અમદાવાદમાં રથયાત્રા ન યોજાવા વિશે મહંતે નિવેદન ફેરવ્યું, પ્રદીપસિંહે તોડ્યું મૌન

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા નહીં નીકળી શકવા મુદ્દે નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી 'દગો થયો' હોવાની વાત કરનારા મહંત દિલીપદાસજીએ પોતાની વાત ઉપર ફેરવી તોળ્યું છે.

બીજી બાજુ, રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનું કહેવું છે કે ઍડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીના માધ્યમથી રથયાત્રાને મંજૂરી મળે તે માટે સરકાર દ્વારા શક્ય તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા.

વિપક્ષ કૉંગ્રેસે આ મુદ્દે ભગવાનને છેતરવાનો આરોપ મૂક્યો છે. આ પહેલાં રથયાત્રા નહીં કાઢવાના મહંત-ટ્રસ્ટના નિર્ણયને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આવકાર્યો હતો.

પરંપરાગત રીતે 18 કિલોમીટર લાંબી રથયાત્રાનો રૂટ જૂના અમદાવાદમાંથી પસાર થાય છે, જેમાં કોવિડ-19ના કારણે અનેક બફર ઝોન, કન્ટેઇનમૅન્ટ ઝોન તથા માઇક્રૉ કન્ટેઇન્મૅન્ટ ઝોન આવેલાં છે.

મંજૂરી માટે રથયાત્રાના નિર્ધારિત સમયની ગણતરીના કલાકો પહેલાં સુધી હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો અને મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.

હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જગન્નાથ મંદિરના પૂજારી દિલીપદાસજીને પણ ટાંક્યા હતા, જેઓ રથયાત્રામાં 'ગુજરાતી ચહેરો' છે.

38 વર્ષની દુહાઈ

જાડેજાએ નિવેદન બહાર પાડીને કહ્યું હતું, "રથયાત્રા કાઢવા માટે ગુજરાત હાઈકોર્ટની મંજૂરી નહીં મળતા મને પણ દુખ થયું છે. 38 વર્ષથી નિયમિત રીતે હું મંદિરના દર્શને જાઉં છું."

"જ્યારે પણ હું મહંત (દિલીપદાસ)ને મળું છું, ત્યારે ચરણસ્પર્શ કરું છું. વ્યક્તિગત રીતે મને પણ દુખ થયું છે."

સરકારનું કહેવું છે કે મિકેનિકલ રથ દ્વારા, કર્ફ્યૂની વચ્ચે કોરોના સંબંધિત તમામ નિષેધોનું પાલન કરીને રથયાત્રા નીકળે તે માટેની રાજ્ય સરકારની તૈયારી હતી. આ સિવાય દૂરદર્શન દ્વારા રથયાત્રાનું સીધું પ્રસારણ કરાવવાની પણ યોજના હતી, જેથી કરીને ભાવિકો રસ્તા ઉપર ઊમટી ન પડે.

સુપ્રીમ કોર્ટે ઓડિશાની જગન્નાથ રથયાત્રાને મંજૂરી આપતા, તેના જ તર્જ ઉપર અમદાવાદમાં પણ રથયાત્રાની મંજૂરી મળે તે માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા.

જોકે પુરી ગ્રીન ઝોનમાં છે, જ્યારે અમદાવાદ રેડ ઝોનમાં હોવાથી હાઈકોર્ટે મંજૂરી આપી ન હતી.

બુધવારના નિવેદનથી વિવાદ વકર્યા બાદ અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસે જી.એસ.ટીવી.સાથે વાતચીતમાં જણાવ્યું :

'રથયાત્રા નીકળે તે માટે રાજ્ય સરકારે કરેલા પ્રયાસો અંગે અમને જાણ ન હતી, હવે સરકારે જે કોઈ પ્રયાસ કર્યા, તેના વિશે માહિતી મળી છે એટલે સરકાર પ્રત્યે કોઈ ફરિયાદ નથી.'

ઉલ્લેખનીય છે કે રથયાત્રાના દિવસે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ચોથી વખત પહિંદવિધિ (પ્રતીકાત્મક રીતે રથયાત્રાના માર્ગની સફાઈ) કરી હતી. ત્યારબાદ મંદિરના ટ્રસ્ટીઓ, મહંત અને જાડેજા વચ્ચે એક કલાક જેટલી બેઠક ચાલી હતી.

આગલી રાતથી સળંગ લગભગ 36 કલાક સુધી જાડેજા મંદિર પરિસરમાં જ મહંત તથા ટ્રસ્ટીઓ સાથે સંપર્કમાં રહ્યા હતા.

રથયાત્રાાં રાજધર્મ રાજ'ધર્મ'

"બહુ મોટો ભરોસો હતો... અમારી સાથે, જે ભી, જેણે ભી, જે રીતે, જે પ્રકારે અમારી સાથે ગેમ સમજો કે રમત રમાવી હોય જે હોય અમે કહી શકતા નથી, પણ ટૂંકમાં મેં જેના ઉપર ભરોસો રાખ્યો હતો, તે મારો ભરોસો ખોટો પડ્યો."

143 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત અમદાવાદમાં હિંદુઓના ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી નહીં, ત્યારબાદ મંદિરના મહંત દિલીપદાસજીએ આ વાત કહી હતી, જેમાં તેમણે કોઈ વ્યક્તિ કે સંગઠનનું નામ લીધું ન હતું.

જોકે, કૉંગ્રેસનું કહેવું છે કે તેમનો ઇશારો રાજ્યની ભાજપ સરકાર તરફ છે, જેણે ભગવાન જગન્નાથને છેતર્યા છે.

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટર ઉપર લખ્યું, "ભાજપથી છેતરાયા, ખુદ ભગવાન."

"143 વર્ષની ઐતિહાસિક પરંપરા તૂટ્યાનું સૌને દુખ છે પરંતુ, છેલ્લા 25 વર્ષથી ખાલી ભાષણો થકી જ ભોળી પ્રજાને છેતરનારી ભાજપા સરકારે, હવે અષાઢી બીજની ઐતિહાસિક રથયાત્રા અંગે ખુદ "ભગવાન જગન્નાથ"ને છેતરવાનું કામ શું કામે અને કોના ઇશારે કર્યું હશે."

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ પણ મહંતના નિવેદન બાદ ભાજપ સરકાર ઉપર નિશાન સાધીને રથયાત્રા માટે પૂરતી તૈયારી સાથે હાઈકોર્ટમાં રજૂઆત નહીં કરવાનો આરોપ મૂક્યો હતો.

સાથે જ તેમણે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તથા પ્રદીપસિંહ જાડેજા ઉપર મહંત દિલીપદાસજીને 'ખોટો ભરોસો' આપવાનો આરોપ મૂક્યો હતો.

22 જૂનના રોજ ગુજરાત સરકાર શરતી પરવાનગી માટે ગુજરાત હાઈકોર્ટમાં ગઈ તેના એક દિવસ અગાઉ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી મહંત દિલીપદાસજીને ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો માન્ય રાખી રથયાત્રા નહીં યોજવાનો નિર્ણય કરવા બદલ અભિનંદન આપ્યાં હતાં.

મુખ્ય મંત્રીએ લખ્યું હતું કે, મહંતશ્રી દિલીપદાસજી મહારાજ અને મંદિર ટ્રસ્ટીઓએ લાખો ભાવિક ભક્તોની પ્રવર્તમાન સમયની આરોગ્ય સુખાકારીને ધ્યાને લઈને કરેલા આ સ્તુત્ય નિર્ણય માટે અભિનંદન પાઠવું છું.

આ સિવાય મુખ્ય મંત્રીએ મંદિરના ટ્રસ્ટનો પણ આભાર માન્યો હતો.

અમદાવાદમાં પરંપરાગત રીતે યોજાતી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા અંગે આ વર્ષે કોરોના વાઇરસ સંક્રમણની સ્થિતિમાં જગન્નાથજી મંદિરના ટ્રસ્ટીમંડળે જે સમયોચિત નિર્ણય કર્યો છે તેને આવકારું છું.

હાઈકોર્ટના ચુકાદામાં દિલીપદાસ

હાઈકોર્ટે પોતાના ચુકાદામાં મહંત દિલીપદાસજીના 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'માં પ્રકાશિત નિવેદનને ટાંક્યું હતું, જેમાં દિલીપદાસજીએ મંદિર પરિસરમાં પ્રતીકાત્મક રીતે રથયાત્રા કાઢવાની વાત કહી હતી. સાથે જ શ્રદ્ધાળુઓને મંદિરે નહીં આવવા અપીલ કરી હતી.

હાઈકોર્ટે કહ્યું કે મંદિર ટ્રસ્ટે 20મી જૂનના ચુકાદા સામે અપીલ નથી કરી અને બાદમાં જે કોઈ અપીલો થઈ તે સ્વૈચ્છિક સંસ્થાઓ તથા વ્યક્તિઓ દ્વારા છે. જે દર્શાવે છે કે ટ્રસ્ટને ચુકાદા સામે કોઈ વાંધો નથી.

હાઈકોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે ઓડિશાના પુરી કરતાં અમદાવાદમાં સ્થિતિ ભયંકર છે એટલે બંનેની સરખામણી ન થઈ શકે અને જે રીતે ઓડિશામાં રથયાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવી, તે રીતે શહેરમાં રથયાત્રા કાઢવાની મંજૂરી ન આપી શકાય.

હાઈકોર્ટમાં સુનાવણી વખતે ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા તથા અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના મેયર બિજલ પટેલ સહિત ભાજપના અગ્રણીઓ મંદિર પરિસરમાં જ હાજર હતા.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સવારે પહિંદવિધિ કરી હતી, આ સિવાય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે અષાઢી બીજના દિવસે પોલીસ અધિકારીઓની સાથે જાડેજા પણ મંદિરમાં હાજર રહ્યા હતા.

કોણ છે દિલીપદાસજી?

અમદાવાદના 460 કરતાં વધુ પુરાણા જગન્નાથ મંદિરના વર્તમાન મુખ્ય પૂજારી દિલીપદાસજી મૂળ ગુજરાતી અને અમદાવાદી છે.

તેઓ મંદિરના 13મા મહંત છે, આ પહેલાંના 12 મહંતમાંથી એકમાત્ર ગુજરાતી મહંત નરસિંહદાસજી હતા.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' અહેવાલ પ્રમાણે, દિલીપદાસજીના દાદા જેઠાલાલ ભાવસાર મંદિર પરિસરમાં ચાની કિટલી ધરાવતા હતા, ત્યારે દિલીપ તેમની સાથે જતા. અહીં જ તેઓ મંદિર તથા ગુરુ રામેશ્વરદાસજીના સંપર્કમાં આવ્યા.

મહંત દિલીપદાસજીના કહેવા પ્રમાણે તેમણે ડેમૉક્રેટિક હાઈસ્કૂલમાંથી ધો. 10ની પરીક્ષા પાસ કર્યા બાદ સંન્યાસ લેવાનો નિર્ણય લીધો ત્યારે પરિવારને આંચકો લાગ્યો હતો, પરંતુ દિલીપદાસ તેમને સમજાવવામાં સફળ રહ્યા.

કિશોરવયના દિલીપે જગન્નાથ મંદિરમાં રામહર્ષદાસજીને ગુરુ બનાવ્યા. અહીં તેમણે મંદિર તથા ગુરુની સેવા કરી અને તેમના પ્રીતિપાત્ર બની રહ્યા.

દિલીપદાસજીના કહેવા પ્રમાણે, "મારા ગુરુએ મને પૂજારી તરીકેના કામ કરવા ઉપરાંત લોકો વચ્ચે જવાનું સમજાવ્યું, મેં લોકોની સમસ્યાઓને સમજવી શરૂ કરી."

2011માં 37 વર્ષની ઉંમરે દિલીપદાસ ગુરુ રામહર્ષના અવસાન બાદ તેમના અનુગામી બન્યા, તેઓ અત્યાર સુધીના મંદિરના મહંતોમાંથી સૌથી યુવાન છે.

દિલીપદાસ જૂના અમદાવાદના રાયપુર વિસ્તારમાં મોટા થયા છે. અહીં તેમણે કોમી એખલાસ તથા હુલ્લડને નજીકથી જોયાં છે. તેમણે મંદિરની સેવાકીય પ્રવૃત્તિઓને વધારી.

બીજો ગુજરાતી ચહેરો

આ પહેલાં મહંત નરસિંહદાસજી જગન્નાથ મંદિરના પ્રથમ ગુજરાતી સંત હતા. મંદિરની વેબસાઇટ મુજબ તેમના કાર્યકાળમાં ગૌશાળા શરૂ કરવામાં આવી.

આ સિવાય મંદિરનો જીર્ણોદ્ધાર થયો. તેમણે સદાવ્રત દ્વારા જ્ઞાત-જાત કે કોમના ભેદભાવ વિના દરરોજ બે ટંકનું ભોજન આપવાનું શરૂ કર્યું, આજે દરરોજ લગભગ એક હજારથી 1200 લોકો ભોજન લે છે.

1957માં પ્રયાગરાજ ખાતે આયોજિત સિંહસ્થ કુંભમેળા દરમિયાન સાધુ સમાજ દ્વારા મહંત નરસિંહદાસજીને 'મહામંડલેશ્વર'ની ઉપાધિ આપવામાં આવી હતી. આ બંને સિવાયના મંદિરના મહંત મૂળતઃ હિંદીભાષી રાજ્યોના હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો