વિકાસ દુબે : કાનપુરનો એ ખતરનાક ગૅંગસ્ટર જેની વિરુદ્ધ પોલીસ પણ જુબાની નથી આપતી

કાનપુરમાં વિકાસ દુબેની ધરપકડ કરવા ગયેલી પોલીસ ટીમ પર થયેલા જબરદસ્ત હુમલામાં આઠ પોલીસકર્મી માર્યા ગયા અને સાત પોલીસકર્મી ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા.

વિકાસ દુબેની ઉજ્જૈનથી મધ્ય પ્રદેશ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવાઈ છે.

માર્યા ગયેલાઓમાં બિલ્હોરના પોલીસ ક્ષેત્ર અધિકારી દેવેન્દ્ર મિશ્ર અને એસઓ શિવરાજપુર મહેશ યાદવ પણ સામેલ છે. વિકાસ દુબેની ધરપકડ કરવા માટે આ ટીમ ગઈ હતી. વિકાસ ઉપર ન માત્ર ગુનાઓના ગંભીર આરોપ છે પણ સાથે જ ડઝનબંધ કેસ પણ નોંધાયેલા છે. રાજકીય પક્ષોમાં પણ વિકાસ દુબેની ખાસ્સી પહોંચ હોવાનું કહેવાય છે.

કાનપુરના ચૌબેપુર થાણામાં વિકાસ દુબે વિરુદ્ધ કુલ આઠ કેસ નોંધાયેલા છે, જેમાં હત્યા અને હત્યાની કોશિશ જેવા અનેક ગંભીર કેસ પણ સામેલ છે.

કાનપુરના પોલીસ મહાનિરીક્ષક મોહિત અગ્રવાલે બીબીસીને જણાવ્યું કે જે મામલામાં પોલીસ વિકાસ દુબેને ત્યાં પગેરું દબાવતી ગઈ હતી તે પણ હત્યાથી જોડાયેલો હતો અને વિકાસ દુબેનું એમાં પણ નામ છે.

ચૌબેપુર થાણામાં નોંધાયેલા કેસના આધારે કહી શકાય છે કે પાછલા લગભગ ત્રણ દાયકાઓથી અપરાધની દુનિયા સાથે વિકાસ દુબેનું નામ જોડાયેલું છે. અનેકવાર વિકાસ દુબેની ધરપકડ પણ થઈ પરંતુ અત્યાર સુધી કોઈ પણ કેસમાં સજા થઈ નથી.

પોલીસ સ્ટેશનમાં ઘૂસી મર્ડર

કાનપુરમાં સ્થાનીય પત્રકાર પ્રવીણ મહોતા જણાવે છે, "વર્ષ 2001માં વિકાસ દુબે પર થાણાની અંદર ઘૂસી ભાજપના નેતા અને રાજ્યમંત્રીનો દરજ્જો ધરાવતા સંતોષ શુક્લાની હત્યા કરવાનો આરોપ લાગ્યો."

"સંતોષ શુક્લાની હત્યા એક હાઈપ્રોફાઈલ હત્યા હતી. આટલી મોટી ઘટના હોવા છતાં પણ કોઈપણ પોલીસકર્મીએ વિકાસ વિરુદ્ધ જુબાની ન આપી. કોર્ટમાં વિકાસ દુબે વિરુદ્ધ કોઈ સાક્ષી રજૂ ન કરી શકાયો જેથી એને એને છોડી મૂકવામાં આવ્યો."

આ ઉપરાંત વર્ષ 2000માં કાનપુરના શિવલી થાણા ક્ષેત્ર સ્થિત તારાચંદ ઇન્ટર કૉલેજના સહાયક પ્રબંધક સિદ્ધેશ્વર પાંડેયની હત્યાના આ મામલામાં પણ વિકાસ દુબેનું નામ આવ્યું હતું.

પોલીસ ફરિયાદ મુજબ વર્ષ 2000માં વિકાસ દુબે ઉપર રામબાબુ યાદવની હત્યાના મામલામાં ષડયંત્ર રચવાનો આરોપ પણ લાગ્યો હતો. કહેવાય છે કે આ ષડયંત્ર વિકાસે જેલમાંથી જ રચ્યું હતું.

વર્ષ 2004માં કેબલના એક ધંધાર્થીની હત્યામાં પણ વિકાસ દુબેનું નામ સામે આવ્યું હતું. પોલીસના અનુસાર આમાંથી અનેક મામલાઓમાં વિકાસ દુબે જેલ થઈ છે પરંતુ સતત જામીન પર છૂટી જાય છે.

વર્ષ 2013માં પણ વિકાસ દુબેનું નામ હત્યાના એક કેસમાં સામે આવ્યું હતું એટલું નહીં વર્ષ 2018માં વિકાસ દુબે પર પોતાના પિતરાઈ ભાઈ અનુરાગ પર પણ જીવલેણ હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો. જેમાં અનુરાગનાં પત્નીએ વિકાસ સહિત ચાર લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હતી.

દરેક પૉલિટિકલ પાર્ટીમાં પહોંચ

પ્રવીણ મહોતા જણાવે છે, "દરેક રાજકીય પક્ષમાં વિકાસ દુબેની પહોંચ છે અને આ જ કારણ છે કે આજ સુધી એને પકડી નથી શકાયો. પકડવામાં આવે તો પણ કેટલાક દિવસોમાં જેલમાંથી બહાર આવી જાય છે."

વિકાસ દુબેનું ગામ કાનપુરમાં બિઠુરનાં શીવલી થાણા ક્ષેત્રનું બિકરુ છે. ગામનું આ ઘર કિલ્લા જેવું બનાવી રાખ્યું છે અને વિકાસ દુબેની મરજી વગર ઘરની અંદર કોઈ જઈ શકતું નથી એમ સ્થાનિક લોકોનું કહેવું છે.

સ્થાનિકોનું કહેવું છે કે વર્ષ 2002માં જ્યારે રાજ્યમાં બહુજન સમાજ પાર્ટીની સરકાર હતી તે સમયે વિકાસ દુબેના નામનો સિક્કો ચાલતો હતો.

બિકરુ ગામના જ રહેવાસી એક શખ્સ પોતાનું નામ ન જણાવવાની શરતે કહે છે કે આ દરમિયાન વિકાસે ન માત્ર ગુનાની દુનિયામાં પોતાનો દબદબો બનાવ્યો પણ સાથે જ પૈસા પણ ખૂબ બનાવ્યાં.

ચૌબેપુર થાણામાં નોંધાયેલા તમામ મામલાઓ ગેરકાયદે રીતોથી જમીનના ખરીદ-વેચાણ સાથે પણ જોડાયેલા છે. આના જ દમ પર વિકાસ દુબેએ ગેરકાયદે કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી છે. બિઠુરમાં જ એમની કેટલાક શાળા-કૉલેજો પણ ચાલે છે.

બિકરુ ગામના લોકો જણાવે છે કે ન માત્ર પોતાના ગામમાં, પણ સાથે જ આજુ-બાજુના ગામોમાં પણ વિકાસનો દબદબો છે. જિલ્લા પંચાયત અને અનેક ગામોના ગ્રામ પ્રધાનની ચૂંટણીમાં વિકાસ દુબેની પસંદ અને નાપસંદ ઘણું વજન રાખે છે.

કિલ્લા જેવું ઘર

ગામના એક વડીલ જણાવે છે, "બિકરુ ગામમાં પાછલા 15 વર્ષોથી તે નિર્વિરોધ પ્રધાન બની રહ્યા છે. જ્યારે કે વિકાસ દુબેના પરિવારના જ લોકો પાછલા 15 વર્ષોથી જિલ્લા પંચાયતના સભ્યની ચૂંટણી જીતતા આવ્યા છે.

ગામવાસીઓ પ્રમાણે વિકાસ દુબેના પિતા ખેડૂત છે અને તેઓ કુલ ત્રણ ભાઈઓ છે. જેમાંથી એક ભાઈની લગભગ 8 વર્ષ પહેલાં હત્યા કરી દેવામાં આવી હતી. ભાઈઓમાં વિકાસ દુબે સૌથી મોટા છે. વિકાસનાં પત્ની ઋચા દુબે હાલ જિલ્લા પંચાયત સભ્ય છે.

બિકરુ ગામના જ રહેવાસી એક વ્યક્તિ તેમનું નામ ન આપવાની શરતે જણાવે છે કે વિકાસ દુબે વિરુદ્ધ પોલીસથાણામાં ભલે ગમે એટલા કેસ નોંધાયેલા હોય પરંતુ ગામમાં વિકાસ દુબે વિશે ખરાબ બોલનાર કોઈ નહીં મળે અને ન તો કોઈ તેમના વિરુદ્ધ જુબાની આપે.

તેમના અનુસાર વર્ષ 2000માં શિવલીની આસપાસના નગર પંચાયતના તત્કાલિન ચૅરમેન લલ્લુ વાજપેયી સાથે વિવાદ પછી વિકાસ દુબેએ ગુનાની દુનિયામાં પગ મૂક્યો.

ગામવાળાઓ પ્રમાણે વિકાસ દુબેના બે પુત્રો છે જેમાંથી એક ઇંગ્લૅન્ડમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યો છે, જ્યારે બીજો પુત્ર કાનપુરમાં જ રહીને અભ્યાસ કરી રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો