સૂર્યગ્રહણ 2020 : હવે પછી આવું ગ્રહણ ક્યારે જોઈ શકાશે?

રવિવાર એટલે કે 21મી જૂને સૂર્યગ્રહણ થશે. દેશના કેટલાક ભાગોમાં કંકણાકૃતિ ગ્રહણ જોવા મળશે. જેમાં 'રિંગ ઑફ ફાયર' જોઈ શકાશે, જે ખગોળવિજ્ઞાનની રસપ્રદ અને નોંધપાત્ર ઘટના માનવામાં આવે છે.

દેશના કેટલાક ભાગોમાં આ ગ્રહણ આંશિક સ્વરૂપમાં જ જોવા મળશે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજી તેમના ટ્વીટમાં લખે છે કે હવે પછી વર્ષ 2031માં ભારતમાં સૂર્યગ્રહણ જોઈ શકાશે.

આ પછી ડિસેમ્બર 14, 2020ના રોજ સૂર્યગ્રહણ થશે પણ તે દક્ષિણ અમેરિકા, દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા, ઍન્ટાર્કટિકામાં જોવા મળશે.

એ સૂર્યગ્રહણ ભારતમાં જોઈ નહીં શકાય.

ગુજરાતમાં સૂર્યગ્રહણ

ગુજરાતમાં આ ગ્રહણ સૌથી પહેલાં ભુજ જોવા મળશે. ગુજરાતના વિવિધ ભાગોમાં ગ્રહણના સમયમાં આંશિક ફેરફાર રહેશે.

ગુજરાતમાં આ ગ્રહણનો 10.03 વાગ્યે સ્પર્શ થશે અને 1.32 વાગ્યે પૂર્ણ થવાની શક્યતા છે.

ગુજરાતમાં ગ્રહણનું તીવ્ર સ્વરૂપ 11.41 વાગ્યે જોવા મળશે. યુનિવર્સ સાયન્સ ફોરમ પ્રમાણે સવારે 11.42 વાગ્યે લગભગ 75 ટકા જેટલો સૂરજ ઢંકાઈ ગયેલો જોવા મળશે.

કંકણાકૃતિ ગ્રહણ ક્યારે દેખાય?

સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે કોલકાતા સ્થિત બિરલા પ્લૅનેટેરિયમના ડિરેક્ટર દેબી પ્રસાદને ટાંકીને લખે છે કે સૂર્યગ્રહણની શરૂઆત રાજસ્થાનના ધરસાણામાં સવારે 10.12 વાગ્યે થશે.

રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડની કેટલીક જગ્યાઓએ 'રિંગ ઑફ ફાયર જોઈ શકાશે.'

ઉલ્લેખનીય છે કે 26 ડિસેમ્બર 2019ની જેટલું ઉત્તમ 'રિંગ ઑફ ફાયર'નું રૂપ જોવા નહીં મળે.

દેબી પ્રસાદ કહે છે કે કંકણાકૃતિ ગ્રહણ ત્યારે દેખાય છે જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવે.

આ દરમિયાન કેટલાક વિસ્તારમાં અંધારું છવાયેલું રહે છે.

દુનિયામાં સૌથી પહેલાં ક્યાં દેખાશે ગ્રહણ?

મહદંશે દેશભરમાં લોકો આંશિક ગ્રહણ જોઈ શકશે. કોલકાતામા આંશિક સૂર્યગ્રહણ સવારે 10.46 વાગ્યે શરૂ થશે, અને 2.17 વાગ્યે પૂર્ણ થશે.

દેશની રાજધાની દિલ્હીમાં એની શરૂઆત 10.20 વાગ્યે થશે અને 1.48 વાગ્યે પૂર્ણ થશે.

ગ્રહણ મુંબઈમાં 10 વાગ્યે શરૂ થશે બપોરે 1.27 વાગ્યા સુધી ચાલશે.

ચેન્નાઈમાં 10.22 વાગ્યે અને બેંગ્લુરુમાં 10.13 વાગ્યે ગ્રહણ શરૂ થશે.

ભારત પહેલાં આ ગ્રહણ દક્ષિણ સુડાન, ઇથોપિયા, યમન, ઓમાન, સાઉદી અરેબિયા અને પાકિસ્તાનમાં જોવા મળી શકે છે.

ભારત પછી આ ગ્રહણ તિબ્બત, ચીન અને તાઇવાનમાં દેખાશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો