ભારત-ચીન વચ્ચે શા માટે ગલવાન ખીણમાં તણાવ પ્રવર્તી રહ્યો છે?

    • લેેખક, કમલેશ મઠેની
    • પદ, બીબીસી સંવાદદાતા

છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ભારત અને ચીન વચ્ચે તણાવ પ્રવર્તમાન છે. બંને દેશ વાસ્તવિક નિયંત્રણરેખા ઉપર સૈનિક ખડકી રહ્યા છે.

અક્સાઈ ચીનમાં ગલવાન ખીણના મુદ્દે બંને દેશો વચ્ચે તાજેતરમાં તણાવ વધ્યો છે. ભારતનું કહેવું છે કે ગલવાન ખીણના છેડે ચીની સૈનિકોએ તંબૂ તાણ્યા છે, જેથી ભારતે પણ સૈનિકોની સંખ્યા વધારી છે.

ચીનનો આરોપ છે કે ગલવાન ખીણમાં ભારત ગેરકાયદેસર રીતે સૈન્યસુવિધાઓનું નિર્માણ કરી રહ્યું છે.

મે મહિનામાં ભારત-ચીન વચ્ચી સરહદ ઉપર અલગ-અલગ મોરચે હિંસક અથડામણના સમાચાર આવ્યા છે. નવમી મેના દિવસે ઉત્તર સિક્કિમમાં નાથુ લા સૅક્ટર ખાતે બંને દેશના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી.

એ અરસામાં લદ્દાખ ખાતે એલ.ઓ.સી.(લાઇન ઑફ કંટ્રોલ) પાસે ચીનનાં હેલિકૉપ્ટર જોવા મળ્યાં હતાં. બાદમાં ભારતીય વાયુદળે સુખોઈ તથા અન્ય ફાઇટર પ્લેન દ્વારા પેટ્રોલિંગ વધારી દીધું હતું.

ભારતીય વાયુદળના વડા આર. કે. એસ. ભદૌરિયાએ તેમની સોમવારની પત્રકારપરિષદમાં ચીનનો ઉલ્લેખ પણ કર્યો હતો.

અસામાન્ય પ્રવૃત્તિ

ઍર ચીફ માર્શલ ભદૌરિયાએ કહ્યું, "ત્યાં અસામાન્ય પ્રવૃત્તિઓ જોવા મળી હતી. આવી ઘટનાઓ ઉપર અમે ચાંપતી નજર રાખીએ છીએ અને જરૂરી વળતી કાર્યવાહી પણ કરીએ છીએ. આવી બાબતો અંગે ચિંતા કરવાની જરૂર નથી."

બીજી બાજુ, ભારતના સેનાધ્યક્ષ એમ.એમ. નરવણેએ બંને દેશોની સેના વચ્ચેની ઝપાઝપી બાદ ગત અઠવાડિયે કહ્યું હતું કે ચીન સાથેની સરહદ ઉપર ભારતના જવાનો તેમના સ્થાને 'યથાવત્' છે અને સરહદી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ વધારવાનું કામ ચાલુ છે.

તેમણે ઉમેર્યું હતું કે આ અથડામણ દરમિયાન બંને દેશના સૈનિકોનું વલણ આક્રમક હતું એટલે બંને દેશના સૈનિકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે.

ચીનનો આરોપ

ચીનના સરકારી અખબાર 'ગ્લોબલ ટાઇમ્સ'એ સોમવારે પ્રકાશિત લેખમાં ગલવાન નદી (ખીણ) વિસ્તારમાં પ્રવર્તમાન તણાવ માટે ભારતને જવાબદાર ઠેરવ્યું.

તાજેતરમાં ચીની સેનાને ટાંકતાં અખબાર લખે છે, "આ વિસ્તારમાં ભારતે ગેરકાયદેસર રીતે નિર્માણકાર્ય શરૂ કરતાં ચીને ત્યાં સેનાની તહેનાતગી વધારવી પડી છે. આ તણાવની શરૂઆત ભારતે કરી છે."

"અમને વિશ્વાસ છે કે વર્ષ 2017માં ડોકલામ ખાતે પેદા થયેલી સ્થિતિ જેવી સ્થિતિનું નિર્માણ નહીં થાય. ભારત કોવિડ-19ને કારણે આર્થિક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું છે એટલે જનતાનું ધ્યાન અન્યત્ર ખસેડવા માટે ગલવાનમાં તણાવ ઊભો કર્યો."

અખબારનું કહેવું છે કે ગલવાન ખીણનો વિસ્તાર એ ચીનનો વિસ્તાર છે અને ભારત દ્વારા બંને દેશો વચ્ચે થયેલા કરારનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. મે મહિનાથી જ ભારત ઘૂસણખોરી કરી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.

ગલવાન ખીણનું મહત્ત્વ

ગલવાન ખીણ વિવાદાસ્પદ અક્સાઈ ચીન વિસ્તારમાં આવેલી છે, તે લદ્દાખ અને અક્સાઈ ચીનમાં ભારત-ચીન સરહદની નજીક છે.

વાસ્તવિક નિયંત્રણ રેખા (લાઇન ઑફ ઍક્ચ્યૂઅલ કંટ્રોલ, એલ.એ.સી.) અક્સાઈ ચીનને ભારતથી અલગ કરે છે. અક્સાઈ ચીન ઉપર ભારત અને ચીન બંને પોતાનો દાવો કરે છે. આ ખીણ ચીનના દક્ષિણ શિનજિયાંગ અને ભારતના લદ્દાખ સુધી ફેલાયેલી છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર અને આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર એસ.ડી. મુનિના કહેવા પ્રમાણે, આ વિસ્તાર ભારત માટે વ્યૂહાત્મક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે પાકિસ્તાન તથા ચીનના શિનજિયાંગ સાથે જોડાયેલો છે.

1962માં ભારત અને ચીન વચ્ચેના યુદ્ધ દરમિયાન ગલવાન નદીનો આ વિસ્તાર જંગનું કેન્દ્રબિંદ રહ્યો હતો.

કોરોના અને તણાવ

ભારતમાં કોરોનાના દોઢ લાખથી વધુ ઍક્ટિવ કેસ છે, બીજી બાજુ યુરોપિયન દેશો તથા અમેરિકા વારંવાર ચીન ઉપર સવાલ ઉઠાવતા રહ્યા છે. દુનિયા કોરોના વાઇરસ સામે લડી રહી છે, ત્યારે બંને દેશો શ માટે વધુ એક વિવાદમાં પડી રહ્યા છે?

એસ. ડી. મુનિના કહેવા પ્રમાણે, ભારત જે વિસ્તારને પોતાના ગણે છે, પરંતુ વિવાદાસ્પદ છે, તેની ઉપર પોતાનો દાવો મજબૂત કરવા માગે છે.

તેઓ કહે છે, "આની શરૂઆત 1958માં થઈ હતી, તે સમયે ચીને અક્સાઈ ચીનમાં એક માર્ગનું નિર્માણ કર્યું, જે કરાકોરમ રોડને જોડે છે અને પાકિસ્તાન તરફ જાય છે. જ્યારે માર્ગનિર્માણનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે ભારતનું ધ્યાન નહોતું પડ્યું."

"એ પછી તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ વાંધો ઉઠાવ્યો હતો. ત્યારથી જ ભારત કહી રહ્યું છે કે ચીને અક્સાઈ ચીન ઉપર કબજો કરી લીધો છે."

તે સમયે ભારતે સૈન્ય કાર્યવાહી નહોતી કરી, પરંતુ હવે પોતાના દાવાને મજબૂત કરવા માટે ભારત આમ કરી રહ્યું છે. ભારતે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર તથા ગિલગિત-બાલતિસ્તાન ઉપરનો પોતાનો દાવો મજબૂત કર્યો છે.

આ માટે જ અક્સાઈ ચીનમાં પ્રવૃત્તિઓ થઈ રહી છે, પરંતુ હવે ચીનને મુશ્કેલી લાગવા માંડી છે.

એસ.ડી. મુનિના કહેવા પ્રમાણે, ચીન દ્વારા ગલવાલ ખીણમાં થઈ રહેલાં નિર્માણકાર્યને ગેરકાયદેસર ઠેરવવામાં આવી રહ્યું છે, કારણ કે ભારત અને ચીન વચ્ચે એક કરાર થયો છે. જે મુજબ એલ.એ.સી.નું સન્માન કરવાની વાત નક્કી થઈ હતી અને તેમાં નવું નિર્માણકાર્ય નહીં કરવાની વાત ઠેરવવામાં આવી હતી.

ચીન પોતાના માટે જરૂરી સૈન્ય માળખાનું નિર્માણ કરી ચૂક્યું છે એટલે જ તે યથાવત્ સ્થિતિ જાળવી રાખવાની વાત કહી રહ્યું છે. ભારત આ વિસ્તારમાં કચાશ ન રહી જાય અને પોતાનો દાવો મજબૂત રહે તે માટે ત્યાં વ્યૂહાત્મક રીતે જરૂરી નિર્માણકાર્ય કરવા ચાહે છે.

ભારતની વ્યૂહરચનામાં બદલાવ

પાકિસ્તાનપ્રશાસિત કાશ્મીરથી લઈને અક્સાઈ ચીન મુદ્દે ભારતની બદલાતી વ્યૂહરચનાનું શું કારણ છે? શું ભારત અસલામતી અનુભવે છે એટલે આક્રમક થઈ ગયું છે?

એસ.ડી. મુનિના કહેવા પ્રમાણે, ભારત આક્રમક નથી બન્યું, પરંતુ મક્કમ બન્યું છે. જે સ્થળોને તે પોતાનાં માને છે, તેના ઉપર અધિકાર વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે.

તેઓ કહે છે કે 1962ની સરખામણીમાં આજે ભારત ઘણું સશક્ત છે. આર્થિક દૃષ્ટિએ પણ તે મજબૂત બન્યું છે. આ સિવાય જે રીતે ચીનનું કદ વધ્યું છે, તેનાથી ભારત ઉપર જોખમ તોળાવા માંડ્યું છે.

આથી ભારત સરકારને લાગે છેકે સરહદોને વધુ સુરક્ષિત બનાવવી જોઈએ. જો અક્સાઈ ચીનમાં ભારત દ્વારા જરૂરી સૈન્ય માળખું વિકસાવવામાં આવે તો તે ચીનની પ્રવૃત્તિઓ ઉપર નજર રાખી શકે છે.

દરમિયાન ચીનનું અખબાર 'ગ્લોબલ ટાઇમ્સ' એક રિસર્ચ ફેલોને ટાંકતાં લખે છે કે ગલવાન ખીણમાં ડોકલામ જેવી સ્થિતિ નથી. અક્સાઈ ચીન વિસ્તારમાં ચીનની સેનાની સ્થિતિ મજબૂત છે. જો તણાવ વકરશે તો ભારતીય સેનાએ ભારે કિંમત ચૂકવવી પડશે.

નિષ્ણાતો સ્વીકારે છે કે આ વિસ્તારમાં ભારતની સરખામણીએ ચીની સેનાની સ્થિતિ મજબૂત છે, જે ભારત માટે નકારાત્મક બાબત સાબિત થઈ શકે છે. કોરોના વાઇરસને કારણે કૂટનીતિની દૃષ્ટિએ ચીન નબળું પડ્યું છે.

અમેરિકા અને યુરોપિયન સંઘ તેની ઉપર આરોપ મૂકે છે, જોકે હજુ સુધી ભારતે આ મુદ્દે સીધી રીતે ચીનની વિરુદ્ધ કંઈ કહ્યું નથી.

ચીન ઇચ્છે છે કે ભારત તેનું સંતુલિત વલણ જાળવી રાખે, ભારત આ બાબતે ચીન સાથે 'ભાવ-તાલ' કરવાની સ્થિતિમાં છે.

દેશો ઉપર દબાણ વધશે

કોરોનાકાળમાં બંને દેશોની સરહદો ઉપર તણાવ ઊભો થવાને કારણે તેમની ઉપર પણ દબાણ વધશે.

ચીને ભારતની ઉપર કોરોનાના મુદ્દે દેશમાં પ્રવર્તમાન સ્થિતિ ઉપરથી ધ્યાન ખસેડવા માટે સરહદ ઉપર તણાવ ઊભો કરવાનો આરોપ મૂક્યો છે.

એસ.ડી. મુનિના કહેવા પ્રમાણે કોરોના વાઇરસ સામેની લડાઈ, પોતાની જગ્યાએ છે અને દેશની સુરક્ષા બીજો વિષય છે. દક્ષિણ ચીન સાગરમાં ચીન પોતાની સૈન્યસ્થિતિને નિર્માણકાર્ય દ્વારા મજબૂત કરી રહ્યું છે.

દુનિયા કોરોના વાઇરસ સામે જંગ લડી રહી છે, પરંતુ સેનાઓ આ જંગ નથી લડી રહી, સેના પોતાનું કામ કરશે.

આ વ્યૂહાત્મક બાબત છે, કોરોના જેવા વિષય અગાઉ પણ હતા અને આગળ પણ રહેશે, એટલે ચીનનો આરોપ ટકતો નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો