You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિકાસ દુબેના ઘરમાંથી મોટાં પ્રમાણમાં હથિયારો ઝડપાયાં
કાનપુરમાં વિકાસ દુબેની ધરપકડ કરવા ગયેલી પોલીસ ટીમ પર થયેલા હુમલામાં આઠ પોલીસકર્મી માર્યા ગયા અને સાત પોલીસકર્મી ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા જેની તપાસ ચાલી રહી છે.
પોલીસનું કહેવું છે કે અલગ અલગ લોકોનાં લાયસન્સ સાથે મોટાં પ્રમાણમાં હથિયારો વિકાસ દુબેના ઘરમાંથી મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઘટના પછી વિકાસ દુબેનું ઘર તોડી પાડવામાં આવ્યું છે.
માર્યા ગયેલાઓમાં બિલ્હોરના પોલીસ ક્ષેત્ર અધિકારી દેવેન્દ્ર મિશ્ર અને એસઓ શિવરાજપુર મહેશ યાદવ પણ સામેલ છે. વિકાસ દુબેની ધરપકડ કરવા માટે આ ટીમ ગઈ હતી. વિકાસ ઉપર ન માત્ર ગુનાઓના ગંભીર આરોપ છે પણ સાથે જ 60 જેટલા કેસ પણ નોંધાયેલા છે. રાજકીય પક્ષોમાં પણ વિકાસ દુબેની ખાસ્સી પહોંચ હોવાનું કહેવાય છે.
વિકાસ દૂબને અત્યાર સુધી લગભગ દરેક ગુનામાં જામીન મળતા રહ્યાં છે અને હવે આઠ પોલીસકર્મીઓનાં મૃત્યુ બાદ તંત્ર તપાસમાં લાગેલું છે.
વિકાસ દુબે કેસની તપાસ હવે ઉત્તર પ્રદેશ રાજ્યની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ કરી રહી છે.
આ ઘટનામાં જે લોકો ઘાયલ થયા અને જે ઘટનાક્રમ સર્જાયો એના પરથી એવું વિકાસ દુબેને પોલીસના આગમનની આગોતરી જાણ હતી એવું ફલિત થાય છે.
સ્પેશિયલ ટાસ્ક ફોર્સ આ દિશામાં પણ કામ કરી રહી છે.
બચી જનાર પોલીસોએ આપેલી માહિતી મુજબ મધરાતે રસ્તા વચ્ચે બુલડોઝરનું હોવું અને સામેથી સીધો જ ગોળીબાર થવો એ વિકાસ દુબેની ગૅંગને પોલીસ આવી રહી છે એની પૂરતી માહિતી હોવા તરફ ઇશારો કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું વિકાસ દુબેને જ્ઞાતિનો લાભ મળ્યો?
હિંદુસ્તાન ટાઇમ્સનો એક અહેવાલ જણાવે છે કે વિકાસ દુબેને જ્ઞાતિગત સહયોગ ઘણો હતો અને બાતમી આપનારા લોકોએ જ્ઞાતિને આધારે એ કામ કર્યું હોઈ શકે.
અહેવાલ કહે છે કે 60 ક્રિમિનલ કેસો અને 28 વર્ષથી ક્રાઇમની દુનિયામાં દબદબો છતાં વિકાસ દુબેનો સમાવેશ શહેરના ટોચના 10 ગુનેગારોમાં ક્યારેય ન કરાયો કેમ કે તેની પાછળ જ્ઞાતિગત સૉફ્ટ વલણ છે.
ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં જ્ઞાતિ આધારિત ગૅંગ કે કોઈ ચોક્કસ ગૅંગને કોઈ ચોક્કસ જ્ઞાતિનો સહયોગનો મુદ્દો રહ્યો છે.
ઉત્તર પ્રદેશ પોલીસ પર જ્ઞાતિ અને ધર્મને આધારે કડક કાર્યવાહી કરવાનો અથવા તો ગુનાને છાવરવાનો આરોપ વિપક્ષ અને કર્મશીલો અનેક વાર લગાવી ચૂક્યાં છે. યોગી આદિત્યનાથની સરકારમાં પોલીસ ઍન્કાઉન્ટરમાં મુસ્લિમો અને અન્ય નીચી જ્ઞાતિઓને ટાર્ગેટ કરવામાં આવે છે એવો આરોપ પણ અનેક વાર મૂકવામાં આવ્યો છે. જોકે, સરકાર આ આરોપોને નકારે છે.
2017માં પત્રિકામાં પ્રકાશિત એક અહેવાલમાં બીહડમાં જ્ઞાતિ અને ડાકુઓની સાંઠગાંઠની વાત કરવામાં આવી હતી.
સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમની તપાસમાં 30 પોલીસકર્મીઓનાં નામ સામે આવી રહ્યાં છે તેમ પણ અખબાર જણાવે છે. આ 30 લોકો વિકાસ દુબેના સંપર્કમાં હોવાનું કહેવાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે કાનપુરના આઈજી મોહિત અગ્રવાલે રવિવારે કહ્યું હતું કે પોલીસની ચહલપહલની બાતમી વિકાસને કેવી રીતે મળી તેની પણ તપાસ થશે. એમણે એમ પણ કહ્યું કે જે પણ પોલીસનું નામ સામે આવશે તેમની સામે હત્યાનો ગુનો નોંધાશે.
પોલીસે આ કેસમાં અન્ય એક ગૅંગસ્ટર દયા શંકર અગ્નિહોત્રીની ધરપકડ કરી છે. દયા શંકર અગ્નિહોત્રીએ સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું કે પોલીસ આવે એ પહેલાં જ વિકાસને ફોન આવી ગયો હતો. એણે મને ફોન કરીને બોલાવ્યો અને એ જ રીતે 25-30 લોકોને બોલાવ્યાં. એણે પોલીસ પર ગોળીબાર કર્યો.
અગ્નિહોત્રીનો દાવો છે કે આ ગોળીબાર સમયે તે રૂમમાં હતા ને એમણે કંઈ જ જોયું નથી.
આ ઘટના બની ત્યારે ગામમાં સાવ અંધારું હતું. ગામમાં એ સમયે લાઇટ કેમ નહોતી એની પણ તપાસ થઈ રહી છે. ઑપરેટર છત્રપાલસિંહે પોલીસને કહ્યું કે 3 જુલાઈએ એમને ચૌબેપુર પાવર સ્ટેશનથી એક ફોન આવ્યો હતો. એ ફોનમાં એવી સૂચના આપવામાં આવી કે લાઇન ડૅમેજ થઈ હોવાથી બિકરું ગામની લાઇટ બંધ કરવામાં આવે.
હિંદુસ્તાન ટાઇમ્સનો અહેવાલ લખે છે વિકાસ દુબેની જ્ઞાતિગત તરફેણ મોટી હતી. અહેવાલ મુજબ બે સિનિયર પોલીસ ઑફિસર, એક ડેપ્યુટી એસપી રૅન્કના ઑફિસર, અનેક સબ ઇન્સપેક્ટર અને કૉન્સ્ટેબલોની તપાસ થઈ રહી છે.
તપાસમાં ડેપ્યુટી એસપી રૅન્કના અધિકારીને પૂછવામાં આવ્યું કે તમે 2018માં હત્યાની કોશિશના કેસમાં કે 2019ની ગોળીબારીના કેસમાં રૂટિન પ્રક્રિયા કેમ ન કરી.
તપાસ કરી રહેલી ટીમને ટાંકીને અખબાર લખે છે ઑફિસરે મૌન જાળવી રાખ્યું છે. આટલા મોટાં આરોપી પર કેમ કૂણું વલણ રાખવામાં આવ્યું એ વિશે તેઓ ચૂપ છે અને બાકી પોલીસકર્મીઓનું વર્તન પણ એવું જ છે.
જોકે, અહેવાલ મુજબ નીચી રૅન્કના પોલીસકર્મી વાત કરી રહ્યાં છે. સબઇન્સ્પેક્ટર અને કૉન્સ્ટેબલ કહે છે કે, ''વિકાસ દુબે દ્વારા ચોક્કસ જ્ઞાતિના લોકોની સારી દરકાર કરવામાં આવતી. એ સિવાય તો કોઈ પોલીસવાળો એની સાથે ફોન પર કે રૂબરુ વાત કરે તો એ સીધી ગાળ જ બોલતો.''
પોલીસે એમ પણ કહ્યું કે, તેઓ વિકાસ દુબેથી ડરતા હતા અને એને નારાજ નહોતા કરતાં.
હિંદુસ્તાન ટાઇમ્સ તપાસ કરી રહેલા એક અધિકારીનું નામ ગુપ્ત રાખીને લખે છે કે ''અનેક ઉદાહરણો છે કે જે એવું કહી રહ્યાં છે કે ફક્ત મધ્યમ કદના ઑફિસર જ નહીં, કૉન્સ્ટેબલ, સિનિયર પોલીસ ઑફિસર વિકાસ દુબે પર કાસ્ટ ફેકટરને કારણે સોફ્ટ રહ્યાં. વિકાસ દુબે ક્રાઇમની દુનિયામાં આટલું લાંબો સમય આઝાદ રહી શક્યા એનું કારણ જ્ઞાતિગત ગતિવિધી પણ છે. ફક્ત પોલીસ પૂરતું જ નહીં, રાજકારણીઓ અને ધંધાદારીઓ પણ ખરાં.''
ઉત્તર પ્રદેશથી વરિષ્ઠ પત્રકાર સમીરાત્મજ મિશ્રએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં ક્રિમિનલને કાસ્ટ આધારિત સહયોગ, તેની તરફેણ એ ખૂબ જ કૉમન વાત છે. એ સહયોગ ગ્રામ્ય સ્તરથી લઈને અધિકારીઓ અને રાજકારણ સુધી જતો હોય છે. આમાં કઈ સરકાર કઈ કાસ્ટને મહત્ત્વ આપે છે તે પણ મહત્ત્વનું છે. સમીરાત્મજ મિશ્ર ઉદાહરણ આપી કહે છે અખિલેશ યાદવ પર યાદવોની તરફેણના આરોપ લાગતા હતા, માયાવતી પર દલિતોની તરફેણના આરોપ લાગ્યા અને યોગી આદિત્યનાથ પર ઠાકુરો અને અન્ય ઉચ્ચ વર્ગોની તરફેણનો આરોપ લાગે છે.
તેઓ કહે છે કે જે કચેરીથી માંડી પોલીસ સુધી જ્ઞાતિગત તરફેણ જોવા મળી શકે છે. જ્યાં તરફેણ ન કરી શકાય એમ આંખ આડા કાન પણ થાય.
વિકાસ દુબેના કેસમાં જ્ઞાતિગત સૉફ્ટ વલણ રાખવાની વાતમાં તેઓ સહમત થાય છે. અલબત્ત, તેઓ કહે છે કે આ કાયદાથી પૂરવાર થઈ શકે એવી વાત ક્યારેય બને જ નહીં. આવા કેસમાં પોલીસે લોભ-લાલચમાં આરોપી કે ગુનેગારનો સહયોગ કર્યો એમ બહાર આવે અને ફરજ પર બેદરકારી કે કરપશ્ન કે પછી અપરાધમાં સંડોવણીનો ગુનો બને.
હાલ તો પોલીસ વિકાસ દુબેને શોધવા માટે મથી રહી છે. વિકાસ દુબેની બાતમી આપનારને એક લાખના ઇનામની વાત પણ સામે આવેી રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો