક કર્નલ પણ સામેલ હતા.

જ્યારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાને ગલવાન ઘાટીમાં થયેલા ઘટનાક્રમ બાદ ભારતમાં ચીન સામે થઈ રહેલાં વિરોધપ્રદર્શન અને ચીનના સામાનના બહિષ્કારની અપીલ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે ગલવાનમાં જે થયું તેના માટે ભારત જવાબદાર છે.

તેઓએ કહ્યું કે બંને દેશ સૈન્ય અને કૂટનીતિક ચેનલોના માધ્યમથી વાતચીત કરી રહ્યા છે અને તણાવ ઓછો કરવા પર ભાર આપી રહ્યા છે.

તેઓએ કહ્યું, "ચીન ભારત સાથેના સંબંધોને મહત્ત્વ આપે છે અને આશા રાખે છે કે ભારત ચીન સાથે મળીને દૂરગામી વિકાસ માટે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા માટે કામ કરશે."

ગલવાન ઘાટી અંગે ચીને શું કહ્યું, વાંચો સંપૂર્ણ નિવેદન

આખી ગલવાન ઘાટી ભારત-ચીન સીમાની પશ્ચિમ સૅક્શનમાં 'લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ' પર ચીન તરફ છે. ઘણાં વર્ષોથી ચીની સૈનિકો આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે.

આ વર્ષે એપ્રિલ બાદ લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ગલવાન ઘાટીમાં ભારતીય સેનાએ એકતરફી કાર્યવાહી કરીને સતત રસ્તાઓ બનાવ્યા છે, પુલ અને અન્ય ઠેકાણાં બનાવ્યાં છે.

ચીને ઘણી વાર ફરિયાદ કરી, પણ ભારતે વધુ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરીને એલએસી પાર કર્યું.

6 મેની સવારે એલએસી પારવાળી સીમા પર તહેનાત ભારતીય સૈનિકોએ (જે રાતમાં એલએસી પાર કરીને ચીનના ક્ષેત્રમાં આવી ગયા હતા) બેરિકેડ લગાવ્યાં અને કિલ્લેબંધી કરી, જેનાથી સીમા પર તહેનાત ચીનના સૈનિકોના પેટ્રોલિંગમાં અવરોધ પેદા થયો.

ભારતીય સૈનિકોએ જાણીજોઈને ઉશ્કેરણીજનક કાર્યવાહી કરીને પ્રબંધન અને નિયંત્રણની યથાસ્થિતિને બદલી નાખી.

ચીનના સૈનિકો પરિસ્થિતિને કાબૂ કરવા માટે અને જમીન પર પ્રબંધન અને નિયંત્રણને મજબૂત કરવા માટે જરૂરી પગલાં ભરવાં માટે મજબૂર થઈ ગયા.

તણાવ ઓછો કરવા માટે ભારત અને ચીને સૈન્ય અને કૂટનીતિક ચેનલો સાથે વાત કરી.

ચીનની મજબૂત માગની પ્રતિક્રિયાઓમાં ભારત એલએસી પાર કરનારા પોતાના સૈનિકોને પરત બોલાવા અને બનાવેલાં ઠેકાણાંને ધ્વસ્ત કરવા માટે તૈયાર થઈ ગયું. ભારતે આવું કર્યું પણ.

6 જૂને બંને પક્ષોમાં કમાન્ડર સ્તરે વાર્તા થઈ અને તણાવ ઓછો કરવા માટે સહમતી સધાઈ. ભારતીય પક્ષ એ વાત પર સહમત થયો કે તે ગલવાન નદી પાર નહીં કરે અને બંને પક્ષો જમીન પર મોજૂદ કમાન્ડરો વચ્ચેની બેઠકના માધ્યમથી સૈનિકોને તબક્કાવાર દૂર કરશે.

પરંતુ 15 જૂનની રાતે સીમા પર તહેનાત ભારતીય સૈનિક કમાન્ડર સ્તરે થયેલી બેઠકમાં થયેલા કરારનું ઉલ્લંઘન કરતાં ફરી એક વાર એલએસી પાર કરી ગયા.

જ્યારે ગલવાન ઘાટીમાં તણાવ ઓછો થઈ રહ્યો હતો ત્યારે તેઓએ જાણીજોઈને ઉશ્કેરવાની કાર્યવાહી કરી.

ચીનના જે સૈનિકો અને અધિકારીઓ વાતચીત કરવા માટે તેમની પાસે ગયા ત્યારે તેઓએ હિંસક હુમલો કર્યો, જેનાથી ભીષણ હિંસા થઈ અને લોકો ઘાયલ થયા.

ભારતીય સેનાની આ દુઃસાહસ કાર્યવાહીએ સીમા ક્ષેત્રની સ્થિરતાને કમજોર કરી છે, ચીનના સૈનિકોના જીવ જોખમમાં મૂક્યા છે, સીમાવિવાદ પર બંને પક્ષ વચ્ચે થયેલા કરારનું ઉલ્લંઘન કર્યું છે અને આંતરરાષ્ટ્રીય સંબંધોના મૂળ સિદ્ધાંતોનું ઉલ્લંઘન કર્યું છે.

ચીને ભારત સામે પોતાનો પક્ષ મૂક્યો છે અને તેનો જોરશોરથી વિરોધ કર્યો છે.

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર સાથે ફોન પર થયેલી વાતચીતમાં વિદેશમંત્રી વાંગ યીએ ભારતને કહ્યું કે આ ઘટનાની ગંભીરતાથી તપાસ થાય, જવાબદાર લોકોને કડક સજા થાય અને સીમા પર તહેનાત ભારતીય સૈનિકોને અનુશાસિત કરાય અને તાત્કાલિક બધી ઉશ્કેરણીજનક કાર્યવાહી બંધ થાય, જેથી આવી ઘટનાઓ ફરી વાર ન ઘટે.

જમીન પર સ્થિતિ સુધારવા માટે ઝડપથી કમાન્ડરો વચ્ચે બીજી બેઠક પણ થશે. ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ ગંભીર સ્થિતિને કાબૂમાં લેવા માટે બંને પક્ષ ન્યાયપૂર્ણ રીતે કામ કરીશું.

કમાન્ડર સ્તરની બેઠકમાં નક્કી કરેલા કરારનું પાલન કરીશું અને સ્થિતિને ઝડપથી શાંત કરીશું. અને અત્યાર સુધી

થયેલા કરાર પ્રમાણે સીમાવર્તી ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરીશું.

ભારતે શું કહ્યું?

ભારત-ચીન સીમાવિવાદ પર વડા પ્રધાન મોદીએ શુક્રવારે થયેલી સર્વપક્ષીય બેઠકમાં કહ્યું કે ન તો કોઈ આપણા ક્ષેત્રમાં ઘૂસ્યું છે અને ન તો કોઈ ચોકી પર કબજે કરાઈ છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારત શાંતિ અને મિત્રતા ઇચ્છે છે, પરંતુ તે પોતાની સંપ્રભુતા સાથે કોઈ બાંધછોડ નહીં કરે.

વડા પ્રધાને કહ્યું, "અત્યાર સુધી જેમને કોઈ સવાલ નહોતું કરતું, કોઈ રોકતું નહોતું, તેમને આપણા જવાનો ઘણાં સૅક્ટરોમાં રૅકી રહ્યા છે, ચેતવણી આપી રહ્યા છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો