You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકા શા માટે ચીનને સૌથી મોટું દુશ્મન માને છે? પાંચ મહત્ત્વપૂર્ણ કારણ
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
સમગ્ર અહેવાલ વાચતા પહેલાં અમેરિકાએ તાજેતરમાં લીધેલા કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો ઉપર નજર કરી લઈએ.
સાતમી જુલાઈ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થાથી અલગ થવાની પ્રક્રિયા હાથ ધરી, જે એક વર્ષમાં પૂર્ણ થશે.
સાતમી જુલાઈ: અમેરિકાના પત્રકારો, સહેલાણીઓને, રાજનૈતિક તથા અન્ય અધિકારીઓને તિબેટ જતા અટકાવવા માટે જવાબદાર અધિકારીઓને વિઝા આપવા ઉપર પ્રતિબંધ લાદ્યો.
સાતમી જુલાઈ: ભારતની જેમ અમેરિકામાં પણ 'ટિકટૉક' ઉપર પ્રતિબંધ મૂકવાની માગ ઊઠી.
પાંચમી જુલાઈ: ભારત-ચીન સીમા વિવાદ મુદ્દે અમેરિકાના વિદેશપ્રધાને ભારતને સાથ આપવાની વાત સ્પષ્ટપણે કહી.
ચોથી જુલાઈ: ફરી એક વખત અમેરિકાએ તેના ત્રણ સૈન્ય જહાજને દક્ષિણ ચીન સાગર વિસ્તારમાં મોકલ્યા. ચીન દ્વારા અત્યારસુધી આ વિસ્તાર ઉપર દાવો કરવામાં આવ્યો છે અને ત્યાં સૈન્ય કવાયત પણ હાથ ધરી છે.
બીજી જુલાઈ : અમેરિકાની સેનેટે હૉંગકૉંગમાં ચીન દ્વારા 'રાષ્ટ્રીય સુરક્ષા કાયદો' લાગુ કર્યા બાદ નવેસરથી સર્વસહમતીથી પ્રતિબંધ લાદ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જે કોઈ બૅન્ક ચીનના અધિકારીઓ સાથે આર્થિક વ્યવહાર કરશે, તેમની ઉપર દંડ લાદવામાં આવશે.
30મી જૂન : અમેરિકાના ફેડરલ કૉમ્યુનિકેશન કમિશને ખ્વાવે ટેકનૉલૉજીસ તથા ઝેડ.ટી.ઈ. કૉર્પોરેશનને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમરુપ ગણાવતું નિવેદન બહાર પાડ્યું હતું. 5જી ટેકનૉલૉજીમાં આ બંને કંપની નિપુણતા ધરાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
27મી જૂન : જર્મનીમાંથી સૈનિકોની સંખ્યા ઘટાડીને તેને ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં તહેનાત કરવાનો નિર્ણય જૂન મહિનાના અંતભાગમાં લીધો.
23મી જૂન : અમેરિકાએ H-1B વિઝા ઉપર વર્ષના અંત સુધી નિયંત્રણ લાદવાનો નિર્ણય કર્યો. જેની સીધી અસર ચીન તથા ભારતના નાગરિકો ઉપર પડશે.
US વિ. ચીનનો નવો અધ્યાય
ગત એક પખવાડિયા દરમિયાન અમેરિકાએ આપેલાં મોટાભાગના નિવેદન તથા નિર્ણય સીધી કે આડકતરી રીતે ચીન સંબંધિત હતા.
અમેરિકા તથા ચીન વચ્ચેની તકરાર આમ તો નવી નથી, પરંતુ કોવિડ-19ની મહામારીના છ મહિના દરમિયાન જાહેરમાં આ ગઈ છે.
કોવિડ-19ને કારણે વિશ્વ તથા અમેરિકામાં જે રીતે ખુંવારી થઈ છે, તેના માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક વખત જાહેરમાં ચીનને જવાબદાર ઠેરવી ચૂક્યા છે. ટ્રમ્પનો આરોપ છે કે ચીને લાંબા સમય સુધી બીમારી વિશેની વિગતો છૂપાવી રાખી હતી.
ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થાને પણ જવાબદાર ઠેરવી છે અને તેની ઉપર ચીનને છાવરવાનો આરોપ મૂક્યો છે. તેઓ અનેક વખત પોતાના ટ્વીટમાં કોરોના વાઇરસને 'ચાઇના વાઇરસ' કહીને ટાંકે છે.
તિબેટ, હૉંગકૉંગ, દક્ષિણ ચીન કે ભારતના બહાને ચીનની ઉપર પ્રહાર કરવાની તક અમેરિકાએ છોડી નથી. હવે, FBI (ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ના ડાયરેક્ટર પણ આ વાત કહી ચૂક્યા છે.
FBIના ડાયરેક્ટર ક્રિસ્ટૉફર રેએ વૉશિંગ્ટનની હડસન ઇન્સ્ટિટ્યૂટ ખાતેના કાર્યક્રમમાં ચીનની સરકાર ઉપર જાસૂસી કરવાનો તથા ગુપ્ત માહિતી ચોરી કરવાનો આરોપ મૂક્યો હતો. આ સિવાય તેમણે ચીનને અમેરિકાના ભવિષ્ય માટે 'લાંબાગાળે અત્યારસુધીનું સૌથી મોટું જોખમ' ગણાવ્યું. 'પરંતુ અમેરિકા શા માટે ચીનને ખુદને માટે જોખમરુપ માને છે?'
આ સવાલના જવાબમાં ક્રિસ્ટૉફરે કહ્યું, 'બીજા વિશ્વયુદ્ધ બાદ દુનિયાના બે દેશ મહાશક્તિ તરીકે સ્થાપિત થયા. ત્યારબાદ બંને દેશો વચ્ચે શીતયુદ્ધની શરૂઆત થઈ, જે 1990 સુધી ચાલ્યું.'
'ત્યારબાદ સોવિયેટ સંઘનું વિઘટન થઈ ગયું અને માત્ર રશિયા જ ટકી શક્યું. અમેરિકા ખુદને એકલી મહાસત્તા માનવા લાગ્યું, પરંતુ 1990થી 2020ની સ્થિતિ દરમિયાન પરિસ્થિતિમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે.'
આર્થિક મહાશક્તિ
સમગ્ર સ્થિતિને સમજવા માટે બી.બી.સી.એ સુધીન્દ્ર કુલકર્ણી સાથે વાત કરી. તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં સલાહકાર તરીકે રહી ચૂક્યા છે. કુલકર્ણીના મતે મહાસત્તા તરીકે અમેરિકાની હેસિયત દિવસે-દિવસે ઘટી રહી છે.
આ પ્રક્રિયા વિશે સુધીન્દ્ર કહે છે, "જેમ-જેમ પશ્ચિમના દેશોનું વર્ચસ્વ ઘટશે, તેમ-તેમ વિશ્વના બાકી દેશોનું પ્રભુત્વ વધી રહ્યું છે." આ શ્રેણીમાં ચીન સૌથી આગળ છે. અર્થતંત્રના કદની દૃષ્ટિએ ચીન વિશ્વમાં બીજાક્રમે છે.
કુલકર્ણીનું કહેવું છે કે આગામી 10 વર્ષમાં ચીન આગળ નીકળી જશે એવી અમેરિકાને આશંકા છે, એટલે જ તે ચીનને સૌથી મોટા જોખમ તરીકે જુએ છે.
અમેરિકાના અર્થતંત્રનું કદ 17 ટ્રિલિયન ડૉલર છે, જ્યારે ચીન 12-13 ટ્રિલિયન ડૉલરની આસપાસ છે. બંને અર્થતંત્રની વચ્ચે ઘટતો ગાળો એ અમેરિકા માટે ચિંતાનો વિષય છે.
ગત બે વર્ષથી અમેરિકા અને ચીનની વચ્ચે ટ્રૅડવૉર ચાલી રહ્યું છે. અમેરિકાનો આરોપ છે કે ચીન દ્વારા વેપારમાં અયોગ્ય નીતિરીતિ અપનાવવામાં આવે છે. એફ.બી.આઈ. ડાયરેક્ટરનું તાજેતરનું નિવેદન પણ એ તરફ જ ઇશારો કરે છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પૂર્વ પ્રવક્તા નવતેજ સરનાના કહેવા પ્રમાણે, "અમેરિકાએ ચીનનો અસલી ચહેરો પિછાણી લીધો છે એટલે જ તે સાવધ થઈ ગયું છે."
"અમેરિકાને લાગે છે કે ગુપ્ત માહિતી મેળવવા માટે ચીન દ્વારા ડેટાચોરી અને રિસર્ચચોરી જેવી નીતિ અપનાવવામાં આવે છે, જેની સામે કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે."
"અત્યારસુધી અમેરિકા સાથેના સારા સંબંધનો લાભ લઈને ચીન દ્વારા આ પ્રવૃત્તિ વ્યાપક રીતે ચાલતી રહી. કોરોનાના સંકટકાળમાં ચીન દ્વારા અમેરિકાની ફાર્મા કંપનીઓના દવા તથા વૅક્સિન સંબંધિત રિસર્ચને ખોરવી નાખવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે."
"ચીન અન્ય મોરચે પણ આક્રમક વલણ અપનાવ્યું છે. અમેરિકા સાથેના સંબંધનો લાભ ખુદના માટે કરી રહ્યું છે. આ બધું ચીન ગ્લોબલ પાવર બનવા માટે કરી રહ્યું છે."
ટેકનૉલૉજિકલ સુપરપાવર
2015માં ચીનની સરકારે 10 વર્ષમાં ખુદને ઔદ્યોગિક તથા ટેકનૉલૉજિકલ સુપરપાવર બનાવવાનું લક્ષ્યાંક મૂક્યું હતું. જેને ચીને 'મેડ ઇન ચાઇના 2025' એવું નામ આપ્યું હતું.
ચીન જાહેરમાં કહી ચૂક્યું છે કે તે સસ્તા જૂતાં, કપડાં અને રમકડાં બનાવનારની છાપને બદલવા માગે છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દેશને 'સાયબર સુપરપાવર' બનાવવાની વાત કહી ચૂક્યા છે.
ચીનમાં સ્ટાર્ટ-અપ કંપનીઓને ટૅક્સમાં ભારે રાહત મળે છે અને તેને સરકારી કૉન્ટ્રેક્ટ પણ મળે છે, આ સિવાય તેમને ઓફિસ માટે જગ્યા પણ મળે છે. ચીનની સરકાર બાયડૂ, અલીબાબા અને ટૅન્સેન્ટ જેવી કંપનીઓ સાથે મળીને કામ કરી રહી છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટ-અપ્સ માટે ચીન સૌથી મોટું કૅપિટલ માર્કેટ બની ગયું છે. ચીનને સસ્તા ડેટા તથા સસ્તા શ્રમનો લાભ મળે છે.
બીજું કે દુનિયાની સપ્લાઈ ચેઇનમાં ચીનનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. શેનઝેન તથા ગ્વાનઝો જેવા શહેરમાં લગભગ દરેક ઇલેક્ટ્રિક ચીજના પાર્ટ્સ બને છે. જેના કારણે દુનિયાભરની ટેકનૉલૉજી ચીન પાસે ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે ડ્રોન તકનીક.
અમેરિકાએ તેની ડ્રોનની પ્રૌદ્યોગિકી કોઈપણ દેશને આપવાનો ઇન્કાર કર્યો છે. આથી વિપરીત ચીને જાહેરાત કરી છે કે તે પોતાની ડ્રોન ટેકનૉલૉજી અન્ય દેશોને વેંચશે.
આજે ચીને વિશ્વમાં ડ્રોન સપ્લાયર તરીકે કાઠું કાઢ્યું છે. 'ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્ટ્રેટજિક સ્ટડી'ના અભ્યાસ મુજબ ચીને ઇજિપ્ત, નાઇજીરિયા, પાકિસ્તાન, સાઉદી અરેબિયા તથા બર્માને ડ્રોન વેંચ્યા છે.
'ધ ઇકૉનૉમિસ્ટ'ના અહેવાલ મુજબ, ગત 20 વર્ષ દરમિયાન અન્ય કોઈ દેશની સરખામણીમાં ચીને વધુ ઝડપભેર ન્યુક્લિયર પાવર પ્લાન્સ સ્થાપ્યા છે. હાલ ચીનમાં 43 ગીગાવૉટની ક્ષમતાના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કાર્યરત છે અને તે અમેરિકા તથા ફ્રાન્સ પછી ત્રીજા ક્રમે છે.
અમેરિકાએ ચીનની ઉપર આર્થિક જાસૂસી કરવાનો આરોપ પણ મૂક્યો છે. એફ. બી.આઈ.ના ડાયરેક્ટરના મતે ચીન ગેરકાયદેસર રીતે રાજકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. તે લાંચરુશ્વત તથા બ્લૅકમેઇલિંગ દ્વારા અમેરિકાની નીતિઓને પ્રભાવિત કરવા માટે પ્રયાસરત છે.
ટેકનૉલૉજિકલ દૃષ્ટિએ અમેરિકા કરતાં ચીન પાછળ છે, પરંતુ આ ગાળો ઘટાડવા માટે ચીને ભારે પ્રયાસ હાથ ધર્યા છે.
અમેરિકાનું આંતરિક રાજકારણ
અમેરિકાના આંતરિક રાજકારણને કારણે પણ તેને ચીન જોખમરુપ જણાય છે.
સુપરપાવર હોવા છતાં કોરોનાના કેસની દૃષ્ટિએ અમેરિકા વિશ્વમાં સૌથી વધુ પીડિત દેશ છે.
કોરોના વાઇરસનો ઉદ્દભવ ચીનમાં થયો હતો, છતાં સત્તાવાર આંકડા પ્રમાણે, ત્યાં એક લાખ કરતાં ઓછા કેસ નોંધાયા હતા. ચીનનો દાવો છે કે તેણે કોરોના મહામારીને નાથવામાં સફળતા હાંસલ કરી છે.
અમેરિકાની ટ્રમ્પ સરકારને એ વાતની સમજણ નથી પડી રહી કે પોતાની આ જવાબદારીથી કેવી રીતે છટકવું. એટલે જ કોરોના સંબંધિત પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન તેઓ ચીન ઉપર ઉશ્કેરાઈ ગયા હતા.
નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપ્રમુખના પદ માટે ચૂંટણી યોજાશે, ત્યારે વર્તમાન સરકારે આ સંકટનો સામનો કેવી રીતે કર્યો - તે બાબત મહત્ત્વપૂર્ણ મુદ્દો બની રહેશે.
કુલકર્ણીના મતે થોડા દિવસ અગાઉ અમેરિકામાં 'બ્લૅક લાઇવઝ મૅટર'નું જે અભિયાન ચાલ્યું, તેનાથી એક વાત સ્પષ્ટ છે કે અમેરિકાની જનતા આંતરિક રીતે એકજૂથ નથી.
આથી ટ્રમ્પ ચોમેરથી ઘેરાતા જણાય છે.
વસતી
અંગ્રેજીમાં એક કહેવત છે - 'ડેમૉગ્રાફી ઇઝ ડેસ્ટિની' મતલબ કે જે દેશ પાસે માનવશ્રમ વધારે છે, તે દેશની શક્તિ આજે નહીંતર કાલે વધશે જ.
અમેરિકાની વસતી 40 કરોડ આસપાસ, જ્યારે ચીનની જનસંખ્યા 140 કરોડ આજુબાજુ છે.
કુલકર્ણીના કહેવા પ્રમાણે, કોઈ પણ દેશ હંમેશાને માટે સુપરપાવર બની ન રહી શકે. ચીને પોતાની વસતીના આધારે ઘણુંબધું મેળવ્યું છે, જેના કારણે અમેરિકાએ અન્ય દેશો ઉપર આધાર રાખવો પડે છે.
નિષ્ણાતો આ મુદ્દેને સ્પષ્ટપણે સ્વીકારતા નથી, પરંતુ કુલકર્ણીના મતે ચીનને સુપરપાવર બનાવવામાં તેની જનસંખ્યા પણ મોટું કારણ છે.
સૈન્ય મહાશક્તિ
ભારત-ચીનના સીમાવિવાદની વચ્ચે અમેરિકાએ જાહેરાત કરી હતી કે દક્ષિણ-પૂર્વ એશિયાની સ્થિતિને જોતા તે જર્મનીમાં પોતાની સૈન્યસંખ્યા ઘટાડશે.
અમેરિકાના ઇતિહાસને ચકાસીએ તો દુનિયાભરમાં પોતાનું પ્રભુત્વ સ્થાપવા તથા સોવિયેટ સંઘના પડકારને પહોંચી વળા તેણે અનેક સ્થળોએ પોતાના સૈનિક તહેનાત કર્યા છે.
અમેરિકાએ વિયેતનામ, અફઘિસ્તાન તથા ઇરાકમાં યુદ્ધમાં સામેલ રહ્યું છે. અમેરિકા તેના કુલ જી.ડી.પી. (ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્શન, કુલ ઘરેલું ઉત્પાદન)નો મોટો હિસ્સો સૈન્યશક્તિ પાછળ ખર્ચે છે.
આ ખર્ચને કારણે પણ અમેરિકાની તાકત ઘટી રહી છે, તાજેતરમાં તેમાં ઘટાડો કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.
જર્મનીમાં સૈનિકોની સંખ્યા ઘટાડવાની જાહેરાતને તેની સાથે જોડીને જોવામાં આવે છે. ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શાંતિ કરાર થયા હતા. જાણકારોના મતે આ સંધિ પણ સૈન્યખર્ચ ઘટાડવાની યોજનાના ભાગરૂપ હતી.
ચીન દ્વારા આ વિસ્તારમાં અમેરિકા સામે પડકાર ઊભો કરવામાં આવ્યો છે, ચીન દ્વારા વિસ્તાર વધારવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ભારતના વડા પ્રધાન નરેદ્ર મોદીએ તેમના તાજેતરના લેલ પ્રવાસ દરમિયાન ચીનનું નામ લીધા વગર તેના ઉપર વિસ્તારવાદનો આરોપ મૂક્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો