You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિકાસ દુબે : કાનપુરમાં આઠ પોલીસોની હત્યાના એ સવાલો જેના જવાબ હજી નથી મળ્યા
- લેેખક, સમીરાત્મજ મિશ્ર
- પદ, લખનઉથી બી.બી.સી. ગુજરાતી માટે
કાનપુરમાં આઠ પોલીસમૅનની હત્યા માટે જવાબદાર મનાતા મુખ્ય આરોપી વિકાસ દુબેને પાંચ દિવસ બાદ પણ પોલીસ પકડી શકી નથી.
દરમિયાન એ વાતની ચર્ચા થઈ રહી છે કે આ અથડામણમાં પોલીસવાળાઓની સંડોવણી કેટલી હતી. અત્યાર સુધીમાં ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.
માત્ર ચૌબેપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જ નહીં, પરંતુ ઉચ્ચ અધિકારી પણ તપાસની રડારમાં છે.
દરમિયાન એવા અનેક સવાલ છે, જેના કોઈ જવાબ નથી મળ્યા. અથડામણ સમયે, ગોળીબાર પહેલાં અને પછી જે કંઈ થયું તે સવાલ ઊભા કરે છે. વિકાસ દુબેમાં એટલી હિંમત કેવી રીતે આવી ગઈ, કે એણે આવું કૃત્ય કર્યું એ પણ એક સવાલ છે.
અડધીરાત્રે ધરપકડનો આદેશ કોણે આપ્યો?
ચૌબેપુર પોલીસસ્ટેશનમાં વિકાસ દુબે સામે 60થી વધુ કેસ નોંધાયેલા છે. હત્યાના પ્રયાસના એક કેસ સંદર્ભે પોલીસની ટુકડી તેમની ધરપકડ ત્રીજી જુલાઈની મોડી રાત્રે વિકાસ દુબેના ગામ (બિકરુ) પહોંચી હતી.
અત્યારસુધી બહાર આવેલી વિગતો ઉપરથી એવું લાગે છે કે બિલ્હૌરના સર્કલ ઓફિસર દેવેન્દ્ર મિશ્ર તથા ચૌબેપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિનય તિવારી વચ્ચે સંકલનનો અભાવ હતો.
આ સંજોગોમાં કયા અધિકારીના કહેવાથી, કયા અધિકારીએ ઉતાવળે દરોડો પાડવાની મંજૂરી આપી, એ સવાલનો હાલ કોઈની પાસે કોઈ જવાબ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જરૂરી તૈયારી હતી?
અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે, વિકાસ દુબે સામે માત્ર ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં જ નહીં, પરંતુ અન્ય પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલા છે અને કુલ કેસની સંખ્યા 100થી પણ વધુ છે.
આ સંજોગોમાં આરોપી વિશે સ્થાનિક પોલીસ અધિકારીઓ ઉપરાંત કાનપુર ઝોનના ઉચ્ચ અધિકારીઓને જાણ ન હોય, તે વાત ગળે ઊતરે તેવી નથી.
આવા હિસ્ટ્રીશિટરને પકડવા માટે જે રીતે પોલીસ મોકલવામાં આવી હતી, તેને જોતા તેમણે પૂરતી તૈયારી કરી હશે એવું ખાતરીપૂર્વક કહી ન શકાય અથવા તો પોલીસવાળા વધુ પડતા આત્મવિશ્વાસમાં રહ્યા હોય એવું બને.
બિલ્હૌરના સર્કલ ઓફિસર તથા અન્ય પોલીસ કર્મચારી સંરક્ષણાત્મક સાધનો અને હેલ્મેટ વગર ત્યાં ગયા હતા, મોટાભાગના પોલીસ કર્મચારીઓને છાતી કે માથામાં ગોળી વાગી છે.
જાણકારોના કહેવા પ્રમાણે, આ પ્રકારની કાર્યવાહી દરમિયાન કોઈ પણ ટીમ તૈયારી વગર નથી જતી અને આ તો એક 'નામચીન' આરોપીને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બીજું કે, પોલીસ કાર્યવાહીમાં છ ગાડીમાં 24 પોલીસમૅન ગયા હતા, પરંતુ તેમની વચ્ચે સંકલનનો અભાવ હતો. કારણ કે આ પ્રકારના ઑપરેશન દરમિયાન પોલીસની ટુકડી અલગ-અલગ ગ્રૂપમાં વહેંચાઈ જાય છે.
વિકાસ દુબેને પકડવાની કાર્યવાહી દરમિયાન કેટલાક પોલીસ કર્મચારીઓ જેસીબીને ઓળંગીને વિકાસ દુબેના ઘર તરફ જતા રહ્યા હતા, જ્યારે બાકીના પોલીસવાળા જેસીબીની પાછળ જ રહી ગયા હતા.
આથી સ્થિતિ વકરતી જોઈને કેટલાક પોલીસવાળા ત્યાંથી નાસી છૂટ્યા હતા.
પરસ્પર વિશ્વાસનો અભાવ
સર્કલ ઓફિસર દેવેન્દ્ર મિશ્રના નેતૃત્વમાં ગયેલી ટીમમાં સ્ટેશન ઑફિસર વિનય તિવારી પણ સામેલ હતા. કેટલાક મહિના પહેલાં એસ.એસ.પી.ની હાજરીમાં બંનેની વચ્ચે જે વાતચીત થઈ, તેને સાંભળતા એ વાતનો વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે આ પ્રકારની કાર્યવાહીમાં બંને અધિકારી વચ્ચે પૂરેપૂરું સંકલન રહ્યું હશે.
એટલું જ નહીં, સી.ઓ. દેવેન્દ્ર મિશ્રએ તત્કાલીન એસ.એસ.પી.ને કથિત રીતે પત્ર લખ્યો હતો, જે આ પ્રકારની કાર્યવાહી દરમિયાન જરૂરી પરસ્પરના વિશ્વાસની સ્થિતિ ઉપર શંકા ઊભી કરે છે.
આ કાર્યવાહી દરમિયાન સી.ઓ. વિનય તિવારીને કંઈ થયું ન હતું, એટલે શંકાના આધારે તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
નાકાબંધીમાં ઢીલ
ઘટનાના પાંચ દિવસ બાદ વિકાસ દુબે ઉપરનું ઇનામ અઢી લાખ કરી દેવામાં આવ્યું છે. વિકાસને શોધવા માટે નેપાળ સાથેની લગભગ 120 કિલોમીટર લાંબી સરહદને સીલ કરી દેવામાં આવી છે, પરંતુ એ ઘટના બાદ તત્કાળ કાનપુર જિલ્લાની સરહદ સીલ નહોતી કરવામાં આવી.
જો એવું થયું હોત તો કદાચ દુબે અને ગૅંગ આટલી જલદીથી જિલ્લો છોડી ન શકત અને તેમને શોધવામાં સહેલાઈ રહી હોત.
અથડામણની કેટલી વાર પછી પૂરકદળ ત્યાં પહોંચ્યું, તે વિશે કોઈ નક્કર માહિતી નથી મળતી.
પોલીસતનું ગુપ્તચરતંત્ર નબળું કે દુબેનો ડર?
શનિવારે વિકાસ દુબેનું ઘર તોડ્યા બાદ પોલીસે કહ્યું કે તેમાં મોટાપ્રમાણમાં હથિયાર અને વિસ્ફોટક હતા એટલે તેને તોડવું પડ્યું.
બીજી બાજુ, અથડામણની રાત માટે વિકાસ દુબેએ જેવી તૈયારી કરી હતી અને કથિત રીતે બે ડઝનથી વધુ શૂટરને પોતાના ઘરે બોલાવ્યા હતા, તેની કોઈને માહિતી પોલીસને ન મળે તે વાત આશ્ચર્ય નહીં, સંદેહ પેદા કરે છે.
ગામડામાં કોઈ બહારની વ્યક્તિ આવે અને સ્થાનિકોને તેની માહિતી ન મળે, તેવં જ્વલ્લે જ બને, પરંતુ આ કિસ્સામાં તો બહારથી મોટા પ્રમાણમાં લોકો આવ્યા હતા અને એ પણ હથિયારોની સાથે.
આથી, પોલીસ સ્ટેશનના કર્મચારી ઉપર લોકલ ઇન્ટેલિજન્સ યુનિટની કાર્યવાહી ઉપર પણ સવાલ ઊભા થાય છે.
પોલીસનું એક સમાંતર ગુપ્તચરતંત્ર લગભગ દરેક ગામડામાં હોય છે, પરંતુ તેને કોઈ સૂચના ન આપી, અથવા જો આપી તો તેને અવગણવામાં આવી.
પોલીસની ગંભીરતા ઉપર સવાલ
ગુરુવાર રાતના ઘટનાક્રમ બાદ વિકાસ દુબેના કારસ્તાનોની ભલે ચર્ચા થઈ રહી હોય, પરંતુ એ પહેલાં કાનપુર જિલ્લા પોલીસે તેને ગંભીરતાથી લીધા હોય, એવું નથી લાગતું.
તાજેતરના ઘટનાક્રમ બાદ વિકાસ દુબેનું નામ રાજ્યના ક્રિમિનલ્સની યાદીમાં ટોચ ઉપર છે, પરંતુ તે પહેલાં એ નામ કાનપુર જિલ્લાના ટોપ-10 ગુનેગારોમાં પણ ન હતું.
કાનપુર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને ઝોનના અધિકારીઓ વચ્ચે નિયમિત રીતે બેઠક થતી હતી, પરંતુ ભાગ્યે જ એના વિશે ચર્ચા થઈ છે.
2017માં વિકાસ દુબે કાનપુરમાંથી ફરાર થઈ ગયા હતા ત્યારે એસ.ટી.એફે તેમને લખનઉના કૃષ્ણનગર ખાતેના ઘરેથી ધરપકડ કરી હતી, બાદમાં એ કેસમાં દુબેને જામીન મળી ગયા હતા.
એટલું જ નહીં, અન્ય કેટલાક કેસમાં પણ કોઈએ કોર્ટમાં વિકાસ દુબે સામે જુબાની ન આપી. ત્યારે એ સવાલ ઊભો થાય છે કે આવું કેમ અને કઈ રીતે થયું?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો