'નરેન્દ્ર મોદીએ ચીનને ભારતનો વિસ્તાર સોંપી દીધો', રાહુલ ગાંધીનો આક્ષેપ

ભારત-ચીન સરહદ પર તાજેતરના ઘટનાક્રમની પૃષ્ઠભૂમિ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સર્વપક્ષીય બેઠક બોલાવી, જેમાં અલગઅલગ પક્ષના નેતાઓ ઑનલાઇન જોડાયા.

ભારત-ચીન સીમાવિવાદ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે થયેલી સર્વપક્ષીય બેઠકમાં કહ્યું કે ન તો કોઈ ભારતની સીમામાં ઘૂસ્યું છે અને ન તો કોઈ ચોકી કબજે કરાઈ છે.

આ નિવેદન બાદ શનિવારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે કે ચીનના આક્રમણ સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય જમીન સોંપી ચૂક્યા છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, "જો આ જમીન ચીનની હતી, તો પહેલું- આપણા સૈનિકો કેમ માર્યા ગયા? બીજું- આપણા સૈનિકો ક્યાં માર્યા ગયા?"

લદ્દાખમાં 20 સૈનિકોનાં મૃત્યુ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 17 વિપક્ષી દળો સાથે ચર્ચા કરી.

સમાચાર સંસ્થા એએનાઈ અનુસાર આ બેઠકમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું, "ક્યાંય કોઈ ઇન્ટેલિજન્સ નિષ્ફળ નથી રહ્યું."

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ સર્વદળીય બેઠકમાં કહ્યું, "ભારતે ટેલિકૉમ, રેલવે, ઉડ્ડયન ક્ષેત્રોમાં ચીનની ફર્મ્સને મંજૂરી ન આપવી જોઈએ.

સમાસાર સંસ્થાઓ અનુસાર આ બેઠકમાં વડા પ્રધાન મોદીએ કહ્યું, "અત્યાર સુધી જેને કોઈ પ્રશ્ન નહોતું પૂછતું, જેને કોઈ નહોતું રોકતું, હવે આપણા જવાન તેને કેટલાંય સ‌ૅક્ટરોમાં રોકી રહ્યા છે. ચેતવણી આપી રહ્યા છે."

મોદીએ શું કહ્યું?

  • ચીન ભારતની સરહદમાં પ્રવેશ્યું નથી તથા આપણી કોઈ ચોકી ઉપર કબજો નથી કર્યો
  • ભારતના 20 જવાન શહીદ થયા, પરંતુ જેમણે ભારતમાતા તરફ નજર કરી, તેમને પાઠ ભણાવી ગયા
  • તહેનાતી, કાર્યવાહી કે વળતી કાર્યવાહી, જે કંઈ જરૂરી હોય, તે ભારતનાં સશસ્ત્રદળો કરી રહ્યાં છે.
  • દેશની સરહદની સુરક્ષા માટે જલ, થળ અને નભ, જ્યાં જે કંઈ કરવાની જરૂર પડશે, તે ભારતની સેના કરશે.
  • ભારતની સેના અનેક સૅક્ટરમાં એક સાથે કાર્યવાહી હાથ ધરી શકે છે.
  • પહેલાં જેમને અટકાવવામાં આવતા ન હતા કે સવાલ પૂછવામાં આવતા ન હતા, તેમને અટકાવાય છે.
  • લાઇન ઑફ કંટ્રોલ ઉપર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે, જેના કારણે અગાઉથી જ માહિતી મળતી રહે છે.
  • જે સૅક્ટર્સમાં અગાઉ નજર નહોતી રહેતી, ત્યાં આપણાં જવાન નજર પણ રાખી શકે છે અને જવાબ પણ આપી શકે છે.
  • રાષ્ટ્ર તથા દેશવાસીઓનું હિત એ આપણા બધાની હંમેશાંથી પ્રાથમિક્તા રહી છે.
  • અનેક સૅક્ટરમાં એક સાથે તેમને ચેતવણી આપવામાં આવી રહી છે.
  • ભારતે સરહદીય વિસ્તારોમાં સૈન્ય માળખાકીય સુવિધાઓ વિકસાવવાની શરૂઆત કરી છે.
  • ફાઇટર પ્લૅન, હેલિકૉપ્ટર કે મિસાઇલ સિસ્ટમ, ભારતે સેનાની દરેક સુવિધા ઉપર ધ્યાન આપ્યું છે.
  • ભારત પાસે એટલી ક્ષમતા છે કે કોઈ દેશની એક ઇંચ જમીન ઉપર પણ નજર ન કરી શકે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો